ગુજરાતીમાં વૈચારિક આદાન પ્રદાન માટે એક સ્વૈચ્છિક મંચની આવશ્યકતા ઘણાં સમય થી અનુભવાતી હતી. સમાજના ઘણાં બધાં એવા વિષયો છે જેના ઉપર કાં તો બહુજ ઓછો વિચાર-વિમર્શ કરવામાં આવે છે, કે પછી કોઈ જાતનું મંથન કરવામાં જ આવતું નથી. સાચુ કહીએ તો, અમારા સમાજમાં એક ખાસ જાતની ઉદાસીનતા દેખાય છે, જેને કારણે સામાજિક સમસ્યાઓ ને ઉકેલવું વધુને વધુ જટિલ બની ગયું છે, અને ખાસ કરીને સમાજના કચડાયેલા અત્યાધિક લાચાર વર્ગોની.
આપણી આજુ બાજુ નજર દોડાવીએ તો જોઈ શકીએ છીએ કે સામાજિક સંબંધોમાં ઘણાં બધાં પરિવર્તન આવ્યા છે, જેને કારણે પરિસ્થિતિમાં બદલાવ લાવવું ગૂંચવાયેલુ લાગે છે. ઘણાં બધાં એવાં વિષયો છે જેના ઉપર નવી રીતે વચાર કરવો જરૂરી લાગે છે. અમારી વેબ સાઈટ સ્થિતિને સમજવાનો એક પ્રયાસ છે.
આ સાઈટ નો ઉદ્દેશ્ય જુદી જુદી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાનું અને સંભવિત નિરાકરણ સૂચવવાનું માધ્યમ બનવાનો છે. જેમાં સમાજમાં પ્રવર્તિત જાતિ અને વર્ગમાં અસમાનતા સંબધિત મુદ્દાઓ, કમજોર વર્ગનાં સશક્તિકરણને લગતાં મુદ્દાઓ, સમાજ અને લોક સંગઠનોની ભૂમિકા, જીવન પર અસર કરતા સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો, સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબધિત સમસ્યાઓ અને આ બધાંની ગરીબ વર્ગ પર કેવી રીતે અસર થાય છે, વગેરે વગેરે.
અમે આ સમસ્યાઓને તેમની આજીવિકા અને આદિવાસીઓ, દલિતો, મહિલાઓ, સામાજિક અને આર્થિકરીતે પછાત વર્ગ અને ધાર્મિક તથા ભાષાકીય લઘુમતી વર્ગના પરિપ્રેક્ષ્યમાં સમજવા ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છીએ છીએ.
અમે માત્ર મુદ્દા ઉઠાવવા જ નહી પણ તેમનું નિરાકરણ પણ શોધવા માંગીએ છીએ. અમારો ઉદ્દેશ્ય આ પારસ્પરિક સંપર્કના આધાર પર એક સામાન્ય કાર્યક્રમ તૈયાર કરવાનો છે. આવો કાર્યક્રમ તૈયાર કરવાથી આપણને ન માત્ર વર્તમાનને જ નહિ પણ ભૂતકાળને સારી રીતે સમજી શકીશું, અને તેને ભવિષ્ય સાથે પણ સાંકળીને સમજી શકીશું.
ઇતિહાસના જુદાં જુદાં તબક્કે, ગૌતમ બુદ્ધથી શરૂ કરીને, જે તે સમયે જે નિરાકારણ રજુ કરવામાં આવ્યાં તે સમજવામાં પણ મદદરૂપ થશે. સાથે સાથે અમે મહાનુભાવીઓ જેવાં મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, જ્યોતિબા ફૂલે અને બીજાં અનેકો દ્વારા સૂચવાયેલા નિરાકરણોની પણ રજૂઆત કરવા ઈચ્છીએ છીએ. જરૂરી નથી કે બધાં તેમણે સૂચવેલાં અભિપ્રાયો સાથે સહમત થાય, પણ ગરીબી અને શોષણ સામે લડવા કોઈ એક સામાન્ય તાંતણો તો મેળવી જ શકાય એનાથી.
અમારી વેબસાઈટને સ્વૈચ્છિક સંસ્થાઓ – નવસર્જન ટ્રસ્ટ, દલિત શક્તિ કેન્દ્ર, જનવિકાસ અને સેન્ટર ફોર સોશિઅલ જસ્ટીસ – નો ટેકો મળેલ છે. આ બધી સંસ્થાઓ ગુજરાતની છે. પરિવર્તનની જરૂર વિષે વિચારતી કોઈપણ વ્યક્તિ આ પહેલમાં ભાગીદાર થવા, લેખ લખવા અને જમીની હકીકતનું પૃથ્થકરણ કરવા આમંત્રિત છે, પછી ભલેને તે કોઈ પણ કાર્યક્ષેત્રના – સમાજ, બૌદ્ધિક વર્ગ, વિદ્યાર્થી વર્ગ, કે કોઇપણ વ્યક્તિ હોય. આપનાં અમૂલ્ય સુઝાવો આવકાર્ય છે. અમારું આ ગુજરાતી પ્લેટફોર્મ અમદાવાદ સ્થિત કોન્ફ્લેક્તોરિઅમ મ્યુઝિયમના ઉદ્દેશ્યની સાથે પણ સુસંગત છે.
અમો સામાજિક કાર્યકરો, નિષ્ણાતો, અને જાગરુક શુભ ચિંતકોને તેમનાં અમૂલ્ય અનુભવો લખવા, વાસ્તવિક હકીકતોનું વાસ્તવિકતાના પરિપ્રેક્ષ્યમાં સામાજિક-આર્થિક પૃથ્થકરણ કરી સ્વૈચ્છિક રીતે લેખો લખવા અહી આમંત્રિત કરીએ છીએ. આ લેખો રાજકીય પ્રચાર મુક્ત હોવા જોઈએ, સામાન્ય વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી ભાષામાં હોવા ઈચ્છનીય છે, તથા હકીકતો અને આંકડાઓના પુરાવાઓ પર આધારિત હોવા જોઈએ.
લેખો મોકલવા માટે અમારું ઈ મેઈલ છે counterview.org@gmail.com
સંપર્ક
માર્ટીન મેકવાન
દલિત શક્તિ પ્રકાશન
અમદાવાદ