સંજય દવે/
જિંદગીમાં આપત્તિ ન આવી હોય એવા લોકો ભાગ્યે જ કોઈ મળે. ક્યારેકને ક્યારેક, કોઈને કોઈ આપત્તિનો ભોગ દરેક વ્યક્તિ બનતી જ હોય છે, પણ એ આપત્તિનો સામનો કરવાની દરેકની રીત અલગ-અલગ હોય છે. કેટલાક લોકો હિંમત હારી જાય છે તો કેટલાક લોકો આપત્તિની સામે ઝઝૂમે છે. હથિયાર હેઠાં મૂકી દેવાને બદલે તેઓ કોઈ રસ્તો શોધી કાઢે છે. એમાંયે એમને ઘણી તકલીફ પડે છે, પણ તેઓ આખરે કશુંક મેળવીને રહે છે.
એવી જ એક સાહસિક નારી છે સુભદ્રાબહેન પટેલ. તકલીફોથી હિંમત હારવાને બદલે તેની આંખમાં આંખ નાખીને તેમણે નવી કેડી કંડારી. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દેણપ ગામનાં વતની એવાં સુભદ્રાબહેન માત્ર ૨૭ વર્ષનાં હતાં ત્યારે તેમના પતિનું અવસાન થયું. બે દીકરી અને એક દીકરાના ઉછેર અને અભ્યાસની સાથે ખેતીની જવાબદારી આવી પડી. એમનો અભ્યાસ નવ ધોરણ સુધીનો. એટલા અભ્યાસમાં નોકરી મળવાની શક્યતા ખૂબ ઝાંખી. એટલે એમણે નિર્ણય કર્યો કે ખેતી અને પશુપાલનનો પોતાનો વ્યવસાય જ સંભાળશે.
વર્ષ ૨૦૧૩માં સુભદ્રાબહેન ‘ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર’ (ડીએસસી) સંસ્થાના સંપર્કમાં આવ્યાં. તેમનાં ગામમાં મહિલા સંગઠનની રચના માટે ચાલીસ જેટલી બહેનોની એક બેઠક મળી હતી. તે સમયે તેઓ પહેલી વાર આ સંસ્થાના પરિચયમાં આવ્યાં અને તેમણે મંડળમાં જોડાવાની તૈયારી બતાવી.
આમ તો ‘ડીએસસી’ની કામગીરી દેણપ ગામમાં વર્ષ ૨૦૦૪થી ચાલુ હતી. સુભદ્રાબહેનની હિંમતને ‘ડીએસસી’નો સમયસર ટેકો મળી ગયો. અત્યારે તેઓ પિયત મંડળીમાં શેર સભાસદ છે. ઉપરાંત, મહિલા સ્વસહાય જૂથ અને વર્મી ઉત્પાદક જૂથનાં લીડર તરીકે જવાબદારી સંભાળે છે. કૃષિધન પ્રોડ્યુસર કંપનીમાં પણ તેઓ સભ્યપદ ધરાવે છે. હવે તો બચત, શેર ફી, લોકફાળાનાં સ્વરૂપમાં તેમનું ભંડોળ રૂપિયા ૧,૦૫,૯૬૦નું થઈ ગયું છે.
તેઓ પોતે નવ ધોરણ સુધી જ ભણ્યાં છે, પણ તેમનાં સંતાનોમાંથી બંને દીકરીઓ પોસ્ટ ગ્રૅજ્યુએટ થઈ છે અને દીકરો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. સુભદ્રાબહેન અને તેમની બંને દીકરીઓએ ‘ડીએસસી’ દ્વારા આયોજિત આશરે ૧૫ જેટલી તાલીમ, પ્રેરણા-પ્રવાસ અને કાર્યશાળાઓમાં ભાગ લીધો છે. તેઓએ ખેત-વ્યવસ્થાપન અને ખેતીની આવક વધારવા માટે સામાજિક, વહીવટી, નાણાકીય અને આગેવાનીની તાલીમમાં ભાગ લીધો છે. તાલીમમાંથી સક્ષમ થયા પછી તેઓ જાહેરમાં પોતાની વાત રજૂ કરતાં થયાં છે. સુભદ્રાબહેન, હવે બહારથી આવતા મુલાકાતીઓને પોતાની કામગીરીની વાત સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે કરી શકે છે.
તેઓ ખેતી તો કરતાં જ હતાં, પણ ‘ડીએસસી’ના સાથથી તેઓ વૈજ્ઞાનિક રીતે ખેતી કરતાં થયાં. સંસ્થા દ્વારા આયોજિત વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના નિદર્શનમાં સક્રિય રીતે જોડાઈને તેમણે તે નિદર્શનો પોતાનાં ખેતરમાં કર્યાં. આને લીધે તેમણે તો સફળ પરિણામો મેળવ્યાં જ, સાથે આજુબાજુના ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે.
તેમણે આ પછી તો ઘણી કામગીરી કરી. ઘઉંનાં બિયારણ ઉત્પાદન જાતે કરીને તેમણે એક વીઘામાંથી રૂપિયા ૩૫૦૦૦ની ચોખ્ખી આવક મેળવી છે. ત્યારથી તેમને આવી પ્રવૃત્તિઓ કરવાના ઉત્સાહમાં ખૂબ વધારો થયો. ખેતીનો ખર્ચ ઘટાડવા અને જમીનની ગુણવત્તા સુધારવા માટે સુભદ્રાબહેને વર્મી કમ્પોસ્ટ જૂથ બનાવ્યું. તેઓ એ ગ્રુપનાં આગેવાન છે. વર્મી કમ્પોસ્ટ અને ગૌમૂત્ર આધારિત જૈવિક દવાઓનું ઉત્પાદન કરીને તેમણે પોતે તો એનો ઉપયોગ કર્યો જ, સાથે તેનું વેચાણ પણ કર્યું છે. તેમાંથી અંદાજિત એક લાખ રૂપિયા જેટલી આવક થઈ છે. તેમણે રૂપિયા ૩૬૦૦૦નું રોકાણ કર્યું, રોકાણની સામે પ્રતિ વર્ષ તેમને ૧,૧૩,૦૫૦નો પહેલાં કરતાં વધારાનો ચોખ્ખો નફો મળ્યો છે.
સુભદ્રાબહેન ખામીયુક્ત અને ખર્ચાળ ખેતી પદ્ધતિને છોડીને વૈજ્ઞાનિક ઢબે અને ઓછા ખર્ચે ખેતી કરતાં થયાં છે. વર્મી કમ્પોસ્ટ ખાતર અને જૈવિક દવાઓના ઉપયોગને લીધે જમીનની ફળદ્રુપતામાં સુધારો થવાની સાથે તેની ભેજધારણ શક્તિમાં વધારો થયો હોવાથી પાણીના વપરાશમાં બચત થઈ છે. ઉપરાંત, ઑર્ગેનિક ઘઉં અને કઠોળની ખેતી તરફ તેઓ વળી રહ્યાં છે. તેના તેમને સારા ભાવ મળવાથી સુભદ્રાબહેન માટે આવકના નવા સ્રોત ઊભા થયા છે. એટલું જ નહીં, તેમની કામગીરી સમજવા આવતા બહારના મુલાકાતીઓને તાલીમ આપીને, રિસોર્સ પર્સન એટલે કે તજજ્ઞ તરીકેની ફી મેળવીને વધારાની આવક પણ તેઓ મેળવે છે.
તેમની પહેલાંની વાર્ષિક આવક રૂપિયા ૫૪,૭૭૫ હતી, તેમાંથી સીધી ૧,૮૬,૮૧૮ સુધી પહોંચી છે. જેને લીધે તમામ ખર્ચ બાદ કરતાં પહેલાં થતી ૧૦,૨૭૫ રૂપિયાની બચતનો આંકડો હવે રૂપિયા ૧૮,૦૪૩ સુધી પહોંચ્યો છે. આમ, તેમની આવક અને બચત બેયમાં ૬૩ ટકાથી પણ વધુ એવો નોંધપાત્ર વધારો થયો છે. સોનામાં સુગંધ જેમ દીકરાની નોકરીની આવકનો માસિક ૧૮,૦૦૦ રૂપિયાનો પણ ઉમેરો થયો છે. બાળકો ભણી ચૂક્યાં હોવાથી શિક્ષણનો ખર્ચ ઘટ્યો છે. ખોરાક, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો અને સામાજિક રીતિ-રિવાજો અને તહેવારોમાં ખર્ચ થોડો વધ્યો છે. પણ તેની સામે આવક અને બચત બંનેમાં વધારો થયો છે. જેને લીધે સમતુલા જળવાઈ રહે છે. સુભદ્રાબહેનને પહેલાં શાહુકારો અને સગાં-સંબંધીઓ પાસેથી રૂપિયા ઉધાર લેવાં પડતાં. હવે જરૂર પડે ત્યારે તેઓ ખેતી માટે કિસાન ક્રેડીટ કાર્ડ મારફત નાણાં મેળવે છે. ઉપરાંત, નાણાંનું વ્યવસ્થિત આયોજન કરીને તેમણે ખોટા ખર્ચા પણ ઘટાડ્યા છે.
સુભદ્રાબહેનનો સામાજિક મોભો પણ બદલાયો છે. નાની ઉમરમાં વિધવા થવા છતાં, તેઓ ગામનાં પ્રથમ મહિલા છે, જેમણે હિંમત રાખીને, ખેતીમાં ખૂબ મહેનત કરી. જેના પરિણામે, પોતાનાં ત્રણેય સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવીને તેમને પણ પગભર કર્યાં. ગામમાં સુભદ્રાબહેનનું ખૂબ માન છે. તેમની ઓળખ રાજ્ય સ્તર સુધી ફેલાઈ છે. સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈને તેઓએ ગામની 100 બહેનોને સાથે રાખીને બે વાર સમગ્ર ગામની સફાઈ કરી છે. તેમની કામગીરીને ‘નાબાર્ડ’ દ્વારા પણ વખાણવામાં આવી છે. હવે તેઓ આજુબાજુનાં ગામોમાં મહિલા સંગઠનો બનાવવામાં મદદ કરે છે.
સાહસિકતાના દાખલારૂપ એવાં સુભદ્રાબહેન પોતે પહેલાં અખતરો કરે છે, પછી જ લોકો સમક્ષ મૂકે છે. જેમ કે, તેમણે અડદ, અજમો, ઑર્ગેનિક ઘઉં જેવા નવા પાકોનું સૌ પ્રથમ વાવેતર કર્યું છે. વર્મી કમ્પોસ્ટ માટેનું ગ્રુપ બનાવીને અન્ય બહેનોને પણ તેમાં જોડી છે. તેમનાં ગ્રુપે અત્યાર સુધીમાં રૂપિયા પાંચ લાખનું વર્મી કમ્પોસ્ટ વેચ્યું છે. ગૌમૂત્ર આધારિત જૈવિક દવાઓમાં બાયોપેસ્ટીસાઈડ, જીવામૃત બનાવીને જમીન સુધારણાનું મોટું કામ કર્યું છે. જીવામૃત તો હવે ગામના ૭૦ ટકા ખેડૂતોએ અપનાવ્યું છે. જેને લીધે તેમનો પણ ખેતી પાછળ થતો ખર્ચ ઘટ્યો છે, જે સુભદ્રાબહેનને આભારી છે.
સુભદ્રાબહેનની આ સફર બિલકુલ આસાન નથી રહી. તેમણે સતત ઘણો જ સંઘર્ષ કર્યો છે. પતિનાં મૃત્યુ સાથે જ આવકનો મુખ્ય સ્રોત ગુમાવી દીધો. પોતે વિધવા અને મહિલા હોવાથી અન્ય ખેડૂતોનો સહયોગ લેવામાં ખૂબ સંકોચ રહેતો. કેમ કે, ખેડૂતો મોટેભાગે પુરુષો જ હોય. વળી, સમાજ હંમેશાં મહિલાને જ શંકાથી જુએ. બાળકોનો ઉછેર અને અભ્યાસ, ખેતી, પશુપાલન એવી ઘણી બધી જવાબદારી એકસાથે આવી જવાથી એ બધું સંભાળવું બહુ મુશ્કેલ હતું. એટલું જ નહીં, નબળી આર્થિક સ્થિતિને લીધે ખેતીમાં મજૂર રાખી શકાય એમ નહોતાં, તેથી તેઓ જાતે જ ખેતી કરતાં. વાવણી, પિયત અને કાપણી વખતે રાતે પણ જવું પડતું. ત્યારે બહુ ડર લાગતો. આવા સંજોગોમાં દેવું થઈ જવાથી બે વીઘા જમીન પણ વેચવી પડેલી. એમાં વળી, સામાજિક પ્રસંગોમાં વધુ પડતો ખર્ચ થતો. એ ઓછું હોય એમ એ ચાલુ રાખવા સામાજિક દબાણ પણ ખરું. વળી, એકલી સ્ત્રી તરીકે ઘરની બહાર નીકળવામાં પણ સામાજિક મુશ્કેલીઓ ખૂબ નડતી. ‘ડીએસસી’ના સંપર્કમાં આવ્યા પછી બાળકોને મૂકીને તાલીમ અને પ્રેરણા-પ્રવાસમાં જવું બહુ અઘરું લાગતું. પરંતુ, એ કપરો સમય પણ પસાર થઈ ગયો.
સુભદ્રાબહેન હવે ‘ડીએસસી’ સાથે તો સંકળાયેલાં છે જ, સાથે તેમણે પોતાનાં જ્ઞાનનો વ્યાપ વધાર્યો છે. તેઓ અન્ય સરકારી અને બિનસરકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલાં છે. જેમાં આત્મા, મિશન મંગલમ, નાબાર્ડ, કૃષિ વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને વિવિધ સંશોધન સંસ્થાઓનો સમાવેશ થાય છે.
જોકે, એમાં શિરમોર તો ‘ડીએસસી’ જ છે, કેમ કે શરૂઆત તો એનાથી જ થઈ હતી. એટલે જ સુભદ્રાબહેન ‘ડીએસસી’ વિશે વાત કરતાં લાગણીથી રડી જ પડે છે. તેઓ કહે છે કે, મારા કપરા સમયમાં ‘ડીએસસી’ મારી જિંદગીમાં આવવાથી મારું આખું જીવન બદલાઈ ગયું. નુકસાનકારક ખેતીમાંથી હું બહાર આવી. આજે ઘરની બહાર જઈને હું કંઈક નવું શીખી શકું છું. જે શીખું છું તેનું પોતાનાં ખેતરમાં અમલીકરણ કરવાની તાકાત આવી છે. ‘ડીએસસી’ને લીધે જ આજે હું દેવામાંથી બહાર આવીને બે લાખ રૂપિયા જેટલી મોટી રકમની બચત કરતી થઈ છું. મેં દુઃખ જોયું છે અને સહન પણ કર્યું છે, પણ આજે મારાં બાળકો પગભર છે એનો મને ખૂબ જ આનંદ છે. એમને હું શિક્ષણ અપાવી શકી એ ‘ડીએસસી’ને આભારી છે.
સંસ્થાની કામગીરી સુભદ્રાબહેનને ખૂબ પ્રશંસનીય લાગે છે. તેઓ કહે છે કે, આ એક એવી સંસ્થા છે જે ગામના સામાન્ય અને વંચિત વર્ગના લોકોના ઉત્થાન માટે કામ કરે છે. સંસ્થાની કોઈ પણ વ્યક્તિએ કોઈને પણ લાલચ કે લોભામણાં વચન આપ્યાં નથી. કોઈ ખોટું સ્વપ્ન દેખાડ્યું નથી. માત્ર જે શક્ય છે, જે હકીકતમાં થઈ શકે એમ છે તે પ્રમાણે જ લોકોને માર્ગદર્શન આપે છે અને લોકો સાથે રહીને કામ કરે છે. સુભદ્રાબહેનના મતે સંસ્થાની પ્રગતિ અને પ્રતિષ્ઠાનું આ જ મૂળભૂત કારણ છે. બીજું કે, સંસ્થાના કર્મચારીઓ પણ કોઈ અંગત સ્વાર્થ વિના નિષ્ઠાપૂર્વક સતત કામગીરી કરે છે.
સંસ્થાનો આટલો સરસ સહકાર જ સુભદ્રાબહેનને હજી વધુ સપનાં જોવા સક્ષમ બનાવે છે. જૈવિક દવાઓ અને અળસિયા ખાતર ‘કૃષિધન પ્રોડ્યુસર કંપની’ની મદદથી અન્ય વિસ્તારના ખેડૂતોને વેચીને, વેચનારા પરિવારની આવક વધે અને ખરીદનારા ખેડૂતનો ખર્ચ ઘટે એવું તેઓ ઇચ્છે છે. ઑર્ગેનિક ધાન્ય અને મસાલા તૈયાર કરી, તેનું પેકિંગ કરીને મૂલ્યવર્ધન કરીને વેચવાનું પણ તેઓ વિચારે છે. આજુબાજુનાં ગામોમાં મહિલા જૂથો મજબૂત કરવાં અને તેમનું મહિલા ફૅડરેશન રચવાનું પણ સુભદ્રાબહેનનું સપનું છે. તેઓ એક અગત્યનું કામ એ પણ કરવા માગે છે કે ખોટા સામાજિક રિવાજો બંધ કરવા માટે ગ્રામસ્તરે અને સમાજસ્તરે મિટિંગ કરવી. તેમાં સુભદ્રાબહેન આગેવાની લેવા તૈયાર છે.
આમ, એક દબાયેલી વિધવા સ્ત્રીમાંથી સશક્ત આગેવાન તરીકે ઉભરી આવેલાં સુભદ્રાબહેન હવે આયોજનબદ્ધ કામગીરી વિચારતાં અને અમલ કરતાં થઈ ગયાં છે. જે સંસ્થા અને સુભદ્રાબહેનના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું છે.