બાવળા મહિલા વિકાસ સંગઠનની બચત અને ધિરાણની પ્રવૃત્તિથી સ્થાનિક બહેનોનું જીવનધોરણ સુધર્યું છે

‘બાવળા મહિલા વિકાસ સંગઠન’ એ સમુદાય આધારિત સંગઠન છે. તે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા મહિલા સશક્તિકરણ અને વિકાસ માટે કાર્યરત છે. સ્ત્રી અધિકારો, માનવ અધિકારો તરીકે ગણના પામે તે વાત ઉપર સંગઠન ખાસ ભાર મૂકે છે. સંગઠન શાંતિ, સમાનતા તથા વિવિધતાનાં માનવ-મૂલ્યોનો પ્રચાર કરે છે. વર્ષ 2000થી કાર્યરત આ સંગઠનની નોંધણી વર્ષ 2008માં કરવામાં આવી. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનાં 25 ગામોનાં 35 બચત-મંડળોની 1100 બહેનો ‘બાવળા મહિલા વિકાસ સંગઠન’ની સભ્ય છે.

શરૂઆતનાં વર્ષોમાં ‘કર્મ સંઘ’ અને ‘જનવિકાસ’ સંસ્થાએ સંગઠનને ટેકો પૂરો પાડ્યો. એ પછી સંગઠન સ્વનિર્ભર બને તે માટે સંગઠનની આગેવાન બહેનોએ મરચું, હળદર, મરી-મસાલા વેચીને આવક ઊભી કરી અને એ રીતે સંગઠન ટકાવી રાખ્યું. છેલ્લાં 10 વર્ષોમાં સંગઠને અનેક પ્રવૃત્તિઓ હાથ ધરીને ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

સંગઠન 2000ની સાલથી મહિલાઓને લગતા મુદ્દાઓ, અને તેમાંય ખાસ કરીને, મહિલાઓ ઉપર થતી હિંસાના મુદ્દે કાર્યરત છે. બાળલગ્ન તથા દુષ્કર્મ જેવા ગંભીર બનાવોમાં દરમિયાનગીરી કરીને સામાજિક ન્યાય અપાવવામાં સંગઠને નોંધપાત્ર કામગીરી કરી છે. આવા બનાવો ઉપર અંકુશ લાવવા માટે અને બહેનોને ન્યાય અપાવવા માટે સંગઠન, વ્યાપક જાગૃતિ લાવવાનું કામ કરે છે, કાઉન્સેલિંગ કરે છે અને જરૂર પડે તો કાયદાકીય પ્રક્રિયા પણ કરે છે. સંગઠનનું પોતાનું કાઉન્સેલિંગ કેન્દ્ર છે અને આ કેન્દ્ર દ્વારા 600થી વધારે કેસોમાં મહિલાઓને મદદ પૂરી પાડવામાં આવી છે. સંગઠનની કામગીરીને કારણે હવે હિંસાનો ભોગ બનેલી બહેનો જાતે જ મહિલા હૅલ્પલાઈન અને પોલીસને ફોન કરીને મદદ માગતી થઈ છે. ઘરેલૂ હિંસાને લગતા કાયદા બાબતે પણ બહેનોમાં જાગૃતિ આવી છે.

સામાજિક રીત-રિવાજો અને મહિલાઓ પ્રત્યેની વિપરીત માનસિકતાને કારણે મહિલાઓને જમીન માલિકી અને વારસાગત મિલકતનો હક મળતો નથી, મહિલાઓના જમીન-અધિકારને નકારવાને કારણે તેમની અન્ન ઉત્પાદનની ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. આ વાત ધ્યાનમાં રાખીને સંગઠન ‘મહિલા અને જમીનમાલિકી કાર્યકારી જૂથ’ (WGWLO)સાથે વર્ષ 2005થી જોડાયું છે. અત્યાર સુધીમાં 200થી વધારે મહિલાઓના નામે અથવા પતિ સાથે સંયુક્ત નામે જમીન-મિલકત કરાવવામાં સંગઠને સફળતા મેળવી છે. જમીન નામે થવાથી મહિલાઓ ખેતી-વિષયક યોજનાના લાભો મેળવતી થઈ છે. પરિણામે, તેમના ખેત ઉત્પાદનમાં વધારો કરીને વધુ આવક મેળવતી થઈ છે. સંગઠન થકી વારસાઈના હકો વિશે જાણકારી પ્રાપ્ત થવાથી બહેનો પોતાના નામે વારસાઈ કરાવીને જમીન-માલિકી મેળવતી થઈ છે. કેટલીક બહેનો હવે પોતાની જમીનમાં સજીવ ખેતી કરતી થઈ છે.

સામાજિક સુરક્ષા માટેની અનેક યોજનાઓ હોવા છતાં તેના વિશે લોકોમાં જાણકારી હોતી નથી. તેથી બાવળા મહિલા વિકાસ સંગઠને તેના સ્થાપનાકાળથી મહિલાઓને સરકારી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સંગઠનના પ્રયત્નોથી હવે એકલ બહેનો સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર થઈ છે અને યોજનાઓનો લાભ મેળવવા સરકારી કચેરીએ જતી થઈ છે. બહેનો હવે ગ્રામ પંચાયત, ટીડીઓ અને મામલતદાર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરીને તેનો ઉકેલ મેળવતી થઈ છે. સંગઠનની વ્યાપક ઓળખ ઊભી થઈ છે. તેથી સંગઠન સાથે જોડાયેલી બહેનોનાં કામો ઝડપથી થાય છે એવું સ્થાનિક બહેનો અનુભવે છે.

સંગઠનની બચત અને ધિરાણની પ્રવૃત્તિથી સ્થાનિક બહેનોનું જીવનધોરણ સુધર્યું છે. ધિરાણ લઈને બહેનોએ પોતાના નામે મકાન અને પ્લૉટ ખરીદ્યા છે, જૂનાં ઘર રિપેર કરાવ્યાં છે અને બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો છે. કેટલીક બહેનો ધિરાણ મેળવીને ગિરવી મૂકેલી પોતાની જમીન છોડાવી શકી છે. વળી, ખેતી માટે ધિરાણ લઈને ખેતીમાં વધુ ઉત્પાદન મેળવતી થઈ છે. બહેનો હવે શાહુકારોના ઊંચા વ્યાજના ચક્રમાંથી બહાર આવીને સ્વમાનભેર જીવતી થઈ છે. સંગઠનનું અત્યાર સુધીનું ભંડોળ રૂ. 48,42,337 છે અને સંગઠને કુલ 41,87,639 રૂપિયાનું ધિરાણ આપ્યું છે.

સંગઠને કાઉન્સેલિંગ કેન્દ્ર થકી અનેક બહેનોના લગ્નજીવનના તણાવ દૂર કરીને લગ્નજીવન બચાવ્યાં છે. સંસ્થા થકી ‘મફત કાનૂની સેવા સત્તા મંડળ’ વિશેની માહિતી મેળવીને બહેનો વકીલની મફત સેવા મેળવતી થઈ છે. વધુ નોંધપાત્ર વાત તો એ છે કે, જ્યારે કૉર્ટમાં સમાધાન ન થાય અને જ્ઞાતિ-સમાજ દ્વારા પણ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યારે વકીલો અને જજ સાહેબ, સમાધાન માટે તે કેસ સંગઠનની ઑફિસે મોકલી આપે છે. વળી, બાવળા તાલુકાના કે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં બહેનોને લગતા કેસ આવે ત્યારે સામાજિક કાર્યકર તરીકે સંગઠનની બહેનોને ત્યાં હાજર રાખવામાં આવે છે. ત્યાં સંગઠન દ્વારા બહેનોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે છે. સંગઠન હવે બાળકોની જાતીય સતામણીને લગતા કેસોમાં બાળકોને ન્યાય અપાવવા સક્રિય બન્યું છે. ગ્રામ સ્તરનાં નોંધપાત્ર કાર્યો આગવી કાર્યપદ્ધતિથી કરીને સંગઠને સ્થાનિક મહિલાઓને મહત્ત્વનો મંચ પૂરો પાડ્યો છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s