અરવિંદ ખુમાણ*/
આજે દેશમાં રેપ પીડિતોના ન્યાય માટે લોકો આંદોલનો કરી રહ્યા છે ત્યારે રેપ પીડિત હિજરત કાર્યની નજીકની કોર્ટમાં રેપ કેસ ટ્રાન્સફર કરવા કેટલી કાનૂની લડત લડવી પડે છે, પીડિતની જીલ્લા અદાલતથી હાઇકોર્ટ સુધીની કાનૂની પ્રક્રિયાની આંટીઘૂટી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
તા. ૨૬/૧૨/૧૬ ની રાત્રીના અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વડલી ગામે દીકરીને ઘરના સભ્યોની સામેથી જ અપહરણ કરી ગામના અવાવરું વંડામાં રેપ કરેલ, રાત્રે ૧ વાગ્યે દીકરી ઘરે પરત ફરી, પોલીસ ફરિયાદ કરી જેથી ફરિયાદ પછી ખેચવાની ધમકી સાથે પોલીસ રક્ષણની રૂબરૂમાં આરોપીના કાકાએ ઘરે આવી હુમલો કર્યોને તે જ રાત્રીએ પરિવારના ૨૩ સભ્યોએ ગામ છોડી ૭૨ કિમી દુર અમરેલી જીલ્લા કલેકટર કચેરીએ હિજરત કરી, રેપનો ભોગ બનેલ પરિવાર ન્યાય માટે ૮ માસ કલેકટર કચેરીએ બેસી રહ્યો. ત્યાં પણ અનેક ધાક ધમકીઓ મળેલી.
આરોપીઓ જામીન પર મુક્ત થતા અમરેલી ૮ માસ ધરણા પર બેસેલા પીડિત પરિવાર પર ધાક ધમકી થી કેસ પરત ખેંચવાના પ્રયાસો થયેલા, આ સ્થિતિમાં અમરેલીથી ૭૨ કિમી દુર રાજુલાની એડીશનલ સેશન્સ કોર્ટમાં રેપ પીડિતાનો કેસ ચાલુ થવા પર આવેલ.
આરોપીયોઓ અને તેના મળતિયાઓથી ભયગ્રસ્ત પરિવાર રાજુલાની સેશન્સ કોર્ટમાં સુનાવણી માટે જવા પણ તૈયાર ના હતો જેથી રાજુલા તથા અમરેલી કાનૂની સહાય કેન્દ્રના અરવિંદભાઈ ખુમાણ, જાગૃતિબેન, રેણુકાબેન,તથા સ્થાનિક સ્વયમ સેવકો એવા કિશોરભાઈ ધાખડા, હરેશભાઈ બમ્ભનીયા, રમેશભાઈ બાબરીયાએ અમરેલી કેસ ટ્રાન્ફર કરવાનું નક્કી કર્યું, કાનૂની સહાય કેન્દ્રની મદદથી કેસ ટ્રાન્સફર કરવા સૌ પ્રથમ ફરિયાદીની અમરેલી સેશન્સ કોર્ટમાં અરજી કરી રાજુલાથી અમરેલી કેસ ટ્રાન્સફરની માંગણી મૂકી.
કોર્ટે માંગણી નામંજુર કરી ત્યારે ફરિયાદીએ ગુજરત હાઇકોર્ટમાં સ્પે. ક્રી. એપ્લી. દાખલ કેસ ટ્રાન્સફર કરાવાનો હુકમ કરવા માંગ કરી જેથી હાઈકોર્ટે જીલ્લા અદાલતે નિર્ણય લેવા હુકમ કર્યો, ફરી અમરેલીની જીલ્લા અદાલતમાં અરજી કરવામાં આવી જેમાં અમરેલી જીલ્લા અદાલતે કેસ ટ્રાન્સફર નહિ કરવાનો નિર્ણય લીધો, આખરે જીલ્લા અદાલતના કેસ ટ્રાન્સફર નહિ કરવાના હુકમ સામે ફરિયાદીએ બીજીવાર ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી અને બીજીવાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.ક્રીમી. અપ્લી દાખલ કરી ત્યારે ગુજરાત હાઈકોર્ત્તે કેસ ટ્રાન્સફરનો હુકમ કર્યો.
દીકરીના અપહરણ અને રેપથી હિજરત કરી ખુલ્લા આકાશમાં ૮ માસ રહેલા પીડિતોને અન્નના પણ ફાંફા હતા ત્યારે ફક્ત કેસ ટ્રાન્સફર માટે ૨-૨ વાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવી પડે, હાઇકોર્ટના ધક્કા ખાવા પડે ત્યારે હાઇકોર્ટ હુકમ કરે છે. ત્યારે ન્યાય પ્રણાલી રેપ પીડિતોને ન્યાયથી ભટકી જવા મજબુર કરતી હોય તેવું ચોક્કસ લાગી આવે છે.
—
*કાનૂની સહાય કેન્દ્ર, રાજુલા