માત્ર કાનૂનવિદજ નહીં કાનૂનદાતા એવા ડો.આંબેડકરનું કાયદાના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન હતું

ambedkar-law-14-e1499927949140ચંદુ મહેરિયા/

ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા અને દલિતો,પીડિતો, શ્રમિકોના મસીહા ડો.આંબેડકર અર્થશાસ્ત્રી-રાજ્યશાસ્ત્રી જ નહીં કાયદાશાસ્ત્રી અને ન્યાયવિદ તરીકે  પણ ભારતના જાહેરજીવનમાં અનોખુ સ્થાન ધરાવે છે.

પારાવાર ગરીબી અને અસ્પ્રુશ્યતા છતાં ઈ.સ.૧૯૦૭માં ભીમરાવ આંબેડકર ૭૫૦માંથી ૨૮૨ ગુણ મેળવી મેટ્રિક થયા. કારમી ગરીબાઈને લીધે વધુ અભ્યાસ શક્ય ન્હોતો ત્યારે વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવ્રુતિ મેળવી ઈ.સ.૧૯૧૨માં ગ્રેજ્યુએટ થયા. શિષ્યવ્રુતિના નિયમ મુજબ વડોદરા રાજ્યની નોકરી સ્વીકારી પણ એ લાંબો સમય ન કરી શક્યા અને ઈ.સ. ૧૯૧૩માં ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયા.

આર્થિક વિટંબણાઓ વેઠી, કઠોર પરિશ્રમ કરી ઉચ્ચ અભ્યાસ જારી રાખ્યો. ૧૯૧૫માં એમ.એ. થયા.અને પછી પીએચ.ડી થયા. અમેરિકામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરી આંબેડકરે વિશેષ અભ્યાસ અર્થે વિલાયતની વાટ પકડી.”લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ  પોલિટિકલ સાયન્સ”માં તથા કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે ગ્રેઝ ઈનમાં પ્રવેશ મેળવ્યો.પરંતુ વડોદરા રાજ્યની આર્થિક સહાયની મુદત પૂરી થતાં બેરિસ્ટરીનો અભ્યાસ અધૂરો છોડી સ્વદેશ પરત આવ્યા.

બેરિસ્ટર આંબેડકર

૬ઠી એપ્રિલ  ૧૯૨૦ના રોજ ભીમરાવ આંબેડકર પુન:ન ઈંગ્લેંડ ગયા. ગ્રેઝ ઈનમાં બેરિસ્ટરીની અને “લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિક્લ સાયંસ”માં ડી.એસ.સી.નો અભ્યાસ આદર્યો.ઈ.સ.૧૯૨૨માં ડો.આંબેડકર બાર-એટ-લો થયા. શાયદ અસ્પ્રુશ્ય સમાજના તેઓ પ્રથમ બેરિસ્ટર હતા. ૫મી જુલાઈ ૧૯૨૩ના રોજ તેમણે વકીલાત માટેની સનદ મેળવી અને વકીલાતનો આરંભ કર્યો.

વકીલ બનવાના કારણો

ડો.બાબાસાહેબ આંબેડકરે કાયદાશાસ્ત્રી, ધારાશાસ્ત્રી, ન્યાયવિદ કે વકીલ બનવાનું કેમ પસંદ કર્યું તે અંગે તેમણે ત્રીજી ફેબ્રુઆરી ૧૯૨૮ના “બહિષ્ક્રુત ભારત”માં લખ્યું હતું:વકીલાતના વ્યવસાયમાં સવર્ણોનું આધિપત્ય હોવાથી આર્થિક રીતે સમ્રુધ્ધ બનવું શક્ય નથી.પરંતુ મેં વકીલાતનો વ્યવસાય એટલા માટે પસંદ કર્યો છે કે તે સ્વતંત્રતા આપે છે અને સમાજસેવા  માટેનો મુક્ત સમય પણ આપે છે.”

એ સમયે વકીલાતના વ્યવસાય પર ગુજરાતીઓ, પારસીઓ અને સવર્ણ હિંદુઓનું પ્રભુત્વ હતું. એટલે ડો. આંબેડકરને વકીલ તરીકે કોઈ કામ મળતું નહોતું.જો કે ડો. આંબેડકર પણ પૈસા કમાવા વકીલાત કરવા માંગતા નહોતા. શ્રમિકો,ખેડૂતો અને અછૂતોના કામો જ તેઓ હાથ પર લેતા હતા.વિજ્ય બી.ગાયકવાડ સંકલિત “બાબાસાહેબ દ્વારા લડે ગયે મુક્દમે”પુસ્તકમાંથી પસાર થતાં ડો.આંબેડકરે કેવા કેવા કેસો હાથ પર લીધાં હતાં તેનો ખ્યાલ આવે છે. સામ્યવાદી લેખક ફિલિપ સ્પ્રાટનો કેસ ડો.આંબેડકર મજગાંવ,મુંબઈની કોર્ટમાં લડ્યા હતા તે નોંધનીય છે.

કાયદાના અધ્યાપક

ડો.બી.આર.આંબેડકરે કાયદાના અધ્યાપક તરીકે પ્રસંશનીય કામગીરી બજાવી હતી.મુંબઈની બાટલીબોય એકાઉન્ટન્સી ઈન્સ્ટિટ્યુટમાં મર્કેંન્ટાઈલ લોના પાર્ટટાઈમ લેક્ચરર તરીકે તેમણે અધ્યાપનકાર્યનો આરંભ કર્યો હતો.ડો.આંબેડકર ગવર્નમેન્ટ લો કોલેજ,મુંબઈમાં પ્રોફેસર અને બીજી જૂન,૧૯૩૫ના રોજ તે કોલેજના આચાર્ય બન્યા હતા. જાણીતા સમાજવાદી નેતા યુસુફ મહેરઅલી અને ગુજરાતના મુખ્યમંત્રી બનેલા બાબુભાઈ પટેલ તેમના વિધ્યાર્થીઓમાંના એક હતા.

કાયદાના અધ્યાપક અને આચાર્ય તરીકે ડો.આંબેડકરે કીર્તિદા કામગીરી કરી હતી અને પોતાના વિધ્યાર્થીઓનો પ્રેમ સંપાદન કર્યો હતો. ગવર્નમેન્ટ લો કોલેજે બાબાસાહેબની સેવાઓ અંગે નોંધ્યું છે કે,”ડો.આંબેડકરના વ્યાખ્યાનો ખૂબ મહેનત કરીને તૈયાર કરવામાં આવતા હતા.અને વિધ્યાર્થીઓ તે ધ્યાનપૂર્વક સાંભળતા હતા.”

કાનૂનદાતા આંબેડકર

ગવર્નમેન્ટ લો કોલેજનું આચાર્યપદ હાઈકોર્ટના જજનું સમકક્ષ મનાય છે.ડો. આંબેડકર માટે પણ જજ બનવું આસાન હતું પરંતુ તેમણે બીજો માર્ગ લીધો.મે,૧૯૩૮માં એમણે ગવર્નમેન્ટ લો કોલેજના આચાર્યપદેથી રાજીનામુ આપ્યું. અને વાઈસરોયની કાઉંસિલના સભ્ય બન્યા.

આઝાદી પૂર્વે વિવિધ વિધાન મંડળો દ્વારા ડો.આંબેડકરે મહત્વના કાયદા ઘડવામાં ભૂમિકા ભજવી હતી. વાઈસરોયની કારોબારીમાં કામદાર પ્રધાન તરીકે ડો. આંબેડકરની વરણી થઈ ત્યારે તેમણે કામદાર કલ્યાણના અનેક કાયદા કરાવ્યા હતા. સ્ત્રી-પુરુષને સમાનકામ માટે સામાન વેતન,કામના કલાકોમાં ઘટાડો,સ્ત્રી કામદારોને પૂરા પગારે પ્રસૂતિની રજા, પ્રોવિડંટ ફંડ,લઘુતમ વેતન,હકરજા તથા કેજ્યુઅલ રજાના અધિકારો,અકસ્માતમાં વળતર,જોખમી ખાણોના કામદારોની સલામતીનાં પગલાં,સ્ત્રી કામદારોના બાળકો માટે ઘોડિયાઘરની વ્યવસ્થા, ખેતકામદાર સ્ત્રીઓને પણ રજાઓની જોગવાઈ,કામદારોને દાક્તરી સારવાર અને તેમનાં બાળકોના શિક્ષણની જોગવાઈ જેવાં કાયદાઓ બાબાસાહેબની દેણ છે.

આ પૂર્વે ડિસેમ્બર ૧૯૨૬માં ડો. આંબેડકરની મુંબઈ પ્રાંતિક કાઉંસિલના સભ્ય તરીકે વરણી થઈ તેથી તેમના દલિત મુક્તિના કાર્યને વિધાન મંડળની ભોંય મળી.તેમણે દલિતોના ઉત્થાન માટે સ્ટાર્ટ કમિટી નિમવાનું અને મહારવતનની વેઠ નાબૂદી માટે “મહાર વતન ધારા “ બિલ રજૂ કર્યું હતું. આમ કાયદાવિદ બાબાસાહેબે કાનૂનદાતા તરીકે ઉજળો હિસાબ આપ્યો છે.

બંધારણની મુસદા સમિતિના અધ્યક્ષ

આઝાદી પહેલાં સ્વતંત્ર ભારતના બંધારણનું કામ આરંભાયું હતું. પ્રખર ધારશાસ્ત્રી અને કાનૂનવિદ ડો.આંબેડકર દલિતોના પ્રતિનિધિ તરીકે બંધારણસભામાં જોડાયા હતા. પરંતુ તેમની યોગ્યતા પ્રમાણીને તેમને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ ખૂબજ મુશ્કેલ કામ બાબાસાહેબે પોતાની તબીયતની પરવા કર્યા વિના ભારે ખંત અને મહેનતથી પાર પાડ્યું. ડો. આંબેડકરે, ભારતીય બંધારણમાં દલિતોના અધિકારો આમેજ કરાવ્યા. તેમાં કાયદા દ્વારા અસ્પ્રુશ્યતાની સંપૂર્ણ નાબૂદી અને અનામતની જોગવાઈઓ મહત્વની છે.

આ ઉપરાંત કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્તવયના તમામ નાગરિકોને મતાધિકારનો અનેમૂળભૂત અધિકારોનો સમાવેશ કરાવ્યો છે. જો કે બંધારણમાં કાયદા દ્વારા અસ્પ્રુશ્યતાની નાબૂદી દર્શાવવામાં આવી પણ અસ્પ્રુશ્યતા આચરનાર સામે સજાનીજોગવાઈ દાખલ કરવામાં ન આવી તે બાબાસાહેબને ખૂંચ્યું હતું.(આવી જોગવાઈ પછીથી દાખલ કરવામાં આવી હતી.)એ જ રીતે બંધારણના ઘડતરનું કામ ચાલતું હતું  તે દરમિયાન ડો. આંબેડકરે “સ્ટેટ એન્ડ માઈનોરિટી”નામક આવેદનપત્ર દ્વારા બંધારણમાં જમીન, વીમા  કંપનીઓ તથા બેંકોના રાશ્ટ્રીયકરણ ઉપરાંત દલિતો માટે અલગ ભૂમિ વસાહતોની માંગણી કરી હતી.પરંતુ તેમાની કોઈ જ માંગણી બંધારણમાં સામેલ થઈ શકી નથી તે પરથી ભારતનું વર્તમાન બંધારણ બાબાસાહેબના વિચારો પ્રમાણેનું કેટલું તેવો સહજ  પ્રક્ષ્ન થાય છે.

મફત કાનૂની સહાય અને જન હિત અરજીના પુરસ્કર્તા

બાબાસાહેબે બંધારણમાં મૂળભૂત અધિકારો સાથે માર્ગર્શક સિધ્ધાંતો દાખલ કરાવ્યા માર્ગદર્શક સિધ્ધાંતોને કાનૂની પીઠબળ નથી અને તેનો અમલ ન થતો હોય તો અદાલતમાં પડકારી શકાતા નથી.પરંતુ બંધારણના અનુચ્છેદ-૩૯માં તમામને સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ છે. તેના આધારે અદાલતો જાહેર હિતની અરજીઓ દાખલ કરે છે. તેના ઘણાં સારા પરિણામો આવ્યા છે.બંધારણ અનુચ્છેદ-૩૨નો ઉપયોગ કરીને ગરીબો પણ ન્યાય મેળવતા થયા છે. જાહેર હિતની અરજીઓને સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની અદાલતો પણ ખૂબ જ મહત્વ આપે છે, તેને કારણે ઘણાં મહત્વનાં નીતિવિષયક બદલાવ આવી શક્યા છે અને સરકારોની નિશ્ફળતાઓ ઉજાગર થઈ શકી છે.સમાજના વંચિત સમુદાયો માટે જાહેરહિતની અરજીઓ બાબાસાહેબની મોટી દેણગી છે, જેના થકી તેમને ન્યાય મળી શકે છે.

હિંદુ કોડ બિલના જનક

સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કોંગ્રેસ પક્ષ ઉપરાંતની બહારની યોગ્ય વ્યક્તિઓને લેવાનું મુનાસિબ માન્યું હતું. તેમણે ડો.આંબેડકરને પ્રધાનમંડળમાં જોડાવા વિનંતી કરતાં, કોંગ્રેશના વિરોધી હોવા છતાં વિશાળ રાશ્ટ્રહિતમાં ડો.આંબેડકર નહેરુ મંત્રીમંડળમાં જોડાયા અને કાયદામંત્રી બન્યા.

ડો.આંબેડકરના સમગ્ર જીવનને યશ આપે તેવું એક કાર્ય જે તેમની હયાતીમાં હિંદુ રૂ ચૂસ્તોએ ન થવા દીધું,તે હિંદુ કોડ બિલ હતું. ડૉ.આંબેડકરે હિંદુઓના તમામ રૂ રિવાજોને એક જ કાયદામાં ગૂંથી લેવા હિંદુ કોડ બિલ બનાવ્યું હતું. કાયદાપ્રધાન તરીકેનું તેમનું આ કાર્ય બંધારણના મુસ્દ્દા કરતાં વધુ મૌલિક અને મહત્વનું હતું.

સ્ત્રી-સમાનતા અને સ્ત્રી અધિકારોના પુરસ્ક્ર્તા એવા ડો. આંબેડકરે આ બિલમાં હિંદુ સ્ત્રીઓને અનેક અધિકારો આપ્યા હતા. જેમાં પુત્રીને પિતાની મિલકતમાં સમાન હિસ્સો, લગ્નવિચ્છેદ તથા દત્તક લેવાનો અને વારસ નીમવાનો અધિકાર સ્ત્રીને આપવામાં આવ્યો હતો. ડો.આંબેડકર હિંદુ કોડ બિલને નાગરિક સંહિતા (સિવિલ કોડ)નું એક પગથિયું માનતા હતા. તેમના બિલનો સમગ્ર દેશમાં ભારે વિરોધ થયો.. રાસ્ટૃપ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદે પણ બિલનો વિરોધ કર્યો. એટલે આ બિલ પસાર ન થઈ શકતાં ૧૧મી ઓકટોબર ૧૯૫૧ના રોજ ડો. આંબેડકર મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું.

માત્ર કાનૂનવિદ જ નહીં કાનૂનદાતા એવા ડો.આંબેડકરનું કાયદાના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન હતું.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s