એક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે

default

ચંદુ મહેરિયા*/

રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદે સંસદના બજેટ સત્રના આરંભે બંને ગ્રુહોની સંયુક્ત બેઠકને સંબોધતા ‘એક રાષ્ટ્ર ,એક ચૂંટણી’ વિશે બહુ ભાવનાત્મક અપીલ કરી હતી.  રાષ્ટ્રપ્રમુખના આ ઉદગારો એક રીતે તો વડાપ્રધાનના ‘મનકી બાત’ હતા ! ભારતીય જનતા પક્ષે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના તેના ઢંઢેરામાં લોકસભાની જોડાજોડ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવાનું વચન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વચનના પાલન અંગે  ખૂબ જ પ્રયત્નશીલ છે. સરકારે ‘વન નેશન,વન ઈલેકશન’ માટે ચૂંટણી પંચ, કાયદા પંચ અને લોકસભાની સ્ટેન્ડિંગ કમિટિના અભિપ્રાયો પણ મેળવ્યા છે. સમાંતર ચૂંટણીના આ વિચાર અંગે સંસદમાં  ઝાઝી ચર્ચા  થઈ નહોતી.

વડાપ્રધાને પણ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબ વેળા રાજકીય ભાષણબાજી વધુ કરીને આ મુદ્દાને પ્રાથમિકતાથી ઉઠાવ્યો નહોતો. જોકે  આ દિવસોમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ભાજપાશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદમાં સૌ મુખ્યમંત્રીઓએ એકી અવાજે  રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ લોકસભાની સાથે જ કરવાના વિચારનું સમર્થન કર્યું છે. કેટલાક મુખ્યમંત્રીઓએ તો તેમના રાજ્યોમાં પંચાયત-પાલિકાની ચૂંટણીઓ પણ સાથે કરાવવા પગલાં લેવાની વાત કરી છે. બીજી તરફ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મળેલા કોંગ્રેસના મહાઅધિવેશનમાં, એક ઠરાવ દ્વારા  આ વિચારનો ન માત્ર વિરોધ કરાયો છે પણ તેને મોદી સરકારની ચાલ, બંધારણીય રીતે અયોગ્ય અને અવ્યવહારુ બાબત ગણાવી વખોડી કઢાયો છે.

અનેક ધર્મ, જાતિ અને સંસ્ક્રુતિની વિવિધતા ધરાવતા ભારતમાં જેમ દેશના એક યા બીજા ભાગમાં  કાયમ તહેવારોની ઉજવણીનો માહોલ હોય છે તેમ પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ પણ  કોઈને કોઈ ભાગમાં ચાલુ જ હોય છે. એટલે પાંચ વરસમાં એક વાર બધી ચૂંટણીઓ થઈ જાય ને પછી સૌ સૌના કામે વળગે એ વિચાર આકર્ષક લાગે તેવો છે. નીતિ આયોગે પણ ૨૦૨૪ સુધીમાં દેશમાં એકસાથે ચૂંટણીઓ  માટેનું આયોજન કરવા કહ્યું છે.સમાંતર ચૂંટણીની તરફેણની સૌથી રૂપકડી અને મજબૂત દલીલ  તો દેશમાં કાયમ જોવા મળતા ચૂંટણી માહોલમાંથી છૂટકારાની છે. વક્રતા વળી એ છે કે આ વિચારનો સઘળો શ્રેય હંમેશા ઈલેકશન મોડમાં જ રહેતા વડાપ્રધાન  મોદીને આપવામાં આવે છે. એમ પણ ઠરાવાય છે કે  તમામ ચૂંટણીઓ એકસાથે યોજવાનો વિચાર પણ મોદીના ભેજાની જ પેદાશ છે . જોકે વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે.

સમાંતર ચૂંટણીઓના તરફદારો નાણા, સમય અને શ્રમની બચતની દલીલ જોરશોરથી કરે છે અને તેમાં તથ્ય પણ લાગે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટેનો સરકારી ખર્ચ ૩૪૨૬ કરોડ અને રાજકીય પક્ષોએ કરેલો ખર્ચ ૨૬૦૦૦ કરોડ હતો. જો લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ થાય તો  થોડોક જ ખર્ચ વધે અને બંને ચૂંટણી થઈ જાય. પ્રથમ નજરે જ આ દલીલ સૌને સ્વીકાર્ય લાગે તેવી છે. પરંતુ રાજકીય પક્ષો અને સરકારી ખર્ચ વચ્ચે જે મોટું અંતર છે તે ધ્યાનથી જોતાં સમજાય છે કે ખર્ચના ઘટાડાની આ દલીલમાં  બહુ  દમ નથી. ૧૯૫૨માં ચુંટણી અંગેનો માથાદીઠ સરકારી ખર્ચ ૬૦ પૈસાથી ૨૦૦૯માં વધીને ૧૨રૂ. થયો છે. સામે રાજકીય પક્ષો દ્વારા થતો ખર્ચ એના કરતાં અનેકગણો વધ્યો છે.

દેશમાં વારંવાર ચૂંટણીઓથી વિકાસ કામોને અસર થાય છે, વહીવટી તંત્ર ખોરંભે પડે છે અને નીતિગત નિર્ણયો લેવામાં  વિલંબ થાય છે.એવી જે દલીલ છે તેમાં પણ અર્ધસત્ય છે. ખરેખર તો ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ લાંબી ચાલે છે અને આચારસંહિતાનો ગાળો લાંબો હોય છે તે ટૂંકાવવાની વધારે જરૂર છે. ચૂંટણી પંચે ઓછા સમયમાં અને એક જ તબક્કે ચૂંટણીઓ યોજી શકાય તે દિશામાં પૂરતા પ્રયત્નો કર્યા નથી. ચૂંટણી જાહેરનામાની પ્રસિધ્ધિ સાથે જ આચારસંહિતાનો અમલ અને મોટા રાજ્યોમાં અનેક તબક્કે યોજાતી ચૂંટણીઓમાંથી માર્ગ કાઢવાની આવશ્યકતા છે. ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન પણ કેટલાક  અનિવાર્ય કામોની અને નીતિવિષયક નિર્ણયોની મંજૂરી આપતું જ હોય છે. એટલે વારંવાર ચૂંટણીઓને કારણે વિકાસ કામો ઠ્પ્પ થવાની દલીલ સંપૂર્ણ સાચી નથી.

અગાઉ લોકસભાની ચાર ચૂંટણીઓ (૧૯૫૧-૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭)ની સાથે જ વિધાનસભાઓની પણ ચૂંટણી થઈ હતી. ૧૯૬૭માં બિનકોંગ્રેસી ધોરણે વિપક્ષો એક થયા અને ઘણા રાજ્યોમાં સંયુક્ત વિધાયક દળોની સરકારો રચાઈ હતી. આ સરકારો લાંબુ ન ટકી કે કેન્દ્ર સરકારે તેની સામે બંધારણના અનુચ્છેદ ૩૫૬નો ઉપયોગ કરીને તેને બરખાસ્ત કરી ત્યારથી સાથે ચૂંટણીઓ યોજાતી બંધ થઈ હતી. તે પૂર્વે ૧૯૬૦માં કેરળ અને ૧૯૬૧માં ઓરિસ્સામાં વિધાનસભાઓની મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ હતી.તો લોકસભાની પણ મધ્યસત્ર ચૂંટણીઓ  થઈ હતી. તેને કારણે પાંચ વરસનો ગાળો સચવાતો બંધ થયો અને સાથે સાથે યોજાતી ચૂંટણીઓનું તંત્ર ખોરવાઈ ગયું.

અનુચ્છેદ ૩૫૬નો દુરુપયોગ અને રાજકીય અસ્થિરતા તેનાં પ્રમુખ કારણો છે. વિપક્ષી સરકારોને સામાન્ય કારણોસર  બરખાસ્ત કરી દેવાનું વલણ વધતું રહ્યું છે. આઝાદી પછીના એક દોઢ દાયકામાં ૩૫૬નો ઉપયોગ ત્રણ જ વખત થયો હતો જે ઈંદિરાઈ કટોકટીના ગાળામાં (૧૯૭૫-૧૯૭૯)માં ૨૧ વખત થયો.કટોકટી પછી મોરારજી સરકારે પણ તેનો ભરપૂર ઉપયોગ કર્યો. હાલની બીજેપી સરકાર પણ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં તેનો દુરુપયોગ કરી ચૂકી છે. એ રીતે સાથે સાથે યોજાતી ચૂંટણીઓને આગળપાછળ કરવામાં તમામ રાજકીય પક્ષો સરખા જવાબદાર છે.

ભારત્ના બંધારણની પ્રવર્તમાન જોગવાઈઓ જોતાં લગભગ દસેક બંધારણ સુધારા કરવામાં આવે તો જ એક સાથે ચૂંટણીઓ કરી શકાય તેમ છે.  જે હાલના સંજોગોમાં રાજકીય સર્વસંમતિના અભાવે શક્ય લાગતું નથી. ચૂંટણી પંચનું વલણ આ બાબતમાં હકારાત્મક હોય તે સ્વાભાવિક છે .પણ જે પંચ એકાદ મોટા રાજ્યમાં એક તબક્કે વિધાનસભાની ચૂંટણીઓ યોજી શકતું નથી તે સમગ્ર દેશમાં બંને ચૂંટણીઓ એક સાથે યોજવાનું ગંજાવર કામ કરી શકે નહીં. તે માટે તેને લાખો ઈવીએમ અને મતદાન મથકોની તથા એક કરોડ કર્મચારી-અધિકારીની જરૂર પડે તેમ છે.

કોંગ્રેસ જ્યારે સત્તા પક્ષના અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિચારને એક ચાલ ગણે છે ત્યારે તેની પાછળના કારણો પણ સમજવા જેવા છે. જીએસટીને અડધી રાતે સંસદના ખાસસત્ર દ્વારા દાખલ કરીને સરકારે ‘વન નેશન, વન ટેક્સ’ના નગારાં વગાડ્યા હતા. હવે ‘વન નેશન, વન ઈલેકશન’માં જો તે સફળ થાય તો પછી ‘વન નેશન, વન લીડર’ની વાત આવે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી ન.મો અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની જેમ લડ્યા હતા. એકસાથે ચૂંટણી યોજાય તો તેમને વિપક્ષોને ચિત કરવામાં સુગમ પડે તેમ છે. એટલે વિપક્ષો વડાપ્રધાનની “કહીંપે નિગાહેં કહીં પે નિશાના”વાળી સત્તાના કેન્દ્રીકરણની ચાલ પારખી ગયા છે.

*સંપર્ક: maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s