
નાગરિક અધિકાર સમિતિ, ચંડોળા તળાવ; દીપ સંગઠન, બોમ્બે હોટેલ એરિયા; અને માનવ ગરિમાનું નિવેદન:
ચંડોળા તળાવમાં આવેલ છાપરામાં તારીખ ૨૫/૩/૨૦૧૮ ના રોજ આગ લાગી અને ૨૪૩ પરિવારોના છાપરા, ઘરવખરી, પુરાવાઓ વગેરે તમામ આગમાં બળી ગયું હતું. આ બનાવને લઈને સ્થાનિક લોકો, અન્ય સંવેદનશીલ લોકો અને સંસ્થાઓ, લોક પ્રતિનિધીઓએ જરૂરી સહાય અસરગ્રસ્તોને આપી હતી. તેમજ, અસરગ્રસ્તોને ન્યાય મળે તે માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
આ બનાવને એક મહિનો થવા આવ્યો છે પરંતુ સરકારી તફથી અસરગ્રસ્તોને એક પણ સહાય, સુવિધા કે વળતર ચૂકવામાં નથી આવ્યું. અહીના તમામ અસરગ્રસ્તો અમાનવીય સ્થતિમાંં જીવી રહ્યા છે.
આ અનુસંધાનમાં ત્યાના સ્થાનિક આગેવાનો અને દીપ સંગઠન બોમ્બે હોટેલ એરિયા દ્વારા આજે મિટિંગ રાખી હતી. આ મીટીંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમામ અસરગ્રસ્તોને ન્યાય, વળતર મળે તે માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે, જરૂર પડે તો તમામ અસરગ્રસ્તો ઝુંબેશ કરશે અને વધુમાં વધુ લોકોને જોડશે, અને ન્યાય ના મળે તો કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એ પણ નક્કી કરવામાં આવ્યું કે સંવેદનશીલ લોકો, સંસ્થાઓને પણ આ ઝુંબેશમાં જોડવામાં આવશે.
સરકાર આ બનાવને આફત તરીકે ઘોષિત કરે અને તાત્કાલિક જરૂરી સહાય, વળતર, સુવિધાઓ વગેરે અસરગ્રસ્તોને આપવામાં આવે અને આ આગ લાગવાનું ખરું કારણ શોધવામાં આવે એ મુખ્ય માંગણીઓ છે.
પ્રથમ સ્તરે એવું નક્કી કરવામાં આવ્યું છે તમામ અસરગ્રસ્તો દ્વારા વિવિધ સ્તરે રજૂઆત કરવામાં આવશે. આ કામગીરી માટે સ્થાનિક આગેવાનોની સમિતિ બનાવવામાં આવી છે. ૨-૩ દિવસમાં તમામ સ્તરે રજૂઆત કરવામાં આવશે. આ મીટીંગ માત્ર ૧૦-૧૨ આગેવાનો માટે દીપ સંગઠનના અધિકાર પ્રાપ્તિ કેન્દ્ર પર રાખી હતી પરંતુ આગેવાનો સાથે લગભગ ૭૦ અસરગ્રસ્તો પણ આ મીટીંગમાં જોડાયા હતાં.
નાગરિક અધિકાર સમિતિ, ચંડોળા તળાવના નેજા હેઠળ કામગીરી કરવામાં આવશે. આ સમિતિને દીપ સંગઠન અને માનવ ગરિમા જરૂરી ટેકો પૂરો પાડશે. આશા રાખીએ કે સવેદનશીલ લોકો, સંસ્થાઓ, સંગઠનો વગેરે આ સમિતિને ટેકો પૂરો પાડવા આગળ આવે.