એટ્રોસિટી એક્ટ: આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે

Dalit-anger-Friday-1-AIચંદુ મહેરિયા*/

કેન્દ્ર સરકાર એટ્રોસિટી એકટના સુપ્રીમ કોર્ટના ચુકાદાને બેઅસર કરવા નવો વટહુકમ લાવી રહી હોવાના વાવડ છે.  દેશની સર્વોચ્ચ અદાલતે ૧૯૮૯ના અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાવ ધારાને સાવ લૂલો કરી નાંખતી જે માર્ગદર્શિકા જાહેર કરી તેનો દેશના દલિત આદિવાસીઓનો પ્રચંડ વિરોધ પારખવામાં ભારતીય જનતા પક્ષ અને સરકાર નાકામિયાબ રહ્યા છે. વાણીશૂરા વડાપ્રધાને આ બાબતે બહુ મોડેથી અને મજબૂરીવશ મોં ખોલ્યું છે. આ ચુકાદા સામે રિવ્યુ પિટિશન કરતાં પહેલાં સરકારે ભારત બંધની અસર જોવાનું યોગ્ય માન્યું હતું, જેમાં ડઝનેક દલિતોના જાન ગયા છે.

સરકારનું બેવડુ વલણ એ હકીકતથી પણ ઉજાગર થયું છે કે એક તરફ કેન્દ્રની ભાજપ સરકાર દલિતોને તેમના અધિકારોની રક્ષા માટે બધું જ કરી રહી હોવાનું આશ્વાસન આપે છે તો બીજી તરફ એમના જ પક્ષની મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢની રાજ્ય સરકારો સુપ્રીમની નવી માર્ગદર્શિકાના અમલ માટે તાત્કાલિક સરકારી પરિપત્રો જારી કરે છે.

આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૭માં આભડછેટના અંતની ઘોષણા તો કરી દીધી, અસ્પ્રુશ્યતાના પાલનને દંડનીય અપરાધ પણ ગણાવી દીધો પરંતુ તે માટેનો  કોઈ વિધિસરનો કાયદો ઘડતાં છ વરસ લાગ્યાં ! ૧૯૫૦માં બંધારણ  અમલી બન્યું તેમાં અનુચ્છેદ ૧૭થી આભડછેટ નાબૂદ થઈ ગયાનું જાહેર થયું પણ છેક ૧૯૫૫માં આભડછેટ નાબૂદીનો કાયદો બન્યો હતો. તેમ છતાં દલિતો પ્રત્યેના જાતિગત ભેદભાવ અને અત્યાચારો વધતાં રહ્યાં.

એટલે બે દાયકા બાદ ઈંદિરાઈ કટોકટીના સમયે, ૧૯૭૬માં,  નાગરિક હક્ક સંરક્ષણ ધારાના નામે નવો કાયદો બનાવ્યો.જેને કોંગ્રેસે ‘નવો કરાર” લેખાવ્યો હતો.તેની નિષ્ફળતાના સવાદાયકે ફરી નવો કાયદો આવ્યો. જે લોકજીભે ૧૯૮૯નો એટ્રોસિટી એકટ ગણાય છે. જોકે જેમ ૧૯૫૦માં બંધારણની કલમ ૧૭થી આભડછેટની નાબૂદી કરી દીધી પણ તે અંગેનો કાયદો ૧૯૫૫માં ઘડ્યો તેમ અત્યાચાર અટકાવ ધારો ૧૯૮૯માં ઘડ્યો પરંતુ તેનો અમલ તો  છ વરસ બાદ ૧૯૯૫માં નિયમો બનાવ્યા ત્યારે થઈ શક્યો.

આ સઘળી હકીકતો એ સ્પષ્ટ કરે છે કે બીજેપી સત્તામાં નહોતી અને દલિતો આદિવાસીઓના મબલખ વોટથી જેઓ સત્તામાં આવતા હતા તે પણ દલિત આદિવાસીના અત્યાચારો અટકાવવા કોઈ રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતા નહોતા. બીજી અનેક બાબતોની જેમ ભાજપ તો પૂર્વેની સરકારોના વલણોનું આંધળું અનુકરણ જ કરે છે.

ભારતનું ન્યાયતંત્ર દલિતપીડિતલઘુમતીના અધિકારોના રક્ષણ માટે આશાનું અંતિમ થાનક છે અને દેશની સઘળી અદાલતોએ હંમેશા ગરીબગુરબાંનો પક્ષ લીધો છે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે અત્યાચાર પ્રતિબંધક ધારા અંગે જે ચુકાદો આપ્યો છે તે તેના પ્રત્યેની સઘળી આશાઓ ભેલાડી મૂકે તેવો છે. બંધારણદીધો આદેશ તો સુપ્રીમ કોર્ટે કાયદાની સમીક્ષા કરવાનો છે, તેની બંધારણીયતા ચકાસવાનો છે. નહીં કે કાયદા ઘડવાનો. પરંતુ અહીં તો ખુદ સુપ્રીમ કોર્ટ જ કાયદાને પાંગળો કરી મૂકે છે અને તે પણ પીડિતના ભોગે. સામાન્ય રીતે અદાલતોએ તો પીડિતોની ભેર તાણવાની હોય છે.

અહીં તો અદાલત આરોપીઓના પક્ષે બેસી ગઈ છે અને ઓઠુ લે છે તે કાયદાના દૂરૂપયોગનું.ઘડીભર માની લઈએ કે કાયદાનો ગેરઉપયોગ થાય છે અને નિર્દોષો દંડાય છે. પણ તેનો મતલબ એ તો નહીં જ ને કે અત્યાચારની પોલીસ ફરિયાદ જ ન લેવાય ? જ્યારે સરકારો એ જાણે છે કે પોલીસ કોઈ પણ ગુનાની ફરિયાદ જ લેતી નથી અને એટલે પોલીસ ફરિયાદ ન લે તો શહેર કે જિલ્લાના ઉચ્ચ અધિકારીને કે મેજિસ્ટ્રેટને સીધી ફરિયાદ કરવાની જોગવાઈ થઈ હોય ત્યારે ખોટી ફરિયાદોની આળ લઈને સુપ્રીમ કોર્ટ પોલીસને પૂરતી તપાસ પછી અઠવાડિયે ફરિયાદ નોંધવાની છૂટ આપે તેનાથી નુકસાન તો પીડિતને જ થવાનું છે. આટલું સાદુ સત્ય સર્વોચ્ચ અદાલતને કેમ સમજાયું નહીં હોય.

૧૯૮૯નો અત્યાચાર અટકાવ ધારો ખાસ જોગવાઈ ધરાવતો કાયદો છે .એટલે તેમાં આગોતરા જામીન અને તત્કાલ જામીન પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ ખાસ જોગવાઈને જ કાઢી નાંખી છે. આ કાયદાના પક્ષધરો અને કર્મશીલોની કાયમી ફરિયાદ તો એ રહી છે કે અદાલતો આગોતરા જામીન અને જામીન કાયદાની ઉપરવટ જઈને આપે છે. હવે સુપ્રીમ કોર્ટે જ તેને કાયદેસરતા બક્ષી છે!

સર્વોચ્ચ અદાલતે આટલી દૂરોગામી અસરો જન્માવતો અને અત્યાચારીઓને છૂટો દોર આપતો ચુકાદો આપતાં પૂર્વે માનવ અધિકાર પંચ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ, જનજાતિ અને સફાઈ કામદાર પંચનો કોઈ અભિપ્રાય કેમ જાણ્યો નહીં હોય તે પણ સવાલ છે. દિનબદિન અત્યાચારો વધતા રહે છે અને સજાનું પ્રમાણ ઘટતું રહે છે. ખાસ અદાલતોની જોગવાઈ છતાં અત્યાચારના લાખો કેસો અદાલતોમાં લંબિત પડ્યા છે તે ખરી સમસ્યા છે તેના તરફ અદાલતોનું ધ્યાન ક્યારે જશે ?

બથાની ટોલા, લક્ષ્મણપુર બાથે, કરમચેડુ, ત્સુંદૂર અને ખેરલાંજી જેવા મોટા દલિત હત્યાકાંડોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે કે પૂરતો ન્યાય મળ્યો નથી. ૨૦૧૦માં સરકારી ચોપડે નોંધાયેલા દલિત અત્યાચારના બનાવોની સંખ્યા ૪૦,૪૮૧ હતી જે વધીને ૨૦૧૬માં ૪૫,૨૮૬ થઈ હતી. તેની સામે  આ જ વરસોમાં સજાનો દર  ૩૮.૪ ટકા હતો તે ઘટીને ૧૬.૩ ટકા થયો છે. અત્યાચારો વધે પણ સજાનો દર ઘટે તેનો અર્થ ખોટા કેસો નથી પરંતુ પોલીસ તપાસમાં ઉણી ઉતરે છે તે છે.

દલિત અગ્રણી વાલજીભાઈ પટેલે કરેલા એક અભ્યાસમાં એ હકીકત ઉજાગર થઈ હતી કે ગુજરાતમાં પાટણ જિલ્લાની સ્પેશયલ કોર્ટોએ ઓગસ્ટથી ઓકટોબર ૨૦૦૩ના ત્રણ માસમાં એટ્રોસિટી કેસના ૨૨ ચુકાદા આપ્યા હતા ,જે તમામમાં આરોપીઓ નિર્દોષ  છૂટી ગયા હતા. પણ આ તમામ જજમેન્ટોમાં કોર્ટોએ પોલીસ અધિકારીઓ વિરુધ્ધ તપાસમાં બેદરકારી દાખવવા બદલ ગંભીર ટીકાઓ કરી હતી.  જોકે સરકારે તે પોલીસ અધિકારીઓ સામે ક્યારેય કોઈ પગલાં લીધાં નહોતા.

રાજકારણીઓ અને પોલીસ સહિતના વહીવટીતંત્રની આ કાયદા અંગે ચતુરાઈભરી ઉદાસીનતા અને ઉપેક્ષાનું એક ઉદાહરણ એ પણ છે  કે નરેન્દ્ર મોદીએ પોતાના ૧૪ વરસના મુખ્યમંત્રીકાળમાં ૨૮ વખત અત્યાચાર કાયદાની સમીક્ષા બેઠક બોલાવવી જોઈતી હતી પણ તેના ચોથાભાગની પણ બોલાવી નહોતી. આવી બેઠકોમાં તેમણે કહેલું, “ અત્યાચાર ધારાના નિયમોનો અજાણતા દુરુપયોગ ના થાય તે માટે દરેક વ્યક્તિએ તેનો સભાનતાથી ઉપયોગ કરવો જોઈએ. આપણા સમાજજીવનમાં કોઈનો પક્ષ લઈને કોઈને રંજાડવાનો કાર્યક્રમ કરવાનો નથી.” એટ્રોસિટી એકટના દુરુપયોગ અગે વડાપ્રધાન અને સર્વોચ્ચ અદાલત એક જ વેવલેન્થ પર વિચારતા હોય તે જોગાનુજોગ દેશના દલિત આદિવાસીઓના લમણે લખાયેલો છે.

*સંપર્ક:  maheriyachandu@gmail.com

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s