કાંતિલાલ પરમાર*/
ડો.બાબા સાહેબ આંબેડકરનો જન્મ ૧૪ અપ્રિલ ૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશમાં મહુની લશ્કરી છાવણીમાં થયો હતો. પિતાનું નામ રામજી માલોજી સકપાલ, માતાનું નામ ભીમાભાઇ હતું. તે ચૌદમું સંતાન હતા. એમનું મૂળ વતન મહારાષ્ટ્રમાં આવેલ કોંકણ પ્રદેશના રત્નાગીરી જીલ્લાનું આંબાવડે ગામ હતું. તેઓ આછુત ગણાતી મહાર જ્ઞાતિ માંથી આવતા હતે તેઓનું કુટુંબ કબીર પંથી હતું. તેઓનું નામ ભીમરાવ હતું અને બધા લાડથી “ભીમા” કહીએ બોલાવતા હતા.
આ સમય ગાળામાં અંગ્રેજોનું શાસન હતું જેમાં અછુતોને કોઈ અડકતું નહિ, જાહેર/કુવા તળાવમાંથી પીવાનું પાણી ભરી નાં શકાય, મંદિરમાં નાં જવાય, જાહેર રસ્તાઓ પર ચાલી ના શકાય નિશાળોમાં ભણવા માટે ના દાખલ કરે, સારા કપડા પહેરી ના શકાય, ગામની બહાર છેવાડે રહેવાનું પડતું હતું.
ડો. બાબા સાહેબના પિતા નોકરીમાંથી નિવૃત થયા બાદ દાપોલી, સતારા, અને મુંબઈમાં આવી રહ્યા હતા. ડો. આંબેડકરની ઉમર છ વર્ષની હતી ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું,. ડો. આંબેડકરે સતારાની પ્રતાપરાય સ્કુલમાં અભ્યાસ માટે દાખલ ત્યાં હતા ત્યારે તેમને આભડછેટનો કડવો અનુભવ થયેલ જે સમગ્ર જીવનભર આંખની સામે રહ્યા. વર્ગની બહાર બેસી ભણવું પડે, સ્કુલમાં પાણી પી શકાય નહી, કાળા પાટિયા પાસે જઈ દાખલો ગણી ના શકાય, શિક્ષકને પ્રશ્ન ના પૂછી શકાય, બેસવા માટે ઘેરે થી કંતાનનો ટુકડો લઇ જવો પડે, અને ગૃહ કાર્ય દુરથી બતાવવું પડે. આવી યાતનાઓ તેમને વેઠી હતી. શાળામાં એક બ્રાહ્મણ શિક્ષકને બાબા સાહેબ ખુબ વહાલા હતા તેમને ભીમરાવના ગામ પરથી તેમની અટક ‘આંબાવડેકર’ બોલતા તકલીફ પડતી તેથી શિક્ષકે પોતાની અટક ‘આંબેડકર’ ભીમરાવને આપી દીધી જે કાયમ રહી.
મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કુલમાં ૧૯૦૭ માં બાબા સાહેબ મેટ્રિક થયા. ગરીબાઈને લીધે વધુ અભ્યાસ શક્ય નહોતો પરંતુ કૃષ્ણાજી કેળુંસકર દ્વારા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસેથી શિષ્યવૃતિ મેળવી આપી એ રીતે આંબેડકર ૧૯૧૨માં ગ્રેજ્યુએટ થયા. ઈ.સ. ૧૯૦૬માં આંબેડકરના લગ્ન નવ વર્ષની રમાબાઈ સાથે થયા હતા અને સ્નાતક થયા ત્યારે તેઓ એક બાળકના પિતા હતા.
ગ્રેજ્યુએટ થઈને એમને વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી પરંતુ તેમને ક્યાંય મકાન ના મળ્યું, ના ખાવા પીવાની વ્યવસ્થા થઇ શકી, દસેક દિવસ વીત્યા હશે ત્યાં તેમના પિતાના મૃત્યુના ખબર મળતા તેઓ મુંબઈ પરત આવ્યા.
સયાજીરાવની મદદ થી ૧૯૧૩ માં અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સીટીમાં એડમીશન લીધું જ્યાં એક પ્રબંધ લખી એમ.એ. થયા. ૧૯૧૬માં મેં માસ માં કોલમ્બિયા યુનિવર્સીટીમાંથી તેઓ પી.એચ.ડી. થયા. ત્યાર બાદ લંડનમાં ‘ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ એન્ડ પોલીટીકલ સાયન્સ’માં તેમજ કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે ‘ ગ્રેઝ ઇન’ માં પ્રવેશ મેળવ્યો. પરંતુ વડોદરા રાજ્યની આર્થીક સહાયની મુદત પૂરી થતા બેરિસ્ટરનો અભ્યાસ અધુરો છોડી ૧૯૧૭માં મુંબઈ પરત આવ્યા.
વડોદરા રાજ્યની શિષ્યવૃતિની શરત મુજબ રાજ્યમાં ‘ લશ્કરી સચિવ’ તરીકે નોકરીમાં જોડાયા. વિશ્વની સુપ્રસિદ્ધ યુનિવર્સીટીઓમાંથી ભણીને ઉચ્ચ ડીગ્રીઓ મેળવી હોવા છતાં તેમનું જન્મે અછૂત હોવાનું આડે આવ્યું. ઓફિસમાં પટાવાળા માન ના જાળવે, ફાઈલ દુરથી ફેકે, કચેરીમાં પ્રવેશે તો નીચે પાથરેલી જાજમનો વીટો વાળી લે, પાણીનો ગ્લાસ દુરથી આપે. રહેવા માટે ઘર ના મળ્યું એટલે જાતિ છુપાવી પારસી બનીને એક વીશીમાં રહ્યા પણ તેઓને ખબર પડતા ૨૪ કલાકમાં મકાન ખાલી કરવાનું કહ્યું અને તેમનો માલ સામાન ઘરની બહાર ફેકી દીધો. ડો.આંબેડકર આ દુ:ખદ અનુભવ વર્ણવતા લખે છે, ‘હું આખો દિવસ મકાન માટે ભટક્યો, મને ક્યાંય મકાન ન મળ્યું, મારા કેટલાક હિંદુ, ખ્રિસ્તી, મુસ્લિમ મિત્રોને મળ્યો પરંતુ તેમેણે જુદાજુદા બહાના કાઢ્યા મારી મતિ મૂંઝાઈ ગઈ, મને કશું સુઝતું નહોતું કે હવે મારે શું કરવું? મારું હૃદય ભરાઈ આવ્યું, એક વૃક્ષ નીચે બેસી ચોધાર આંસુએ રડી પડ્યો’ અને આમ અપમાનિત થઈને ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ ના દિવસે વડોદરા છોડ્યું .’
અસ્પૃશય સમાજમાં જન્મને કારણે થયેલ આ અહવેલનાએ ડો. આંબેડકરની જિંદગીની દિશા બદલી નાખી. વડોદરાનો અનુભવ એમના જીવનનું વળાંકબિંદુ બની રહ્યો.જે સમાજમાં જન્મ્યા છે તેના પરના અત્યાચારો, અનાચારો અને શોષણને નાબુદ કરવાના સંઘર્ષના બી વવાયા.
ડો.આંબેડકરની મૈત્રી કોલ્હાપુરના રાજા છત્રપતિ શાહુ મહારાજ સાથે થઇ અને અશ્પૃસ્યોદ્ધારના તેમના કાર્યોમાં જોડાયા અને જાહેર જીવનની શરૂઆત એક દલિત પી.બાલુ. નામના ક્રિકેટરના સન્માન સમાંરભમાં રસ લઇ, માનપત્રનો મુસદ્દો ધડવો તે પ્રથમ જાહેર કાર્ય હતું. આંબેડકરે પોતાના જીવન કાર્યનો આરંભ ‘હોમ રુલ’ ની માંગણી કરતા ભારતીઓ માટે નીમાયેલા ‘મોન્ટેગ્યું – ચેમ્સ્ફર્ડ સુધારા’ અંગેની સાઉથ બરો સમિતિ સમક્ષ અશ્પૃશ્યોના મતાધિકાર માટેનું આવેદનપત્ર આપીને કર્યો.
૧૯૨૦ માં ડો. આંબેડકરે ‘મૂક નાયક’ નામનું પાક્ષિક શરુ કર્યું. ૧૯૨૪ માં બહિષ્કૃત હિતકારિણી સભા’ ની સ્થાપના કરી. જેનો મુદ્રા લેખ તરીકે ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’ નો ત્રીમંત્ર નક્કી કર્યો.
૧૯૨૭ ની ૧૯-૨૦ માર્ચના દિવસે પાણી માટે મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાના મહાડ શહેરમાં આવેલ તળાવમાં પાણી માટેનો ‘જળ સત્યાગ્રહ માટે વિશાલ સભા ભરી ડો. આંબેડકરની આગેવાની નીચે દલિતો ચવદાર તળાવ માંથી અંજલી પાણી પીને પોતાનો અધિકાર પ્રસ્થાપિત કર્યો. દલિતોના તમામ દુઃખનું મૂળ એવા હિંદુ ધર્મગ્રંથ ‘ મનું સ્મુર્તી’ નું જાહેરમાં ૨૫ મી ડીસેમ્બર ના દિવસે જાહેરમાં દહન કર્યું.
૧૯૨૭ માં દલિતોના અધિકારો માટે બીજું મુખ પત્ર ‘બહિષ્કૃત ભારત’ શરુ કર્યું. તેના દ્વારા દલિતોમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો. ૧૯૨૮ માં ડો. આંબેડકર મુંબઈની સરકારી લો કોલેજમાં કાયદાશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. આ સમયે ભારતને રાજકીય અધિકારો આપવા માટે વિચારણા કરવા સાઈમન કમીશન ભારતમાં આવ્યું બહિષ્કૃત હિતકારિણી સભા’ દ્વારા ડો. આંબેડકરે દલિતોના અધિકારોની કમીશન સમક્ષ રજુઆતો કરી હતી.
ડો.આંબેડકરે ૧૯૩૦ માં નાસિકના કાલારામ મંદિરમાં દલિતોના મંદિર પ્રવેશ માટેનો સત્યાગ્રહ કર્યો જે એક વર્ષ સુધી ચાલ્યો.
ઈંગ્લેંડમાં ૧૯૩૦ માં બાબા સાહેબ આંબેડકરે પ્રથમ ગોળમેજી પરીષદમાં ભાગ લીધો જેમાં દલિતોના રાજકીય gઅને સામાજિક તેમજ આર્થિક અધિકારોની માંગણી કરી હતી.
લઘુમતીઓના પ્રશ્નો અને બંધારણ સર્જન માટે ૧૯૩૧માં બીજી ગોળમેજી પરીષદમાં ગાંધીજીએ દલિતોને હિંદુઓથી અલગ ગણવાનો સાફ ઇનકાર કર્યો. લઘુમતીઓના પ્રશ્ને અંતિમ નિર્ણયકરવાની સતા બ્રિટીશ વડા પ્રધાનને આપવામાં આવી તે મુજબ રામ્સે મેડોનાલ્ડે જે કોમી ચુકાદો જાહેર કર્યો તેમાં દલિતોને અલગ મતાધિકારનો સ્વીવ્કાર કર્યો.આથી ગાંધીજીએ તેમાં વિરોધમાં પુનાની યરવડા જેલમાં તા.૨૦ મી સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ આમરણ ઉપવાસ શરુ કર્યા. ગાંધીજીના ઉપવાસને લીધે દેશભરમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિરુધ્ધ વાતાવરણ ઉભું થયું. દલિતોની વસ્તીઓ બાળી નાખવાની ધમકીઓ મળી. દલીતીઓના હિતોને ધ્યાનમાં રાખીને અને ગાંધીજીની જિંદગી બચવવા માટે બાબા સાહેબે પોતાના જીવનભરના સંધર્ષના પરિણામે મળેલા દલિતોના અધિકારો જતા કરવા પડેલા અને માત્ર અનામત બેઠકોથી સંતોષ માનવો પડ્યો. આ સમજુતીને “પુના કરાર“ તરીકે ઓળખવામાં આવે છે.
ડો.બાબા સાહેબ આંબેડકરે શિક્ષણ માટે કોલેજ અને છાત્રાલયો શરુ કાર્ય હતા અને વિદેશ વધુ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરેલ હતી.
ડો.બાબા સાહેબ આંબેડકરના વડપણ નીચે બંધારણ ઘડવા માટેની સાત સભ્યોની ‘’મુસદા સમિતિ’’ બનેલ જેને ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસમાં બંધારણ ઘડ્યું હતું.
બંધારણમાં દરેક નાગરિકોને મૂળભૂત અધિકારો જેવા કે સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરુધ્ધના અધિકારો, સાંકૃતિક અને શૈક્ષણિક, અશ્પૃશ્તા નાબુદી, ભેદભાવ પર પ્રતિબંધ,પોતાની મરજી મુજબ ધર્મ પાળવાનો, અને જીવન જીવાવના અધિકારો અને સામજિક, આર્થીક અને રાજકીય આઝાદી આપેલ છે. રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલ છે. લોકોના હાથમાં સતા આપેલ છે જે પંચાયતો થી લઈને સંસદ સુધી જોઈ શકાય છે.
૨૬ નવેમ્બેર ૧૯૪૯માં બંધારણ સભાએ આ બંધારણો સ્વીકાર કર્યો અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે બંધારણનો અમલ શરુ થયો. આ દિવસથી દેશ પ્રજાસતાક બન્યો.
દલિતો, આદિવાસીઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે બંધારણમાં ખાસ શિક્ષણ, નોકરીઓમાં અને રાજકીય રીતે અનામતની જોગવાઈઓ કરેલ છે.
આઝાદ ભારતના પ્રથમ કાયદા, અને શ્રમ પ્રધાન તેઓ બનાયા હતા. મજૂરો મહિલાઓના અધિકારો માટેના ઘણા કાયદાઓબનાવ્યા હતા. તેઓ એ મહિલાઓના અધિકારો માટે ‘’ હિદુ કોડ બીલ’’ ના મુદ્દે પ્રધાન મંડળમાંથી રાજીનામું આપ્યું હતું.
અસ્પૃશ્યતા નાબુદી અને જાતિવિહીન સમાજની રચના માટે તેઓ જીવનભર લડ્યા અને તેમને હિંદુ ધર્મમાં રહેલ વર્ણ વ્યવસ્થા સામે, જાતિને દલિતો અને બીજા પછાત વર્ગો સાથે થતા ભેદભાવના મુદ્દે તેમણે બંડ પોકાર્યું અને ૧૪ ઓકટોબર ૧૯૫૬ ના દિવસે ૫ લાખ લોકોની હાજરીમાં બોદ્ધ ધર્મ અપનાવ્યો.
૬ થી ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ તેઓએ દિલ્હીમાં દેહનો ત્યાગ કર્યો હતો તેનું પાર્થિવ શરીર મુંબઈમાં લાવવામાં આવેલ અને ચેતન્યભૂમિમાં તેમનો અંતિમસંસ્કાર કરાયો હતો.
૧૯૯૦ માં ડો. બાબા સાહેબ આંબેડકરને ભારત સરકાર દ્વારા “ભારત રત્ન’’ થી સંન્માંનીત કર્યા હતા. આજે દેશ બાબા સાહેબની ૧૨૫ મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે.
જ્યાં સુધી માનવજાતના ઇતિહાસમાં ગેર બરાબરી, જાતિ પ્રથા, ગરીબો પર અત્યાચાર, અનાચાર, શોષણ, અને દમન હશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો.બાબા સાહેબનું નામ અમર રહેશે. બાબા સાહેબના એક સાથી શ્રી શિવરાજે એમના નિર્વાણ વખતે કહેલ કે “ જીવતા આંબેડકર કરતા મૃત્યુ પામેલા આંબેડકર અધિક બળવાન છે. જે વાત આજે દેશભરમાં જાગ્રત થતી દલિત ચેતનાના સંદર્ભમાં સંપૂર્ણ સાચી છે.”
ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, દલિતો શોષિતો, પીડિતોના મસીહા, પ્રકાંડ પંડિત, જીવનભર દલિતો અને શોષિતોના અધિકારો માટે સંઘર્ષ કરનાર, અને ભારત બંધારણના ઘડવૈયા એવા ડો.બાબા સાહેબને કોટી કોટી વંદન…
—
*નવસર્જન ટ્રસ્ટ, અમદાવાદ, ગુજરાત