માય લોર્ડ, હું સંપૂર્ણ માન સાથે કહું છું… તમે ભગવાન નથી

bharat-bandh-3

માર્ટિન મેકવાન/

નિર્દોષ નાગરિકોને તેમની સાથે થતા ખોટા ફોજદારી કેસોથી બચાવવા એ  મારા મતે વિશ્વનું  સૌથી ઉમદા કાર્ય છે. જો કે આ બાબતમાં ભારતે કશું નવું નથી કર્યુ. જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થામાં ‘નિર્દોષતા’ વિશેનો ખ્યાલ ઘણો જટીલ બની રહે છે. આપણા સમાજમાં નાગરિકનો દરજ્જો તે કઇ જ્ઞાતિમાં જન્મ્યો છે એના આધારે નક્કી થાય છે અને આ જ્ઞાતિ સાથે શુદ્ધતા અને અશુદ્ધતા, ઉચ્ચ-નિચ્ચનાં ખ્યાલો જોડાયેલા છે. આ જ્ઞાતિ વ્યવસ્થામાં અસ્પૃશ્યતાના વિવિધ સ્વરૂપો અભિન્નરૂપે  જોડાયેલા છે.

વળી અસ્પૃશ્યતા એ ભગવાનનું સર્જન છે એમ ઠસાવવામાં આવે છે. ભારતમાં કાયદા દ્વારા, માત્ર જાહેરમાં કોઇ વ્યકિત સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવો એ ગુનાપાત્ર કૃત્ય છે. આમ છતાં, આઝાદીના સાત દાયકા પછી પણ ‘માથે મેલું ઉપાડવાની પ્રથા’ અને અસ્પૃશ્યતા આજે ય વરવી વાસ્તવિક્તા છે ! આ પ્રકારની હીણપતભરી બાબતોને આપણી લોકશાહી વ્યવસ્થાએ અનુચિત નથી ગણી તે દુઃખદ બાબત છે. આ દેશે જ્ઞાતિને રાષ્ટ્રવિરોધી , અતાર્તિક, અનૈતિક કે આધાર્મિક જાહેર કરી નથી.

તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ બાબતે જાહેર કરવામાં આવેલી વિવાદાસ્પદ માર્ગદર્શિકા જ્ઞાતિગત માનિકતાથી પર નથી. આપણી લોકશાહીમાં નોકરશાહો, રાજકારણીઓ, ધાર્મિક નેતાઓ દ્વારા થતા જ્ઞાતિ-આધારિત ભેદભાવને ચકાસવાની પુરી વ્યવસ્થા છે પણ ન્યાયાલયમાં નથી. આ ચર્ચા સમયે, ગુજરાતના ધંધુકામાં બનેલો એક બનાવ યાદ આવે છે. 1994માં ચોરેલી સાયકલ ખરીદવા બદલ પોલીસે એક દલિત યુવાનને બેરહેમીથી માર માર્યો હતો. પોલીસે તેને 36 કલાક કસ્ટડીમાં રાખ્યો હતો. પોલીસે એને એટલો બધો માર માર્યો હતો કે, તે પોતાના પગ ઉપર ઉભો પણ રહી શકતો નહોતો.

આ પરિસ્થિતિમાં પોલીસે આ યુવાનના નાના ભાઇને આરોપી તરીકે કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યો. આ પછી ઇજાગ્રસ્ત દલિત યુવાનને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો. ઇજાના નિશાન જોઇ ડોક્ટરે પોલીસને જાણ કરી. ભોગ બનનાર યુવાને પોતાને પોલીસ માર માર્યાનો ઉલ્લેખ કર્યો એટલે ડોક્ટરે તેની સારવાર કરવાની ના પાડી. આ પછી યુવકનું મૃત્યુ થયુ. પોલીસે એવી વાર્તા ઉપજાવી કે, એ યુવાને તેના ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી. વક્રતા એ છે કે, જે યુવાન પોતાના પગ ઉપર ઉભો રહેવા સક્ષમ નહોતો તેણે ગળેફાંસો ખાધો!

આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલ્યો. કેસની સુનાવણી દરમિયાન હું હાજર હતો. સરકારી વકીલ પોલીસને બચાવી રહ્યા હતા. જ્યારે ન્યાયાધીશે સરકારી વકીલને પ્રશ્નો કર્યો કે, જો આ જગ્યાએ કોઇ પોલીસમેન હોત તો?  આ પ્રશ્નના જવાબમાં સરકારી વકીલે દલીલ કરી કે, “કાયદો વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે.”

આ પછી મેં સાંભળ્યુ હતુ કે, આ સરકારી વકીલની હકાલપટ્ટી થવાને બદલે બઢતી મળી અને આગળ જતા આ મહાશય મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયાધીશ બન્યા.  આ કેસ આગળ ચાલ્યો. જે ડોક્ટરે દલિત યુવાનના શરીર પર ઇજાના નિશાનની નોંધ કરી હતી એ કોર્ટમાં ફરી ગયો અને કહયુ કે, તેણે ભુલથી એ વિગતો નોંધી હતી. તે ડોક્ટર પણ દલિત હતો. પોલીસકર્મીઓ નિર્દોષ છૂટી ગયાં. કાયદાનો દૂરઉપયોગ થયો પણ ભોગ બનનાર દ્વારા નહિ, કિન્તુ સરકારી વકીલ, પોલીસ અને સરકારી ડોક્ટર દ્વારા થયો. કાયદાએ તમામ લોકોને બચાવી લીધા પણ ભોગ બનનારને બચાવી ન શકાયો.

ઘણી વખત મને ભોપાલ સ્થિત નેશનલ જ્યુડિશીયલ એકેડમી ખાતે ન્યાયાધીશો સમક્ષ લેક્ચર આપવા માટે બોલાવવામાં આવે છે. એક વખત હું ‘એટ્રોસિટી એક્ટ’ વિશે બોલતો હતો ત્યારે એક વરિષ્ઠ ન્યાયાધીશે કહ્યું કે, ‘જો આપણે વેદ અને પુરાણોએ દર્શાવેલા રસ્તા પર ચાલીએ તો આ દેશને કાયદાની જરૂર જ ન રહે!’

સેશન્સ કોર્ટના એક ન્યાયાધિશે મને કહ્યું હતું કે, તેમને તેમના સિનીયર ન્યાયાધિશે જણાવ્યું હતુ કે, બહુ બધા લોકોને એટ્રોસિટી એક્ટ નીચ દોષિત ન ઠેરવો અને આવા કેસો ધીરે-ધીરે ચલાવો. એટ્રોસિટી એક્ટ નીચેના કેસો ચલાવતી અદાલતોમાં ન્યાયાધીશો ખટલો શરૂ થાય એ પહેલા ફરીયાદીને સમજૂતી કરવા માટે સલાહ આપે છે. આવાં દ્રશ્યો બહુ સામાન્ય છે. આ સંજોગોમાં, ભારતની ચોથા ભાગની વસ્તી એવા-દલિતો અને આદિવાસીઓ-એમ કહે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા ‘સુપ્રિમ’ નથી અને તે ફેરવિચારણા માટે માંગણી કરે છે તે ઉચિત છે.

ગાંધી-આંબેડકર વચ્ચે થયેલી પુના કરાર (1932)ની ચર્ચા વખતે અસ્પૃશ્યતા નિવારણ ધારાની જરૂરિયાત વિશે પણ ચર્ચાઇ હતી અને એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે, જો તાત્કાલિક ધોરણે આ કાયદો ન ઘડાય તો, આઝાદ ભારતનો એ પ્રથમ કાયદો બનશે. અલબત્ત, 1955માં આ અંગે એક કાયદો પસાર કરવામાં આવ્યો. આ પછી ભારતે સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ 1976માં ઘડ્યો. આ કાયદાને વધુ મજબૂત કરવા માટે દેશના તમામ રાજકીય પક્ષોએ ભેગા મળી 2016માં આ કાયદામાં સુધારો કર્યો. આ કાયદામાં કાંઇ રાતોરાત સુધારો નહોતો થયો. ચાર વર્ષની લાંબી પ્રક્રિયા બાદ એમાં સુધારો કરવામાં આવ્યો હતો. મને એ બાબતનો પુરો વિશ્વાસ છે કે, જે ન્યાયાધીશોએ તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેઓ આ વિશે જરૂર જાણતા હશે.

સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અને ચુકાદો વાંચ્યા પછી હું મારો વિરોધ રજૂ કરુ છું. સુપ્રિમ કોર્ટે એ હકીકત ધ્યાનમાં લીધી નથી કે, દલિતો અને આદિવાસીઓ ઉપર થતા તમામ અત્યાચારો ગુના તરીકે નોંધાતા નથી. ‘નવસર્જન સંસ્થા’ દ્વારા કરવામાં આવેલો અભ્યાસ સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ (1994)માં પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં એવું તારણ આવ્યુ હતું કે, ભોગ બનનારને પોલીસ એવો ભ્રમ પેદા કરે છે કે, તેમની ફરીયાદ નોંધાઇ ગઇ છે પણ હકીકતમાં પોલીસે તેમની ફરીયાદને એફઆરઆઇના રૂપમાં નોંધતી નથી. શું રાજ્ય દ્વારા કાયદોનો દૂરઉપયોગ નથી?

ભારત દેશના નાગરિકોના હકોના રક્ષણ બાબતે ન્યાયાધિશો પાસે કોઇ શબ્દો છે? સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશો દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે, તેમણે નવી માર્ગદર્શિકા જાહેર કરીને, કાયદાને નબળો પાડ્યો નથી. આ વાત લોકોની આંખમાં ધૂળ નાંખવા સમાન છે. કારણ કે, ફરીયાદ નોંધવા માટે મોડુ કરી આખી પ્રક્રિયાને નબળી પાડી દીધી છે.

અંતમાં, મારે એટલુ જ કહેવુ છે કે, જે દિવસે સુપ્રિમ કોર્ટે આ વિશે આદેશ કર્યો તે જ દિવસે કેન્દ્ર સરકાર રાહ જોવાને બદલે, કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી શકી હોત અને ભારતમાં થયેલા વિરોધ પ્રદર્શનોને રોકી શકાયા હોત. આ પ્રદર્શનોમાં દસ લોકોના જીવ હોમાયાં. મારા મતે એ બધા જ લોકો દલિતો છે, જે લોકો સમાનતામાં માને છે. ‘પુના કરાર’ પછીની કડવી અને દુ:ખદ ઘટના બાદ ગાંધીજીએ તેમના સાથીઓને કહ્યુ હતુ કે, આપણે અસ્પૃશ્યો સાથે એટલો મોટો અન્યાય કર્યો છે કે, જો તેઓ આપણા માથાં ફોડી નાંખે તો પણ આપણે ફરીયાદ કરવી ન જોઇએ”.

જ્ઞાતિગત ભેદભાવોના મૂળીયા ખૂબ ઊંડા અને વ્યાપક છે અને આ વ્યવસ્થાને જડમૂળથી દૂર કરવા માટે કાયદાના હાથ બહુ ટૂંકા પડે છે. જો ન્યાયાલયના તમામ તબક્કે, જ્ઞાતિ આધારિત અનામત દાખલ કરવાની માંગ કરવામાં આવે, તો એ બિલકૂલ તર્કસંગત છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s