ગુજરાતમાં એક ટકા આદિવાસીઓને પણ જંગલની જમીનની માલિકી આપી નથી

પૌલોમી મિસ્ત્રી, હેમંતકુમાર શાહ*/

હાલ વિધાનસભાના સત્રમાં તા ૨૧-૦૩-૨૦૧૮ને બુધવારના રોજ  અનુસૂચિત આદિ જાતિ કલ્યાણ અને આદિ જાતિ વિસ્તાર પેટા યોજનાની માગણીઓના સંદર્ભમાં  પ્રશ્નોની ચર્ચા પર આદિ જાતિ વિકાસ મંત્રી શ્રી ગણપત વસાવાએ આપેલો જવાબ અર્ધસત્ય છે અને જમીની હકીકત કરતાં ખોટા છે. વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ના અમલમાં ગુજરાત સરકાર બિલકુલ બેજવાબદાર અને મનસ્વી રીતે વર્તે છે તે એનાથી સાબિત થાય છે. આ સંદર્ભમાં અમે નીચેના મુદ્દા રજૂ કરીએ છીએ:

 1. ગુજરાત સરકારના આદિ જાતિ વિભાગની વેબસાઈટ ઉપર તા. ૩૦/૧૧/૧૭ ના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ૧,૮૨,૮૬૯ વ્યક્તિગત દાવાઓ  નોંધાવવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર  ૮૧,૧૭૮ દાવાઓ જ મંજૂર કરવામાં આવ્યા છે. શા માટે બાકીના દાવા સરકાર મંજૂર કરતી નથી તેનાં કારણો સરકાર રજૂ કરતી જ નથી.
 2. આદિવાસી ખેડૂતોને ૧૨૭૦૬૮.૩૨ એકર જમીનના અધિકારપત્ર  આપવામાં આવ્યા  છે. આમ, ખેડૂત દીઠ સરેરાશ ૧.૫૭ એકર જમીન થાય છે. હકીકતમાં વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ મુજબ  જંગલ જમીન ખેડતા ખેડૂતોએ ૧૦ એકરની મર્યાદામાં  પોતાના જમીનના કબજા મુજબ દાવો કર્યો હોય છે એટલે તેટલી જમીન તેમને કાયદા હેઠળ મળવાપાત્ર છે. પરંતુ તેમને સરકાર એક અધિકારપત્ર આપે છે અને તેમાં તેમના દાવા કરતાં ખૂબ જ ઓછી જમીન લગભગ ૧/૧૦  (ગુંઠામાં) આપીને ખેડૂતોની મજાક ઉડાડવામાં આવે છે.  ગુજરાતમાં આશરે ૯૯ ટકા કિસ્સામાં આમ જ બન્યું છે.
 3. ભારતના વન અધિકાર માન્યતા નિયમ-૨૦૦૭ની કલમ-૮(ઝ) મુજબ આદિવાસીઓને જમીનની માલિકીની સનદ સરકાર દ્વારા અપાવી જોઈએ. જ્યારે ગુજરાત સરકારે ખેડૂતોને અધિકારપત્ર આપ્યા છે. આવા અધિકારપત્રોનું કોઈ જ કાનૂની મૂલ્ય જમીનની માલિકીની દૃષ્ટિએ નથી. અધિકારપત્રને બદલે તાત્કાલિક માલિકીની સનદ આપવામાં આવે. આ સૌથી ગંભીર મુદ્દો છે અને તે માટે તત્કાલ પગલાં લેવામાં આવે એ તે જરૂરી છે. મંત્રી એ જણાવતા જ નથી કે ખરેખર કેટલા આદિવાસીઓણે જમીનની માલિકી સોંપવામાં આવી છે.
 4. ભારત સરકારના આદિવાસી મંત્રાલયની વેબસાઈટ પર તા. ૧૧.૦૧.૨૦૧૬ના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર ૭,૨૨૪ સામૂહિક દાવાઓ નોંધાવવામાં આવ્યા હતા અને તેમાંથી ૪,૫૯૭ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા. તે જ  વેબસાઈટ પર તા. ૩૦/૧૧/૨૦૧૭ રોજ છેલ્લે મૂકેલી માહિતી અનુસાર માત્ર ૩૫૧૬ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે. તેનો અર્થ કે ગુજરાત સરકારે ૧૦૮૧ સામૂહિક દાવા રદબાતલ  કર્યા છે. આ દાવા વિષે કોઈ વિગત જ મળતી નથી. સામૂહિક દાવા એટલા માટે મંજૂર કરવામાં આવતા નથી કે જંગલ ખાતું તેનો જમીન પરનો માલિકીનો અધિકાર છોડવા માગતું નથી. જો સામૂહિક દાવો ગામ દીઠ મંજૂર થાય તો ગામની બધી જમીન ગામની માલિકીની બને છે અને ત્યારે તેમાં આવેલાં તમામ  કુદરતી સંસાધનોની માલિકી પણ ગામની બને છે. માટે જ ગુજરાત સરકારના જંગલ ખાતાને આદિવાસીઓને જમીનની માલિકીનો સામૂહિક અધિકાર આપવામાં રસ નથી.
 5. ભારત સરકારના આદિવાસી મંત્રાલયની વેબસાઈટ પર તા. ૩૦/૧૧/૨૦૧૭ ના રોજ છેલ્લે મૂકેલી માહિતી અનુસાર વ્યક્તિગત દાવાઓના કિસ્સામાં આદિવાસીઓને જમીન ફાળવવાની બાબતમાં ગુજરાત  રાજ્ય અન્ય સાત રાજ્યો કરતાં પાછળ છે. આ સાત રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ઝારખંડ, કેરળ, ઓદીશા, રાજસ્થાન, તેલંગણા અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. સામૂહિક દાવાઓ હેઠળ જમીન ફાળવવાની બાબતમાં પણ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ કરતાં પણ ગુજરાત પાછળ છે.
 6. જે દાવા નામંજૂર થયેલ હોય તેવા દાવેદારને સામૂહિક નોટિસ તલાટીને મોકલવામાં આવે છે અને આદિવાસી દાવેદાર કે સ્થાનિક વન અધિકાર સમિતિ સુધી તેની જાણકારી સમયસર પહોંચતી નથી. પરિણામે તે અંગે કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને નામંજૂર થયેલા દાવાઓની દાવા સામેની અપીલ અરજી સરકારે સ્વીકારવી જોઈએ. જે ખેડૂતોએ દાવા કરેલા છે તેવા તમામને વ્યક્તિગત રીતે જવાબો મળવા જોઈએ કે જેથી તેઓ તે અંગે અપીલ કરી શકે તેમ જ રજૂઆત કરી શકે.
 7. આદિવાસી ખેડૂતોએ વ્યક્તિગત રીતે દાવા અરજી કરી હોય તેમ છતાં બેચાર જણાના નામ સાથે સામૂહિક ખેડાણનો હક્કપત્ર આપવામાં આવે છે. ખરેખર તો તેના બદલે વ્યક્તિગત હક્કપત્ર કે સનદ આપવાં જોઈએ.
 8. દાવેદાર ખેડૂતોનો સ્થળ પર કબજો હોવા છતાં જંગલ ખાતાના અભિપ્રાય જ માન્ય રાખી હાલ આદિવાસી ખેડૂતો કબજો ધરાવતા નથી તેવું જણાવી દાવા નામંજૂર કરવામાં આવે છે. આવા તમામ કિસ્સામાં વન અધિકાર સમિતિ દ્વારા દાવેદારની દાવાવાળી જમીનની સ્થળ ચકાસણી થવી જોઈએ અને દાવા મંજૂર કરી સનદ આપવી જોઈએ.
 9. દરેક દાવેદાર ખેડૂતને એક જ પ્રકારની નોટિસ આપવામાં આવે છે, જેથી દાવેદારને કયો પુરાવો ખૂટે છે તેની ખબર પડતી નથી. કાયદાની જોગવાઈ મુજબ માલિકી માટે કોઈ પણ બે પુરાવા હોવા જોઈએ. આવા બે પુરાવા રજૂ થયા હોવા છતાં પણ ખોટા વાંધા કાઢીને અરજી મંજૂર કરવામાં આવતી નથી.
 10. દાવા અરજીઓમાં માત્ર જંગલ ખાતા દ્વારા આપેલ પહોંચને આધાર તરીકે ગણવામાં આવે છે. કાયદા મુજબ ગામના વડીલનું નિવેદન લેવાનું હોય છે અને તેનું પંચનામું થાય તો તેને માન્ય રાખવાનું હોય છે. આવી દાવા અરજીની ફરી ચકાસણી કરી દાવા મંજૂર કરીને સનદો આપવામાં આવે તે જરૂરી છે.
 11. બક્ષી પંચના ખેડૂતોએ દાવા અરજી સાથે પેઢીનામું જોડેલ હોવા છતાં તેઓ બિન-આદિવાસી હોઈ આ કાયદા મુજબ ૭૫ વર્ષ એટલે કે ત્રણ પેઢી પહેલાંની જંગલ જમીન ખેડાણ કબજાના જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી એમ કહીને તેમનો જંગલની જમીન પરનો ખેડાણ હક્ક સાબિત નથી થતો એમ કહેવામાં આવે છે અને છેવટે તેમના દાવા નામંજૂર કરવામાં આવ્યા છે. તેમની પણ સ્થળ ખાતરી કરી દાવા મંજૂર કરી સનદ આપવી જોઈએ.
 12. ગ્રામ સભાએ મંજૂર કરેલા દાવા પેટા વિભાગીય સમિતિએ આપખુદીથી અથવા પક્ષકારોને સાંભળ્યા વિના જ  દાવા નામંજૂર કરી દીધા છે. આ બાબત કાયદાની જોગવાઈ મુજબ તદ્દન ગેરબંધારણીય છે. કાયદો જમીનની માલિકી નક્કી કરવા માટે સર્વ સત્તા વન અધિકાર સમિતિ અને ગ્રામ સભાને આપે છે, પેટા વિભાગીય સમિતિને નહિ. આથી આવા તમામ દાવાની સ્થળ પર ચકાસણી કરી તેમનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આ ઉપરાંત, ખેડાણ હક્કના પુરાવા હોવા છતાં પ્રાંત કચેરીમાં વન ખાતાના પ્રતિનિધિ તથા પરિક્ષેત્ર વન અધિકારી ખોટા અભિપ્રાય આપે છે અને પછી એમને આધારે આદિવાસીઓના દાવા નામંજૂર કરવામાં આવે છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવાં જોઈએ અને તેમની બદલી કરવી જોઈએ.
 13. જંગલ ખાતું જે પાવતી આપે છે તેમાં જમીનનું જે માપ લખેલું હોય તેને મંજૂર કરવામાં આવે છે. પરંતુ ખેડાણ હેઠળ કબજો હોય તેટલી જમીનનો આદિવાસી ખેડૂતનો દાવો મંજૂર કરવામાં આવતો જ નથી. કાયદા મુજબ તેની સ્થળ પર ખાતરી કરવી જોઈએ અને ૧૦ એકરની મર્યાદામાં કબજાના હક્ક્વાળી જમીનની માલિકી સરકારે આદિવાસી ખેડૂતોને આપવી જોઈએ.
 14. હાલ આદિવાસીઓની દાવા અરજીઓનો નિકાલ થયો નથી તેમ છતાં જંગલ ખાતું ખેડૂતોને તેમની કબજા હક્ક્વાળી જમીનમાં વાવેતર કરતાં અટકાવે છે. એ જ જમીનમાં પ્લાન્ટેશન કરીને તેમનો કબજો છોડાવે છે. આવી અત્યાચારી કાર્યવાહી બંધ થવી જોઈએ અને આદિવાસીઓને જ્યાં સુધી તેમની અરજીઓનો નિકાલ ના આવે ત્યાં સુધી ખેતી કરવા દેવી જોઈએ. આદિવાસીઓના હાથમાંથી તેમની વર્ષો જૂની કબજાવાળી જમીન ઝૂંટવાઈ ન જાય તે માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. જંગલ ખાતા દ્વારા ખેડાણ હક્ક્વાળી જમીનમાં આદિવાસીઓને હેરાન કરતા કર્મચારી સામે પોલિસ ફરિયાદ થવી જોઈએ.
 15. કાયદાની જોગવાઈ મુજબ તા ૧૩/૧૨/૨૦૦૫ પહેલાંની ખેડાણ જમીન પર વસવાટ કે ખેતી અંગેનો કબજો ચાલુ હોય તેવા કેટલાક ખેડૂતો કોઈ કારણસર દાવા અરજી ફોર્મ ભરી ના શક્યા હોય તો તેવા ખેડૂતોને અરજી ફોર્મ ભરવા આપવાં કે જેથી તેમનો પોતાનો ખેડાણ હક્ક દાવો રજૂ કરી શકે.
 16. કાયદામાં પેન્શનરો કે નોકરિયાતોને જંગલની જમીનની માલિકી ના મળે એવી કોઈ જોગવાઈ કે કલમ નથી. છતાં પેન્શનપાત્ર તેમ જ નોકરિયાત આદિવાસીઓની દાવા અરજી નામંજૂર કરવામાં આવે છે અને તેમને અન્યાય કરવામાં આવે છે. આવા તમામ દાવા તાત્કાલિક મંજૂર કરી સનદ આપવામાં આવે તે પણ જરૂરી છે.
 17. નામંજૂર થયેલ અરજી સામેની અપીલની તાકીદે સુનાવણી હાથ ધરવી જોઈએ.
 18. મંજૂર થયેલ દાવા અરજીમાં અનેક કિસ્સામાં હક્કપત્ર આપવામાં આવે છે ત્યારે તેમાં કોઈ અધિકારીના સહીસિક્કા હોતા જ નથી. માત્ર કોરું કાગળિયું આપવામાં આવે છે કે જેનું કોઈ કાનૂની મહત્ત્વ ગણાય જ નહિ.
 19. કેટલીક વન અધિકાર સમિતિઓ તથા વિભાગીય સમિતિઓમાંથી દાવા ફાઈલ ગૂમ થઇ ગઈ હોવાથી ફરી દાવાની કાર્યવાહી હાથ ધરવી અથવા ફોર્મ તાકીદે ભરવા જોગવાઈ કરવી જોઈએ.
 20. બિન-આદિવાસી તાલુકા જેમ કે મોડાસા, હિંમતનગર, ઇડર, વડાલી અને માલપુરમાં હજી સુધી આ કાયદાનો અમલ થયો જ નથી. આ તાલુકાઓમાં તાત્કાલિક ગ્રામ સભા બોલાવીને વન અધિકાર સમિતિઓની રચના કરવી જોઈએ અને દાવાઓ મંગાવવા જોઈએ.

*એકલવ્ય સંગઠનનું  નિવેદન


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s