કિરીટ રાઠોડ*/
અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકા મથકના છેવાડે આવેલું ગામ ડાંગરવા છે અહીના અનુસુચિત જાતિના પરિવારો આઝાદીના ૭૦ વર્ષ પછી પણ વિકાસશીલ ગુજરાતમાં વિકાસથી વંચિત રહેવા પામેલ છે. જેમાં પાણી, ગટર, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્મશાન વિકાસ, શૌચાલય વગેરે જેવી સુવિધાઓથી વંચિત જોવા મળે છે.
ડાંગરવા ગ્રામ પંચાયતમાં ચુટાયેલ અનુસુચિત જાતિના સભ્ય લક્ષ્મણભાઈ વાઘેલા પોતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે. તેઓએ પણ સંબંધિત અધિકારીઓને વારંવાર રજુઆતો કરી છે. જેમાં તેમને પંચાયતની મીટીંગમાં બેસવાની ખુરશી આપવામાં આવતી નથી. જેથી ઉભું રહેવું પડે છે. આજદિન સુધી તલાટીકમ મંત્રીએ સામાજિક ન્યાય સમિતિની બેઠકો બોલાવી નથી. અને તલાટી કમ મંત્રી દ્વારા અનુસુચિત જાતિના સભ્યની વિકાસના કામોની રજૂઆત ન સાંભળીને વારંવાર અપમાન કરતા હોવાની લેખિત રજુઆતો ઉપર સ્થાનિક તંત્ર દ્વારા દબાવી દેવામાંની રજૂઆત મળી હતી. જેથી અમોએ અનુ.જાતિની સમસ્યાઓનો ચિતાર મેળવવા જાત તપાસ કરી.
ગામે મુખ્યત્વે ઠાકોર અને પટેલ સમાજની વસ્તી છે. ગામના વતની મનુજી ઠાકોર પોતે કોંગ્રેસના જીલ્લા પંચાયતના સભ્ય છે અને હાલ કારોબારી સમિતિના ચેરમેન હોવા છતાં અનુ.જાતિ વિસ્તારમાં વિકાસ પહોચ્યો નથી. દલિતોને પીવાના પાણી માટે ૧૦ -૧૦ ફૂટના ખાડા કરવા છતાં પાણી મળતું નથી. દલિત ફળીયામાં રોડ –રસ્તા, ગટર, શૌચાલયના ઠેકાણા નથી તો પછી સ્મશાનમાં શું હાલત હોઈ તે સમજી શકાય છે. સવાલોની યાદી બનાવીને ગામના લોકોને સાથે રાખીને ૧૪-૦૨-૨૦૧૮ ના રોજ મુખ્યમંત્રી અને લગતા વળતા અધિકારીઓને આવેદનપત્ર આપીને કાર્યવાહીની માંગ કરી અને જો દિન -૩૦ માં કાર્યવાહી ન થાય તો ૧૪ એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરના જન્મ દિને દેત્રોજ –કડી હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી આપતા તંત્રમાં સળવળાટ જોવા મળ્યો. સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રીએ પણ નિયામક. અનુ.જાતિને રૂબરૂ મુલાકાત લઈને જાત તપાસ અહેવાલ માંગ્યો.
તંત્ર ઉપર દબાણ વધતા અમારી માંગણી મુજબ તા.૨૧/૦૩/૨૦૧૮ ના રોજ ગ્રામપંચાયત કચેરીમાં પ્રથમ વખત સામાજિક ન્યાય સમિતિની મીટીંગનું આયોજન થયું. જેમાં મેં હાજરી આપી આ મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, ઉપ સરપંચ અને મનુજી ઠાકોર , જીલ્લા સદસ્ય પણ હાજર રહ્યા અને લક્ષ્મણભાઈ વાઘેલા સહીત સમિતિના તમામ સભ્યોને ખુરશી ઉપર બેસાડ્યા અને પટાવાળાના હાથે તમામને પ્રથમ પાણી પીવડાવ્યું. ગામમાં નવો ઈતિહાસ બન્યો. ધીમે ધીમે મીટીંગ આગળ વધી અને એક પછી એક મુદ્દાની ચર્ચા થઇ તલાટીએ મિનીટ્સ લખી અને ઠરાવો થયા. જેમાં મહત્વનું બન્યું કે લક્ષ્મણભાઈ માટે બેસવા પંચાયત ઘરમાં ટેબલ – ખુરશીની ફાળવણી કરવામાં આવી. તેમને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને સભ્યોના નામનું બોર્ડ મુકવાની સાથે સિક્કો અને લેટરપેડ પણ આજદિને આપવામાં આવ્યા. અને પાણીની લાઈન, રસ્તો, ગટર, સ્મશાન વિકાસ માટેના કુલ -૧૭ લાખના કામો મંજુર કરવામાં આવ્યા.મીટીંગના અંતે ગામના સરપંચ લક્ષ્મણજી ઠાકોર દ્વારા દલિત સભ્યને મો મીઠું કરાવીને પોતાની ભૂલ સ્વીકારી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
હાલમાં ગુજરાતની ગ્રામ પંચાયતમાં ચુતાયેલ દલિત સભ્યોને બેસવા ખુરશી – ટેબલ મળતા નથી. પંચાયત ધારો ૧૯૯૩ અને તેના નિયમો મુજબ દર ત્રણ મહીને સામાજિક ન્યાય સમિતિની મીટીંગ બોલાવવી ફરજીયાત હોવા છતાં મીટીગ મળતી નથી. લેટરપેડ અને સિક્કાની તો વાત જ ક્યાં કરવી. પણ ડાંગરવાના જાગૃત સભ્ય દ્વારા લડતનું પરિણામ સહુ જોઈ શકીએ છીએ. ગામે ગામ સામાજિક ન્યાય સમિતિ સક્રિય રીતે કામ કરે તો દલિત સમાજની અનેક સમસ્યાઓ આપડે જાતે ઉકેલી શકીએ છીએ.
—
*અનુસુચિત જાતિ અધિકાર આંદોલન