અનુસુચિત જાતિ અને જનજાતિના જરૂરિયાત વાળા લોકોને ૫ એકર ખેતીલાયક જમીન ફાળવણી કરવામાં આવે

attack_on_dalit2

ઓમ પ્રકાશ કોહલી, રાજ્યપાલ, ગુજરાત, અને વિજયભાઈ રુપાણી, મુખ્ય મંત્રી, ગુજરાતને કાંતિલાલ ઉકાભાઈ પરમાર*નો પત્ર:

અમો ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા ૪૭ લાખ અનુસુચિત જાતિ અને ૯૮ લાખ અનુસુચિત જનજાતિના સમૂહના ભારતીય નાગરિકો છીએ. ભારતીય બંધારણે અમોને આપેલ બંધારણીય અને માનવ અધિકારોમાં ગૌરવ પૂર્ણ રીતે જીવન જીવવાનો પણ સમાવેશ થાય છે. અમો અમોને મળેલ આ અધિકારોના રક્ષણ અંગે અમારો સામુહિક વિકાસ થાય તે માટે આજીવિકા મેળવવા અને આર્થીક રીતે પગભર થવા અમો આપ સમક્ષ મુજબની માંગણીઓ બંધારણના આમુખ, મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાતોના આધારે આપવામાં આવેલ ખાતરીના આધારે કરીએ છીએ. બંધારણમાં લોકોને આપવામાં આવેલ ખાતરીઓ, અધિકારો અને  માર્ગદર્શક સિદ્ધાંતો સાથે બંધારણનો સંપૂર્ણપણે અમલ કરવો તે રાજ્ય સરકારની જવાબદારી બને છે. તેમાં પણ નબળા વર્ગના વિકાસ માટે વિકાસલક્ષી પગલા ભરવા તે રાજ્ય સરકારની ફરજ પણ છે.  અમો અમારા સમૂહના વિકાસ માટે બંધારણીય અને માનવ અધિકારોના રક્ષણ માટે નીચે મુજબની માંગણી છે જે સાદર રજુ કરીએ છીએ.

અનુસુચિત જાતિ અને જન જાતિના સમૂહના લોકોના આર્થીક અધિકારોના ઉપાર્જન માટે ખેતીની/ઘરથાળની/ જમીનો બંધારણીય અને માનવ અધિકારોનું માંગણી પત્રક

 1. ગુજરાતમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રી દ્વારા ખેતી માટે વ્યતિગત રીતે અને સામુહિક રીતે ખેતી કરવા મંડળીઓને ફાળવવામાં આવેલ ખેતીલાયક જમીન શરતભંગ કરી ખાલસા કરી શ્રીસરકાર કરી સરકારી હેડે દાખલ કરેલ છે. આવી તમામ ખાલસા કરેલ જમીનો પર વાસ્તવિક કબજો વર્ષોથી અનુસુચિત જાતિ અને જન જાતિના લોકો પાસે જ છે.  વર્ષોથી ખેડતા ગરીબ વર્ગના ભૂમિ હીન, ખેત મજૂરો અને અનુસુચિત જાતિના લોકોની મંડળીઓ દ્વારા સામુહિક અને વ્યકતિગત ખેતી કરતા આવી ખેતીલાયક જમીનો સરકારી અધિકારીઓ દ્વારા મનસ્વીપણે, મનસ્વીરીતે કાયદાનું અર્થઘટન કરી, તેમજ કાયદાનું પોતાની રીતે અર્થઘટન કરી, ગરીબ લોકોને જમીન વિહોણા કરવા તેમજ રંઝાડવા માટે  ભેદભાવ રાખી ખોટી રીતે જાણી જોઇને ખેતીલાયક અને કબજાવાળી જમીનોને શરતભંગ કરેલ છે. જે જમીનો સરકારે શરતભંગ કરી ખાલસા કરેલ છે તેવી જમીનોને તાત્કાલિક અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને ફરીથી ખેતી કરવા માટે રી-ગ્રાન્ટ કરવામાં આવે. ગુજરાત સરકાર(મહેસુલ વિભાગ) દરેક જીલ્લામાંથી જમીન રી-ગ્રાન્ટ કરવા માટે આવેલ અરજીઓની જીલ્લામાંથી માહિતી મેળવી અને તાત્કાલિક જરૂરી તપાસ કરાવી ન્યાયના હિતમાં નિર્ણય કરી અને જમીન રી-ગ્રાન્ટ કરે.
 2. ગુજરાતના ૩૩ જીલ્લોમાં જુદાજુદા ગામોમાં રહેતા અને કાળી મજૂરી કરતા અનુસુચિત જાતિ અને જનજાતિના ભૂમિહીન અને ગરીબી રેખા નીચે જીવતા, ખેત મજુર જમીન વિહોણા, તેમજ ચર્મકામ અને માથેમેલુંના કામમાં રોકાયેલ કુટુંબને આર્થીક સદ્ધરતા માટે  સરકારી પડતર, ટોચ મર્યાદા નીચે ફાજલ જાહેર થયેલ, દેવસ્થાનની, ભૂદાનની, ગણોતધારાની, સરકારશ્રીમાં દાખલ થયેલ, નવસાધ્ય કરેલ, કોતરની, ભાઠાની,અને ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલ જમીનની વહેચણી જુરુર પડે તો સરકાર ખેતીલાયક જમીન ખરીદ કરી અને તે જમીનની અનુસુચિત જાતિ અને જનજાતિના ખરેખર જરૂરિયાત વાળામાં લોકોમાં ૫ એકર ખેતીલાયક સાથણીમાં સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવે અને સ્થળ પર ભૌતિક કબજા આપવામાં આવે.
 3. અનુસુચિત જાતિ અને જન જાતિના લોકોની જમીન પર આ વર્ગ સિવાયના લોકોનું જમીન પર દબાણ હોય/ખોટી રીતે પડાવી લીધી હોય/પોતના કબજામાં ગેરકાદેસર રીતે જમીન રાખી હોય/જમીન પચાવી પાડી હોય/ગેરકાદેસર નામ ફેર કરાવેલ હોય/સરકારે આવા વર્ગના લોકો માટે ફાળવવા જાહેર કરેલ જમીન પર ગેરકાદેસર કબજો કરેલ હોય/સિચાઈના હક્કો ભોગવામાં દખલગીરી કરે/વન અધિકારના હક્કો ભોગવવા ના દે અથવા તો પાક અને તેની પેદાશોનો નાશ કરે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં આવા લોકો વિરુદ્ધ અનુસુચિત જાતિ અને જન જાતિ (અત્યચાર અટકાવ) સુધારા અધિનીયમ ૨૦૧૫ની કલમ ૩ (૧) (f) (g) મુજબ ફરિયાદ દાખલ કરી ફોજદારી પગલા ભરવા.
 4. ગુજરાતની ગ્રામ પંચાયતોમા ખેતી લાયક સરકારી પડતર/ભાઠાની/કોતરની/ભૂદાનમાં મળેલી/ધાર્મિક સંસ્થાઓને ફાળવેલ અને હાલ પડતર પડેલ/ ફાજલ પડેલ જમીનોને ફાઈનલ લીસ્ટે ચડાવી, અનુસુચિત જાતિ અને જનજાતિના જમીન વિહોણા લોકોની અરજીઓ મંગાવી અને દર ત્રણ મહિને જિલ્લાવાર લેન્ડ કમિટી ભરીને ખેતીની જમીનની ફાળવણી તાત્કાલિક કરવી.
 5. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દરેક જીલ્લોમાં અગાઉના વર્ષોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના લોકોને સાથણીમાં ખેતીલાયક જમીનો જીવન નિર્વાહ કરવા માટે તેમજ આજીવિકા મેળવવા માટે ફાળવેલ હોય પણ જમીન ફક્ત કાગળ પર ફાળવેલ હોય અને ભૌતિક કબજો ના મળેલ હોય તેવા સંજોગોમાં તાત્કાલિક સરકારે જમીનની માપણી કરાવી આવા તમામ લોકોને ભૌતિક કબજો છ મહિનામાં આપવો. આ બાબતે સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર કરી ૧૯/૨/૨૦૧૮ના રોજ ગુજરાતના તમામ કલેકટરશ્રીઓને અમલીકરણ કરવા માટે મોકલી આપેલ છે.
 6. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના લોકો જે સ્મશાન ભૂમિનો ઉપયોગ મરણ બાદ સ્મશાન તરીકે કરે છે તેને સ્મશાન હેતુ માટે મહેસુલ લેન્ડ કોડની જોગવાઈ મુજબ જમીન નીમ કરવી અને સરકાર દ્વારા નીમ થયેલ આવા સ્મશાનમાં પાણી બાકડા, સ્મશાન છાપરી વી જેવી સુવિધા/વિકાસ માટે ગ્રાન્ટની ફાળવવણી કરવી.
 7. રાજ્ય સરકાર હાઇકોર્ટના ચાલુ અથવા નિવૃત જજ ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના રાજ્યો સ્તર પર કરવામાં આવે, આ સમિતિ નિચ્ચિત સમય મર્યાદામાં બિન અનુસુચિત જાતિ દ્વારા ક્બજે કરાયેલી કચડાયેલા સમજોને ફાળવેલી જમીનની ઓળખ કરે, બિન અનુસુચિત જાતિ દ્વારા જમીનના ગેરકાનૂની ઉપયોગ માટે ચૂકવવાના વળતરની આકારણી કરે, જમીનના મૂળ હકદ્દાર/માલિકની ઓળખ કરે જેથી જમીન તેમને પાછી આપી શકાય, અને ગેરકાનૂની કબજો ધરાવતા લોકો સામે અદાલતોમાં કાનૂની કાર્યવાહી થાય અને તેમને શિક્ષા થાય તે બાબત સુનીચ્ચિત કરવી.
 8. અનુસુચિત જાતિની માલિકીની જમીન પર સિંચાઈની નાની વ્યવસ્થા ઉભી થાય તે માટે રાજ્ય સ્તરનો વિસ્તૃત કાર્યક્રમ ઘડી કાઢવો. ભૂમિવિહોણા કુટુંબો માટે જમીનની ફાળવણી જમીન ટોચ મર્યાદા અધિનિયમ તેમજ જમીન પુન: ફાળવણીના કાયદા દ્વારા કરવામાં આવે. જમીનની ફાળવણી યોજનાઓ દ્વારા વધારાની જમીન ભૂમિવિહોણાને ફાળવવામાં આવે. ખેત મજુરો અને ગરીબ સીમાંત ખેડૂતો માટે લઘુતમ વેતન તેમજ સામાજિક સુરક્ષાની વ્યવસ્થા કાયદા દ્વારા કરવામાં આવે
 9. રાષ્ટ્રીય જમીન સુધારણા નીતિમાં પ્રાથમિકતા નક્કી કર્યા મુજબના લાભાર્થીઓને મળે તે માટે ભૂદાન યોજના હેઠળ જે જમીન મળેલ છતાં તેનો કબજો દાતા કે તેના વારસદારો પાસે હજુ સુધી છે, તે જમીન નીશ્ચિત કરાયેલ લાભાર્થીઓને આપવી.
 10. ગુજરાતના તમામ શહેરી વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના ઘરવિહોણા પરિવારો માટે સરકારે આવાસ યોજના બનાવેલ છે તેનું અસરકારક અમલીકરણ કરવું.
 11. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના ઘરવિહોણા પરિવારોને આવાસ બનાવવા માટે, ગામમાં ગામ તળની જમીન નીમ કરવી, તાલુકા લેન્ડ કમિટીની મીટીંગો દર ત્રણ મહીને નિયમિત તાલુકા સ્થળે ભરી ગામ વાઈઝ આવેલ માંગણી મુજબ માંગણીદારોને ઘરથાળના પ્લોટો ફાળવવા.

ગુજરાત સરકારે સંવેદનશીલ બની તાત્કાલિક નીચે મુજબના ગામોમાં અનુસુચિત જાતિના જમીનોના સવાલોમાં કાર્યવાહી કરી યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરી અરજદારોને ન્યાય આપવા નમ્ર અરજ છે.

દેવરાજભાઈ જેઠાભાઈ ચાવડા, પ્રમુખ- બાબાપુર હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. તા.જી. અમરેલી – કુલ ૨૭ સભ્યો:

 • જમીન ખોટી રીતે અને કાયદાનું ખોટું અર્થઘટન કરી જમીન ખાલસા કરેલ છે. બાબાપુર, સ.ન. ૨૯૪/૧ પૈકીની એ.૯૦ -૦૧ ગુંઠા
 • બાબાપુર, હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. ને સર્વે નંબર ૨૯૪.૧ પૈકીની ૭૦ એકર જે ખેડવા લાયક છે તે જમીન રી-ગ્રાન્ટ કરવા અંગે અમારી  માંગણી છે.
 • કબજો હાલમાં મંડળી પાસે ૧૯૫૭માં જમીનની ફાળવણી કરી ત્યારથી છે.
 • સચિવ, મહેસુલ વિભાગ (વિવાદ),અમદાવાદ દ્વારા આ જમીન રી-ગ્રાન્ટ પાત્ર છે ફરીથી રી-ગ્રાન્ટ કરવી તેવો હુકમ કરેલ છે. 

ગણેશ માવજીભાઈ રોહિત અને અન્ય ૧૮ ખાતેદારો, ચમારા, તા. બોરસદ જી.આણંદ:

 • ચમારા, તા. બોરસદ ગામમાં આવેલ સર્વે નં. ૨૫૧ અને ૨૫૨ ની ૧૨૦ એ.ગુ. જમીનની સાંથણી કરેલ હતી જે રદ કરેલ છે.
 • ગ્રામ પંચાયત દ્વારા ખોટી રીતે નવસાધ્ય કરેલ જમીન ગૌચરમાં ફેરવી નાખેલ છે.
 • આ તમામ જમીન – રી ગ્રાન્ટ કરવી અને હાલમાં જે કબજેદારો ખેતી કરે છે તેમના નામે જમીન કરી આપવી.
 • હાલમાં જે જમીન અરજ્દારોને ફાળવેલ છે તેમમની પાસે કબજો છે.
 • નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસમાં અરજદારોની તરફે હુકમ થયેલ છે.

ડુંગરભાઇ કરમણભાઈ સોલંકી,  અને અન્ય ૧૪ ખાતેદારો મુ.એરવાડા, તા. પાટડી, જીલ્લો, સુરેન્દ્રનગર —ભૂપતભાઈ  ડુંગરભાઈ  સોલંકી:

 • ૧૧ ખાતેદારને જમીન સરકારશ્રી દ્વારા ૧૯૭૧માં સર્વે નંબર ૪૨૩ ૧૧ એકર જમીન ફાળવણી કરવામાં આવેલ હતી. , પણ જમીનના દસ્તાવેજો આપવામાં આવેલ નથી તેમજ માપણી કરવામાં આવેલ નથી.
 • તમામ ૧૧ ખાતેદારોને જમીન ફાળવણી સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ તે અંગેના હુકમો મુજબ માપણી કરી જમીનના દસ્તાવેજો તાત્કાલિક આપવામાં આવે.
 • તમામ ખાતેદારો ખેતી કરે છે.
 • ખાતેદારો પાસે શરૂથી કબજો છે.
 • સરકારમાં રજૂઆત કરવામાં આવેલ પણ કોઈજ નિરાકરણ આવેલ નથી.
 • નાયબ કલેકટર, ધ્રાગન્ધ્રા દ્વારા ૪૨૩ પૈકી ૧૧ એકર જમીન સાંથણીમાં મળી હતી.

ગીતાપુર- જગદીશભાઈ કેશભાઇ પરમાર અને અન્ય ૩૩ લોકો

 • ગીતાપુર, તા. દેત્રોજ જી, અમદાવાદ ગામે સરકારી પડતર જમીનમાંથી અથવા ગૌચરમાંથી મફત પ્લોટ અંગે ગામતળ નીમ કરી ઘળથાળના પ્લોટ ફાળવવા અંગેની માંગણી છે.
 • પરિવારોની માંગણી છે કે સરકારે અરજદારોની ખેતીની જમીનમાં રહેણાંક પ્લોટ આપવા માટે જમીન બિન ખેતી કરી બાંધકામ માટે નીમ કરવી અને બાંધકામ સહાય કરવી.
 • પંચાયતના તલાટી થી લઇ મુખ્ય મંત્રી, રાજ્યપાલ, વિભાગો,જીલ્લા કલેકટર, વિકાસ અધિકારીને રજુઆતો કરેલ ચાર વાંર ઉપવાસ કરેલ છતાં પ્રશ્નનો ઉકેલ નથી.
 • છેલ્લી વાંર ૨૭-૧-૨૦૧૮ના રોજ સરકારના અધિકારીઓ દ્વારા ખાત્રી અપાતા ઉપવાસ આંદોલન સમેટી લીધેલ
 • સરકારે અરજદારોની ખેતીની જમીનમાં રહેણાંક પ્લોટ આપવા માટે જમીન નીમ કરવી.

થાનગઢ, જીલ્લો, સુરેન્દ્રનગર, ૧. પંકજ અમરશીભાઈ,  ૨. પ્રકાશ બાબુભાઈ પરમા,  ૩. મેહુલ વાલજીભાઈ રાઠોડ,  ત્રણે યુવાનોના વારસદારો..

 • પોલીસ ફાયરીંગમાં ૨૨/૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ ત્રણ દલિત યુવાનોના મોત થયેલ જે બાબતે તેમના પરિવારોના પુન વસન માટે જમીનની ફાળવણી કરવી
 • જમીન જે જગ્યાએ ફાળવણી કરેલ છે તે ખાડા ટેકરા વાળી હોઈ આ જમીન સમથળ કરી ખેતીલાયક બનાવવા અથવા અન્ય જગ્યાએ જમીન ફાળવણી કરવા માંગણી છે.
 • આ બાબતે સરકારમાં લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવેલ છે.

દુધાળા, સીમર, મોઠાના કુલ, 52 અનુસુચિત જાતિના ખાતેદાર: પુંજાભાઈ રાઠોડ,  વિરાભાઈ સોંધરવ, જીવીબેન સોંધરવા

 • સરકારશ્રી દ્વારા ૧૯૭૬માં સાંથણીમાં ફાળવવામાં આવેલ જમીનનો કબજો સોપવા બાબતનો સવાલ
 • જમીન માપણીની ફી ભરેલ હોવા છતાં જમીનની માપણી કરેલ નથી. જમીન માપણીનો સવાલ
 • ૧૩/૦૭/૨૦૧૫ના રોજ ગેરકાયદેસર રીતે તમામ જમીન શરતભંગ ગણી અને ખાલસા કરી શ્રીસરકાર દાખલ કરેલ છે. .
 • સરકારશ્રી દ્વારા જમીનની માપણી કરી તમામ 52 ખાતેદારોને કબ્જા પાવતી આપી જમીનનો ભૌતિક કબજો આપવો.
 • હાલમાં જમીનનો કબજો જાતે લીધેલ છે.
 • સરકાર દ્વારા જમીનનો કબજો આપેલ નથી.
 • ફક્ત કાગળ પર જમીન આપેલ છે હક્કીકતે જમીન ક્યાં છે તે ખબર નથી.
 • જમીનની માપણી ફી ભરેલ હોવા છતાં માપણી કરવામાં આવતી નથી.

મોટા સમઢિયાળા:  વસરામભાઈ બાલુભાઈ સરવૈયાબાલુભાઈ સરવૈયા, રમેશ બાલુભાઈ સરવૈયા, –     અશોકભાઈ સરવૈયા, કંકુબેન સરવૈયા, દેવશીભાઈ

 • મોટા સમઢિયાળા ગામે ૪૪ લોકો દ્વારા મરેલ ગાયનું ચામડું કાઢતા અનુસુચિત જાતિના લોકો પર સામુહિક હુમલો કરી ગંભીર ઈજા પહોચાડેલ હતી. જેઓ એ પોતના પરીવારના પુન:વસન માટે પાચ, પાચ એકર ખેતીલાયક જમીનની માંગણી કરેલ છે
 • મોટા સમઢિયાળા ગામે પાચ, પાચ એકર દરેક પરિવારને સાંથણીમાં ખેતીલાયક જમીનની ફાળવવામાં આવે.
 • ગુજરાત સરકારના જીલ્લા અને રાજ્ય કક્ષાએ સબંધિત વિભાગોમાં લેખિત રજુઆતો કરેલ છે.

પુનાભાઈ લખમણભાઈ દાફડા મુ. બાલાપુર, તા. બગસરા, જી.અમરેલી

 • ૨૬૪ પૈકી, ૩:૦૦ એકર, બાલાપુર ગામ, બગસરા તાલુકો.
 • જમીન મહેસૂલની કલમ ૨૧૧ હેઠળ ફેર તપાસ અરજીના અત્રેના હુકમ નં.જ.મ.કા.ક. ૨૦૩ કેસ નં. ૯/૧૩ તા. ૨૮/૦૫/૨૦૧૩ના નિર્ણયથી નારાજ થઇ સચિવ શ્રી(વિવાદ) અમદાવાદ સમક્ષ ફેર તપાસ અરજી કરેલ સચિવશ્રી (વિવાદ) અમદાવાદના હુકમ નં. મવિવિ/જમન/અમલ/૫૩/૧૩ તા. ૦૭/૦૧/૧૭ના નિર્ણયની અમલવારી કરવા બાબત.
 • ખેતીની જમીન દબાણ નિયમિત કેસ- તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, બગસરા અને ડી. આઈ.એલ.આર શ્રી અમરેલી દ્વારા આ હુકમના અમલીકરણ માટે કાર્યવાહી કરવાની થાય છે હજુ સુધી  આ હુકમનો અમલ થઇ શકેલ નથી.
 • હાલમાં જમીનનો કબજો અરજદાર પાસે છે.
 • અરજદાર આ જમીન પર ખેતી કરે છે.

સરોડા ગામ, તા. ધોળકા જી અમદાવાદ –અનુસુચિત જાતિના અરજદારો

 • અનુસુચિત જાતિના લોકોને ફાળવવામાં આવેલ જમીનનો કબજો મળેલ નથી. ખેતીની જમીન ફક્ત કાગળ પર મળેલ છે.
 • સરકારે ફાળવેલ ખેતીની જમીન ફક્ત કાગળ પર છે આવી સરકારે ફાળવણી કરેલ તમામ જમીનની અરજદારોને ભોતિક કબજો આપવો.
 • અરજદારોને ફક્ત કાગળ પર જમીન મળેલ છે. સરકારે ફાળવેલ જમીન મળે તે માટે ગામના તલાટીથી લઇ ગાંધીનગર સુધી સબંધિત વિભાગોમાં રજૂઆત કરેલ છે અને આંદોલન કરેલ છે.

*સામાજિક કાર્યકર, અમદાવાદ-ગુજરાત

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s