સમય પરીક્ષાનો છે, કાળ કસોટીનો છે

ચંદુ મહેરિયા*/

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પર હજારો વિધ્યાર્થીઓ સમક્ષ ‘પરીક્ષા પર ચર્ચા’ કરી. હાડોહાડ રાજકારણી એવા વડાપ્રધાને વિધ્યાર્થીઓ સમક્ષ એમની સમાજ સુધારકની છબી પેશ કરતાં ઘણી સુષ્ઠુસુષ્ઠુ વાતો કરી. વિધ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ કે આત્મવિશ્વાસ કેળવાય તેવી સલાહો આપી. વડાપ્રધાને મુખ્યત્વે આ એકતરફી સંવાદમાં કેટલાક સવાલોના જવાબો પણ આપ્યા. ભારતના  દરેક બાળકને જન્મથી જ તે રાજકારણી હોવાનો શરપાવ આપીને  ન.મો.એ ૨૦૧૯ની ચૂંટણી સંદર્ભના એક સવાલના જવાબમાં, ‘ચૂંટણીઓ તો આવે ને જાય,તૈયારી જરૂરી છે અને હું પૂરી નિષ્ઠાથી મહેનત કરીશ,’ એમ કહ્યું હતું. એપ્રિલ ૨૦૧૪માં મોદી થાઉંથાઉં વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે દસમી બારમીના પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ જોગ ટેલીફોનિક શુભેચ્છા સંદેશમાં કહ્યું હતું કે, “આ વરસે(૨૦૧૪)માં તમારી સાથે મારી પણ પરીક્ષા છે. પણ હું તેની બહુ ફિકર કરતો નથી.”

નરેન્દ્ર મોદીનો દેશના ભાવિ મતદારો સાથેનો આ સંવાદ કેવો વાસ્તવિકતાથી પર હતો તેનો પુરાવો બે દિવસ પછી જ  મળ્યો. હિમાચલપ્રદેશના કુલ્લુ જિલ્લાની ચેસ્તા ગ્રામ પંચાયતની શાળાના વિધ્યાર્થીઓને શાળા મેનેજમેન્ટ કમિટીના એક વગદાર અને ઉચી જાતિના આગેવાનના ઘરે  ટી.વી.પર આ ચર્ચા સાંભળવા લઈ જવાયા હતા. ત્યાં આ ‘એક્ઝામ વોરિયર્સ” દલિત વિધ્યાર્થીઓને ઘરની બહાર જુદા બેસાડવામાં  આવ્યા હતા ! વિધાર્થી એવા પરીક્ષાર્થીઓ વચ્ચે આવા ભેદભાવ અને અસમાનતા હોય છે એનો ઉલ્લેખ સુધ્ધાં વડાપ્રધાનની પેલી સુફિયાણી વાતોમાં નહોતો. એમ તો ઉત્તરપ્રદેશ ધારાસભાની ચૂંટણીઓમાં પરીક્ષામાં ચોરીઓનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વડાપ્રધાન પણ તેમની ચૂંટણી સભાઓમાં આ મુદ્દો ઉછાળી સમાજવાદી પક્ષની આલોચના કરતા હતા. આ વખતની યુ.પી. ની બોર્ડ એકઝામમાં નકલપ્રેમી લાખો વિધ્યાર્થીઓ બેઠા જ નહીં એવી વાતોનો યોગી આદિત્યનાથ સરકારે બહુ પ્રચાર પણ કર્યો. પણ પરીક્ષામાં થતી ચોરીઓની કશી જિકર વડાપ્રધાને તેમના ભાષણમાં કરી નહીં. દેશમાં ભલે આજકાલ પરીક્ષાઓનો સમય હોય પણ કાળ તો કસોટીનો છે. એટલે વડાપ્રધાન અને તેમના સાથીઓ પરીક્ષા અને કસોટીથી બચી શકવાના નથી.

હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત વિધ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા એ જો સંસ્થાનિક હત્યા હતી તો ઘરઆંગણે ભાનુભાઈ વણકરનો આત્મદાહ એક રીતે તો વહીવટી હત્યા જ કહેવાય . માત્ર બે દલિતોની ચાકરિયાત ભોંયને કાયમી કરાવવા એક દલિત કાર્યકરને જાહેરમાં સળગી મરવું પડે તે સરકાર અને શાસનની નાલેશી છે. પણ મોદી હોય કે રૂપાણી બહુમતીએ મળેલી સત્તાના નશામાં એવા તો ગુલતાન છે કે ૨૦૧૯ની પરીક્ષા એમનો કસોટી કાળ છે તેનાથી સાવ જ બેતમા લાગે છે.

રોજેરોજ આ દેશમાં અગ્નિ પરીક્ષાઓ જેવી પરીક્ષા થતી રહે છે. પરીક્ષા માત્ર વિધ્યાર્થીઓની જ નથી થતી. રાજકીય પક્ષોની, સત્તાપક્ષ અને વિપક્ષની, બિનસાંપ્રદાયિક પરિબળોની, દલિતો, આદિવાસીઓ, પછાતો, લઘુમતીઓ, મહિલાઓ, નાગરિક સમાજની અને દેશના એકોએક નાગરિક થાય છે.કાળ એટલે તો કસોટીનો કહ્યો છે. બહુ વસમા દહાડા પસાર કરવાના આવ્યા છે. આ વરસ ખાસ્સા આઠનવ રાજ્યોની ચૂંટણીનું વરસ છે. તો ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી માથે ઉભી છે. કેન્દ્ર અને રાજ્યોના અંદાજપત્રો જાણે કે રાજકીય પક્ષોના ચૂંટૅણી ઢંઢેરા બનીને આવી રહ્યા છે. આ કે તે યોજનામાં બજેટ ફાળવણીમાં વધારા ઘટા ડા સિવાય તેમાં દેશની કે રાજ્યની ખરી સમસ્યાઓનું નિદાન ગાયબ છે.

કેન્દ્રની મોદી સરકારની ખરી કસોટી આર્થિક મોરચે છે. ખાસ કશી નાણાંકીય જોગવાઈઓ વિના નાણામંત્રીએ ઓબામાકેર જેવી નમોકેરની આરોગ્યવીમાની યોજના તો જાહેર કરી દીધી છે પણ એ જગજાહેર છે  કે સરકારો શિક્ષણની જેમ આરોગ્ય સેવાઓનું પણ મોટાપાયે ખાનગીકરણ કરી રહી છે. ગરીબોને તે ખાનગી સેવાઓના ભરોસે છોડીને કસોટીથી ભાગી રહ્યા છે. વળી અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકાર નાણાકીય ભ્રષ્ટાચારોની  જાહેર ચર્ચાઓથી બચતી રહી હતી. પરંતુ નીરવ મોદી,મેહુલ ચોકસી અને વિક્રમ કોઠારીના કૌભાંડોએ સરકારની આબરૂ ઉઘાડી પાડી દીધી છે.લલિત મોદી, વિજ્ય માલ્યા, સહારાશ્રી અને રાફેલ સોદો પણ સરકાર સામે ઉભા છે. યુપીએ સરકારના બહુ ગાજેલા કૌભાંડોમાંથી નેતાઓ છૂટી રહ્યા છે. ત્યારે જ પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ મોદી સરકારની વિશ્વનીયતાની પરીક્ષા લેનારું જ નહીં તેમની કસોટી કરનારું બની રહેવાનું છે.

ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા પણ સરકારની કસોટી કરનાર બાબતો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ લોકાયુક્તની નિમણૂક થવા દીધી નહોતી અને ‘કેગ’ના અહેવાલો વિધાનસભાના સત્રના અંતિમ દિવસે રજૂ થતા હતા. અન્ના હજારેના લાડકા ન.મો. હજુ  ચાર વરસેય કેન્દ્રમાં લોકપાલ નીમતા નથી. સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોએ જે રીતે પ્રેસ સમક્ષ આવી અસંતોષ વ્યક્ત કર્યો તેનાથી ન્યાયતંત્રમાં  બધું સમૂંસુતરું ચાલી ન રહ્યું હોવાનું જણાય છે. જસ્ટિસ લોયાના મ્રુત્યુનું રહસ્ય પણ સરકારની કસોટી કરનાર બનનારું છે. દેશમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ખતરામાં હોવાના બનાવો બનતા રહે છે.  તે અંગેનું સરકારોનું વલણ  રાજસ્થાન સરકારના કાળા કાનૂનમાં દેખાય છે. પત્રકારો ,વકીલો અને નાગરિક સમાજના સતત વિરોધ પછી રાજસ્થાનની ભાજપ સરકારે એ બિલ પાછું ખેંચવું પડ્યું છે પણ તેથી લોકોનો કસોટી કાળ સાવ પૂરો થતો નથી.

કાવેરી જળવિવાદ હોય કે નર્મદાના પાણીની ઘટતી જળ સપાટી- સર્વત્ર માહોલ પરીક્ષાનો નહીં એટલો કસોટીનો છે. કશ્મીર સરહદે રોજરોજ જવાનોની શહીદીના સમાચારો આવે છે અને મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સો કરીને “બદલા લેંગેં “ ની ભાષામાં ગર્જ્યા કરે છે. સંઘ સુપ્રીમો ત્રણ જ દિવસમાં સંઘના સ્વંયસેવકો લશ્કર બની જશેનો લલકાર કરે છે પણ કશ્મીર હોય કે અયોધ્યા કોઈના શાંતિપૂર્ણ લોકશાહી ઉકેલની પહેલ કરતા નથી. હા, લાલકિલ્લે યજ્ઞ જરૂર કરે છે. એમની લલકારની ભાષામાં અગ્નિ વધુ અને પ્રકાશ ઓછો હોય છે એટલે તે ખરાખરીની કસોટીએ ભાગતા લાગે છે.

શાયદ ૨૦૦૦ના વરસમાં ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઈસરોના પૂર્વ ચેરપર્સન પ્રો.યુ.આર.રાવે કાળગ્રસ્ત પરીક્ષા પધ્ધતિના કારણે સાયબર યુગને સમજી શકે તેવા વિધ્યાર્થીઓ ન હોવાની રાવ ખાધી હતી. વિજ્ઞાનનો વિષય લઈને તૈયાર થનારાની ટકાવારી ઘટી રહી હોવાની પણ આ વૈજ્ઞાનિકને ચિંતા હતી. ‘એકઝામ વોરિયર્સ’ સમક્ષ ભાષણ કરતાં વડાપ્રધાનશ્રીને આ દેશના શિક્ષણની આ  ખરી સમસ્યા દેખાઈ નથી. પરંતુ વર્તમાન કાળગ્રસ્ત પરીક્ષા પધ્ધતિમાં સફળ થવા વિધ્યાર્થીઓ અને તેમના માબાપોના ઉધામામાં થોડો આત્મ વિશ્વાસ ઉમેર્યો છે.  લાગે છે કે નરેન્દ્ર મોદીને  અને દેશની જનતાને તેની ખરી કસોટીની ખબર નથી અને ૨૦૧૯ તો માથે આવી ઉભું છે.

*સંપર્ક: maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s