ચંદુ મહેરિયા*
આજે નેપાળની નવરચિત પ્રાંતિક ધારાસભાઓ સંસદના ઉપલાગ્રુહ એવા નેશનલ એસમ્બલીના સભ્યો ચૂંટી રહી છે. એ પછી નેપાળની તાજેતરની ચૂંટણીઓનું ચક્ર પૂરું થશે. નવા બંધારણ અનુસાર થયેલ પ્રથમ ચૂંટણીમાં સામ્યવાદી પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે.પરંતુ સત્તાધારી નેપાળી કોંગ્રેસ બંધારણની આડ લઈને સત્તાહસ્તાંતરણમાં વિલંબ કરી રહી છે.
૨.૮૯ કરોડની વસ્તીના દક્ષિણ એશિયાઈ હિમાલયી દેશ નેપાળ સાથે ભારત ન માત્ર સરહદથી જોડાયેલ છે, અપાર ઐતિહાસિક અને સાંસ્ક્રુતિક સામ્ય અને નિકટતા ધરાવે છે. નેપાળ દુનિયાનો સૌથી મોટો હિંદુ ધર્મી વસ્તી ધરાવતો( આશરે ૮૧.૩%) દેશ છે. નેપાળમાં પૂર્વે નાનામોટા રજવાડાઓ હતા.ઈ.સ.૧૭૬૯માં ત્યાં શાહવંશની સ્થાપના થઈ હતી.જોકે રાજાઓના આંતરકલહ અને નબળાઈઓને કારણે ખરી સતા ‘રાણા’તરીકે ઓળખાતા મંત્રીઓ જ ભોગવતા હતા. આ ‘રાણા’રાજે નેપાળી પ્રજાનું બેરહેમ શોષણ કર્યું. ઈ.સ.૧૯૫૦માં રાજા ત્રિભુવને ભારતની મદદથી નેપાળને રાણાશાહીમાંથી મુક્ત કરાવ્યું. જોકે નેપાળી પ્રજાએ લાંબા સંઘર્ષ પછી ૨૦૦૮માં ખુદ રાજાશાહીનો જ અંત આણ્યો અને નેપાળને હિંદુ રાષ્ટ્રમાંથી લોકશાહી ગણતંત્ર બનાવ્યું.
અશાંતિ, હિંસા, રાજકીય સંઘર્ષ, રાજકીય પક્ષોનો વિખરાવ, વિખંડિત જનાદેશ અને સતત રાજકીય અસ્થિરતા એ નેપાળની છેલ્લા દાયકાઓની રાજનીતિનો સ્થાયીભાવ રહ્યો છે. છેલ્લા અગિયાર વરસોમાં દસ વડાપ્રધાનો જોઈ ચુકેલી નેપાળી પ્રજાએ આ વખતે ૨૦૧૭ની ચૂંટણીમાં જાણે કે રાજકીય સ્થિરતા માટે મતદાન કર્યું છે. નેપાળના નવા બંધારણ અને વિશિષ્ટ ચૂંટણી પધ્ધતિની જોગવાઈ મુજબ સંસદના નીચલા ગ્રુહની ૨૭૫ બેઠકોમાંથી ૧૬૫ એકલ બેઠકો પર સીધી ચૂંટણી યોજાઈ હતી. તેમાં ખડગાપ્રસાદ ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળને ૮૦ અને સાથી પુષ્પ કમલ દહલ’પ્રચંડ”ના નેત્રુત્વ હેઠળની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓઈસ્ટ)ને ૩૬ બેઠકો મળી છે. બંને પક્ષોને મળીને ૪૬.૯૧ ટકા મત અને ૧૧૬ બેઠકો મળતાં તેમનું સત્તામાં આવવું પાકું છે. હાલના સત્તા પક્ષ,નેપાળી કોંગ્રેસને, માત્ર ૨૩ જ બેઠકો સીધી ચૂંટણીમાં મળી છે.
ભારત અને અન્ય લોકશાહી દેશોમાં મતની ટકાવારી ઓછી હોય છતાં બેઠકો વધુ મળે અને તે પક્ષ સત્તામાં આવે તેવું બને છે. તેમાંથી શાયદ બોધપાઠ લઈને નેપાળના બંધારણમાં ૨૭૫ બેઠકોની પાર્લામેન્ટમાં ૧૬૫ બેઠકોની સીધી ચૂંટણી અને બાકીની ૧૧૦ બેઠકો માટે મળેલા મતો પરથી બેઠકોની ફાળવણી કરવાની જોગવાઈ છે. ઓલીના પક્ષને મળેલા મત ૩૩.૨૪ ટકા છે એટલે તેમને ૪૧, નેપાળી કોંગ્રેસને મળેલા મત ૩૨.૭૮ ટકા છે એટલે તેમને ૪૦ અને પ્રચંડના પક્ષને મળેલા મત ૧૩.૬૬ ટકા છે એટલે તેમને ૧૭ બેઠકો મળી છે. ૨૭૫ બેઠકોના ગ્રુહમાં બહુમતી માટે ૧૩૮ બેઠકોની જરૂર છે જ્યારે સામ્યવાદીઓને ૧૭૪ બેઠકો મળી છે. સામે પક્ષે નેપાળી કોંગ્રેસને કુલ ૬૩ જ બેઠકો મળી છે. તે જોતાં મતદારોએ તેમને નકારી કાઢ્યાં છે.
ગઈ ચૂંટણી કરતાં નેપાળી કોંગ્રેસને મળેલા મતોમાં ૭.૨૩ ટકાનો અને ઓલીના પક્ષને મળેલા મતમાં ૭.૫૯ ટકાનો વધારો થયો છે. જોકે પ્રચંડના પક્ષને મળેલા મતમાં ૧.૫૫ ટકાનો ઘટાડો થયો છે. નેપાળની સાત પ્રાંતિક ધારાસભાઓમાંથી છમાં સામ્યવાદી પક્ષને બહુમતી મળી છે. એટલે જનાદેશ સામ્યવાદીઓના પક્ષે છે અને કે.પી.ઓલીનું વડાપ્રધાન બનવું નિશ્ચિત મનાય છે. આજની નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પરિણામ અને બંધારણીય કાર્યવાહીઓ આટોપીને માર્ચમાં નવી કેન્દ્ર સરકાર સત્તાની ધૂરા સંભાળી લેશે.
૧૯૪૯માં હિંદુરાષ્ટ્ર નેપાળમાં સામ્યવાદી આંદોલનના પગરણ મંડાયા હતા. નેપાળમાં પ્રવર્તતી કુલીનશાહી, જમીનદારી, સામંતી અને ઉચ્ચ વર્ગોનું સર્વર્ત્ર પ્રભુત્વ અને સામે આમ નેપાળીની ગરીબી અને શોષણમાંથી તેમને સામ્યવાદમાં જ ઉગારો દેખાયો હતો. આજે સાતેક દાયકે નેપાળમાં સામ્યવાદીઓ એકલે હાથે સત્તામાં આવી શક્યા છે તે કોઈ ચમત્કાર નથી. પરંતુ તેમના દીર્ઘ રાજકીય સંઘર્ષનું પરિણામ છે. જોકે નેપાળમાં છેક ૧૯૯૪માં સામ્યવાદી પક્ષના સ્થાપકોમાંના એક મનમોહન અધિકારીના નેત્રુત્વમાં સામ્યવાદી સરકાર બની હતી. તો હાલના બંને સામ્યવાદી નેતાઓ ,ઓલી અને પ્રચંડ, નેપાળના વડાપ્રધાનો રહી ચૂક્યા છે. નેપાળના સામ્યવાદીઓએ સંસદીય લોકશાહીનો માર્ગ અપનાવ્યો તે અંગે દુનિયાના ઘણાં સામ્યવાદીઓમાં નારાજગી અને મતભેદ છે. ઓલીના નેત્રુત્વ હેઠળની સરકારે આ સૌને રાજી રાખીને શાસન કરવાનું છે.
હાલના જનાદેશ પરથી નેપાળમાં રાજકીય સ્થિરતા અને શાંતિ આવશે તેવું લાગે છે. પરંતુ ઉત્તરપ્રદેશ અને બિહાર સાથે જોડાયેલા નેપાળના તરાઈના ’મધેશી”ઓનો અસંતોષ હજુ શમ્યો નથી. નેપાળના હાલના બંધારણમાં તેમની ઉપેક્ષાની માંગણી ઉભી જ છે. જોકે મધેશીઓનો વિરોધ હવે ઉગ્ર નથી , તેમણે રાજકીય પ્રક્રિયા અને ચૂંટણીમાં ભાગ લીધો અને એક પ્રાંતમાં બહુમતી પણ મેળવી છે. તેમ છતાં તેમની સમાવેશી વિકાસની માંગ પડતર છે. નેપાળની ૧૨.૮ ટકા દલિત વસ્તી પણ પૂરતું પ્રતિનિધિત્વ મેળવી શકી નથી. નેપાળમાં દલિતો જાતિભેદ અને વર્ણવ્યવસ્થાનો ભોગ બનેલા છે.. શિક્ષણ અને રોજગારમાં તે તળિયે છે અને જાતિભેદ, ગરીબી અને શોષણમાં ટોચે છે. તેમને રાષ્ટ્રની મુખ્યધારામાં લાવવાનો અને રાષ્ટ્ર વિકાસમાં એકરસ કરવાનો પડકાર છે.
૨૦૦૪-૫માં રાજા જ્ઞાનેન્દ્રએ તત્કાલીન લોકશાહી સરકારને પદભ્રષ્ટ કરી સત્તા સંભાળી ત્યારે ભૂમિહીનો માટે ભૂમિ બેન્કની રચના કરી હતી. સામ્યવાદી-માઓવાદી સરકાર માટે તેનાથી આગળ વધીને જમીનોની ફેરવહેંચણી અને ભૂમિહીનોને જમીનોનો એજન્ડા પ્રાથમિકતા માંગે છે. એ જ રીતે નેપાળની ધાર્મિક અને સાંસ્ક્રુતિક વિવિધતા જાળવીને તેને ધર્મનિરપેક્ષ દેશ પણ બનાવવાનો છે. નેપાળની ભાષાવિવિધતા પણ તેણે સ્વીકારવાની છે. ૪૭ સાંસદો મૈથિલીમાં, ૨૪ ભોજપુરીમાં , ૧૧ હિંદીમાં અને માત્ર ૨૫ જ રાષ્ટ્રભાષા નેપાળીમાં શપથ લીધા તે હકીકત નજરઅંદાજ કરવા જેવી નથી. રાજ્યોની રાજધાનીના શહેરોની પસંદગી સામે લોકોનો હિંસક વિરોધ પણ ઠારવાનો છે. રાજધાની કાઢમાંડુમાં અંગ્રેજી અખબારો સસ્તા હોય અને નેપાળી અખબારોની કિંમત વધારે હોય તે ભેદ પણ સમજવાનો છે.
નેપાળના સત્તાપલટા અને ખાસ તો માઓવાદી સામ્યવદી પક્ષના સત્તામાં આવવા અંગે ભારતની હાલની સરકાર અછૂતી રહી શકે તેમ નથી. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને ભારતીય જનતા પક્ષ હંમેશા નેપાળમાં રાજાશાહીને કાયમ રાખતી લોકશાહીના પક્ષે અને સામ્યવાદમાઓવાદના વિરોધી હતાં. ૧૯૯૦ના દાયકામાં ચંદ્રશેખરના નેત્રુત્વમાં ભારતમાં કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો નેપાળની રાજાશાહીના વિરોધમાં હતાં ત્યારે ભાજપ તેનાથી અળગો રહ્યો હતો. એટલે ભારત માટે ચીનની પડખે સહેલાઈથી ભરાઈ બેસે તેવી નેપાળની નવી સરકાર સાથે સુદ્રઢ સંબંધો રાખવા વ્યુહાત્મક રીતે પણ જરૂરી છે. ભારતના વડાપ્રધાને નવનિર્વાચિત નેપાળી વડાપ્રધાન ઓલી સાથે સામેથી ટેલિફોનિક વાતચીત કરી અને વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને નેપાળની મુલાકાતે દોડાવ્યા તેમાં ભારતની અધીરાઈ અને ઉત્સુકતા બેઉ છે. ભારતે તેના નેપાળ જેવા પાડોશી માટે મોટાભાઈની ભૂમિકા બદલીને સમાનતાનો વ્યવહાર લાગે તેવી વિદેશનીતિ અપનાવવી પડશે.
—
*સંપર્ક: maheriyachandu@gmail