ગુજરાત: અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના બંધારણીય અને અંદાજપત્રીય હક્કની પરિસ્થિતિ 

માર્ટીન મેકવાન/

ગુજરાત સરકાર ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર રજુ કરવા જઈ રહી છે તે સમયે પાછલા વર્ષોનો ઇતિહાસ જણાવે છે કે વિકાસમાં પાછળ રહી ગયેલા સમાજના બે મુખ્ય વર્ગો; અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અંદાજપત્રમાં તેમના હક્કના નાણાં ફાળવવામાં ભારે અન્યાય થતો આવ્યો છે. અંદાજપત્રના શિક્ષણ, આરોગ્ય હોય કે પછી સામાજિક ન્યાય; દલિતો અને આદિવાસીના હિતોની ઉપેક્ષા કરવામાં આવી છે.

પાથેય બજેટ કેન્દ્ર દ્વારા ગુજરાતના પાછલા ત્રણ વર્ષના અંદાજપત્રનું વિશ્લેષણ કરતા જણાય છે કે:

નક્કી થયેલ નીતિ ‘જેટલી વસ્તી તેટલા નાણાં – અનુસાર નાણાં ફાળવાતા નથી:

૨૦૧૭-૧૮ ના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિની ૭.૦૧ ટકા વસ્તીની સામે એસ.સી. સબ-પ્લાન માટે માત્ર ૨.૬૭ ટકા પૈસા ફાળવ્યા એટલે કે રૂ.૭૪૬૬.૦૭ કરોડ ઓછા ફાળવ્યા. ૨૦૧૬-૧૭ના અંદાજપત્રમાં પણ ૨.૬૨ ટકા અને ૨૦૧૫-૧૬માં ૨.૬૪ ટકા ફાળવેલ.

ઓછા ફાળવેલ નાણાં પણ વપરાતા નથી:

૨૦૧૬-૧૭ના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ માટે ૨૩૭૩.૦૬ કરોડ રૂપિયા ફાળવ્યા પણ તેમાંથી વર્ષના અંતે માત્ર ૨૨૦૪.૦૨ કરોડ રૂપિયા વાપર્યા. ઊંડાણમાં જોતા જણાય છે કે મહત્વના ક્ષેત્રોમાં ફાળવેલ પૈસા ઓછા વપરાયા હતા. સામાન્ય શિક્ષણમાં ફાળવેલ નાણાંના ૨૦.૫૭ ટકા; ટેકનીકલ શિક્ષણમાં ૨૨.૪૧ ટકા; શહેરી વિકાસ માટેના ૩૭.૩૩ ટકા; શ્રમ અને રોજગાર ખાતે ૧૧.૫૯ ટકા અને સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતેના ૧૪.૫૧ ટકા નાણાં વપરાયા જ ન હતા. હકીકત જોતા જણાય છે કે છેલ્લા ૩૨ વર્ષમાં એક પણ વર્ષ એવું જાણવા મળતું નથી જ્યાં અનુસૂચિત જાતિના વિકાસ-કલ્યાણ માટે ફાળવેલ પુરા પૈસા વપરાયા હોય.

ગુજરાતમાં ૧૪.૭૫ ટકા વસ્તી ધરાવતા અનુસૂચિત જનજાતિ માટે પણ આ સંદર્ભે ચિત્ર જુદું નથી:

અનુસૂચિત જાતિ માટે પેટા વિકાસ યોજનાના વિકાસ માટે ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના શરુ કરી હતી. ૨૦૧૫-૧૬ના વર્ષના અંદાજપત્રનું વિશ્લેષણ જણાવે છે કે ગુજરાત સરકારે આ યોજના માટે ૪૨૧૯.૭૮ કરોડ રૂપિયા ફાળવ્યા હતા પણ વર્ષના અંતે વાપર્યા માત્ર ૩૬૯૮.૪ કરોડ. એટલે કે અનુસૂચિત જાતિના ભાગના ૫૧૨.૩૮ કરોડ રૂપિયા અનુસૂચિત જાતિના વિકાસ સિવાયના અન્ય કામોમાં વાપર્યા.

ઊંડાણમાં જોતા જણાય છે કે અનુસૂચિત જાતિના વિકાસના મહત્વના ક્ષેત્રોમાં ફાળવેલ પૈસા ઓછા વપરાયા હતા. સામાન્ય શિક્ષણમાં ફાળવેલ નાણાંના ૮.૯૫ ટકા; ટેકનીકલ શિક્ષણમાં ૨૨.૫૨ ટકા; આરોગ્ય ક્ષેત્રે ૩૨.૮૫ ટકા ;  શ્રમ અને રોજગાર ખાતે ૨૨.૧૦ ટકા; પોષણ ક્ષત્રે ૧૨.૩૧ ટકા; અને રહેણાંક ખાતેના ૧૪.૧૩  ટકા નાણાં વપરાયા જ ન હતા.

ગુજરાતમાં ૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં માથાદીઠ વાર્ષિક ફાળવણી રૂ. ૨૫૬૨૧.૮૭ પૈસાની હતી. એની સામે અનુસૂચિત જાતિ માટે માથાદીઠ ફાળવણી માત્ર રૂ. ૧૪૦૮૦.૨૩ જ જણાય છે. આમ પહેલી વાર થઇ રહ્યું નથી. ૨૦૧૧-૧૨ ના ગુજરાતના અંદાજપત્રમાં સરેરાશ માથાદીઠ રૂ. ૧૩૪૫૬.૯૫ ની ફાળવણી સામે અનુસૂચિત જાતિ માટે ફાળવણી માત્ર રૂ.૭૧૬૨.૭૯ જ જણાય છે. આજ પ્રમાણે ૨૦૧૨-૧૩માં રૂ ૧૬૩૬૪.૮૮ ની સામે રૂ. ૮૫૦૪.૬૯; ૨૦૧૩-૧૪માં રૂ. ૧૮૦૯૯.૪૭ ની સામે ૮૮૯૦.૪૦; ૨૦૧૪-૧૫માં રૂ. ૨૦૬૭૧ ની સામે ૧૦૩૧૦.૪૯; ૨૦૧૫-૧૬માં રૂ. ૨૧૧૧૪.૫૭ ની સામે અને ૨૦૧૬-૧૭માં રૂ. ૨૨૬૭૯.૩૦ ની સામે અનુસૂચિત જાતિ માટે માત્ર રૂ. ૧૨૩૬૭.૨૪ જ ફાળવેલી જોઈ શકાય છે.

સરકારી આંકડા અનુસાર ગુજરાતની ૩૬ ટકા આદિવાસી પ્રજા છૂટક મજૂરી પર નિર્ભર છે અને મોટાભાગના લોકો આજે પણ રોટલાની શોધમાં શહેરો તરફ સ્થળાંતર કરે છે. વનબંધુ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ આદિવાસી સ્થળાંતર રોકવા માટે સ્થાનિક પરિસ્થિતિ બદલવાનો હતો અને છતાંય હકીકતે તેમના માટે કેટલા ઓછા નાણાં અંદાજપત્રમાં ફાળવાય છે તે ઉપરના આંકડા બોલે છે.

વિવિધ અભ્યાસના આંકડા દર્શાવે છે કે આદિવાસી પ્રજાસમૂહ પોતાની આવકના ૭૦ થી ૮૦ ટકા નાણાં ભોજન માટે વાપરે છે અને પરિણામે શિક્ષણ, આરોગ્ય કે સંપત્તિ પેદા કરવા તેમની પાસે કઈ બચતું નથી. સેન્ટર ફોર સોશ્યલ સ્ટડી, સુરતનો અભ્યાસ જણાવે છે કે  ગુજરાતના ઘણા આદિવાસી વસ્તીવાળા તાલુકામાં ૫ થી ૧૫ની વયજૂથના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ૯૪ ટકા જોઈ શકાય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચરલ રિસર્ચના અહેવાલ અનુસાર ગુજરાતની વાવણીલાયક એવી માત્ર ૩૨ ટકા જમીનને સિંચાઇની સગવડ મળે છે. એની સામે ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા ૪૩ તાલુકાના અડધોઅડધ તાલુકામાં આદિવાસીની માત્ર ૧૫ ટકા જમીનને સિંચાઇની સવલત મળે છે. એમાંય ત્રીજા ભાગના આવા તાલુકામાં તો માત્ર ૫ ટકા જમીનને સિંચાઇની સગવડ મળે છે.

જંગલ જમીનના સંદર્ભમાં જણાય છે કે કેરળ; ઓડિશા; ઝારખંડ; તેલંગાણા; આંધ્રપ્રદેશ; રાજસ્થાન; અને છત્તીસગઢમાં આદિવાસીનો આવી જમીન પર અધિકાર અનુક્રમે ૬૬; ૬૪; ૫૫; ૫૧;૫૦,૫૦ અને ૪૪ ટકા ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં જંગલ જમીન પર આદિવાસીનો અધિકાર માત્ર ૪૪ ટકા કેસોમાંજ માન્ય ગણાયો  છે.

૧૯૮૦ના દાયકામાં ભારત દ્વારા સ્પષ્ટ નીતિ ઘડવામાં આવી હતી કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે તેમની વસ્તીના ધોરણે અંદાજપત્રમાં નાણાં ફાળવવામાં આવે. આ અનુસંધાને અનુસૂચિત જાતિ પેટા યોજના અને અનુસૂચિત જનજાતિ પેટા યોજના દાખલ થઇ હતી. ગયા વર્ષે ગુજરાત સરકારે આ નીતિને બાજુ મૂકીને અનુસૂચિત જાતિ પેટા યોજના અને અનુસૂચિત જાતિ પેટા યોજના ના સ્થાને ‘અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ’ નો ખ્યાલ રજુ કરી આયોજિત અને બિન આયોજિત ખર્ચની અલગથી જોગવાઈ કરવાની નીતિને કોરાણે મૂકી દીધી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s