જાહેર અધિવેશન: ગુજરાતનું અંદાજપત્ર ૨૦૧૮-૧૯
૨૦૧૮ની સાલમાં ગુજરાતમાં નવી સરકાર રચાઈ છે. ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થવાનું છે અને ૨૦મી તારીખે અંદાજપત્ર રજુ થશે. ગુજરાતના દલિત-આદિવાસી પ્રજાસમૂહ માટે અંદાજપત્ર મહત્વનું ખરું? અત્યારે સુધી આ પ્રશ્ન પર ધ્યાન અપાયું નથી.
બંધારણીય નીતિ અનુસાર જોગવાઈ છે કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટે તેમની વસ્તીના ધોરણે નાણાં ફાળવવા. ૧૦૦ રૂપિયાનું અંદાજપત્ર હોય અને ગુજરાતમાં અનુસૂચિત જાતિ-જનજાતિની વસ્તી ૨૧.૭૬ ટકા હોયતો સરકારે આ પ્રજાસમૂહ માટે ૨૧.૭૬ રૂપિયા ફાળવવા પડે.
અત્યારની સરકાર જે પક્ષની છે તે પક્ષ ૨૨ વર્ષથી સત્તામાં છે અને તેમણે તેમના શાશનકાળ દરમિયાન ક્યારેય પણ અનુસૂચિત જાતિ-જનજાતિ માટે તેમની વસ્તીના પ્રમાણમાં પૈસા ફાળવ્યા નથી.
અંદાજપત્રમાં પૈસાની ફાળવણી થાય પછી નક્કી કરેલા હેતુ પ્રમાણે પૈસા વાપરવાના થાય. અનુસૂચિત જાતિ-જનજાતિના સંદર્ભમાં એવું બન્યું છે કે તેમના માટે નાણાં ઓછા ફાળવાયા છે અને જે ઓછી રકમ ફાળવાઈ છે તે વાપરવામાં આવી નથી.
બંધારણીય નીતિ સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિ તથા જનજાતિ માટે ફાળવાયેલ નાણાં એવી રીતે અને એવી યોજનાઓ દ્વારા વાપરવાના થાય કે જેનાથી તે સમાજના લોકોને સીધો ફાયદો થાય. છેલ્લા બાવીસ વર્ષમાં થયું છે તેમ કે આવા પૈસા દલિત-આદિવાસી પ્રજાસમૂહને સીધો ફાયદો થાય તેવી રીતે ઘણા ઓછા વપરાયા છે. છેલ્લા વર્ષે ગુજરાતમાં દલિતોને સીધો લાભ મળે તે રીતે માત્ર ૧૮.૯ ટકા નાણા વપરાયા છે. તેની સામે કેરાલામાં ૭૯ ટકા નાણાં દલિતોને સીધો લાભ થાય તે રીતે વપરાયા છે.
છેલ્લે સૌથી ગંભીર બાબત એ બની છે કે અનુસૂચિત જાતિ-જનજાતિના વિકાસ માટે વાપરવાના બદલે તેમના ભાગના ઘણા નાણાં બીજાજ હેતુ માટે વાપરી નાંખવામાં આવ્યા છે.
છેવાડે ગામડે રહેતા કે શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિત-આદિવાસીને ક્યાંથી ખબર પડે કે તેમના માટેની બંધારણીય જોગવાઇઓનો અમલ થાય છે કે નહિ? તેમના હિતોની રક્ષા માટે બંધારણમાં સલામતી રાખવામાં આવી છે. અનુસૂચિત જાતિ-જનજાતિની વસ્તીના પ્રમાણમાં વિધાનસભા; જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં બેઠકો અનામત રાખવામાં આવી છે. કમનસીબે વિધાનસભામાં અંદાજપત્રમાં પોતાના સમાજના હિતની વાત ટાણે આવા ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના સમાજના હિતોનું રક્ષણ કરવાના બદલે પોતાના રાજકીય પક્ષના હિતોનું રક્ષણ કરે છે. ઇતિહાસમાં એવું ભાગ્યેજ જોવા મળ્યું છે કે દલિત-આદિવાસી ધારાસભ્યો પોતાના પક્ષથી અલગ થઇ પોતાના સમાજના હિતની રક્ષા માટે એક થયા હોય. ડો. આંબેડકરને આમ બનશે તેનો અંદેશ હતો જ અને એટલેજ તો તેમને રાજકીય અનામત મંજુર ન હતી અને તે ૧૯૧૯થી ૧૯૪૯ સુધી અલગ મતાધિકાર માટે લડ્યા હતા.
હાલમાં દલિત અધિકારની લડત મહદઅંશે અત્યાચાર પૂરતી સીમિત થઇ ગયી છે. દલિતો પર અત્યાચાર ન થાય તેના માટે લેવાતા પગલાં સૌપ્રથમ આર્થિક વળતર અને ત્યાર બાદ કોઈ પણ રીતે સમાધાન થઇ જાય તેમાં જ સીમિત થઇ ગયા છે. ખાસ તે નોંધવાની જરૂર છે કે માત્ર શરીરે ઇજા અને જ્ઞાતિ આધારિત અપમાનના બનાવોજ અત્યાચાર ગણાય છે. સાથે સાથે દલિત અધિકારના હનનનો મુદ્દો પણ માત્ર અત્યાચાર પૂરતોજ સીમિત થઇ ગયો છે.પરિણામે ઘર્ષણ માત્ર દલિત-બિનદલિત વચ્ચે થઇ રહ્યું છે અને તે ઘર્ષણ ઓછું થાય તેવા કોઈ સરકારી કાર્યક્રમ સરકાર પાસે નથી. હકીકતે અંદાજપત્રમાં દલિત-આદિવાસીના હક્કના નાણાંની ઉઘાડી લૂંટ તે અત્યાચારોનું મોટું કારણ છે અને છત્તાં આટલી મહત્વની વાત પાર ધ્યાન દેવામાં આવતું નથી.
સરકારી નીતિ દલિત અધિકારો છીનવાઈ જાય તે માટેનું એક મુખ્ય કારણ છે તે અંગેનો વિરોધનો સુર બુલંદ થતો નથી. હાથીના દાંત ચાવવાના અને બતાવવાના જુદા છે તેમ સરકારી નીતિ દલિતોના ન્યાયિક અને બંધારણીય અધિકારોને સિફતપૂર્વક છીનવી લેવાની છે અને બદલામાં નાની અમથી યોજનાઓની ઢોલ પીટીને જાહેરાત કરવાની છે જેથી નાણાં વગરની યોજનાઓ પર લોકો તૂટી પડે અને દલિતો-આદિવાસીના ભાગના કરોડો રૂપિયા અન્ય હેતુઓ માટે વપરાઈ જાય અને તેના તરફ કોઈનું ધ્યાન પણ ન જાય.
વાળ પોતે ચીભડાં ગળે ત્યારે શું કરવું? જે સરકારને લોકોએ ચૂંટી છે તે પોતે, જે સમાજનો જાહેર જીવનમાં ભાર કે વર્ચસ્વ નથી, તેના અધિકારોને ગુંગળાવે ત્યારે શું કરવું? રાજ્ય સરકાર પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે કારણ રાજ્ય સરકાર જે સમાજનું વર્ચસ્વ વધુ હોય તે તરફ હંમેશા ઝુકે છે. આપણી સામે ત્રણ રાજ્યોના ઉદાહરણ છે જેમણે તે રાજ્યના દલિત-આદિવાસી આંદોલન સામે ઝૂકી એવો કાયદો ઘડ્યો છે જેનાથી સરકાર દલિત-આદિવાસી પ્રજાસમૂહના સરકારી અંદાજપત્રમાં ફાળવેલ નાણાં અન્ય હેતુ માટે વાપરી શકતી નથી. સરકાર ઉપર કાયદાથી નિયંત્રણ મૂક્યું છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યે આવો દલિત-આદિવાસીના ભાગના નાણાંનું રક્ષણ કરતો કાયદો ઘડ્યો છે. આવો કાયદો ગુજરાતમાં પણ ઘડાય તે આપણા આંદોલનનો મુખ્ય મુદ્દો છે.
આ વર્ષે ફરી એકવાર ૨૦૧૮-૧૯ના વર્ષના ગુજરાતના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ-જનજાતિના અધિકારમાં આવતા કરોડો રૂપિયા સરકાર ઝુંટવી ન લે, અને અંદાજપત્રમાં ગફલત ન કરે તે માટે સજાગ રહેવાની જરૂર છે જેથી ‘જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો’ એવો ઘાટ ન થાય. આ હેતુસર અધિવેશનનું આયોજન કર્યું છે.
આપણી લડતના મુદ્દા સ્પષ્ટ છે:
૧. ગુજરાતના ૨૦૧૮-૧૯ના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ- જનજાતિની વસ્તી (૨૧.૮ %) ના પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે.
૨. અનુસૂચિત જાતિ-જનજાતિના માટે ફાળવાયેલા નાણાં તેમને સીધો ફાયદો થાય તેવી રીતે જ વાપરવામાં આવે.
૩. અનુસૂચિત જાતિ-જનજાતિના વિકાસ કે કલ્યાણ માટે ફાળવેલ નાણા અન્ય કોઈ હેતુમાં વાપરવામાં ન આવે.
૪. અંદાજપત્રમાં દલિત-આદિવાસી વિકાસ-કલ્યાણ માટે ફાળવેલ તમામ નાણાં વપરાય.
૫. આંધ્રપ્રદેશ શિડ્યૂલ્ડ કાસ્ટ્સ સબ-પ્લાન એન્ડ ટ્રાઇબલ સબ-પ્લાન (પ્લાનિંગ,એલોકેશન એન્ડ યુટિલાઇઝેસન ઓફ ફાઇનાન્સીયલ રીસોર્સેસ) એક્ટ, ૨૦૧૩ તથા કર્ણાટક અને તેલંગાણા રાજ્યે આવા જ પસાર કરેલ કાયદાના ધોરણે ગુજરાતમાં અનુસૂચિત જાતિ-જનજાતિના અંદાજપત્રીય નાણાકીય અધિકારોની સુરક્ષા માટે કાયદો બનાવવામાં આવે.
ઉપરોક્ત માંગણીના અનુસંધાને આ અધિવેશન યોજવામાં આવ્યું છે. આ અધિવેશનમાં ભાગ લેવા નવા ચૂંટાયેલા અનુસૂચિત જાતિના ૧૩ અને અનુસૂચિત જનજાતિના ૨૭ ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં તેલંગાણા રાજ્યના વરિષ્ટ પત્રકાર-દલિત કર્મશીલ શ્રી માલેપલ્લી લક્ષ્મિયાહ ઉપસ્થિત રહી તેમના રાજ્યમાં આ વિશેષ કાયદો કેવી રીતે પસાર થયો તેની વાત કરશે. ઉપરાંત નેશનલ કેમપેઇન ઓન આદિવાસી હ્યુમન રાઇટ્સના કન્વીનર શ્રી અભય ખાખા ભારત તથા અન્ય રાજ્યોના અંદાજપત્રમાં આદિવાસી પ્રજાસમૂહના સ્થાન વિષે વાત કરશે. ગુજરાતના અંદાજપત્રમાં દલિત-આદિવાસી-વંચિત સમુદાયના મહત્વ વિષે પ્રોફ. હેમંત શાહ વાત કરશે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના વિશેષ કાયદાની માહિતી સામાજિક ન્યાય કેન્દ્રના નૂપુરબેન આપશે. સમગ્ર કાર્યક્રમના સંકલનની જવાબદારી શ્રી માર્ટિન મેક્વાન સંભાળશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાના લોકો સ્વખર્ચે જોડાશે. આ કાર્યક્રમના આયોજન અને તે સફળ બને તે માટે શ્રી. કાંતિભાઈ પરમાર અને કિરીટભાઈ રાઠોડ (અમદાવાદ-અમરેલી જિલ્લો), મંજુલાબેન મકવાણા અને ડાહ્યાભાઈ દાફડા (રાજકોટ જિલ્લો); મહેશભાઈ રાઠોડ (ગીર-સોમનાથ) ; નરેન્દ્રભાઈ પરમાર (પાટણ જિલ્લો); મોહનભાઇ પરમાર ( બનાસકાંઠા જિલ્લો); મનજીભાઇ જાદવ, બળદેવભાઈ મકવાણા અને નટુભાઈ પરમાર (સુરેન્દ્રનગર જિલ્લો); શાંતાબેન સેનમા અને ભરતભાઈ પરમાર(મહેસાણા જિલ્લો); જયેશ પરમાર, પરષોત્તમ મકવાણા અને હરજીભાઇ અંજારા (અમદાવાદ-બોટાદ જિલ્લો) અને અરવિંદભાઈ મકવાણા (ભાવનગર જિલ્લો) એ ખુબ જહેમત ઉઠાવી છે.
અધિવેશનની વિગત: તારીખ: ૧૭ ફેબ્રુઆરી, શનિવાર, ૨૦૧૮
સ્થળ: રંગ મંડળ ઓડિટોરિયમ, બી.કે હોલ, પ્રીતમ નગર, અખાડા, પાલડી, અમદાવાદ
સમય: બપોરે ૧.૩૦ થી ૪:૩૦
—
અધિવેશનના સમર્થક આમંત્રક:
ઉત્તમભાઈ પરમાર
પ્રકાશભાઈ શાહ
ચંદુભાઈ મહેરિયા
વિજયભાઈ પરમાર
સિદ્ધાર્થભાઇ પરમાર
માર્ટિન મેકવાન
ઈન્દુકુમાર જાની
પ્રો. રોહિત શુક્લ
મીનીશી જાની
રમણભાઈ ચૌધરી
અશોક ચૌધરી
અમરસિંહભાઈ ચૌધરી
બહાદુરસીંઘ વસાવા
પૌલોમી મિસ્ત્રી
અશોક શ્રીમાળી
અચ્ચુત યાજ્ઞિક
જહાનવી અંધારિયા
મહેશ પંડ્યા
બિનોય આચાર્ય
નીતા હાર્ડીકર
નરેન્દ્ર પરમાર
માઈકલ મઝગાવકર
ઉર્વીશ કોઠારી
પ્રવીણ ગઢવી
પી.કે. વાલેરા
મિતલબેન પટેલ
પ્રો. અરુણ વાઘેલા
મીનાક્ષી જોશી
સુનીલ જાદવ
સ્વરૂપબેન ધ્રુવ
હિરેન ગાંધી
દિલીપ ચંદુલાલ
હરીશ મંગલમ
સ્વાતી જોશી
લતા શાહ
અશોક ભાર્ગવ
કીરીટભાઈ કોય નહિ આવે લોકો પહેલા કાર્યકર ની શરમ ના લીઘે લોકો આવતા હતા નહિ કે નવસર્જન કારણે