અનુસુચિત જાતિ/જન જાતિ સમૂહના વિકાસ અને બંધારણીય અને માનવ અધિકારોના રક્ષણ માટેની માંગણીઓ

નવસર્જન ટ્રસ્ટના સીનીઅર સામાજિક કાર્યકર કાંતિલાલ  ઉકાભાઈ પરમારનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિ/જન જાતિ સમુહના બંધારણીય અને માનવ અધિકારોના રક્ષણ તેમજ વિકાસ માટે જરૂરી કાર્યવાહી કરવા બાબત પત્ર:

ગુજરાત રાજ્યમાં અનુસુચિત જાતિ અને જનજાતિના સમૂહના બંધારણીય અને માનવ અધિકારોના રક્ષણ માટે અને અમારા સામુહિક વિકાસ માટે અમો નીચે મુજબની માંગણીઓ બંધારણના આમુખ, મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાતોના આધારે આપવામાં આવેલ ખાતરીના આધારે કરીએ છીએ. બંધારણમાં લોકોને આપવામાં આવેલ ખાતરીઓ, અધિકારો અને  માર્ગદર્શક સિદ્ધાંતો સાથે બંધારણનો સંપૂર્ણપણે અમલ કરવો તે રાજ્ય સરકારની જવાબદારી બને છે. તેમાં પણ નબળા વર્ગના વિકાસ માટે વિકાસલક્ષી પગલા ભરવા તે રાજ્ય સરકારની ફરજ પણ છે.  અમો અમારા સમૂહના વિકાસ માટે બંધારણીય અને માનવ અધિકારોના રક્ષણ માટે નીચે મુજબની માંગણી છે જે સાદર રજુ કરીએ છીએ.

 1. અનુસુચિત જાતિ અને જનજાતિ માટે ખાસ અંગભૂત યોજનાનો કાયદો(SCCP/TSP Legislation) બનાવમાં આવે
 2. અનુસુચિત જાતિ અને જનજાતિ માટે ખાસ અંગભૂત યોજનાનો કાયદો(SCCP/TSP Legislation) બનાવી રાજ્યના બજેટમાં પૂરેપૂરી રકમ ફાળવાય અને તે ફળવાયેલી રકમ જે હેતુ માટે ફાળવવામાં આવી હોય તેમાં માટેજ વપરાય અન્ય હેતુ માટે નહી.
 3. રાજ્ય સરકારના બજેટમાં આયોજનના ૭%ના પ્રમાણમાં ફળવણી ખાસ અંગભૂત યોજના માટે થવી જોઈએ. આ ફાળવણી દરેક વિભાગ દીઠ થવી જોઈએ તેમન સ્પષ્ટપણે બનાવાયેલી દલિતો માટેની વ્યક્તિગત તેમજ કૌટુંબિક લાભની યોજનામા પ્રતિબિંબિત થવી જોઈએ.
 4. આયોજન પંચે સ્ટેન્ડિંગ કમિટીની રચના દરેક વિભાગ સ્થરે કરવી જોઈએ જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રતિનિધિઓ હોય, જે ખાસ અંગભૂત યોજનામાં અમલીકરણ પર દેખરેખ રાખે. તેમજ દરેક વિભાગમાં પણ સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે જેમાં એક પ્રતિનિધિ આયોજનપંચમાંથી નિયુક્ત થયેલ હોય.
 5. સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ખાસ અંગભૂત યોજનાની રચના અને અમલીકરણ માટે નોડલ અજેન્સી બનવી જોઈએ.આ વિભાગ અંતર્ગત એક ખાસ બ્યુરોની રચના કરવામાં આવે જેના વડા જોઈન્ટ સેક્રેટરી હોય, આ બ્યુરો રાજ્ય કક્ષાના વિભાગો દ્વારા થતા ખાસ અંગભૂત યોજનાના અમલીકરણનું દેખરેખનું કામ કરે.
 6. ફાળવાયેલ, પણ વાપરી ન શકાયેલ ફાળવણીની રકમ ‘ન વપરાયેલ ફંડ’ તરીકે નોંધવામાં આવે અને જે અન્ય વિભાગો જેમને ખાસ અંગભૂત યોજ્નાને સંલગ્ન અનુસુચિત જાતિઓ માટેની યોજનાઓ માટે અધિક નાણાની જરૂર હોય તેમના માટે નાણા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ‘ન વપરાયેલ ફંડ’ રીવોલ્વીંગ ફંડમાં જમા કરાવવામાં આવે. અનુસુચિત જાતિ પરના કોઈ પણ પ્રકારના અત્યાચાર વખતે ઉપયોગમાં લઇ શકાય તે માટે ‘કન્ટીજન્સી ફંડ’ જેવું રીવોલ્વીંગ ફંડ રૂ.૫૦૦ કરોડની રકમ સાથે/દ્વારા ઉભું કરવામાં આવે.
 7. કોઈ પણ વિભાગ દ્વારા કરાયેલ ખાસ અંગભૂત યોજના અંતર્ગત યોજનાઓની ફાળવણીના આયોજન વગરની બજેટની માંગણીનો આયોજન અને નાણા વિભાગે સ્વીકાર ન કરવો જોઈએ.
 8. જે વિભાગો અનુસુચિત જાતિની ખાસ અંગભૂત યોજનાઓ બનાવવા માટેની અક્ષમતા બતાવે તેમને અનુસુચિત જાતિઓના વિકાસ માટે ફંડ ફાળવણી અંગે સૂચનાઓ આપવામાં આવે. આમ ન થાય તો જે તે વિભાગ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે.
 9. (મુક્ત) બજારના અર્થતંત્રમાં અનુસુચિત જાતિના વ્યક્તિઓ પૂરતા રોકાણ, સંસાધનો સાથે પ્રવેશ કરી શકે તે માટે અનુસુચિત જાતિઓને યોગ્ય પ્રમાણમાં હિસ્સો બજેટ ફાળવણીમાં થવો જોઈએ. આ ઉપરાંત આં બજારી ઉધમો માટે તેમની ક્ષમતાઓ અને કૌશલ્યનો વિકાસ થવો જોઈએ. આ માટે ફાળવાયેલ નાણાણો બિનઉપયોગ અથવા અન્ય ઉપયોગ માટે થાય તો તેવી ફાળવણી સામે શિક્ષાત્મક પગલા લેવાવા જોઈએ.
 10. અનુસુચિત જાતિઓના લોકો દ્વારા શરુ કરાયેલ ઉદ્યોગોને જરૂરી ટેકો મળી રહે તે માટે રાજ્ય સ્તરના એસ.સી./એસ.ટી. ફાયનાન્સ કોર્પોરેશનને વધુ નાણાંકીય ફાળવણી થવી જોઈએ.
 11. ગુજરાત સરકારના વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ના ત્રણ વર્ષના અનુ. જાતિ પેટા યોજના (ખાસ અંગભૂત યોજના) હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં અનુ. જાતિનાવિધાર્થી/ વિધાર્થીનીઓ માટે જિલ્લાઓમાં છાત્રાલયો બનાવવા માટે રૂ. ૪૯૨૦૫/-લાખની જોગવાઈ હેઠળ બનેલ છાત્રાલયો સમરસ જાહેર કરી અનુ. જાતિના બજેટના નાણાનો બિનઅનુસુચિત જાતિના વિધાર્થીઓને પ્રેવેશનો પરિપત્ર કરવાથી નાણાનો દુર ઉપયોગ થયો છે. જેથી આ સમરસ હોસ્ટેલનો ઠરાવ રદ કરી અને આ હોસ્ટેલમાં ફક્ત અનુસુચિત જાતિનાવિધાર્થીઓને જ પ્રવેશ મળે તે સુનીચ્ચિત કરવું,

શૈક્ષણિક અધિકાર:

 1. સર્વ અનુસુચિત જાતિ ફરજીયાત, મફત અને ઉચ્ચ ગુણવતાવાળું શિક્ષણ તાત્કાલિક અસરથી ઉપલબ્ધ કરાવું જોઈએ. શિષ્યવૃત્તિની રકમ અને સંખ્યા વધારવી જોઈએ. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની શાળાઓ અને છાત્રાલયોમાં માળખાકીય સુવિધાઓ વધારવી જોઈએ તેમજ નોકરી આધારિત ધંધાકીય અને ટેકનીકલ શિક્ષણ ઉપલબ્ધ કરવાવું જોઈએ.
 2. વિશ્વ વિદ્યાલયો અથવા શૈક્ષણિક/સ્વાયત સંસ્થાઓ/નોંધણી થયેલ માળખાઓમાં ભેદભાવમુક્ત વાતવરણની ખાતરી કરાવવી જોઈએ. આ ઉપરાંત આ બાબતો ન ચલાવી લેવાની નીતિ અમલમાં મુકાવી જોઈએ.
 3. એવી માળખાકીય/ સંસ્થાગત વ્યવસ્થાઓ બનાવવી કે જેથી શાળાઓમાં અનુસુચિત જાતિના બાળકો પ્રત્યે ભેદભાવ તેમજ બહિષ્કાર/ તિરસ્કારનો ઉકેલ લાવી સકાય.
 4. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસ્તાનક સ્તરે અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે વધુ રકમની શિષ્યવૃત્તિની યોજના બનાવે. તમામ પ્રાથમિક થી ઉચ્ચ શિક્ષણના સ્તરે શિષ્યવૃત્તિમાં ૫ ગણો વધારો કરવામાં આવે.
 5. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમમાં અને પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલીમમાં સામાજિક ન્યાય વિષયક શિક્ષણનો સમાવેશ થવો જોઈએ.
 6. સર્વ શિક્ષા અભિયાન: અનુસુચિત જાતિ/જન જાતિના વિદ્યાર્થીઓની સ્થાનિક જરૂરિયાતો (પ્રોત્સાહક પરીબળો સહીત) માટેની જીલ્લાદીઠ વાર્ષિક ફાળવણી વધારીને વિદ્યાર્થીદીઠ લઘુતમ રૂ. ૧૦૦/- કરવી જોઈએ, જેથી તેમને આનુસંગિક શિક્ષણ આપી શકાય.
 7. પ્રાથમિક શિક્ષણના તબક્કાથી જ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચિત રકમની પૂર્વ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાવી જોઈએ.
 8. અનુસુચિત જાતિ અને જનજાતિના એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી સરકારી અને ખાનગી) રાજ્ય સરકાર ઉઠાવે.
 9. જે જીલ્લાઓમાં અનુસુચિત જાતિની વસ્તીનું પ્રમાણ ૨૦% થી વધારે હોય ત્યાં નિવાસી શાળાઓ શરુ થવી જોઈએ.
 10. સર્વ ખાનગી શાળાઓમાં અનામતની બેઠકો ઉપલબ્ધ થાય તેની ખાતરી કરાવવી.
 11. ઓછી આવક ધરાવતા અનુસુચિત જાતિના દરેક બાળકને રાજ્યના ખર્ચે ગુણવાતાયુક્ત મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવવું જોઈએ.
 12. અનુસુચિત જાતિના યુવાનો અને યુવતીઓને વિદેશ અભ્યાસ માટે કોઈ જાતની આવક મર્યાદા વગર દર વર્ષે ૧૦૦૦ યુવાનોને વિદેશ મોકલવાની યોજના બનાવો.

અનામત નીતિ(નું અમલીકરણ):

 1. અનામતનો કાયદો સરકાર બનાવે અને આ કાયદા નીચે સરકારી નોકરીઓમાં ભરતી ઝુંબેશ શરુ કરી તાત્કાલિક બેકલોગ ભરવામાં આવે
 2. સર્વ વિભાગો/ખાતાઓ એ બેકલોગ (આગલી ન ભરાયેલી અનામતની બેઠકો/નોકરીઓ) જગ્યાઓ તાત્કાલિક ભરતી ઝુંબેશ કરી ભરવી.
 3. અનુસુચિત જાતિઓના વર્ગ “અ” અને ‘બ” ની નોકરીઓમાં પ્રતિનિધિત્વ વધારવા માટે ગંભરતાથી પ્રયત્નો કરવા જોઈએ.
 4. અનુસુચિત જાતિ અને જનજાતિ માટે ખાનગી ક્ષેત્રે અનામત દાખલ કરવામાં આવે અને તે અંગેનો કાયદો બનાવવામાં આવે:-
 5. ખાનગી ક્ષેત્રમાં અનામતના વિવિધ પાસાઓ દ્વારા અમલ કરાવવું જોઈએ જેવા કે ખાનગી રોજગાર, ખાનગી નાણા બજાર, ખાનગી શિક્ષણ તેમજ આવાસ, સંસાધનો –પેદાશો સુધી પહોચ, ઉપભોક્તા પેદાશોના બજાર, વિગરે
 6. રાજ્યના સહકારીક્ષેત્રમાં, ડેરી ઉદ્યોગ, સહકારી બેંકો તેમજ બીજા ખાનગીક્ષેત્રમાં અનામતનોનીતિનો અમલ થવો જોઈએ.
 7. ગુજરાતમાં અનુચુચિત જાતિના યુવાનોને ખાનગી કંપનીઓના જાતિ આધારિત ભેદભાવનો ભોગ બનવું પડે છે. તે બાબતે પગલા ભરવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે.
 8. ઉદ્યોગ ગૃહો અને કોર્પોરેટ ક્ષેત્રે જે CSR (Corporate social responsibility)નું ફંડ સામાજિક કામ માટે વાપરવામાં આવે છે તે ફંડના ૫૦ % રકમ અનુસુચિત જાતિ અને જનજાતિના સામાજિક, શૈક્ષણિક, રોજગારી, કૌશલ્ય તાલીમ અને આર્થીક વિકાસ માટે વાપરવામાં આવે તેવો CSRના ભારતીય કંપનીઝ એક્ટ ૨૦૧૩નાકાયદા અને તેના નિયમો(CSR rules) ૨૦૧૪ માં સુધારો લાવવામાં આવે.

રોજગારનો અધિકાર:

 1. અનુસુચિત જાતિ અને જન જાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવા અને ટેકનિકલ કૌશલ્ય તાલીમ માટે સરકારે ખાસ અલાયદો વિભાગ બનાવવો.
 2. રાષ્ટ્રીયકૃત બેંકો દ્વવારા અનુસુચિત જાતિ અને જન જાતિના બેરોજગાર યુવાનોને ઉદ્યોગ/ધંધા માટે તાત્કાલિક ફોર્મ ભર્યા પછી દિન ૩૦માં ફોર્મ ચેક કરી લાયક વ્યક્તિને લોન આપવી જેમાં સરકારે દરેક સ્તરે ૬૦% સબસીડી આપવી.
 3. અનુસુચિત જાતિ અને જન જાતિના ધોરણ ૧૦ પાસને રૂ.૨૫૦૦, ૧૨ પાસને રૂ.૩૫૦૦, ગ્રેજ્યુએટ અને તેથી ઉપરનાને રૂ. ૫૫૦૦ બેકારી ભથ્થું આપવું.
 4. વેઠિયા મજુરીપ્રથાનાબુદીકરણ અધિનિયમ ૧૯૭૬નું કડક અમલીકરણ થવું જોઈએ.
 5. રોજગાર ખાતરી યોજનાઓ અને રોજગારની અન્ય યોજનાઓમાં અનુસુચિત જાતિના વ્યક્તિઓને પ્રાથમિકતા આપવી.
 6. પારંપરિક વ્યવસાયો કે એ સારું વળતર મેળવી આપતા હોય તેમજ જેની માંગ હોય, તેમનું ઉધ્વીકરન થવું જોઈએ. પારંપરિક વ્યવસાયો માટેના તાલીમ કાર્યક્રમો નવેસરથી બનાવવા.
 7. ખેતી સિવાયના વ્યવસાયો માટે શિક્ષિત બેરોજગાર, રોજગારલક્ષી કૌશલ્ય વગરના યુવાનોના (રોજગારમયતા વધારવા) કૌશલ્ય વિકાસ, રોજગારની તકોને પ્રોત્સાહન અને રોજગાર માટે રાજ્યના પ્રયત્નો વધુ સઘન બનાવવા.
 8. કોર્પોરેટ ક્ષેત્રને તેની સામાજિક જવાબદારી અવગત કરવવા, તેઓ દ્વરા અનુસુચિત જાતિની વધુ/ગીચ વસ્તી વાળા ગામોમાં અનુસુચિત જાતિના યુવાનોને જે તે ઉદ્યોગલક્ષી તાલીમ અપાવવી કે જે સમયાંતરે તે ઉદ્યોગમાં રોજગારની તકો ઉભી કરે.
 9. રાજ્ય દ્વારા કરાતા પર્ચેઝ ઓડર્સ (ખરીદી માટેના કરારો/હુકમો) માં અનુસુચિત જાતિના લોકો દ્વારા બનાવાયેલ સામાન અને પેદાશો ખરીદવા માટે ૩૦ % ઓડર્સ આપવા ફરજીયાત બનાવવા (અનામત કરવા).
 10. સરકારી, ખાનગી, અને સરકારી ક્ષેત્રે રોજગાર ગુમાવવાના સમયે યોગ્ય વળતર મળી રહે તે માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. ઉદ્યોગગૃહો પાસેથી ભંડોળ ઉભું કરી અનુસુચિત જાતિના વ્યક્તિઓ માટે કૌશલ્ય વિકાસ અને તાલીમ કાર્યક્રમો આયોજિત થવા જોઈએ.
 11. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમ અંતર્ગત ફાળવાયેલા નાણાનો વપરાશ થવો જોઈએ. તેમજ અનુસુચિત જાતિના લોકોને ખાસ સંદર્ભમાં રાખી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી અધિનિયમના ભંડોળનો રાજ્યમાં ઓછા વપરાશના કારણો બાબતે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.
 12. હાથશાળ નિગમ જે અગાઉની સરકારે બંધ કરેલ છે તે ચાલુ કરવામાં આવે.
 13. ચર્મકામ નિગમ અગાઉની સરકારે બંધ કરેલ છે તે ચાલુ કરવામાં આવે.

આરોગ્યનો અધિકાર:

 1. અનુસુચિત જાતિ અને જન જાતિના લોકો માટે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મફત સારવારપૂરી પાડવામાં આવે અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરવાના કિસ્સામાં રાજ્ય સરકાર તમામ ખર્ચ ભોગવે તેવી વ્યવસ્થા કરવી.
 2. અનુસુચિત જાતિના લોકો માટે આરોગ્યની સેવાઓ સૂચી પહોચ વધે અને વપરાશની સગવડો પહોચે તે નિશ્ચિત કરવું જોઈએ.
 3. આરોગ્યના મુદ્દા પર કામ કરતા સંગઠનો/સંસ્થાઓ જેવા કે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (એન.એફ.એચ.એસ.), તેમજ પંચાયતી રાજની સંસ્થાઓની આરોગ્યની સેવાઓ અને યોજનાઓના અમલીકરણમાં ભૂમિકા પર દેખરેખ રાખવી.
 4. વિકાસલક્ષી યોજનાઓના આયોજન, અમીકરણ, દેખરેખ અને ઓડીટ વગેરે તબક્કાઓ પર અનુસુચિત જાતિના લોકોની આરોગ્યની જરૂરિયાતો અને પ્રાથમિકતા પર કામ થવું જોઈએ.

અત્યાચાર અને કાયદાનું અમલીકરણ અને ન્યાય:

 1. રાજ્ય સરકાર અનુસુચિત જાતિ અને જન જાતિ (અત્યાચાર અટકાવ) અધીનીયમ ૧૯૮૯, નિયમો ૧૯૯૫ અને સુધારણા અધિનિયમ -૨૦૧૫ અને તેના નિયમો ૨૦૧૬નું કડક રીતેઅમલીકરણ કરી અનુસુચિત જાતિ અને જનજાતિ પર થતા અત્યાચાર અટકાવે.
 2. ગુજરાત રાજ્યની વિવિધ જીલ્લાની સેસન્સ કોર્ટોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર (અટકાવ) અધિનિયમ ૧૯૮૯ અને સુધારણા અધિનિયમ -૨૦૧૫ હેઠળનોંધાયેલ ૫૦૦૦ થી વધુ કેશો કોર્ટોમાં પડતર હોઈ તેનો ઝડપી નિકાલ કરવા માટે કાયદાની જોગવાઈ મુજબ દરેક જીલ્લામાં ખાસ વિશિષ્ટ અદાલતોની રચના કરવી અને અત્યાચાર ધારા નીચે નોંધાયેલા કેસો જ આ કોર્ટમાં ચલાવવા અને દરરોજ (ડે ટુ ડે) સુનાવણી કરી કાયદા મુજબ બે મહિનામાં આવ કેસોમાં ચુકાદો આપવો.
 3. દરેક તાલુકામાં અનુસુચિત જાતિ અને જનજાતિના લોકો પર થતા અત્યાચારની ફરિયાદ નોંધાવવા માટે તાલુકામાં અલગ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ઉભા કરવા.
 4. અનુસુચિત જાતિ અને જનજાતિ પર થતા અત્યચાર બાબતે દરેક જીલ્લામાં વધારાના એસ.એસ.પી.(સીનીયર સુપરીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ)ની નિમણુક કરવામાં આવે.
 5. રાજ્યના દરેક જીલ્લામાં અત્યાચાર ધારા નીચે નોંધાયેલા કેસો લડવા માટે કાયદા મુજબ સાત વર્ષ કરતા વધારે અનુભવ ધરાવતા ૩ વકીલોની પેનલ બનાવવામાં આવે. રાજ્ય સ્તરે આવા વકીઓની પણ પેનલ બનાવવામાં આવે.
 6. રાજ્ય સરકાર ગંભીર ગુનાના જે કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હોઈ અથવા તો ઓછી સજા થઇ હોય તેવા કેસોમાં હાઇકોર્ટ/સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરે,
 7. અત્યાચાર ધારાનો કડક અમલ અને સમીક્ષા કરવા માટે જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કાયદા મુજબ દર ત્રણ મહીને ‘’ જીલ્લા તકેદારી અને મોનીટરીંગ કમિટી’’બેઠક મળે તે સુનીચ્ચિત કરવું.
 8. દરેક જીલ્લા કલેકટર અને એસ.એસ.પી એ કાયદા મુજબ અત્યાચારના ઘટના સ્થળની મુલાકાત લેવી, અને રાજ્ય સરકારને  મિલકત અને જાનહાનિ અંગેનો રીપોર્ટ કરવો
 9. અત્યાચાર ધારાનો કડક અમલ અને સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કાયદા મુજબ દર છ મહીને ‘’ રાજ્ય તકેદારી અને મોનીટરીંગ કમિટી’’બેઠક મળે તે સુનીચ્ચિત કરવું.
 10. રાજ્યમાં સજાનો દર વધે તે માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં અત્યાચાર ધારાના અમલીકરણ બાબતે રાજ્ય સરકારે મોકલેલ ટીમોએ જે ભલામણો કરેલ છે તેનો સ્વીકાર કરીને તે ભલામણોનો  અમલ તાત્કાલિક કરવો.
 11. ગુજરાતમાં ૧૯૮૯ થી મેં-૨૦૧૭ સુધીમાં અનુસુચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ અને સુધારણા અધિનિયમ -૨૦૧૫ હેઠળ કેસોમાં અનુસુચિત જાતિના ૫૯૫ કરતા વધુ લોકોની હત્યા થયેલી છે.  અનુસુચિત જાતિની ૯૫૨ કરતા વધારે મહિલાઓ પર થયેલ યૌન શોષણ (બળાત્કાર)ના કેસો નોંધાયેલ છે, તેમજ ૨ હજાર કરતા વધુ ગંભીર પ્રકારના હુમલા અને ઈજાના બનાવો બનેલ છે. રાજ્યમાં ૧૧૨ કરતા વધારે ગામોમાં સામાજિક બહિષ્કાર અને હિજરતના બનાવો બનેલ છે તેમાં આ પીડિત પરિવારો અને તેમના આશ્રીતોને ‘’ખાસ આકસ્મિક યોજના’’ નીચે પુનઃ વસન કરવા. તેમજ આ યોજના હેઠળ થયેલ જોગવાઈનો અમલ કરી ૧૦ -૧૦ એકર ખેતીની જમીન , મકાન પ્લોટ, મકાન બાંધકામ સહાય પૂરી પાડવી તેમજ સરકારના કોઈ વિભાગમાં લાયકાત મુજબ નોકરી આપી રોજગારી પૂરી પાડવી.
 12. અત્ચાચારની વધુ સંભાવના ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરવી અને ત્યાં નબળા વર્ગ(અનુસુચિત જાતિ અને જનજાતિ)ના રક્ષણ માટે રક્ષાદળો મુકવા એ રાજ્યની જવાબદારી બનવી જોઈએ.
 13. થાનગઢ કેસનો સંજય પ્રસાદનો રીપોર્ટ સરકાર જાહેર કરે
 14. થાનગઢ કેસને સી.બી.આઈ.ને તપાસ સોપવામાં આવે.
 15. ઉનાની ઘટના બાદ દલિતો પર થયેલા ખોટા કેસો સરકાર પરત ખેચે.
 16. ગૌરક્ષાના નામે સામુહિક હુમલા કરનારાઓ સામે પગલા લેવા સરકાર ખાસ કાયદો બનાવી તેમની સામે કાર્યવાહી કરે.
 17. ઉના કાંડના પીડિત પરિવારોનું સરકાર પુન: વસન કરે.
 18. ગુજરાતમાં સરકાર અનુસુચિત જાતિ માટે ‘’રાજ્ય અનુસુચિત જાતિ આયોગ’’ બનાવે.

અનુસુચિત જાતિની મહિલાઓ અને બાળકોના અધિકારો ક્ષેત્રે:

 1. અનુસુચિત જાતિની મહિલાઓના સામાજિક, શૈક્ષણિક, આર્થીક અને રાજકીય સશક્તિકરણની વ્યવસ્થા અને જતન કરવું અને તેમના પર થતા વિવિધ ભેદભાવો પર ધ્યાન આપવું અને નિરાકરણની વ્યવસ્થા ગોઠવવી. મહિલાઓ માટે મુખ્યત્વે આર્થીક ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા (વિકસાવવી અને તકો ઉપલબ્ધ કરાવવી), આરોગ્ય શિક્ષણ, કૌશલ્ય વિકાસ, જમીન અને સંસાધનોનું પ્રબંધન, સામાજિક સુરક્ષાના પ્રબંધો વગેરે પગલા લેવા. રાજકીય ક્ષેત્રમાં સ્થાનિક શાસન વ્યવસ્થામાં પ્રતિનિધિત્વ કરી રહેલ અનુસુચિત જાતિની મહિલાઓ પોતાની ફરજ અસરકારક રીતે નિભાવી શકે અને પ્રભાવશાળી જ્ઞાતિઓ દ્વારા અડચણ ઉભી ન કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી.
 2. અનુસુચિત જાતિની મહિલાઓને સમગ્ર મહિલાઓમાં એક અલગ વર્ગ ગણી તેમના વિષે અલગથી માહિતી એકત્ર કરવી. ખાસ અંગભૂત યોજના હેઠળ ફાળવાયેલા નાણાના ૫૦% નાણા અનુસુચિત જાતિની મહિલાઓ માટે ફાળવવામાં આવે.
 3. મહિલાઓ માટેના અનામતના(સૂચિત) અધિનિયમમાં અનુસુચિત જાતિની મહિલાઓ માટે અલગ બેઠકો ફાળવણીનું ખાસ પ્રાવધાન કરવામાં આવે.
 4. ખતરાજનક ઉદ્યોગોમાં અનુસુચિત જાતિ અને જનજાતિના બાળકોની રોજગારી તાત્કાલિક અસરથી બંધ કરવા, સ્થળ તપાસ અને તેમને આવા કામમાંથી ઉગારવા કેન્દ્રિત પ્રયાસો કરવા અને આ બાળકોની અસહાય પરિસ્થિતિ અટકાવવા, સ્થળાંતર અટકાવવા તેમજ માનવ વેપાર રોકવા માટે ખાસ વ્યવસ્થા કરવી.
 5. ખાસ કરીને અનુસુચિત જાતિ અને જનજાતિના બાળકોની અસહાય પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને બાળ શ્રમ (પ્રતિબંધ અને અટકાવ) અધિનિયમ ૧૯૮૬નું કડક અમલીકરણ સુનીચ્ચિત કરવું.
 6. કેન્દ્ર/રાજ્ય સરકારના બજેટમાં થતા બાળકોના રક્ષણ માટે થતા પ્રાવધાન જેવા કે સંકલિત બાળ રક્ષણ યોજના, રાષ્ટ્રીય બળ શ્રમિક પ્રકલ્પ, કિશોરોની સામાજિક વ્યવસ્થા અનુકુલન સામે થતા પ્રશ્નોના અટકાવ અને અંકુશ માટેની યોજનાઓ, માનવ વ્યાપારનો ભોગ બનેલા બાળકોના રક્ષણ માટેની યોજનાઓ, ટૂંકા ગાળાના રોકાણ માટેના ગૃહ વગેરે પ્રાવધાનો દલિત બાળકોના સંદર્ભમાં વધારવા.
 7. સંકલિત બાળ વિકાસ યોજના દેશના અનુસુચિત જાતિના અને જનજાતિના દરેક બાળક અને મહિલા માટે ઉપલબ્ધ કરાવવી.

સફાઈ કામદારોના સવાલો અંગે:

 1. મેન્યુઅલ સ્કેવન્જર્સ પ્રોહીબીશન એક્ટ – ૨૦૧૩ અને તેના નિયમોનો કડક અમલ રાજ્યમાં કરવામાં આવે.
 2. સુપ્રીમ કોર્ટના તારીખ ૨૭ માર્ચ ૨૦૧૪ના ચુકાદા મુજબ ૧૯૯૩ પછીના ૩૦૦ કરતા વધારે ગટર કામદારોના મોતના બનાવોમાં ભોગ બનેલના આશ્રિતો/વારસદારોનું પુનઃ વસન કરવાનો હુકમનું અમલીકરણ તાત્કાલિક કર અને માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા નીતિ બનાવવાની કાર્યવાહી કરવી અને ૧૯૯૩ પછી તમામ મૃતકના વારસદારોને રૂપિયા ૧૦.૦૦ લાખ ( દશ લાખ ) વળતર, અને પુનઃ વસન કરવું.
 3. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત, નગર પાલિકા, અને મહા નગરપાલિકામાં હાલની વસ્તીના ધોરણે સફાઈ કામદારનું મહેકમ ઉભું કરવું, તેમજ વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને કાયમિક નોકરી આપવી.
 4. રાજયમાં કોઈ પણ જગ્યાએ સફાઈ કામદારો પાસે માથે મેલું કામ કરાવવામાં આવતું હોય ત્યાં તાત્કાલિક તે કામ અટકાવવું અને જે અધિકારીઓ માથેમેલું નાબુદી અંગેના કાયદાના અમલીકરણમાં બેદરકારી કરે તેની સામે કાનૂની કાર્યવાહી કરવી.
 5. ગટરમાં સફાઈ કામ કરતા કોઈ સફાઈ કામદારનું મોત થાય તો તાત્કાલિક ગુનો નોંધવો અને જવાબદાર લોકો/અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવી.
 6. ગટર કામદારના કિસ્સામાં હાઇકોર્ટના હુકમનું પાલન કરવું અને નગર પાલિકા તેમજ મહાનગર પાલિકામાં ગટર સાફ કરવા માટે આધુનિક સાધનો વસાવવા.
 7. અનુસુચિત જાતિના કલ્યાણ અને વિકાસ માટે રાજ્ય સંચાલિત એક અલગ વિભાગ ‘ અનુસુચિત જાતિઓની પ્રગતિ વિભાગ’ ની રચના થવી જોઈએ.
 8. માથેમેલાની અમાનવીય પ્રથાને અસરકારક પુન:સ્થાપન, કાયમી વૈકલ્પિક રોજગારીની તકો અને વિકાસલક્ષી કાર્યક્રમો દ્વરા તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ, તેમજ માથે મેલું કામ કરનાર અને સુકા જાજરૂના બાંધકામ(પ્રતિબંધ) અધિનિયમ ૧૯૯૩નો ગંભીરપણે ભંગ કરનાર જેવા કે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની સંસ્થાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
 9. રાજ્ય સફાઈ કર્મચારી આયોગની રચના કરવી અને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગને કાયદાકીય/ન્યાયિક અને વહીવટી સતાઓ આપવી.
 10. સુનીચ્ચિત કરવું કે રાજ્યની વિધાનસભામાં રાજ્ય કક્ષાના અનુસુચિત જાતિ/જનજાતિ વિકાસ પંચ તેમજ સફાઈ કર્મચારી પંચના વાર્ષિક અહેવાલોની ચર્ચા પછીના વર્ષમાં થાય. તેમજ અહેવાલો અને તેના પરના લેવાયેલ પગલાના અહેવાલો જાહેર જનતા સામે મુકવા જોઈએ.

જમીન અધિકાર:

 1. દરેક અનુસુચિત જાતિના ગરીબ જમીન વિહોણા, તેમજ ચર્મકામ અને માથેમેલુંના કામમાં રોકાયેલ કુટુંબને આર્થીક સદ્ધરતા માટે ૫ એકર ખેતીલાયક સાથણીમાં  જમીન આપવી. સરકારી પડતર જમીનની વહેચણી, સરકારી મહેસૂલની જમીન અને ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલ જમીનની વહેચણી માટે શક્ય પ્રયત્ન નિયત સમય મર્યાદામાં કરવામાં આવે. જુરુર પડે તો સરકાર ખેતીલાયક જમીન ખરીદે અને તેની અનુસુચિત જાતિમાં વહેચણી કરવામાં આવે અને સ્થળ કબજા આપવામાં આવે.
 2. ગુજરાતની ગ્રામ પંચાયતોમા ખેતી લાયક સરકારી પડતર/ભાઠાની/કોતરની/ભૂદાનમાં મળેલી/ધાર્મિક સંસ્થાઓને ફાળવેલ અને હાલ પડતર પડેલ/ ફાજલ પડેલ જમીનોને ફાઈનલ લીસ્ટે ચડાવી, અનુસુચિત જાતિના જમીન વિહોણા લોકોની અરજીઓ મંગાવી અને લેન્ડ કમિટી ભરીને ખેતીની જમીનની ફાળવણી તાત્કાલિક કરવી.
 3. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના લોકો જે સ્મશાન ભૂમિનો ઉપયોગ મરણ બાદ સ્મશાન તરીકે કરે છે તેને સ્મશાન હેતુ માટે મહેસુલ લેન્ડ કોડની જોગવાઈ મુજબ જમીન નીમ કરવી અને સરકાર દ્વારા નીમ થયેલ આવા સ્મશાનમાં પાણી બાકડા, સ્મશાન છાપરી વી જેવી સુવિધા/વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવી
 4. રાજ્ય સરકાર હાઇકોર્ટના ચાલુ અથવા નિવૃત જજ ની અધ્યક્ષતામાં એક સમિતિની રચના રાજ્યો સ્તર પર કરવામાં આવે, આ સમિતિ નિચ્ચિત સમય મર્યાદામાં બિન અનુસુચિત જાતિ દ્વારા ક્બજે કરાયેલી કચડાયેલા સમજોને ફાળવેલી જમીનની ઓળખ કરે, બિન અનુસુચિત જાતિ દ્વારા જમીનના ગેરકાનૂની ઉપયોગ માટે ચૂકવવાના વળતરની આકારણી કરે, જમીનના મૂળ હકદ્દાર/માલિકની ઓળખ કરે જેથી જમીન તેમને પાછી આપી શકાય, અને ગેરકાનૂની કબજો ધરાવતા લોકો સામે અદાલતોમાં કાનૂની કાર્યવાહી થાય અને તેમને શિક્ષા થાય તે બાબત સુનીચ્ચિત કરવી.
 5. અનુસુચિત જાતિની માલિકીની જમીન પર સિંચાઈની નાની વ્યવસ્થા ઉભી થાય તે માટે રાજ્ય સ્તરનો વિસ્તૃત કાર્યક્રમ ઘડી કાઢવો. ભૂમિવિહોણા કુટુંબો માટે જમીનની ફાળવણી જમીન ટોચ મર્યાદા અધિનિયમ તેમજ જમીન પુન: ફાળવણીના કાયદા દ્વારા કરવામાં આવે. જમીનની ફાળવણી યોજનાઓ દ્વારા વધારાની જમીન ભૂમિવિહોણાને ફાળવવામાં આવે. ખેત મજુરો અને ગરીબ સીમાંત ખેડૂતો માટે લઘુતમ વેતન તેમજ સામાજિક સુરક્ષાની વ્યવસ્થા કાયદા દ્વારા કરવામાં આવે
 6. રાષ્ટ્રીય જમીન સુધારણા નીતિમાં પ્રાથમિકતા નક્કી કર્યા મુજબના લાભાર્થીઓને મળે તે માટે ભૂદાન યોજના હેઠળ જે જમીન મળેલ છતાં તેનો કબજો દાતા કે તેના વારસદારો પાસે હજુ સુધી છે, તે જમીન નીચ્ચિત કરાયેલ લાભાર્થીઓને આપવી.
 7. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત, તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાના સફાઈ કામદારો માટે ખાસ આવાસ યોજના બનાવવી.
 8. ગુજરાતના તમામ શહેરી વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના ઘરવિહોણા પરિવારો માટે સરકારે આવાસ યોજના બનાવવી.
 9. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના ઘરવિહોણા પરિવારોને આવાસ બનાવવા માટે, ગામમાં ગામ તળની જમીન નીમ કરવી, તાલુકા લેન્ડ કમિટીની મીટીંગો તાલુકા સ્થળે ભરી માંગણીદારોને ઘરથાળના પ્લોટો ફાળવવા.

આભડછેટ નાબુદી:

 1. ભારત સરકારે બનાવેલ આભડછેટ નાબુદી કરવા માટેનો  કાયદો ‘’નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫’’ (Civil Rights Protection Act-1955) કાયદાનો આભડછેટ નાબુદ કરવા માટે સખ્તાઈથી અમલ કરે.
 2. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો સાથે પળાતી આભડછેટના વ્યાપ અંગે સર્વે કરવામાં આવે અને ક્યાં ક્યાં પ્રકારની આભડછેટ ચાલે છે તેનું ચિત્ર બહાર લાવવું અને આભડછેટ નાબુદી માટે શું શું પગલા ભરવા જોઈએ તે બાબતે નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવે  તે કમિટીની સમીક્ષા  બાદ જે ભલામણો કરે તેને સરકાર લાગુ કરે.
 3. ગુજરાતમાં અનુસુચિત જાતિના લોકો સાથે જાહેર જગ્યાઓમાં આભડછેટ પાળવામાં આવે છે રાજ્યમાં આભડછેટની સ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે.
 4. ગુજરાતમાં અનુસુચિત જાતિના લોકો સાથે વ્યાપક પ્રમાણમાં પાળવામાં આવતી આભડછેટ એ બંધારણના આર્ટીકલ-૧૭(અસ્પૃશ્યતા નાબુદી)નો સીધોજ ભંગ છે. તમામ નાગરિકોના બંધારણીય અધિકારોની જાળવણી કરવી તે રાજ્ય સરકારની બંધારણીય ફરજ બને છે. અનુસુચિત જાતિના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે સરકારે ત્વરિત પગલા લેવા અને બંધારણમાં આપેલ આર્ટીકલ-૧૭(અસ્પૃશ્યતા નાબુદી)ના અધિકારના રક્ષણ માટે તમામ જરૂરી પગલા ભરવા માટે રાજ્ય સરકારે નીચ્ચિત સમય ગાળો જાહેર કરી સમયબદ્ધ કાર્યક્રમો જાહેર કરવા.
 5. હાઈકોર્ટના ચાલુ  અથવા નિવૃત જજના નિરીક્ષણ હેઠળ  રાજ્ય સરકાર એક ખાસ તપાસ દળ (સ્પે.ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)) ની રચના કરીને રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન સમયે ચાલતી અસ્પૃશ્યતા અંગે તપાસ કરે, જાત મુલાકાત અહેવાલ તૈયાર કરે અને પોતનો અહેવાલ બહાર પાડે, તેમજ અસ્પૃશ્યતા અંગે તપાસમાં નીકળેલ તારણો સરકારને રજુ કરે, સરકાર આ અસ્પૃશ્યતા નાબુદીકરણ અંગેના તારણોની અમલવારી કરે.
 6. આભડછેટના ઉકેલ માટે સરકાર નક્કર કાર્યક્રમ બનાવે અને તેનું અમલીકરણ કરવા માટે અલાયદા તંત્રની ગોઠવણી કરે.

ગ્રામપંચાયતમાં, સરપંચ અને સામાજિક ન્યાય સમિતિ અંગે:

 1. ગુજરાતની ગ્રામ પંચાયતોમાં અનુસુચિત જાતિ અને જાન જાતિને મળેલ રાજકીય અનામત હેઠળ ચુંટાયેલ સરપંચો વિરુદ્ધ ખોટી અવિશ્વાસની દરખાસ્તને અટકાવવા માટેનો કાયદો ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩માં સુધારો કરી મહારાષ્ટ્રમાં છે તેવું અઢી વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત આ લાવી શકાય તેવું કાયદાકીય રક્ષણ પૂરું પાડવું.
 2. ગુજરાત પંચાયત ધારો -૧૯૯૩માં ગામમાં મૃત પશુનો નિકાલ કરવાની જવાબદારી સામાજિક ન્યાય સમિતિને સોપેલ છે તે કામ બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધનું, તેમજ વેઠ પ્રથાઅને જ્ઞાતિ આધારિત કામની વહેચણી કરી અનુસુચિત જાતિના વર્ગને અપમાનિત કરતી આ જોગવાઈ તાત્કાલિક નાબુદ કરવી.
 3. ગુજરાતની દરેક ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના ફરજીયાત કરવી અને સમિતિને કાર્યવંત કરવી. તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને કામગીરી માટે ગ્રામ પંચાયતમાં ખુરસી, ટેબલ, લેટરપેડ અને સિક્કાની સુવિધા આપવી તેમજ સમિતિની બોડીના સભ્યો અને હોદેદારોના નામના બોર્ડ ગ્રામ પંચાયતની નોટીસ બોર્ડ પર મુકવા,
 4. ગુજરાતની ગ્રામ પંચાયતોમા સામાજિક ન્યાય સમિતિને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના વિકાસ માટે આર્થિક અધિકારો આપવા અને તે માટે અલગથી વિકાસ માટે સરકારે ખાસ ગ્રાંટ બજેટમાં અલગથી ફાળવવી.
 5. જે ગામમાં અનુસુચિત જાતિની એક કુટુંબની પણ વસ્તી હોય તો પણ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે અનામત બેઠક ફાળવવામાં આવે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s