કૃષ્ણા કેશવાણી*/
કાયદાને અમલીકૃત કરવા માટે તેના નિયમો બનાવાય છે પરંતુ આ નિયમો કાયદાને આનુસંગિક છે કે નહિ તેનુ વિશ્લેષ્ણ કરવું ખુબ જરૂરી બની જાય છે. જેમ કે ૧૯૯૬ના પેસા (The Provisions of the Panchayats [Extension to Scheduled Areas] Act, 1996) કાયદાના અમલીકરણ માટે હવે છેક ૨૦૧૭માં તેના નિયમો બનાવાયા છે. ચોક્કસ લોકોને અને સંગઠનોને હાશકારો થયો કે આખરે નિયમો આવ્યા અને પેસા ના અમલીકરણ ને ગતિ મળશે સાથે સ્થાનિક નેતૃત્વ થકી વિકાસની મુખ્ય હરોળ માં આવી શકશે. પરંતુ આ પરિસ્થતિમાં જયારે પેસા કાયદો અને તેના નિયમો કે જે ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલ છે તેને સમજીએ. વિશ્લેષ્ણ કરીએ કે કાયદા અને નિયમો કઈ રીતે તાલમેલ છે??
મૂળભૂત રીતે પેસા કાયદો આદિવાસી ની સંસ્કૃતિ, તેમની પરંપરાઓ ને જાળવીને તેમના અધિકારોને રક્ષિત કરવાનું ઉદેશ્ય છે. તેમની પરંપરા સુઝબુજથી ઉકેલ લઇ આવે અને જળ, જંગલ જમીન પરના અધિકારો ભોગવી શકે.
પેસા કાયદો શું કહે છે: ૪ –(ગ ) મુજબ ગ્રામ્ય કક્ષાએ જ પોતાના સામાજિક અને આર્થિક ઉતેજન માટેના આયોજનો, કાર્યક્રમો અને કામો તે આયોજનો, કાર્યક્રમો અને કામોનું અમલીકરણ કરવામાં આવે એ પહેલા જ તેને મંજુર કરશે.
નિયમોમાં શું લખાયું છે: ૬ –(૨) પંચાયત દ્વારા અંદાજપત્ર પસાર કરવામાં આવે તે પહેલાં, અંદાજપત્રમાં, યોગ્ય જણાય તેવાંકાર્યો સુધારાના વિચારણા કરવી અને તે અંગે ભલામણો કરવી.
૬ – (૪) મુજબ લોકકલ્યાણ અર્થે મહત્તમ લાભો મેળવવા માટે, પંચાયતના અંદાજપત્રમાંથી તેમજ સરકારી વિભાગ, જીલ્લા ગ્રામવિકાસ એજન્સી,તાલુકા અથવા જીલ્લાની પંચાયતના પોતાના ફંડો વગેરે જેવા બીજા વિવિધ પ્રકારના સ્ત્રોતમાંથી, આગામી વર્ષ માટેના વિકાસ કાર્યો અને યોજનાઓની વિચારણા કરવી, તે અંગે સૂચન કરવા અને તે મંજુર કરવા.
૧૧ મુજબ ગામમાના કોઈ પણ પ્લાન, પોગ્રામ અથવા પ્રોજેક્ટનો અમલ, તેના પર ગ્રામસભાના મંતવ્ય મેળવ્યા પછી કરવો.
પેસા કાયદો શું કહે છે: ૪- (ખ) મુજબ, દરેક ગ્રામસભા ગામના લોકોની પરંપરા, રીવાજો, તેઓની સાંસ્કૃતિક ઓળખ, સામુદાયિક સંસાધનો અને પોતાની રીતે જ વિવાદ નિવારણ કરવાની પ્રથાનું સંરક્ષણ અને જતન કરવા માટે સક્ષમ હશે.
નિયમોમાં શું લખાયું છે: ૬ –(૯) મુજબ, લોકો દ્વારા અનુભવ કરાતી મુશ્કેલીઓના સંબંધમાં વિચારણા કરવી અને તે અંગે ભલામણ કરવી.
૯ – (૬) મુજબ, શાંતિ સમિતિની દરખાસ્ત ગ્રામસભામાં બહુમતીથી મંજૂરી ન્ મળે તેવાં કિસ્સામાં, શાંતિ સમિતિ, તેની વિવેકાધિકાર મુજબ નિર્ણય કરશે અને તેનો નિર્ણય હોય તેમ ગણવામાં આવશે અને બંને પક્ષોએ તેનો સ્વીકાર કરવાનો રહેશે.
પેસા કાયદો શું કહે છે: ૪ – (ટ) મુજબ અનુસૂચિત વિસ્તારોમાં ગૌણ ખનીજ માટેના ખનન ના લાયસન્સ ભાડા પેટે આપતા પહેલાં યોગ્ય કક્ષાની ગ્રામસભા અથવા તો તાલુકા પંચાયતોની ભલામણો ફરજીયાતપણે લેવાની રહેશે.
નિયમોમાં શું લખાયું છે: ૩૫. (૧) મુજબ, વખતોવખત સુધર્યો પ્રમાણે ના ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો, ૨૦૧૦ અનુસાર, સક્ષમ સતાધિકારી, ગ્રામસભાની પૂર્વ ભલામણો લીધા પછી, અનુસૂચિત વિસ્તાર હેઠળ આવેલા ગૌણ ખનીજ માટે ખાણ-પટો આપી શકે છે.
પેસા કાયદો શું કહે છે: ૪-(ઝ)મુજબ અનુસૂચિત વિસ્તારોમાં ગૌણ જળરાશીઓનું આયોજન અને સંચાલન પંચાયતોને યોગ્ય કક્ષાએ સોંપવામાં આવશે.
નિયમોમાં શું લખાયું છે: (૧૫)મુજબ, કુવા, તળાવ, ઝરણા જેવા નાના જળાશયોનું આયોજન અને વ્યવસ્થાપન કરવું અને ચેકડેમ અને વોટરશેડ અને જળ સંરક્ષણની યોજનાઓ જેવી વિવિધ પદ્ધતિઓથી જળસ્ત્રોતો સમૃધ કરવા માટેના તમામ પગલાં લેવા.
પેસા કાયદો શું કહે છે: (ડ) ના પેટા વિભાગ મુજબ, નશાબંધી લાદવાની સતા કોઈપણ નશાકારક વસ્તુઓના વપરાશ અને વેચાણ ઉપર નિયમનની અને નિયંત્રણ માટેની સતા.
નિયમોમાં શું લખાયું છે: ૪૧- ૧, મુજબ, વ્યસની પદાર્થો અંગેની જાગૃતિ ફેલાવવા માટેની જવાબદારી ધરાવશે.
૪૧ – ૨ મુજબ, વ્યસની લોકો માટેના પુનર્વસન કેન્દ્રો ચલાવવા પ્રોત્સાહન આપવું જોઈએ.
પેસા કાયદો શું કહે છે: (ડ) ના પેટા કલમ મુજબ, અનુસૂચિત વિસ્તારોમાં જમીનની તબદીલી થતી રોકવાનો અધિકાર અને ગેરકાયદેસર તબદીલ થયેલી જમીનનો પાછી મેળવવા માટે યોગ્ય પગલાં લેવાની સતા.
નિયમોમાં શું લખાયું છે: ૨૨, મુજબ, ગ્રામસભાને જાણ થાય કે કોઈ અનધિકૃત વ્યક્તિ, કલમ – ૭૩ ક્ક હેઠળ માર્યાદિત ભોગવટાની જમીનનો કબજો ધરાવે છે, તો તે વિસ્તારની હકુમત ધરાવતા મામલતદારના ધ્યાને તે બાબત તાત્કાલિક લાવવી જોઈશે.
પેસા કાયદો શું કહે છે: (ડ)ના પેટા મુજબ, અનુસૂચિત વિસ્તારોમાં વ્યાજે નાણા ધીરનાર ઉપર નિયંત્રણની સતા.
નિયમોમાં શું લખાયું છે: ૪૦ મુજબ, ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમ, ૨૦૧૧ અને નિયમોની જોગવાઈઓ આધીન રહીને અને પંચાયતની જોગવાઈઓ અધિનિયમ, ૧૯૯૬ની કલમ ૪ (ત)ના ખંડ (ત)ની જોગવાઈઓ અનુસાર, ગ્રામસભાની શાંતિ સમિતિ ગામમાં નાણા ધીરનારના વ્યવહારોનું નિયંત્રણ કરવા સક્ષમ રહેશે.
પેસા કાયદો શું કહે છે: (ડ) ના પેટા કલમ મુજબ, ગામની બજાર વ્યવસ્થાનું સંચાલન કરવાની સતા.
નિયમોમાં શું લખાયું છે: ૩૨ (ક) મુજબ, પોતાની હકુમતની અંદરના ગ્રામ હાટ ઉપર દેખરેખ રાખવા માટે, (ખ) ભૌતિક સુવિધાઓ કરાવવા, (ગ) પંચાયતને સલાહ આપવા, (ચ) નિયમોના ઉલ્લંઘન થયું હોય ત્મ સતાધીકારીઓને જાણ કરવા માટે,
પેસા કાયદો શું કહે છે: (ક) મુજબ, દરેક ગ્રામસભા ગામના લોકોની પરંપરા, રીવાજો, તેઓની સાંસ્કૃતિક ઓળખ, સામુદાયિક સંસાધનો અને પોતાની રીતે જ વિવાદ નિવારણ કરવાની પ્રથાનું સંરક્ષણ અને જતન કરવા માટે સક્ષમ હશે.
નિયમોમાં શું લખાયું છે: ગ્રામસભાને એવો અભિપ્રાય હોય કે અનુસૂચિત વિસ્તારો સુધી લાગુ પાડવામાં આવેલ વિદ્યમાન રાજ્ય કાયદાની કોઈપણ જોગવાઈઓ, તેમના રીવાજ, સામાજિક અને ધાર્મિક પ્રથા અને સમુદાય –સાધન સંપતિની પરંપરાગત વ્યવસ્થા પ્રથા અથવા અનસૂચિત વિસ્તારોના કાર્યક્ષેત્રની અંદર આવતા કોઈપણ વિષયવસ્તુની બાબત અનુસાર નથી, તો તે, બેઠકમાં ઠરાવ પસાર કરીને ભલામણો કરી શકશે.
પેસા કાયદો શું કહે છે: (ડ) મુજબ તમામ સામાજિક ક્ષેત્રોની સંસ્થાઓ અને તેમાં કામ કરનારાઓ ઉપર નિયંત્રણ કરવાની સતા.
નિયમોમાં શું લખાયું છે: (૬) ૧૧ પંચાયતના સેક્રેટરી, ગ્રામ સેવક, શાળાઓના આચાર્ય, આરોગ્ય કાર્યકરો ,વાજબી ભાવની દુકાન ચલાવનાર, સહકારી મંડળીના સેક્રેટરી, આંગણવાડી અથવા બાલવાડી કાર્યકર, સિંચાઇ, જાહેર બાંધકામો અને વિદ્યુત કંપનીઓના કર્મચારી જેવા ગ્રામ સ્તરના વિવિધ કર્મચારીઓના કાર્યની સમીક્ષા કરવી.
ઉપરોક્ત આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં નિયંત્રણ, સંચાલન, મંજુર એવી સતા હતી ત્યાં સમીક્ષા, ભલામણ , સુચન જેવા શબ્દો નો જાણીજોઈને ઉપયોગ કરવામાં આવેલ છે. જેને લીધે ખરા અર્થ માં જે કાયદાનો અમલ થવો જોઈએ તે થવાની સંભાવના જ નથી રહેતી.
—
*સામાજિક ન્યાય કેન્દ્ર, અમદાવાદ