ગૌતમ ઠાકર*/
ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ખૂબજ વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત આ અઠવાડિયે સિનેમા ગૃહોમાં પ્રદર્શિત થઈ. પહેલા ત્રણ દિવસમાં ૩૫ લાખ લોકોએ આ સૌથી વધુ ચર્ચિત ફિલ્મ ને જોઈ. ફિલ્મ નિહાળીને બહાર આવતાં અસંખ્ય પ્રેક્ષકોએ વખાણી. સેન્સર બોર્ડ દ્વારા તેમાં કશુજ વાંધાજનક નથી તે વાતને પ્રમાણપત્ર પ્રેક્ષકોએ પણ આપ્યું. શ્રેષ્ઠ કલાની અભીવ્યક્તિ અને પદ્માવતી ભારતીય સ્ત્રીઓના આત્મ-ગૌરવનું પ્રતિક છે તેવું કહેવાયું. ૧૬૫ મિનિટની આ ફિલ્મ માં રાજપૂત ગૌરવની મહિમા દર્શાવી છે અને તેને વધારે છે તેવું વિવેચકોએ કહ્યું. ઇતિહાસ સાથે કોઈ ચેડાં થયા નથી. માત્ર ને માત્ર રાજપુતોના ગુણ-ગાન થી ભરપૂર છે. ખરેખર તો આ ફિલ્મમાં રાજપુતોની સાહસિકતા અને સમર્પણ ને બિરદાવવામાં આવ્યું છે. સાથો સાથ રાજપુતોનું સન્માન અને પરંપરાના ગુણ-ગાન કરવામાં આવ્યા છે. રાણી-મા નું ગૌરવ ઘટે કે હણાતું હોય તેવું કશુજ નથી. ઇતિહાસ સાથે રમત કે ફેરફાર જણાતો નથી. વિરોધ કરવા જેવો ગંભીર મુદ્દો પણ જણાતો નથી. એકંદરે કશુજ વાંધા-જનક જણાતું નથી. આ બધી વાત ફિલ્મ વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા કહેવાઈ છે.
પદમાવત ફિલ્મ બતાવવાનો નિર્ણય દેશની સર્વોચ્ચ અદાલતનો છે. અદાલતે નોંધ્યું છે કે તોફાનોને વશ થઈને ફિલ્મ પર પ્રતિબંધ ના મૂકી શકાય.ફિલ્મ સેન્સર બોર્ડની રચના ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. આ ફિલ્મ સેન્સર બોર્ડ ની મંજુરી પછી જ રીલીઝ કરવાનો નિર્ણય સર્વોચ્ચ અદાલતે કર્યો છે. મધ્યપ્રદેશ કે રાજસ્થાન કે જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે તે સરકારોની પીટીશન સર્વોચ્ચ અદાલતે ફગાવી છે. ત્યારે ગુજરાત સરકારની બંધારણીય જવાબદારી છે કે જે લોકોને આ ફિલ્મ જોવી છે અને થિયેટર ગૃહોએ રીલીઝ કરવી છે તેમને પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરી આપવો જોઈએ.
અલબત, ગુજરાત સરકારના નાયબ મુખ્યત્રીશ્રીએ પરોક્ષ રીતે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની અવગણના કરીને પ્રજાને અને થિયેટર માલિકોને સ્વૈચ્છિક રીતે પદમાવત ફિલ્મ નહિ જોવા અને બતાવવાની અપીલ કરી છે. ખરેખરતો તેમની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ છે અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું પાલન કરીને પ્રજા ને ફિલ્મ જોવા જનારને સુરક્ષાની ખાતરી આપવાની છે. તાજેતરમાં અમદાવાદ તથા ગુજરાતમાં પદમાવત ફિલ્મના વિરોધમાં જે ઘટનાઓ બની તેનાથી સ્પષ્ટપણે ફલિત થયું કે, ૨૦૦૨ની જેમ રાજ્ય સરકાર અને પોલીસ નિષ્ક્રિય બનીને આ તોફાનોને પ્રોત્સાહન આપીને ભયનો માહોલ ઉભો કરી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર તદ્દન નિષ્ફળ રહી છે.
આ આખાએ પ્રકરણમાં પોલીસ ની ધરાર નિષ્ફળતા દ્રષ્ટિ ગોચર થાય છે. કેંડલ માર્ચની મંજૂરી આપ્યા પછી ટોળાને કાબુમાં લેવાની તેમની નિષ્ક્રિયતા ને કારણે માલ-મિલકતને ખૂબજ નુકશાન થયું. ઉહાપોહ થવાનો છે તેવું જાણવા છતાં કોઈ ઠોસ પગલાં ન ભરવા અને પ્રદર્શન કરનારને રોકવામાં પોલીસ તંત્ર સરેઆમ નિષ્ફળ જતું જણાયું છે. પાટીદાર, ઠાકોર, ઉના કાંડ વગેરે આંદોલન, ખેડૂત કે દલિત આંદોલન વખતે સરકારે જે સખ્ત પગલાં લે છે તેવું દેખાયું નહીં. વ્હાટ્સેપ, ફેસબૂક વગેરે જેવા સોસિયલ મીડિયામાં ગુજરાત સરકાર તથા પોલીસ ની કામગીરી ની ખૂબ ભારે ટીકાઓ થઈ. બી.એસ.એફ., આર.એ.એફ. કે વધુ સ્થાનિક પોલીસ સહિત, પેરા-મિલીટરી ફોર્સ તોફાનોના બીજા દિવસે ઉતરવાનો શો અર્થ છે? જાહેર સંપતિ, મોલ, દુકાનો, નિર્દોષ પ્રજાજનોને બચાવવામાં અને પ્રજાને સુરક્ષા બક્ષવાનું નવી સરકારનું વલણ, અજબ-ગજબનું અને સંદિગ્ધ જણાઈ આવ્યું.
દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવીને પ્રજાને સુરક્ષા અને સલામતી બક્ષવાનું કામ રાજય સરકારનું હોય છે. કાયદાનું શાસન સ્થાપવાની ફરજ પણ તેમની છે. જે પ્રજા-પ્રેક્ષકોને ફિલ્મ જોવી છે તેમને પૂરતી સુરક્ષા અને લોખંડી બંદોબસ્ત ગોઠવીને પૂરી પડાઈ હોત તો સરકારની સફળતા ગણાત પણ તેને બદલે સરકારે સિનેમા ગૃહના સંચાલકોની સહાય લઈ ને ફિલ્મ ન પ્રદર્શિત કરવાનું વલણ દાખવીને તદ્દન અયોગ્ય કર્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે મુઠ્ઠીભાર માણસો રસ્તા પર આવે અને ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરે તેમ ન ચાલે. સરકાર એમ કહે કે જાહેર શાંતિ અને સલામતી જાળવવા ફિલ્મ નું પ્રદર્શન અટકાવો તે વ્યાજબી નથી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા પણ કરી છે કે સેન્સર બોર્ડ ને સંસદે કાયદા દ્વારા જરૂરી જવાબદારી અને અધિકાર સોંપેલા છે ત્યારે તેમનું પ્રમાણપત્ર મળ્યા પછી ફિલ્મ અચૂક દર્શાવવી તે રાજ્ય સરકારની જવાબદારી અને ફરજ બને છે.
આખાયે પ્રકરણમાં પદ્માવત ફિલ્મ પ્રદર્શિત ન કરવામાં એમ લાગી રહ્યું છે કે રાજ્ય સરકારોની તેમાં મૂક સમ્મતિ હોય તેવું જણાઈ આવે છે જેના કારણે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જોખમમાં મૂકાઈ ગયું છે. દેશ ભરમાં 4,000 થી વધુ જગ્યાએ ફિલ્મ દર્શાવી શકાતી હોય ત્યારે ભાજપ શાસિત સરકારો જેવી કે રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ વગેરેમાં શા માટે દર્શાવી શકાઈ નથી તે સમજાતું નથી.