રાજ્યસભા તેના ઉદ્દેશ, ગરિમા અને ઉપયોગિતા ગુમાવી બેસે તે પહેલાં ચેતવા જેવું છે

ચંદુ મહેરિયા*/

આજકાલ રાજ્યસભા વિવિધ કારણોસર ચર્ચામાં છે. ભાજપનું બહુ પ્રિય તીનતલાક બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું નથી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રાજ્યસભાની વિશેષાધિકાર ભંગની નોટિસ મળવામાં છે, નીતિશ કુમાર વિરોધી શરદ યાદવ અને અલી અનવરની રાજ્યસભા સદસ્યતા અધ્યક્ષે રદ કરી છે, બસપાના માયાવતી, ત્રુણમુલ કોંગ્રેસના મુકુલ રોય અને જનતા દળ(યુ)ના વિરેન્દ્રકુમારે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામા આપ્યાં છે,  આમ આદમી પાર્ટીની રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીની સર્વત્ર ટીકા થઈ છે.  સંસદના શિયાળુ સત્રમાં લોકસભાના મુકાબલે રાજ્યસભામાં વધુ હોબાળો અને ઓછું કામ થયું છે.

કાઉન્સિલ ઓફ સ્ટેટ્સની રાજ્યસભા તરીકેની ઘોષણા ૨૩મી ઓગસ્ટ ૧૯૫૪માં થઈ હતી. આઝાદી બાદ તેની પ્રથમ બેઠક ૧૯૫૨માં મળી હતી.જોકે તેનો આરંભ તો અંગ્રજ શાસનકાળમાં, ૧૯૧૮માં, થયો હતો. સંસદના ઉપલા ગ્રુહ કે વડીલોના ગ્રુહ તરીકે જાણીતી રાજ્યસભાનું ભારતની લોકશાહીમાં અનેરું સ્થાન અને મહત્વ છે. રાજ્યસભા સંસદનું કાયમી ગ્રુહ છે. તેનું કદી વિસર્જન થતું નથી. તેના સભ્યોની મુદત છ વરસની હોય છે અને દર બે વરસે ૧/૩ સભ્યો નિવ્રુત થાય છે. ચૂંટાયેલી લોકસભા કરતાં તેની રચના અને ચૂંટણી પ્રણાલી ભિન્ન છે. આ વડીલગ્રુહના સભ્ય થવા માટે ત્રીસ વરસની ઉમર નિર્ધારિત કરી છે , જે લોકસભાના સભ્યની પચીસ વરસની ઉમર મર્યાદા કરતાં પાંચ વરસ વધારે છે. બંધારણના અનુચ્છેદ ૮૦માં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા ૨૫૦ ઠરાવી છે.

રાજ્યસભા એના નામ પ્રમાણે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં રાજ્યસભામાં બેઠકો ફાળવવામાં આવી છે એટલે રાજ્યના ધારાસભ્યો અને લોકસભાસભ્યો પોતાના રાજ્યના રાજ્યસભા સભ્યની ચૂંટણી કરે છે.રાજ્યસભાની રચનાની એક વિશિષ્ટતા એ છે કે તેમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજસેવાના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર, વ્યવહારિક અનુભવ અને વિશેષ જ્ઞાન ધરાવનાર બાર સભ્યોની રાષ્ટ્રપ્રમુખ નિયુક્તિ કરે છે. ચૂંટણીના રાજકારણથી અળગા રહેનારા આવા વિશિષ્ટ મહાનુભાવોનો આપણી સંસદીય ચર્ચાને લાભ મળે તેવો આશય આ નિયુક્ત પાછળ રહેલો છે. નિયુક્ત સભ્યોની વિશિષ્ટ જોગવાઈ ધરાવતી રાજ્યસભામાં અનુસૂચિત જાતિ-જનજાતિ માટે કોઈ બેઠકો અનામત રાખવાની જોગવાઈ નથી !

બહુ સામાન્ય વેતન ધરાવતું રાજ્યસભાનું સભ્યપદ મેળવવા મોટા ઉધ્યોગગ્રુહો અને અખબાર સમુહોના માલિકો તથા પૂંજીપતિઓ કેમ આટલા આતુર અને પ્રયત્નશીલ હોય છે તે સામાન્ય માણસને કદી સમજાતું નથી. કાકા કાલેલકર અને મામા વરેરકર જેના સભ્યો હતા તે રાજ્યસભામાં,  આજે ભાગેડૂ એવા, લીકર કિંગ વિજ્ય માલ્યા પણ વિરાજતા હતા.

રાજ્યસભા કેટલીક વિશેષતાઓ અને મર્યાદાઓ ધરાવે છે. નાણા ખરડો રદ કરવાની કે સરકાર બનાવવા-ઉથલાવવાની તેને સત્તા નથી. ચૂંટાયેલી સરકારની પહેલી જવાબદેહી લોકસભા પ્રત્યે હોય છે. જોકે રાષ્ટ્રહિતમાં આવશ્યક એવા રાજ્ય યાદીના વિષય પર રાજ્યસભાને એક વરસ માટે અમલી રહે તેવા સંકલ્પ પસાર કરવાની અને અન્ય કેટલીક વિશેષ સત્તાઓ મળેલી છે.  લોકસભામાં પસાર થયેલા વિધેયકોની પુ:સમીક્ષા કે અવલોકન-પરીક્ષણ કરવાની જવાબદારી અને સત્તા રાજ્યસભાને શિરે રહેલી છે. પરંતુ છેલ્લા ઘણાં વરસોથી એવું અનુભવાયું છે કે લોકસભામાં બહુમતી ધરાવતી સરકારોના વિધેયકો રાજ્યસભામાં તેની બહુમતી ન હોવાથી લટકાવી રાખવામાં આવે છે. બંધારણ સુધારા માટે સરકારે રાજ્યસભામાં વિપક્ષો પર આધાર રાખવો પડે છે કે સંયુક્ત સત્રનો અપવાદરૂપે વાપરવાનો વિકલ્પ પસંદ કરવો પડે છે.એ રીતે રાજ્યસભા લોકસભાએ પસાર કરેલા વિધેયકોની બારીક તપાસ કરતું બીજું સદન બનવાને બદલે સરકારી કામગીરીમાં વિલંબ અને અવરોધ સર્જતું બળ બની ગયુ છે તેવી સત્તાપક્ષની રાવ છે.

તાજેતરમાં કોંગ્રેસના ૫૭ અને ભાજપના ૫૮ સભ્યોની સંખ્યા રાજ્યસભામાં થતાં કોંગ્રેસનું રાજ્યસભા પરનું દાયકાઓ જૂનું વર્ચસ સમાપ્ત થયું છે. પરંતુ હજુય વર્તમાન સરકાર રાજ્યસભામાં બહુમતી ધરાવતી નથી. રાજ્યસભામાં બહુમતીના અભાવે શાસક પક્ષ ઈચ્છિત કાયદા પસાર કરાવી શકતો નથી. ઘણીવાર તેને વિપક્ષના સુધારા માન્ય રાખવા પડે છે. સંસદના છેલ્લા સત્રોમાં જ રાજ્યસભાએ પછાત વર્ગોના પંચને બંધારણીય દરજ્જો આપતા બિલમાં સુધારા કરાવ્યા હતા તો તીન તલાકનું બિલ સરકાર ઈચ્છ્તી હતી તે ઝડપે અને તે સ્વરૂપે પસાર થવા દીધું નથી.તો આધાર સંબંધી વિધેયકોને સરકારે નાણા ખરડારૂપે રજૂ કર્યા હતા.

રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિયુક્ત સભ્યો અંગેનો બંધારણીય ઉદ્દેશ અને આ સભ્યોની ભૂમિકા પણ ચર્ચાસ્પદ રહ્યાં છે.રાજ્યસભામાં સમાજવાદી પક્ષના સાંસદ નરેશ અગ્રવાલે નિયુક્ત સભ્યો સચિન તેંડુલકર અને રેખાની સતત ગેરહાજરીનો મુદ્દો ઉઠાવી તેમનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી. રાજ્યસભાના છેલ્લા સત્રમાં સચિન તેંડુલકરને વિપક્ષે તેમનું પહેલું ભાષણ કરવા ન દીધા એવા સમાચારો માધ્યમોમાં છવાયેલા રહ્યા પણ ૨૦૧૨થી નિયુક્ત આ સભ્યશ્રી એમનો છ વરસનો કાર્યકાળ પૂરો થયો ત્યાં સુધી સાવ મૂંગામંતર રહ્યા છે તે વાત સગવડપૂર્વક ભૂલાવી દેવાઈ છે.  જો આવી સ્થિતિ હોય તો નિયુક્ત સભ્યની જોગવાઈનો આશય ફળીભૂત થતો નથી અને આ સભ્યપદમાત્ર શોભારૂપ જ બની રહે છે.

૧૯૫૨થી આજદિન સુધી રાજ્ય સભામાં જે ૧૩૩ સભ્યો નિયુક્ત થયા છે તેની નામાવલી પર નજર કરતાં ગૌરવ થાય છે પણ તેમની કામગીરી વિશે વિચારતાં ખિન્ન થઈ જવાય છે. બંધારણીય જોગવાઈ મુજબ નિયુક્તિના છ માસ પૂર્વે કોઈ નિયુક્ત સભ્ય રાજકીય પક્ષનો સભ્ય હોય તો તેનું રાજકીય પક્ષનું સભ્ય હોવું  માન્ય રખાય છે. કુલ ૧૩૩ સભ્યોમાં  ૧૧ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના , ૪ કોંગ્રેસ(આઈ)ના, ૩ અન્ય રાજકીય પક્ષોના અને ૬ સભ્યો ભારતીય જનતા પક્ષના છે. હાલના ૧૨ નિયુક્ત સભ્યોમાં ૪ સભ્યો બાકાયદા બીજેપીના છે.

નિયુક્ત સભ્યોમાં કોંગ્રેસની દીર્ઘ રાજવટ છ્તાં ૧૫ સભ્ય અને ભાજપનો અલ્પ શાસનકાળ છ્તાં ૬ સભ્યોનું હોવું ચિંતા કરાવે તેવી બાબત છે. તમામ ૧૩૩ નિયુક્ત સભ્યોમાં ૨૫ સભ્યોને તો એક કરતાં વધુ ટર્મ મળીન્છે. તે પૈકીના એક જેરામદાસ દૌલતરામને તો લાગલગાટ ત્રણ ટર્મ માટે નિયુક્ત થવાનું બહુમાન મળ્યું હતું! આટલા વિશાળ અને પ્રતિભાવાન દેશમાં ૨૫ વ્યક્તિઓની નિયુક્તિ જો એક કરતાં વધુ ટર્મ માટે થઈ હોય તો તે પ્રતિભાની ખોટ હશે કે પછી આ પદનો પણ ધરાર રાજકીય ઉપયોગ જ કે બીજું  કંઈ ?

રાજ્યસભાનું સભ્યપદ આમેય લોકસભા ચૂંટણી હારેલા રાજકીય નેતાઓની ખુરશી ટકાવી રાખવાનું માધ્યમ બની ગયું છે. નરેન્દ્ર મોદી મંત્રી મંડળના અડધોઅડધ મંત્રીઓ રાજ્યસભાના સભ્યો છે. પરંતુ અગાઉ કોંગ્રેસે મણિશંકર ઐયરને કે હાલમાં બીજેપીએ સુબ્રમણ્યમ સ્વામીને રાજ્યસભાના સભ્ય પદે નિયુક્ત કરીને તો તમામ હદ વટાવી દીધી છે.

રાજ્યસભા તેના ઉદ્દેશ, ગરિમા અને ઉપયોગિતા ગુમાવી બેસે તે પહેલાં ચેતવા જેવું છે. જોકે આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભા સભ્યો તરીકે કરેલી પસંદગી પછી ઝાઝી આશા બચતી નથી.

*maheriyachandu@gmail.com

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s