ગુજરાત વિધાનસભામાં દલિત પ્રતિનિધિત્વ: જિજ્ઞેશ મેવાણી સિવાયના સદસ્યો સન્માનો અને હારતોરામાં જ વ્યસ્ત જણાય છે

mevani

ચંદુ મહેરિયા*/

આ વખત(૨૦૧૭)ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો  જોતાં  વિધાનસભાના દલિત પ્રતિનિધિત્વમાં ઘણી નવી બાબતો ઉમેરાઈ હોવાનું જણાય છે. વિધાનસભાની અનુસૂચિત જાતિની ૧૩ અનામત બેઠકોમાં ૭ પર ભારતીય જનતાપક્ષ, ૫ પર કોંગ્રેસ અને ૧ પર કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર  વિજ્યી થયાં છે. ૨૦૧૨માં ભાજપને ૧૦  બેઠકો મળી હતી. એ જોતાં  આ વખતે ભાજપે ૩ બેઠકો ગુમાવી છે. ૨૦૧૨ થી ૨૦૧૭ના ગાળામાં વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રહેલા રમણલાલ વોરા અને આત્મારામ પરમાર ચૂંટણી હારી ગયા છે તો  આ જ ગાળાના બે દલિત સંસદીય સચિવો પૂનમભાઈ મકવાણા અને જેઠાભાઈ સોલંકીને ભાજપે ટિકિટ આપી નહોતી. તેથી ભાજપના અગ્રણી દલિત નેતાઓ ચૌદમી વિધાનસભામાં જોવા મળશે નહીં.

ગુજરાત વિધાનસભાની ૧૩ અનામત બેઠકો : ગાંધીધામ (જિ. કચ્છ), દસાડા(જિ.સુરેન્દ્રનગર), રાજકોટગ્રામ(જિ.રાજકોટ), કાલાવાડ(જિ.જામનગર), કોડીનાર(જિ.જુનાગઢ), અસારવા (જિ.અમદાવાદ), દાણીલીમડા(જિ.અમદાવાદ), કડી(જિ.મહેસાણા), વડગામ(જિ.બનાસકાંઠા), ઈડર(જિ.સાબરકાંઠા), વડોદરા-શહેર(જિ.વડોદરા) અને બારડોલી(જિ.સુરત) . ૧૩ અનામત બેઠકો પર ૧૭ રાજકીય પક્ષોના ૬૯ અને ૪૭ અપક્ષો સહિત કુલ ૧૧૬ ઉમેદવારો હતા. તેમાં ૧૪ મહિલા અને ૧૦૨ પુરુષ ઉમેદવારો હતાં. જે ૧૭ રાજકીય પક્ષો અનામત બેઠકો પર ચૂંટણી લડ્યા  તેના નામ : ભારતીય જનતા પક્ષ, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, બહુજન સમાજ પક્ષ, બહુજન મુક્તિ પાર્ટી, બહુજન સુરક્ષા દળ, બહુજન રિપબ્લિકન સોસ્યાલિસ્ટ પાર્ટી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી(ચંદ્રશેખર), આમ આદમી પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, ગુજરાત જન ચેતના  પાર્ટી, નવીન ભારત નિર્માણ મંચ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, આપની સરકાર પાર્ટી અને રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી.

રાજકીય પક્ષોના આ નામો પરથી જણાય છે કે દલિતોના  ૫ પક્ષો આ ચૂંટણી લડ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ મેદાનમાં હતી પણ શિવ સેના નહોતી !સૌથી વધુ ૮ પક્ષોના ઉમેદવારો ગાંધીધામ બેઠક પર હતા. સૌથી ઓછા ૩ પક્ષોના ઉમેદવારો બારડોલી બેઠક પર હતા. સૌથી વધુ ૮ અપક્ષ ઉમેદવારો રાજકોટગ્રામ બેઠક પર અને બારડોલી બેઠક પર ૧ જ અપક્ષ ઉમેદવાર હતા. રાજકોટગ્રામ અને ગાંધીધામ બેઠક પર સૌથી વધુ ૧૪-૧૪ ઉમેદવારો હતા. સૌથી ઓછા ૫ ઉમેદવારો બારડોલી બેઠક પર હતા. ભારતીય જનતા પક્ષે તમામ ૧૩ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોગ્રેસે ૧૨ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવારનું સમર્થન કર્યું હતું. બહુજન સમાજ પક્ષે કોડીનાર સિવાયની ૧૨ બેઠકો પર ઉમેદવારી કરી હતી.

ભારતીય જનતા પક્ષના ૭ વિજેતા ઉમેદવારો છે : પ્રદીપ પરમાર (અસારવા), ઈશ્વર પરમાર(બારડોલી), હિતુ કનોડિયા(ઈડર), લાખાભાઈ સાગઠિયા( રાજકોટ-ગ્રામ), કરશનભાઈ સોલંકી(કડી), માલતી મહેશ્વરી(ગાંધીધામ) અને મનીષા વકીલ( વડોદરા-શહેર) કોંગ્રેસના ૫ વિજેતા ઉમેદવારો છે : શૈલેષ પરમાર(દાણીલીમડા), નૌશાદ સોલંકી(દસાડા), પ્રવીણ મુસડિયા(કાલાવાડ), મોહનભાઈ વાળા(કોડીનાર), પ્રવીણ મારુ(ગઢડા). વડગામની બેઠક કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ જીતી છે.

ગઈ વિધાનસભાના ભાજપના ૧૦ દલિત ધારાસભ્યોમાંથી છને પક્ષે ટિકિટ આપી નહોતી જે ચારને રિપિટ કર્યા હતા તેમાંથી માત્ર બે જ જીત્યા છે અને બે હાર્યા છે. કોંગ્રેસે તેના ત્રણેય ધારાસભ્યોને પુન: ઉમેદવારો બનાવ્યા હતા પણ એકજ જીતી શક્યા છે અને બે હાર્યા છે. ચૌદમી ગુજરાત વિધાનસભામાં જે ૧૩ દલિતો ચૂંટાયા છે તેમાં ૯ પ્રથમ જ વખત ધારાસભામાં પ્રવેશે તે ખૂબ જ નોંધનીય બાબત છે. ભાજપના ઈશ્વર પરમાર અને મનીષા વકીલ તથા કોંગ્રેસના શૈલેષ પરમાર અગાઉની વિધાનસભાના સભ્ય હતા જ્યારે કોંગ્રેસના પ્રવીણ મારુ અગિયારમી વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. બે મહિલાઓ, અને બંને ભાજપના , ધારાસભ્ય બન્યા છે. તેમાંથી એક પ્રથમવાર ચૂંટાયા છે.

૨૦૧૨માં સૌથી વધુ મત મેળવવાનો અને સૌથી મોટી લીડથી ચૂંટણી જીતવાનો ભાજપના વડોદરા શહેરના ઉમેદવાર મનીષા વકીલનો વિક્રમ ૨૦૧૭માં પણ અકબંધ રહ્યો છે. તેમણે ૧,૧૬,૩૬૭ મત મેળવી તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવારને ૫૨૩૮૩ મતની લીડથી શિકસ્ત આપી છે. તેમના ૨૦૧૨ના મત કરતાં મત અને લીડ બંનેમાં વધારો થયો છે. સૌથી ઓછા મત (૬૯૪૫૭) કોંગ્રેસના ગઢડાના ઉમેદવાર પ્રવીણ મારુને મળ્યા છે. જોકે સૌથી ઓછી લીડ(૨૧૭૯) થી ભાજપના રાજકોટગ્રામના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયા વિજેતા બન્યા છે.ગુજરાતના દલિત આંદોલનનોચહેરો બની રાષ્ટ્રીય કક્ષાએ ઉભરેલા જિજ્ઞેશ મેવાણીનો મળેલા મત(૯૫૪૯૭) માં ચોથો ક્રમ છે. તેઓ ૧૯૬૯૬ મતની  લીડ સાથે દલિત ઉમેદવારોની લીડમાં સાતમો ક્રમ ધરાવે છે. વડગામ બેઠક પર કોંગ્રેસને ૨૦૧૨માં મળેલી લીડ ૨૦૧૭માં ઘટી છે.

અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર હારેલા ઉમેદવારોમાં સૌથી વધુ મત(૮૯૯૬૫) રાજકોટગ્રામ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાને મળ્યા હતા. તે પછીના ક્રમે પણ બે કોંગ્રેસના ઉમેદવારો છે. કડીના રમેશ ચાવડાને ૮૮૯૦૫ અને ઈડરના મણિલાલ વાઘેલાને ૮૪૦૦૨ મત મળ્યા હતા. ભાજપના વડગામના ઉમેદવાર વિજ્ય ચક્રવર્તી ૭૫૮૦૧ મત સાથે ચોથા ક્રમે રહ્યા છે. તેરમી વિધાનસભાના અધ્યક્ષ, વરિષ્ઠ બીજેપી નેતા અને દસાડાના બીજેપી ઉમેદવાર રમણલાલ વોરા ૭૦૨૮૧ મત મેળવીને પાંચમા ક્રમે હતા. રૂપાણી મંત્રી મંડળના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામ પરમાર ૬૦૦૩૩ મત મેળવીને હારેલા ઉમેદવારોમાં સાતમા નંબરે હતા. હારેલા ઉમેદવારોમાં સૌથી ઓછા મત (૩૭૯૭૪)  કોંગ્રેસના અસારવા બેઠકના કનુભાઈના વાઘેલાના ફાળે ગયા છે. ૨૦૧૨માં અસારવા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તમામ ૧૩ અનામત બેઠકોમાં સૌથી તળિયે હતા તે પરંપરા ૨૦૧૭માં જળવાઈ રહી છે.

૧૩ અનામત બેઠકોમાં સૌથી વધુ પાંચ(૫) બેઠકો( દસાડા, રાજકોટગ્રામ, કાલાવાડ, કોડીનાર અને ગઢડા) સૌરાષ્ટ્રમાં આવેલી છે. આ પાંચ(૫)માંથી જ ચાર( ૪) બેઠકો કોંગ્રેસે મેળવી છે. રાજકોટગ્રામની બેઠક કોંગ્રેસે બહુ નજીવા માર્જિનથી ગુમાવી છે. એ રીતે ગ્રામીણ સૌરાષ્ટ્રના મતદારોનું  સત્તાધારી બીજેપીવિરોધી વલણ દલિત અનામત બેઠકો પર પણ જોવા મળ્યું છે. ૨૦૧૨માં  આ એકેય બેઠક કોંગ્રેસ પાસે નહોતી. ઉત્તરગુજરાતની વડગામ, કડી અને ઈડર પૈકીની ૨ બેઠકો કોંગ્રેસ પાસે હતી. પરંતુ કડી બેઠક કોંગ્રેસે ગુમાવી છે તો વડગામ કોંગ્રેસ સમર્થિત અપક્ષના ફાળે ગઈ છે. ઉત્તર ગુજરાતના પાટીદારોનો બીજેપી વિરોધી રોષ અનામત બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ફળ્યો નથી. અમદાવાદની બે પૈકી દાણીલીમડા બેઠક કોંગ્રેસે તો અસારવા ભાજપે મેળવી છે. મધ્ય ગુજરાતની વડોદરા શહેર અને દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠકો બીજેપીએ જાળવી રાખી છે.

ચૌદમી ગુજરાત વિધાનસભામાં જે દલિત પ્રતિનિધિત્વ જોવા મળશે તેમાં ઉમરની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો સરેરાશ ઉમર ૪૬.૬ વરસ છે. એટલે એકંદરે યુવાન પ્રતિનિધિત્વ દલિતોને મળ્યું છે. સૌથી મોટી ઉમરના , ૬૦વરસના,  કડીના ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી છે. જ્યારે સૌથી નાની ઉંમરના, માત્ર ૨૮ વરસના,  ગાંધીધામના માલતી મહેશ્વરી છે. ૪૦થી ઓછી વયના, ૩૭ વરસના,  જિજ્ઞેશ મેવાણી છે. ૪૧થી ૪૫ની વયના ૨, ૪૬થી ૫૦ના ૫ અને ૫૦ કરતાં વધુના ૩ દલિત ધારાસભ્યો છે. ૧૩ પૈકીના ૧૨ ધારાસભ્યો પરિણીત છે. અડધા કરતાં વધુ , ૧૩માંથી ૭ ધારાસભ્યો મતવિસ્તારની બહારના છે. સ્થાનિક ધારાસભ્યોની સંખ્યા ૬ જ છે.

આ ધારાસભ્યોમાં સૌથી ઓછું ૪ ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલા બીજેપીના કરસનભાઈ સોલંકી છે. બીજેપીના લાખાભાઈ સાગઠિયા ધોરણ ૯ સુધી, હાલના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર ધો-૧૧ કોમર્સ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ભાજપના બીજા બે ધારાસભ્યો પ્રદીપ પરમાર ન્યૂ એસએસસી અને હિતુ કનોડિયા એચએસસીનો અભ્યાસ કરેલ છે.જ્યારે બંને મહિલા ધારાસભ્યો ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે. કોંગ્રેસના પ અને એક અપક્ષ ઉમેદવાર પણ ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે. બીજેપીના પાંચ પુરુષ ધારાસભ્યોનું ઓછું શિક્ષણ ખટકે તેવું છે.

ચૂંટણી પંચ સમક્ષની ૧૩ ધારાસભ્યોની ઉમેદવારી સાથેની એફિડેવિટ ચકાસતાં જણાય છે કે લાખાભાઈ સાગઠિયા , મોહનભાઈ વાળા અને  જિજ્ઞેશ મેવાણીએ આવકવેરાનું રિટર્ન ભર્યું ન હોવાનું કે તે બાબત તેમને લાગુ પડતી ન હોવાનું જણાવ્યું છે. કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મુસડિયાએ છેલ્લું ઈંકમટેક્ષ રિટર્ન ૨૦૧૩-૧૪નું ભર્યું હોવાનું જણાવ્યું છે. બાકીના ધારાસભ્યોએ ૨૦૧૬-૧૭નું રિટર્ન ફાઈલ કરાવ્યું છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની હાથ પરની સિલકની વિગતો જોઈએ તો દાણીલીમડાના શૈલેષ પરમાર અને દસાડાના નૌશાદ સોલંકી (બંને કોંગ્રેસ) એ પાંચ પાંચ  લાખ રૂપિયા કેસ ઈન હેન્ડ દર્શાવ્યા છે. સૌથી ઓછી હાથ પરની સિલક મનીષા વકીલે રૂ.૫,૦૦૦/- જણાવી છે. એફિડેવિટ મુજબ સૌથી ગરીબ દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી છે. તેમની કુલ મિલકત માત્ર રૂ. ૧૦.૨૫લાખ છે, જે તમામ જીવન વીમાની પોલીસી છે. જો કે જિજ્ઞેશ મેવાણી પાસે હાથ પરની સિલક રૂ.૧,૨૫,૦૦૦/- હતી.!

જિજ્ઞેશ મેવાણી  કરતાં થોડા જ વધુ માલદાર માલતીબહેન મહેશ્વરી છે. તેમની મિલકત ૧૧.૭૬લાખ છે. પણ હાથ પરની સંયુક્ત સિલક રૂ.૫,૪૦,૬૫૪ છે. ! ૧૩ દલિત પ્રતિનિધિઓના ધંધા રોજગારની વિગતો પણ રસપ્રદ છે. માલતી મહેશ્વરી ગ્રુહિણી છે, મનીષા વકીલ શાળામાં સુપરવાઈઝરની નોકરી કરે છે, હિતુ કનોડિયા કલાકાર છે , જિજ્ઞેશ મેવાણી એડવોકેટ છે, શૈલેષ પરમાર ખેતી, ગ્રીન લોન અને કંસ્ટ્રકશન, પ્રદીપ પરમાર વેપાર, નૌશાદ સોલંકી ટેકનિકલ કંસલટન્ટ, લાખાભાઈ સાગઠિયા ખેતી ,પ્રવીણ મારુ ધંધો ,કરશન સોલંકી ખેતી અને કંસટ્રકશન તો મંત્રી ઈશ્વર પરમાર કાર્ટિંગ અને ખેતીમાંથી આવક મેળવે છે. ૧૩માંથી ૯ ધારાસભ્યો વેપાર અને તે પણ બાંધકામ સાથે સંકળાયેલા હોય અને તેરમાંથી એકેય  દલિતોનો પરંપરાગત ધંધો -વ્યવસાય ન કરતા હોય તે નોંધનીય છે.

૪૭ અપક્ષ ઉમેદવારોમાંથી એકમાત્ર કોંગ્રેસ સમર્થિત જિજ્ઞેશ મેવાણી જ વિજ્યી બની શક્યા છે. બાકીના અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ‘વોટ કટવા’થી વિશેષ રહી નથી. કુલ ૫ દલિત પક્ષો આ ચૂંટણીમાં મેદાને હતા. બહુજન સમાજ પાર્ટીએ ૧૩માંથી ૧૨ બેઠકો પર ઉમેદવારો ખડા કર્યા હત્તા. આ બારેય ઉમેદવારોના કુલ મત ૨૦,૬૭૭ જ છે. જે સાવ નગણ્ય ગણાય. બીએસપીના કોઈ ઉમેદવારને ૩૫૦૦ કરતાં વધુ મત મળ્યા નથી. સૌથી વધુ ૩૩૨૩ મત રાજકોટગ્રામના ઉમેદવારને અને સૌથી ઓછા મત ગઢડાના બસપા ઉમેદવારને મળ્યા છે. ૧૨ પૈકીની ૬ બેઠકો પર બસપા ત્રીજા ક્રમે, ૪ પર ચોથા ક્રમે, ૧ પર પાંચમા ક્રમે  અને ૧ પર સાતમા ક્રમે હતી. જોકે ૧૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો પર ‘નોટા” ત્રીજા ક્રમે હોઈ જે ત્રણ શહેરી બેઠકો અસારવા, દાણીલીમડા અને રાજકોટગ્રામમાં જ બસપા ઉમેદવારો ત્રીજા ક્રમે હતા. આ હકીકત દર્શાવે છે કે માયાવતીની બહુજન સમાજ પાર્ટી ગુજરાતમાં જેટલી ગાજે છે તેટલો જનાધાર ધરાવતી નથી.

અડધો અડધ મહિલા મતદારો છતાં રાજકીય પક્ષો મહિલાઓને પૂરતી ટિકિટો ફાળવતા નથી. ૧૩ અનામત બેઠકો પર ૧૧૬ ઉમેદવારોમાં માત્ર ૧૪ જ મહિલા ઉમેદવારો હતા. જેમાં બીજેપીના ૨, બીએસપીના ૪, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના ૧ અને  ૭ અપક્ષો હતા. બીજેપીના બંને મહિલા ઉમેદવારોની જીત એક સારી નિશાની છે. પરંતુ ૧૩ દલિત ધારાસભ્યોમાં માત્ર બે જ મહિલા ધારાસભ્યો છે એટલે કે મહિલા પ્રતિનિધિત્વ ૧૫ ટકા જ છે. જે ઘણું ઓછું ગણાય. આશાવર્કર આંદોલનના લડાકુ નેતા ચંદ્રિકા સોલંકીને  આ ચૂંટણીમાં માત્ર ૯૭૫ મત મળ્યા તે દર્શાવે છે કે ચૂંટણીના રાજકારણમાં આંદોલનની મૂડી બહુ ખપ આવતી નથી. વડોદરાશહેરની બેઠક પર  ૪ અને ગાંધીધામ બેઠક પર  ૩ મહિલા ઉમેદવારો હતા. તેના પરથી જણાય છે કે સૌથી વધુ મહિલા ઉમેદવારોએ  મહિલા ઉમેદવારો સામે જ લડવાનું પસંદ કર્યું હતું. આ  બાબત પણ ચિંતા ઉપજાવનારી ગણાય. પુરુષ રાજકારણીઓ મહિલાઓને ચૂંટણી જીતી શકવાની ઓછી શક્યતાવાળા ગણાવી ટિકિટ જ  ના આપે અને ટિકિટ મળે તો તેણે ‘વોટ કટવા’ મહિલા ઉમેદવારોનો જ સામનો કરવો પડે તે ભારે વિચિત્ર લાગે છે.

૨૦૧૭ની આ ચૂંટણી દલિતોના કોઈ સ્વતંત્ર અને ચોક્કસ મુદ્દે લડાઈ નહોતી કે તે રીતે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરી નહોતી. તેમ છતાં ઉના આંદોલન પછી ઉભરેલા જિજ્ઞેશ મેવાણીનો વિધાનસભા પ્રવેશ કે ગઈ વિધાનસભાના ચારેય દલિત મંત્રીઓનું આ વિધાનસભામાં  ન હોવું ખૂબ જ મહત્વ ધરાવે છે. ૨૦૧૨માં થાનગઢકાંડ પછી તત્કાલીન સામાજિક ન્યાય મંત્રી ફકીરભાઈ વાઘેલા ચૂંટણી હારે કે ૨૦૧૭માં ઉનાકાંડ પછી આ વખતના મંત્રીઓ રમણલાલ વોરા અને આત્મારામ પરમારનો પરાભવ થાય તે બાબત બીજેપી માટે ખતરાની ઘંટડી સમાન છે.

વિધાનસભાની અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર ચૂંટાતા ધારાસભ્યો બંધારણીય રીતે તો દલિત ધારાસભ્યો ગણાય અને તેમણે ધારાગ્રુહોમાં દલિતોના હક-હિતોની રખેવાળી અને પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. પરંતુ અનામત બેઠકો પરના દલિત ઉમેદવારોની હારજીત દલિતોના વોટથી નક્કી થતી નથી. આ બેઠકો પરના બિનદલિત મતદારોનું રાજકીય વલણ જ તેમની હારજીત નક્કી કરે છે. એટલે ચૂંટાવા માટે દલિત ઉમેદવાર બિનદલિત મતદારો પર આધાર રાખતો હોય અને ચૂંટાયા પછી તે દલિત પ્રતિનિધિ બની દલિતોના અધિકારો કે હિતોની હિફાજત કરતો રહે તે ભૂમિકા દલિત ધારાસભ્યો નિભાવી શકતા નથી.

અનામત બેઠકો પર દલિત મતદારો કરતાં બે,ત્રણ કે ચાર ગણા મત મેળવી તે જીતે છે . આ હકીકત સ્પષ્ટ કરે છે કે તેના માટે માત્ર દલિત મતોથી જીતવું શક્ય નથી. વિધાનસભામાં દલિતોનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે દલિતોના નહીં,  બિન દલિતોના વોટથી નક્કી થાય છે. એટલે  જ દલિતોના ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માત્ર દલિતોના પ્રશ્નોને જ અગ્રતા આપે અને બિનદલિત મતદારોના પ્રશ્નોને ઓછી અગ્રતા આપે તેવું બનતું નથી.તેમણે ચૂંટણી જીતવા માટે દલિતોના પ્રશ્નોને તડકે મૂકવા પડે છે અને બિનદલિત મતદારને વધારે મહત્વ આપવું પડે છે કે તેઓ જરાય નારાજ ન થાય તેની કાળજી લેવી પડે છે. વક્રતા એ પણ છે કે દલિત ધારાસભ્યને પ્રધાન મંડળમાં દલિતોના સમાજ કલ્યાણના વિભાગનો જ મંત્રી બનાવાય છે અને દલિત ધારાસભ્યને વિધાનસભામાં માત્ર દલિત મુદ્દા પર બોલવાનું મળે છે !  આ તમામ બાબતો જોતાં દલિતોનું આ પ્રતિનિધિત્વ કેવું બોદું હોય છે તે સમજાય છે.

૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની એક ઉજળી કોર તે કોંગ્રેસના દલિત ઉમેદવાર નરેન્દ્ર રાવતની વડોદરા સયાજીગંજની સામાન્ય બેઠક પર ઉમેદવારી છે. સામાન્ય રીતે દલિત ઉમેદવાર  અનામત બેઠક  પર ઉમેદવારી કરતો હોય છે. (જિજ્ઞેશ મેવાણી પણ અપવાદ નથી !) મુખ્યધારાના અને મોટા રાજકીય પક્ષો પણ દલિતને કદી સામાન્ય બેઠક પર ઉમેદવારી કરવા પસંદ કરતા નથી. ગુજરાત રાજ્યની રચના પછી પહેલીવાર એવું બન્યું છેકે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એક દલિત ઉમેદવારને વદોદરા શહેરની સયાજીગંજની સામાન્ય બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કર્યા. નરેન્દ્ર રાવત માટે પણ વડોદરાની અનામત બેઠક સરળ અને સહજ ઉપલબ્ધ હતી છતાં તેમણે સામાન્ય બેઠક પરથી ઉમેદવારી કરવી પસંદ કરી. આ ચીલો ચાતરતી ઘટના માટે કોંગ્રેસ અને નરેન્દ્ર રાવત બેઉ અભિનંદનના અધિકારી છે. જોકે અહીં ખરી કસોટી મતદારની હતી અને કહેવું જોઈએ કે જાતિકોમરધર્મમાં રમમાણ મતદારે નરેન્દ્ર રાવતને પસંદ ન કર્યા.

વડોદરાની તમામ પાંચ બેઠકો પર કોંગ્રેસી ઉમેદવારોને મળેલા મતમાં નરેન્દ્ર રાવતને સૌથી ઓછા મત મળ્યા છે. એટલું જ નહીં વડોદરાશહેરની અનામત બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારને મળ્યા છે તેના કરતાં સયાજીગંજના કોંગ્રેસી ઉમેદવારના મત ઘણા ઓછા છે. કોંગ્રેસને વડોદરાસિટીની અનામત બેઠક પર ૬૩૯૮૪, રાવપુરામાં ૭૦૩૩૫, માંજલપુરમાં ૪૮૬૭૪ અકોટામાં ૫૨૧૦૫ મત મળ્યા છે. જ્યારે સયાજી ગંજમાં કોંગ્રેસને ૪૦૮૨૫ મત મળ્યા છે. સયાજીગંજ બેઠકના રાષ્ટ્રીય સમાજ પક્ષના રાજેશ આયરેને ૪૦૬૬૫ મત મળ્યા તે દર્શાવે છે કે સયાજીગંજ બેઠકના જે મતદારો બીજેપીને મત આપવા નહોતા માંગતા તે કોંગ્રેસના દલિત ઉમેદવારને બદલે વિકલ્પ તરીકે ઓછા જાણીતા પક્ષ અને ઉમેદવારને મત આપે છે.  આ સઘળી હકીકતો મતદાર તરીકેના ઘડતરની સાથે સાથે દલિતોએ કહેવાતી મુખ્યધારામાં ભળવા હજુ કેટલી લાંબી મજલ કાપવાની છે અને ત્યાં સુધી સામાન્ય મતદાર પર આશ્રિત દલિત પ્રતિનિધિત્વ નિભાવવાનું છે તે દર્શાવે છે.

આવા દ્વિધાયુક્ત દલિત ધારાસભ્યો વિધાનસભામાં અને બહાર દલિતોના સવાલો માટે કેવી ભૂમિકા લેશે તે જોવાનું રહે છે. જિજ્ઞેશ મેવાણીએ ચૂંટાયા પછી તુરત જ  એમના હંમેશના આક્રોશ અને અધીરાઈ સાથે કામનો આરંભ  કરી દીધો છે. પણ બાકીના તો કદાચ સન્માનો અને હારતોરામાં જ વ્યસ્ત જણાય છે. દલિતોના સવાલો ચૂંટણી, પ્રતિનિધિત્વ અને રાજકીય અનામતનું રાજકારણ કેટલું ઉકેલી શકશે તે સવાલ ફણા મારતો ઉભો છે.

*maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s