બીજેપી અને પાટીદારોનો દબદબો ગુજરાતના રાજકારણમાંથી સહેલાઈથી ભૂંસી શકાશે નહીં

વિશ્લેષક/

ચૌદમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૨૨ વરસની રાજવટ પછી ભલે સાંકડી બહુમતીથી પણ ભારતીય જનતા પક્ષનું  પુન: સત્તામાં આવવું અસામાન્ય બાબત છે. પૂર્વેની તમામ બેઠકો કરતાં બીજેપીને આ વખતે સૌથી ઓછી બેઠકો મળી છે. છતાં તેની સત્તા ટકી છે તે કોઈ નાનીસૂની વાત નથી. ભાજપને ૯૯, કોંગ્રેસને ૭૭ બેઠકો મળી એ હિસાબે કોંગ્રેસે સારી લડત આપી અને એક સન્માનજનક હાર મેળવી છે.

જ્યાં સુધી બીજેપીને મળેલા મતની ટકાવારીનો સવાલ છે , ૪૯.૧ ટકા મત મળ્યા છે. પરંતુ તે મતો બેઠકોમાં પરિવર્તિત થઈ શક્યા નથી. બીજેપીને ૧.૪૭ કરોડ અને કોંગ્રેસને ૧.૨૪ કરોડ મતદારોનું સમર્થન છે.તે જોતાં માંડ ૨૩ લાખ મતદારોના ઓછા સમર્થનથી કોંગ્રેસ સત્તાવિહોણી રહી છે.

આ ચૂંટણી પરિણામો સત્તા પક્ષ અને વિપક્ષ બેઉને લોકો તરફથી મળેલો એક એવો આદેશ છે જેની અવગણના કરવી પાલવે તેમ નથી. મજબૂત અને મોટો વિપક્ષ હવે ગુજરાતને મળ્યો છે, જે સત્તાની સાવ નજીક બહુ થોડી બેઠકો માટે રહી ગયો. માત્ર સત્તાવિરોધી જ નહી બીજેપીવિરોધી અને ખાસ તો વડાપ્રધાનવિરોધી ઠીકઠીક વાતાવરણ પછીનું આ પરિણામ છે. જે કોંગ્રેસને આગામી લોકસભા ચૂંટણી માટે પોરસ ચઢાવે છે તો ભાજપને ચેતવે છે.

રાજ્યની નબળી નેતાગીરી તે ભાજપ કોંગ્રેસ બંનેનો મોટો સવાલ હતો. કોંગ્રેસના ચાર વરિષ્ઠ નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ અને ડો.તુષાર ચૌધરી ચૂંટણી હારી ગયા છે. આ બાબત દર્શાવે છે કે કેવા જનાધારવિહોણા નેતાઓ કોંગ્રેસના પલ્લે પડ્યા છે. જે પોતાની જ બેઠકો જીતી શકતા નથી તે ગુજરાતના નાથ બનવાના સપનાં જોતા હતા.રાહુલ ગાંધીએ નરમ હિંદુત્વનો માર્ગ લીધો,  સતત અને લાંબો પ્રચાર કર્યો,  તે પ્રદેશની યોગ્ય નેતાગીરીના અભાવે સત્તા મેળવી આપનારો ન નીવડ્યો. સામે પક્ષે વડાપ્રધાન અને બીજેપી પ્રમુખે પણ ગુજરાતની નબળી બીજેપી નેતાગીરી છતાં સતામાં વાપસી કરવામાં સફળતા મેળવી છે.

આ ચૂંટણી પરિણામોમાં નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન પછીના ગુજરાતના લોક આંદોલનોનો પણ ફાળો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવું પસંદ કર્યું તો જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસનું સમર્થન કર્યું અને સમર્થન મેળવ્યું. હવે તે બંને વિધાનસભાના સભ્યો બન્યા છે અને તે સત્તા પક્ષના વિરોધમાં છે. ત્યારે તેમની વિધાનસભાની અંદરની અને બહારની કામગીરી જોવી રસપ્રદ બનશે.

જ્યાં સુધી દલિતોનો સવાલ છે, આ ચૂંટણી પરિણામોમાં દલિતો બીજેપીથી સાવ વિમુખ થઈ ગયા છે તેમ માત્ર અનામત બેઠકોના પરિણામો પરથી માની શકાતું નથી. એક અપક્ષ સાથે કોંગ્રેસે ૧૩માંથી ૬ બેઠકો મેળવી છે તો બીજેપીને ૭ બેઠકો મળી છે. હા, ૨૦૧૨ થી ૨૦૧૫ના સમયગાળાની વિધાનસભામાં જે ચાર દલિત નેતાઓ(રમણલાલ વોરા, આત્મારામ પરમાર, પૂનમભાઈ મકવાણા અને જેઠાભાઈ સોલંકી)  પ્રધાનમંડળનો ભાગ હતા તે પૈકીના બેની હાર થઈ છે તો બેને પક્ષે ટિકિટ આપી નથી. એ રીતે જોતાં ભાજપમાં  નવી દલિત લીડરશીપ ઉભરવાની તક છે.

ચૂંટણીઓ કોઈ મુદ્દાઓ પર લડાતી કે જીતાતી નથી. ભારતીય સમાજ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા જેવી જ્ઞાતિ જ કેન્દ્રમાં હોય છે. આ ચૂંટણીઓએ ગુજરાતના રાજકારણમાંથી પાટીદારોના પ્રભુત્વને કાયમ રાખ્યું છે. તેણે બંને મુખ્ય પક્ષોને પોતાના ઓશિયાળા રાખ્યા છે. બીજેપી અને પાટીદારોનો દબદબો ગુજરાતના રાજકારણમાંથી સહેલાઈથી ભૂંસી શકાશે નહીં તે આ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર ઘૂંટી આપ્યું છે. ગુજરાતના ૨૦૧૭ના જનાદેશનો આ બહુ મોટો બોધપાઠ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s