ચંદુ મહેરિયા*/
આજે ગુજરાત વિધાનસભાની બાકીની ૯૮ બેઠકો માટે મતદાન થશે.તે સાથે ગુજરાતના મતદારો આગામી પાંચ વરસ માટે ક્યા પક્ષની સરકાર બનાવવી તે નક્કી કરશે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની જવાબદારી રાહુલ ગાંધીના શિરે હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં જ રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા છે. એટલે ગુજરાતના પરિમાણો રાહુલ ગાંધીના નેત્રુત્વ અંગે પણ ફેંસલો કરનારા હશે.
છેલ્લા ૧૯ વરસોથી કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળનારા, તેમના માતા સોનિયા ગાંધી પાસેથી, ૪૭ વરસના રાહુલ ગાંધી પ્રમુખ પદ સ્વીકારશે. રાહુલ ગાંધીના કોંગ્રેસ પ્રમુખ બનવા સાથે ગાંધી નહેરુ ખાનદાનની પાંચમી પેઢીના છઠ્ઠા સદસ્ય કોંગ્રેસ પ્રમુખ બનશે. તેના કારણે કોંગ્રેસનો વંશવાદ અને ગાંધી નહેરુ પરિવાર પરનું કોંગ્રેસનું અવલંબન વધુ એકવાર સ્પષ્ટ થયું છે..કોંગ્રેસની સ્થાપનાના ૩૪ વરસો પછી મોતીલાલ નહેરુ તેના પ્રમુખ બન્યા હતા. આજે ૧૩૨ વરસની કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી બન્યા છે.
રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધી અને તેમના બાળકો રાજકારણથી અળગા રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ રસાતળમાં જઈ રહી હતી ત્યારે ૧૯૯૮માં સોનિયા ગાંધીએ તેનું સુકાન હાથમાં લીધું હતું. ઓગણીસ વરસના પોતાના કાર્યકાળમાં તેમણે કોંગ્રેસને બે વાર કેન્દ્રમાં સત્તા અપાવી . એ જ સોનિયા ગાંધીના નેત્રુત્વમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ પૂર્વે ક્યારેય નહોતી એટલી કમજોર સાબિત થઈ છે ત્યારે તેમના પુત્ર રાહુલને કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળવાનું થયું છે. લોકસભામાં આજે કોંગ્રેસના ૪૪ જ સભ્યો છે, દેશના ૪૦૦૦ કરતાં વધુ વિધાનસભ્યોમાં કોંગ્રેસના ૭૬૬ જ છે અને કર્ણાટક ,પંજાબ જેવા બે મોટા રાજ્યોના અપવાદ સાથે ૨૯માંથી ૮ જ રાજ્યોમાં કોંગ્રેસની રાજવટ છે. આવી વિકટ સ્થિતિમાં ભારે પડકારો સાથે રાહુલ ગાંધીનું કોંગ્રેસ પ્રમુખ બનવું ભારે હિંમત માંગી લે છે.
૨૦૦૪માં રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના અમેઠી મતવિસ્તારમાંથી ચૂંટણી લડી લોકસભામાં પ્રવેશ કર્યો હતો. ૨૦૦૭માં તેઓ પક્ષના મહાસચિવ બન્યા હતા, ૨૦૧૩માં ઉપાધ્યક્ષ અને હવે અધ્યક્ષ બન્યા છે. આમ ક્રમશ: છતાં કોંગ્રેસ પક્ષમાં રાહુલ ગાંધીનો આ એકધારો ઝડપી ઉદય તેઓ નહેરુ ગાંધીના વંશજ હોવાના કારણે જ શક્ય બન્યો છે તે દીવા જેવું સ્પષ્ટ છે. જોકે રાહુલ વંશવાદને ન માત્ર ભારતના રાજકારણની, એકંદર તમામ ક્ષેત્રોની સમસ્યા માને છે. તેઓ અખિલેશ યાદવ, અનુરાગ ઠાકુરનું જ નહીં મુકેશ-અનિલ અંબાણી અને અભિષેક બચ્ચનનું પણ ઉદાહરણ આપી કહે છે, ‘આપણા દેશમાં બધું આમ જ ચાલે છે. ‘
કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળવાની થઈ છે તે પૂર્વે રાહુલ ગાંધીએ દીર્ઘ સમય સુધી કોંગ્રેસની સત્તા જ જોઈ છે. એક આક્રમક અને સમજદાર વિપક્ષની ભૂમિકા ભજવવાની અને પોતાના પક્ષને સત્તા અપાવવાની કામગીરી હવે તેમણે બજાવવાની છે. રાહુલ ગાંધી વચમાં વચમાં લાંબો ટૂંકો-અવકાશ લઈને જે રાજનીતિ કરતા રહ્યા હતા તેનાથી તેમની નિરંતર સક્રિયતા જોવા મળતી નહોતી. તેઓ કમને રાજકારણમાં જોતરાયેલા (રિપીટ જોતરાયેલા) જ વધુ લાગતા હતા. અનેક મહત્વના પ્રસંગોએ તેમની હાજરી અનિવાર્ય હતી ત્યારે જ તેઓ ગાયબ થઈ જતા હતા. એમની આવી રાજનીતિને કારણે જ શાયદ ઈતિહાસવિદ રામચંદ્ર ગુહાએ તો એમને રાજકારણ છોડી ઘરસંસાર વસાવી લેવાની સલાહ આપવી પડેલી !
કેન્દ્રમાં બીજેપી સત્તામાં આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રાહુલ ગાંધીએ સતત અને આક્રમક રાજનીતિ અખત્યાર કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં તેમના તાજેતરના વ્યાખ્યાનો ,સંસદમાં અને સંસદ બહાર બીજેપી વિરોધી કાર્યક્રમો અને હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીની ભૂમિકા તેમને પૂર્ણ સમયના રાજકારણી બનાવી રહી છે. નરેન્દ્ર મોદી-અમિત શાહ જેવા રાજકારણના બહુ મોટા અને વસમા ખેલાડીઓ સામે તેમણે ગુજરાતમાં શાલીનતા સાથે આક્રમક નહી તો આકરા સવાલો સાથે કામ લીધું છે.
ગુજરાતની વર્તમાન ચૂંટણી રાહુલ ગાંધી માટે બહુ મહત્વની બની રહી છે. કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક ગણાતા આદિવાસીઓ, દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની બહુ ફિકર કર્યા સિવાય રાહુલે ઠેરઠેર મંદિરોમાં જઈને નરમ હિંદુત્વનો રાહ લીધો. ગુજરાતના જન આંદોલનોની યુવા ત્રિપુટીને સાથે રાખી, કોંગ્રેસે તેના ઈતિહાસમાં પહેલીવાર જિગ્નેશ મેવાણીને પોતાની સલામત એવી વડગામ અનામત બેઠક અપક્ષ ઉમેદવાર તરીકે લડવા આપી કે વડોદરાની એક સામાન્ય બેઠક પરથી દલિત ઉમેદવાર નરેન્દ્ર રાવતને ઉમેદવાર બનાવ્યા, પાટીદાર અનામત માટે(કમ સે કમ અત્યારે) સંતોષકારક ફોર્મુલા ઘડી, તો અગાઉના પોતાના ગઠબંધન સાથી એવા એનસીપી સાથે ગુજરાત ચૂંટણીમાં ગઠબંધન ન કર્યું, છોટુભાઈ વસાવા સાથે ગઠબંધન કરી તેમના માટે બેઠકો છોડી, શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થક ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા દીધી -આ બધી બાબતો રાહુલ ગાંધીના વિચારો મુજબની કોંગ્રેસના અને કોંગ્રેસના રાજકારણમાં આવી રહેલા પરિવર્તનોના ધ્યોતક છે.
રાહુલ ગાંધીએ આવનારા દિવસોમાં હજુ વધુ મોટા પડકારોનો સામનો કરવાનો આવવાનો છે. ગુજરાત અને હિમાચલના પરિણામોથી તેનો આરંભ થશે. દરબારી અને હાઈકમાન્ડકેન્દ્રી કોંગ્રેસી રાજકારણથી છૂટકારો મેળવવો રાહુલ માટે જરાય આસાન નથી. નેતાઓથી ઉભરાતા અને કાર્યકરો વગરના કોંગ્રેસ પક્ષમાં સંગઠનને નામે સાવ મીંડુ છે. એમાં સંઘ પરિવાર અને ભાજપ જેવા બળુકા રાજકીય હરીફો સાથે રાહુલનો પનારો પડ્યો છે. રાજકીય નેતાઓની ભાજપ-કોંગ્રેસમાં અદલાબદલી જે રીતે થઈ રહી છે તેનાથી તે બે પક્ષો વચ્ચેની રાજકીય વિચારધારાનું જુદાપણું પારખવું બહુ મુશ્કેલ છે.
રાહુલ ગાંધીએ યુપીએ સરકાર વખતે સજા પામેલા રાજકારણીઓને ચૂંટણી લડતા રોકવા અંગેના કાયદામાં સુધારા સંબંધી વિધેયકના જાહેરમાં લીરેલીરા કરી પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. પણ બિહારમાં નીતિશ કુમારે ભાજપનો સાથ લીધા પછી હવે તેમણે લાલુપ્રસાદ યાદવને સાથે રાખ્યા છે. આ વિરોધાભાસ સાથે તેમણે સમાન વિચારો ધરાવતા પક્ષોને સાથે રાખી જોડાણની રાજનીતિ કરવાની છે. કોંગ્રેસ એકલા હાથે સત્તા મેળવી શકે કે બીજેપીને રોકી શકે તેમ નથી ત્યારે પોતાના સાથીઓની પસંદગી અને નેત્રુત્વ માટેની બાંધછોડ તેમની કસોટી કરનાર બની રહેશે.
રાહુલ ગાંધીની મોદી સરકાર માટેની પ્રિય ટીકા તો તે ઉધ્યોગપતિઓની સૂટબૂટની સરકારની છે. આમ કહી ને તે લોકોની તાળીઓ અને મીડિયા કવરેજ તો મેળવી લે છે પણ તેમનું કોઈ વૈકલ્પિક આર્થિક દર્શન જોવા મળતું નથી. તેમના દાદી ઈંદિરા ગાંધી ‘ગરીબી હઠાવો” ના નારે વરસો સુધી ચૂંટણી વૈતરણી તરતા રહ્યા હતા. પણ રાહુલ તો ગરીબીને માનસિક અવસ્થા ગણે છે. વળી પાછા રોજગારવિહીન આર્થિક વિકાસનો કશો અર્થ નથી એમ તો કહે છે પણ રોજગાર સર્જન માટેની આર્થિક વિચારધારા કે કોઈ યોજના જાહેર કરતા નથી. રાજકીય આઝાદી તો મળી છે પણ સામાજિક-આર્થિક આઝાદી વિશેનું રાહુલ ગાંધીનું દર્શન પણ જાણવું બાકી છે.
હત્યાના ત્રણેક દિવસ પહેલાં (૨૭મી જાન્યુઆરી ૧૯૪૮) ગાંધીજીએ ‘કોંગ્રેસના સ્થાન ‘ અંગે લખેલું “ કોંગ્રેસ સત્તા કબજે કરવાના બેહુદા ઝઘડામાં સંડોવાશે તો એક દિવસ તેને એકાએક ભાન થશે કે તેની હસ્તી ભૂંસાઈ ગઈ છે.” અમિત શાહના કોંગ્રેસમુક્ત ભારતના નારાને રાહુલ જરૂર ખોટો ઠેરવે પણ ગાંધીજીની ‘સત્તા માટેના બેહુદા ઝઘડા’ની વાત કાળજે ધરી રાખે તેમાં તેમના કોંગ્રેસ પ્રમુખપણાની સાર્થકતા હશે. આખરે મા સોનિયા ગાંધીએ તો તેમને ઉપાધ્યક્ષ બનતી વેળાએ જ સત્તા ઝેર હોવાની શિખામણ આપી જ હતીને?
—
સંપર્ક: *maheriyachandu@gmail