અનામત સહિતની બેઠકો પર દલિત મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપે અને તે નિર્ણાયક બને તેવું કદીએ બન્યું નથી

dalit polls

ચંદુ મહેરિયા*/

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૩૦માં લોકસભામાં અને ૩૩૨માં રાજ્યોના વિધાનગ્રુહોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ છે. ૧૯૩૨ના પૂના કરારમાં, દલિતોને તેમની વસ્તીના ધોરણે રાજકીય પ્રતિનિધિત્વ આપવાનું નક્કી થયું હતું. જે આજે આઝાદીના સાત દાયકે પણ ચાલુ છે.

ગુજરાત વિધાનસભામાં  દલિતોની  ૧૩ અને આદિવાસીઓની ૨૭ એમ કુલ ૪૦ બેઠકો અનામત છે.  દલિતોની ૧૩ અનામત બેઠકોમાં  સૌથી વધુ ૫ બેઠકો (દસાડા, રાજકોટ ગ્રામ, કાલાવાડ,કોડીનાર અને ગઢડા) સૌરાષ્ટ્રમાં છે.  ઉત્તર ગુજરાતમાં ૩(કડી, ઈડર અને વડગામ), અમદાવાદ શહેરમાં ૨ (અસારવા અને દાણીલીમડા) જ્યારે કચ્છ (ગાંધીધામ) મધ્ય ગુજરાત(વડોદરા)  અને દક્ષિણ ગુજરાત(વડોદરા) માં એક એક અનામત બેઠકો છે. એટલે કે રાજ્યના તમામ ભૌગોલિક વિસ્તારોમાં દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ જોવા મળે છે.

૨૦૧૨ની ગુજરાત ધારાસભાની  તેરમી ચૂંટણીમાં દલિતોની ૧૩ અનામત બેઠકોમાંથી ભાજપને ૧૦ અને કોંગ્રેસને ૩ બેઠકો મળી હતી.૧૯૬૦ થી ૨૦૧૭ની તેર  વિધાનસભા ચૂંટણીની કુલ ૧૫૮ દલિત અનામત બેઠકોના ધારાસભ્યોની પક્ષવાર સ્થિતિ જોઈએ તો કોંગ્રેસના ૮૬, ભાજપના ૫૪, જનતાદળના ૬, સંસ્થા કોંગ્રેસના ૫, સ્વતંત્ર પક્ષના ૪, જનતા પક્ષના ૨ અને  અપક્ષ ૧ હતા. અત્યાર સુધીની તમામ વિધાનસભામાં કોંગ્રેસના દલિત વિધાનસભ્યો ચૂંટાતા રહ્યા છે. ૧૫૮ બેઠકોમાં કોંગ્રેસના સભ્યોની ટકાવારી ૫૪ છે. ભાજપનું દલિત રાજકીય પ્રતિનિધિત્વ છેલ્લી છ વિધાનસભામાં હતું, જે ૩૪ ટકા છે. પહેલી, બીજી અને ચોથી વિધાનસભાની  તમામ દલિત અનામત બેઠકો પર માત્ર માત્ર કોંગ્રેસના સભ્યો જ ચૂંટાયા હતા.  આ બાબતનું પુનરાવર્તન ૧૯૭૪ પછી ક્યારેય થયું નથી.

માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીના શાસનકાળમાં પણ દલિતો વિપક્ષે ચૂંટાતા રહ્યા છે અને દલિત ધારાસભ્યો માત્ર સત્તાપક્ષના જ હોય તેવું બન્યું નથી. એજ રીતે અનામત બેઠકો પર સ્વતંત્ર પક્ષ, જનતા દળ, સંસ્થા કોંગ્રેસ અને જનતા પક્ષના ધારાસભ્યો પણ હતા. તે દર્શાવે છે કે દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ હંમેશા  કોઈ એક જ પક્ષે રહ્યું નથી.

આ  પૂર્વેની ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ૧૩ અનામત બેઠકોની ચૂંટણીમાં ૧૦ રાજકીય પક્ષોના ૬૫ અને ૩૪ અપક્ષો મળી ૯૯ ઉમેદવારો હતા. જોકે તેમાંથી માત્ર બે જ મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જ જીત્યા હતા.  આ ચૂંટણીમાં ૧૦ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવા છતાં ૬ અપક્ષો ત્રીજા ક્રમે હતા. તેના પરથી અનામત બેઠકો પરના અન્ય પક્ષોના ઉમેદવારોનો જનાધાર કેટલો નગણ્ય હતો તેનો ખ્યાલ આવે છે. આ ચૂંટણીમાં બહુજન સમાજ પક્ષના ૪ અને નવી જ એવી ગુજરાત પરિવર્તન પાર્ટીના ૩ ઉમેદવારો ત્રીજા ક્રમે હતા.

દલિતોના રાજકીય પક્ષની છાપ ધરાવતા બહુજન સમાજ પક્ષના જે ૪ ઉમેદવારો ત્રીજા ક્રમે હતા ત્યાં તેઓ ૫૦૦૦ મતો પણ મેળવી શક્યા નહોતા. એકમાત્ર ગાંધીધામ બેઠકના બસપા ઉમેદવારને ૪૭૮૩ મત મળ્યા હતા. અપક્ષો ભલે ૬ બેઠકો પર ત્રીજા ક્રમે રહ્યા પણ વડગામ બેઠકના અપક્ષ ઉમેદવારના ૫૧૯૦ મત સિવાય અન્યત્ર ક્યાંય અપક્ષોને ઝાઝા મત મળ્યા નહોતા. હા, ગુજરાત પરિવર્તન પાર્ટી જે ત્રણ બેઠકો પર ત્રીજા ક્રમે હતી ત્યાં તેને મળેલા મત કોંગ્રેસને મળ્યા હોત તો કોંગ્રેસ જીતી શકે તેટલા નિર્ણાયક હતા.

રાજકીય અનામત બેઠકો, ખાસ કરીને દલિતોની  રાજકીય અનામત બેઠકો પર હારજીત માત્ર દલિતોના વોટથી નકકી થતી નથી. આ બેઠકો પરના બિનદલિત મતદારોનું રાજકીય વલણ આ બેઠકનું પરિણામ નકી કરે છે. ૨૦૧૨ની ચૂંટણીમાં વડોદરા શહેરની અનામત બેઠક પર દલિતોના મત ૩૦૮૬૩ હતા. જ્યારે આ બેઠક પરના બીજેપીના વિજેતા ઉમેદવાર મનીષાબહેન વકીલને તેના કરતાં ત્રણ ગણા વધારે એટલે કે ૧,૦૩,૭૦૦ મત મળ્યા હતા. અમદાવાદ શહેરની અસારવા બેઠક પર દલિત મત ૩૯,૨૫૧ હતા. જ્યારે વિજ્યી બીજેપી ઉમેદવાર આર.એમ.પટેલને તેના કરતાં લગભગ બમણા ૭૬૮૨૯ મત મળ્યા હતા.કડી બેઠક પર દલિત મત માત્ર ૨૬૪૫૨ હતા.

પરંતુ કોંગ્રેસના વિજ્યી ઉમેદવારને ત્રણ ગણા ૮૪૨૭૬ મત મળ્યા હતા. કોઈ એક મતવિસ્તારમાં દલિત મતો એકજથ્થે ન હોવાથી, રાજ્યમાં દલિત વસ્તી વેરવિખેર હોવાથી તથા ૨૦૧૨ની ચૂંટણીના  આંકડાઓ પરથી એટલું તો  સ્પષ્ટ ફલિત થાય થાય છે કે દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ કોણ કરશે તે નક્કી કરવાનું માત્રને માત્ર દલિતોના હાથમાં રહ્યું નથી. એટલે જ દલિતોના ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માત્રને માત્ર દલિત પ્રશ્નોને જ અગ્રતા આપે અને મતવિસ્તારના બિનદલિત મતદારોને ઓછી અગ્રતા આપે તેવું બનતું નથી. પણ તેનાથી વિરુધ્ધનું જરૂર બને છે. તેમણે ચૂંટ્ણી જીતવા માટે દલિતોના પ્રશ્નો તડકે મૂકવા પડે છે અને બિનદલિત મતદારોને મહત્વ આપવું પડે છે કે તેઓ જરાય નારાજ ન થાય તેની કાળજી લેવી પડે છે. તેમ છતાં તેઓ સમાજમાં અને રાજ્યમાં દલિત પ્રતિનિધિ જ ગણાય છે!

અનામત સહિતની બેઠકો પરના દલિત મતદારો કોઈ  દલિત મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપે અને તે નિર્ણાયક બને તેવું ૨૦૧૨ની ચૂંટણીમાં જોવા મળ્યું નહોતું. થાનગઢ દલિત હત્યાકાંડનો મુદ્દો એ વખતે વ્યાપક રીતે ચર્ચાયો હતો. તેમ છતાં બીજેપીને રાજ્યમાં અને  અનામત બેઠકો પર મોટી જીત મળી હતી. ખુદ ચોટીલા થાનગઢની સામાન્ય બેઠક જે ૨૦૦૭માં કોંગ્રેસ જીતી હતી ત્યાં ૨૦૧૨માં બીજેપીની જીત થઈ હતી. એટલે દલિત મુદ્દે ચૂંટણીમાં હારજીત થઈ નહોતી.

દલિત ધારાસભ્યોને તેમને મળેલા મત કરતાં તેમની સિનિયોરીટી કે પક્ષ જૂથ કે વગદાર નેતા પ્રત્યેની વફાદારીના આધારે જ પ્રધાનપદ અને અન્ય મહત્વના હોદ્દા મળે છે.  ૨૦૧૨ની ચુંટણીમાં ૧૩માંથી ૮ ઉમેદવારો પ્રથમવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.સૌથી મોટી લીડ અને સૌથી વધુ મત મળવા છતાં મનીષા વકીલ પાંચ વરસ માત્ર ધારાસભ્ય જ બની રહ્યાં! વળી ૧૩ ધારાસભ્યોમાં બે મહિલા ચૂંટાયા  તે એકંદર સારી સ્થિતિ છતાં વર્ચસ તો પુરુષ ધારાસભ્યોનું જ રહ્યું. રાજકારણમાં જાતિવાદની ટીકા બધા કરે છે પણ પ્રધાનમંડળમાં ખાતાની વહેચણી જાતિ અને લિંગના આધારે જ થાય છે. દલિતને સમાજ કલ્યાણ, આદિવાસીને આદિવાસી કલ્યાણ, મહિલાને મહિલા અને બાળ કલ્યાણ અને મુસ્લિમ કે ઓબીસીને મત્સૌધ્યોગ પ્રધાન બનાવાય છે. ૧૯૬૦ થી આજદિન સુધી કોઈ દલિત ધારાસભ્યને ગ્રુહ, ઉધ્યોગ કે મહેસુલ જેવા મોભાદાર  અને મલાઈદાર વિભાગના મંત્રી બનાવાયા નથી.

ચૌદમી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી પણ દલિતોના અનેક મહત્વના સવાલો ઉકેલની રાહ જોતા રહેવાના છે. દલિતોના સવાલો ચૂંટણીનું, બોદા પ્રતિનિધિત્વનું ,રાજકીય અનામતનું રાજકારણ ઉકેલી શકશે કે કેમ તે સવાલ મતદાર સામે રહેવાનો છે.

*સંપર્ક: maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s