નીચે મુજબના નીતી નિયમો સાથે કયા નેતાઓ વિધાનસભામાં જવા તૈયાર છે?

625130_thump

રોહિત પ્રજાપતિ*/

નીચે મુજબના નીતી નિયમો (ધારાસભ્ય તરીકેની નોકરીની શરતો) સાથે ક્યાં નેતાઓ “વિધાનસભા”માં જવા તૈયાર છે ?

1)      તમામ ચુટાયેલા પ્રતિનિધિઓને હાલમાં The Salary, Allowances and Pension of Members of Parliament Act, 1954  મુજબ જે સગવડો, સેવા અને ભથ્થાઓ મળે છે તે બંધ કરી દેવા. તેને બદલે ‘કુશળ કામદાર; માટે જાહેર થતાં ‘લઘુતમ વેતન’ જેટલું વેતન અને મંત્રીઓને ‘કુશળ કામદાર’ને મળતા ‘લઘુતમ વેતન’ના બમણા નાણાં જેટલું વેતન પગાર પેટે ચૂક્વવું. વિધાનસભા – લોકસભાના સત્ર કે અન્ય સમિતિઓની મિટિંગ વગેરે માટે હાલમાં રોજનું જે ભથ્થું, પગાર ઉપરાંત ચૂકવાય છે તે બંધ કરી દેવું  કારણકે આ કામ કરવા માટે જ તેઓ ચૂટણીમાં ઊભા રહે છે અને તે તેમની ધારાસભ્ય – સાસંદ તરીકેની ફરજ બજાવવા માટે તેમને નીચે જણાવ્યા મુજબની રહેવા, જમવા વગેરેની તમામ સગવડો પગાર ઉપરાંત રાજ્ય પૂરી પાડે છે.

2)     જે રીતે કામદારોના ‘પ્રોવિડન્ટ ફંડ’ તેમજ ‘ઈ.એસ.આઇ.’ના નાણાં પગારમાથી કપાય છે તે રીતે ચૂટાયેલા પ્રતિનિધિઓના પણ કપાય અને કામદારોને મળતા પી. એફ. એકટ, ૧૯૫૨ અને ઇ. એસ. આઇ. એક્ટ, ૧૯૪૮ હેઠળના તમામ લાભો તેમને પણ મળશે.

3)     ચૂટાયેલા પ્રતિનિધિઓને દર વર્ષે બે જોડી ‘ખાદી કે હેન્ડલૂમ’ના યુનિફોર્મ આપવામાં આવશે. આ યુનિફોર્મ જ્યારે તે ફરજ પર હોય ત્યારે ફરજિયાત પહેરવાનો રહશે.

જાહેર જનતાના કામ કરવા માટે તેમને વધારાની સગવડો નીચે મુજબ મળશે.

4)     ચૂટાયેલા પ્રતિનિધિઓ જાહેર હિતના કામો કરવામાં મદદરૂપ થવા તેમના વિસ્તારના જ ૫ -૧૦ કાર્યકરોની નિયુક્તિ કરી શકે અને તેમને પણ ચૂટાયેલા પ્રતિનિધિઓ જેટલું વેતન પગાર પેટે ચૂકવવામાં આવશે.

5)     ચૂટાયેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં, વિસ્તારના લોકોને અનુકૂળ હોય તેવી જગ્યાએ       સાદી ઑફિસની સગવડ રાજ્ય આપશે. સરકારી રજાઓ સિવાયના તમામ દિવસોએ આ ઑફિસ ખુલ્લી રહેશે તથા તેમાં ચુટાયેલા પ્રતિનિધિ અને તેના ૫-૧૦ પગારદાર કાર્યકરોએ નિયમ અનુસાર હાજરી આપવાની રહેશે. ઓફિસની કામગીરીની વિગતો-નોધ રાખવાની રહેશે. અને તેનો વાર્ષિક અહેવાલ જે તે સભાના અધ્યક્ષને મોકલવાનો રહેશે.

6)     દરેક ચૂટાયેલા ઉમેદવારને બી.એસ.એન.એલ.નો મોબાઈલ ફોન આપવામાં આવશે અને તેમના વિસ્તારના લોકો પોતાના બી.એસ.એન.એલ ફોન પરથી પ્રતિનિધિ સાથે ફ્રીમાં વાત કરી શકશે. તેમજ પ્રતિનિધિને ફકત લોકોના કામ માટે કરવા પડતાં તમામ ફોનો ફ્રી મળશે.

7)     જ્યારે સત્ર ચાલુ હોય ત્યારે સત્રમાં અને સત્ર ચાલુ ના હોય ત્યારે વિસ્તારની ઓફિસમાં નક્કી થયા મુજબ ચૂટાયેલા પ્રતિનિધિએ ફરજિયાત હાજરી આપવી.

8)     દર ત્રણ મહિને પોતાના વિસ્તારમાં નક્કી કરેલી જ્ગ્યાઓએ જાહેરસભાનું આયોજન કરવાનું રહશે. જેમાં પ્રતિનિધિએ પોતાના ત્રણ મહિના દરમિયાન કરેલા કાર્યની માહિતી મૌખિક તેમજ લેખિત આપવાની રહેશે અને લોકોના તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ મિટિંગમાં તેઓ આવનાર ત્રણ મહિના દરમિયાન કઈ કામગીરી કરશે તેની માહિતી પણ મૌખિક તેમજ લેખિત આપવાની રહેશે અને જાહેરસભામાં થયેલ સુચનો-ચર્ચાઓના આધારે તેમાં સુધારા-વધારા કરી મિટિંગના અંતે પ્રેસ કોન્ફ્ર્ન્સ કરી આ અંગેની માહિતી પત્રકારોને લેખિતમાં વિગતવાર આપવાની રહેશે અને તેની એક નકલ લોકસભા-રાજસભા-વિધાનસભાના અધ્યક્ષને મોક્લવાની રહેશે. જેની નકલ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

9)     તમામ ચૂટાયેલા પ્રતિનિધિઓએ જાહેર ટ્રાન્સપોટની એટલે કે બસ, રેલ્વેની સેકન્ડ ક્લાસની  સાદી વ્યવસ્થાનો જ ઉપયોગ કરવાનો રહેશે. જેમાં જાહેર હિતોના કામો માટેની મુસાફરીનો ખર્ચ રાજ્ય ભોગવશે.

10)    માત્ર અત્યંત જરૂરી હોય તેવા સંજોગોમાં જ અગાઉથી પરવાનગી મેળવ્યા બાદ જ વિમાનની મુસાફરી કરી શકશે. જેની સંખ્યા મર્યાદિત રહેશે.

11)     લોકસભા, રાજ્યસભા કે વિધાનસભાના ચૂટાયેલા તમામ ઉમેદવારોને સત્ર દરમિયાન રહેવા માટે અલગ ક્વાટર્સ બદલે ૧૦ વ્યક્તિ રહી શકે તેવી ડોરમેટરની સાદી વ્યવસ્થા મળશે.

12)    તમામ મંત્રીઓ માટે બે રૂમ રસોડાનો ફ્લેટ આપવામાં આવશે.

13)    આ પ્રકારની સામૂહિક વ્યવસ્થાને કારણે સુરક્ષા માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત ઓછી ઊભી થશે.

14)    સત્ર દરમિયાન નાસ્તો, બપોરના અને સાંજના જમવાના માટેના સાદા અને શુધ્ધ ભોજનની (જેમાથી 2400 કેલરી મળે) સામૂહિક વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવશે.

15)    લોકોના કામ માટે તેમના વિસ્તાર કે અન્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન તેઓ સરકારી ગેસ્ટહાઉસનો ઉપયોગ રહેવા જમવા માટે વિનામુલ્યે કરી શકશે.

16)    અન્ય કામદારોને જે પ્રમાણે કાયદા મુજબ હક્ક રજા, બીમારીની રજા, અને કેજ્યુઅલ રજા આપવામાં આવે છે તે મુજબની રજાઓ તેમને અને તેમની ઓફિસમાં નિયુકિત કરવામાં આવેલ સ્ટાફને પણ મળશે.

17)    જે ચૂટાયેલા પ્રતિનિધિઓ લોક્સભા, રાજ્યસભા કે વિધાનસભામાં વ્યાજબી કારણો સિવાય અને અગાઉથી જણાવીને રજા મંજૂર કરાવ્યા વગર ગેરહાજર રહેશે તો તેમના પગારમાથી તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે.

18)    નિયમ કરતાં વધારે સમય સત્રમાં ગેરહાજર રહેનાર ચૂટાયેલા પ્રતિનિધિઓને આખા વર્ષના પગાર-ભથ્થાં જ નહીં પરંતુ તેમની તે આખા વર્ષની તમામ સગવડો પાછી ખેંચી લેવામાં આવશે.

19)    ચૂટાયેલા પ્રતિનિધિઓ જો લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં નીતી નિયમોમાં રહીને પોતાની વાત રજૂઆત કરવાને બદલે ધાંધલ ધમાલ કે સૂત્રોચારનો સહારો લેશે તો તેમના આ વર્તન માટે તેમના તે સત્રના મળનાર ભથ્થાઓ તેમને ચૂકવામાં નહીં આવે અને તેમની પાસેથી ડોરમેટરીમાં તે દિવસો દરમિયાન રહેવા જમવા માટેનો ચાર્જ લેવામાં આવશે, તેમજ તેમણે લોકોની તેમજ હાઉસની લેખિતમાં માફી માંગવાની રહેશે.

20)    ચૂટાયેલા પ્રતિનિધિઓ ત્રણથી વધુ વખત પોતાની વાત રજૂઆત કરવાને બદલે ધાંધલ –ધમાલ કે સૂત્રોચારનો સહારો લેશે તો શરુઆતમાં ૩-૪ દિવસો માટે સસ્પેન્ડ, જો આ પ્રકારનું વર્તન ચાલુ રાખે તો તેમને હાઉસમાંથી ડિસમિસ કરવામાં આવશે અને ત્યાર પછી તરત આવનાર તમામ સ્તરની ચુંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર તેઓ ગુમાવશે.

21)    ચૂટાયેલા પ્રતિનિધિઓ જો લોકસભા, રાજયસભા કે વિધાનસભામાં ઊંઘતા, અંદર અંદર વાતો કરતાં કે વ્યાજબી કારણો વગર વારંવાર બહાર જતાં માલૂમ પડશે તો તેમની સામે ૩-૪ દિવસ માટે સસ્પેન્ડ કરવાના પગલાં લેવામાં આવશે. તે દિવસો દરમિયાન રહેવા જમવા માટે ચાર્જ લેવામાં આવશે અને તેમણે લોકોની તેમજ હાઉસની લેખિતમાં માફી માંગવાની રહશે. જો આ પ્રકારનું વર્તન ચાલુ રાખે તો તેમને હાઉસમાંથી ડિસમિસ કરવામાં આવશે અને ત્યાર પછી તરત આવનાર તમામ સ્તરની ચૂટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર તેઓ ગુમાવશે.

22)    હાઉસમાં તેઓ મોબાઈલ, લેપટોપ કે એવા બીજા કોઈ પણ સાધનો લઈ જઈ શકાશે નહીં

23)    દર સત્ર વખતે તેમણે પોતાના વિસ્તારના પ્રશ્નોની લેખિતમાં વિગતવાર યાદી રજુ કરવાની રહશે અને આ પ્રશ્નોનોને હલ કરવા તેમના ઠોસ સૂચનો પણ લેખિતમાં જણાવવાના રહેશે. આ માહિતી દરેક ચૂટાયેલા પ્રતિનિધિએ પોતાના વિસ્તારમાં મિટિંગો યોજીને તૈયાર કરવાની રહેશે અને તેની નકલ પોતાની ઑફિસના નોટિસ બોર્ડ પર ફરજિયાત મુકવાની રહેશે.

24)    ચુટાયેલા પ્રતિનિધિની લેખિત રજૂઆતો અને જે તે વિસ્તારના તમામ મુદ્દાઓને આવરી લઈ જે તે હાઉસના અધ્યક્ષે જે તે સત્ર માટે એજન્ડા બનાવવો અને તે વ્યવસ્થિત ચર્ચાય તેવી વ્યવસ્થા ઊભી કરવી. આ એજેન્ડાઓને આધારે જે તે સત્ર કેટલા દિવસો માટે મળશે તે નક્કી કરવું અને આજેન્ડાના મુદ્દાઓ પૂરા ના થાય તો સત્ર જરૂર મુજબ લંબાવવું.

25)    હાલમાં ચાલતી ચૂટાયેલા પ્રતિનિધિઓની ગ્રાન્ટની વ્યવસ્થા પાછી ખેંચી લઈ ચૂટાયેલા પ્રતિનિધિઓની વિસ્તારના પ્રશ્નોની લેખિત રજૂઆતો અને તેના સૂચનોને આધારે જે તે વિસ્તારના કામ માટેના નાણાં રાજય સીધા જ ફાળવશે અને આ કામનું કોઈ પણ પ્રકારનું ઉદઘાટન કરી શકાશે નહીં અને તેની ઉપર કોઈ તકતી પણ લગાડવામાં આવશે નહીં.

26)    વિસ્તારમાં અમલમાં મૂકવાની કોઈ પણ યોજના કે કામ અંગે લોકસભા, રાજસભા કે વિધાનસભામાં પ્રસ્તાવ મુક્તા પહેલા પોતાના વિસ્તારમાં પૂરતી જાહેરાત કરી જાહેર સુનવણીનું આયોજન કરવાનું રહેશે. જેમાં વિસ્તારના નાગરિકો અને નાગરિક જૂથો પોતાનો અભિપ્રાયો, વાંધાઓ અને સૂચનો રજૂ કરશે. આ જાહેર સુનવણીનો અહેવાલ તૈયાર થાય તેના આધારે જ તમામ વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિસ્તારોમાં નાણાં વયવસ્થિત ફાળવવા માટે તંત્ર ગોઠવવામાં આવશે.

27)    સત્ર દરમ્યાન દરરોજ સવારે આગલા દિવસે થયેલી કાર્યવાહીની લેખિત માહિતી અને બીજા દિવસના સત્રમાં ચર્ચામાં લેનાર એજન્ડા પત્રકાર પરિષદ બોલાવી સરકારે રજૂ કરવા.

28)    દરેક સત્ર વખતે નાગરિકો સત્રને નિહાળી શકે તે માટેની ખાસ વ્યવસ્થા કરવી અને સત્ર જોવા આવનાર નાગરિકો માટે ખાસ બસ કે રેલ્વે ઓછા ભાડાએ વ્યવસ્થા કરવી અને રેહવા, જમવા માટેની નજીવી કિમતે વ્યવસ્થા ગોઠવવી.

29)    દર સત્ર વખતે ચૂટાયેલા પ્રતિનિધિઓએ બે સત્રના વચ્ચેના સમય દરમ્યાન તેમણે ચૂટાયેલા પ્રતિનિધિ તરીકે શા કામો કર્યા તેની વિગતો લેખિતમાં આપવાની રહેશે. આ માહિતી દરેક ચૂટાયેલા પ્રતિનિધિએ પોતાના વિસ્તારમાં પોતાની ઓફિસની બહાર મૂકવી ફરજિયાત હશે. જો તેમ ન કરે તો તેમને આ દિવસો દરમ્યાન પગાર અને ભથ્થાં મળવાપાત્ર રહેશે નહીં.

30)    ચુટણીમાં ઊભા રહેતી વખતે પોતાના આવક અને મિલકતની જાહેરાત કરવામાં જો ઉમેદવારે ઈરાદા પૂર્વકની ભૂલ કરેલ છે તેમ માલુમ પડે તો તે જાહેર ન કરેલી આવક અને મિલકત રાજય પોતાના હસ્તક લઈને તેનો ઉપયોગ લોકોના કામ માટે કરશે.

31)    પોતાની આવકની વિગતો દર વર્ષે લોકો સમક્ષ અને સત્રમાં રજૂ કરવી ફરજિયાત રહશે.  તેમણે હાઉસને માન્ય ખાસ ઓડિટર પાસે પોતાના આવક-જાવકના હિસાબો ઓડિટ કરાવવાના રહેશે. જેની વિગતો વેબસાઇટ પર મૂકવાની રહેશે.

32)    તેમને પોતાની દિનચર્યાની ડાયરી લખવાની રહેશે અને તે દર મહિને હાઉસની ખાસ નિમાવામાં આવેલ સર્વ પક્ષીય સમિતિને તેની નકલ આપવાની રહેશે. આ તમામ વિગતો હાઉસની વેબસાઇટ ઉપર મૂકવાની રહશે. આ ડાયરીની વિગતો તેમને તેમના વિસ્તારની ઓફિસના નોટિસ બોર્ડ પર પણ મૂકવાની રહેશે.

33)    નિયમોનું પાલન કરવામાં ત્રણવાર નિષ્ફળ જનાર ચૂટાયેલા પ્રતિનિધિઓએ ત્યાર પછી તરત આવનાર તમામ સ્તરની ચુંટણીમાં પોતાની ઉમેદવારી કરવાનો અધિકાર ગુમાવશે.

34)    ફરીવાર ઉમેદવારી નોધાવનાર ઉમેદવારે પોતે આગળ ઉપર કરેલ કામોની તથા તેમની આવકમાં જે વધારો થયો હોય તે અને જો અઢળક વધારો થયો હોય તો તે કેવી રીતે થયો તેની વિગતવાર માહિતી લેખિતમાં સોંગદ ઉપર જાહેર કરવી પડશે. આ માહિતી ખોટી જણાય તો ચૂંટણી પંચ તેમની ઉમેદવારી રદ કરી શકાશે.

35)    ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામેના કેસ માટે ખાસ અદલતોની વ્યવસ્થા કરવામાં આવશે અને તેનો નિકાલ વધુમાં વધુ ૬ મહિનામાં કરવાનો રહેશે. ખાસ કેસો રોજ રોજ ચલાવી તાત્કાલિક તેનો નિર્ણય આપવામાં આવશે.

36)    ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે તેમના વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારના વંચિત સમૂહો તથા સામાન્ય નાગરિકોની જીવનની પરિસ્થિતિનો અનુભવ લેવા ફરજિયાત વર્ષે એક વાર ૭ દિવસનો પ્રવાસ (એલ.ટી.સી) ગોઠવવામાં આવશે. આ પ્રવાસ દરમ્યાન તેમની રહેવા જમવાની વ્યવસ્થા આ સામાન્ય લોકોના ઘરોમાં રાજ્યના ખર્ચે કરવામાં આવશે. જેનો લેખિત અહેવાલ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિસ્તારના લોકો સમક્ષ તથા સત્ર દરમ્યાન રજૂ કરવાનો રહેશે.

37)    જે તે વિસ્તારને સ્પર્શતા મુદ્દાઓ સિવાય સમગ્ર દેશને સ્પર્શતા કે ખાસ વિષયોને લગતા કાયદા કે નિર્ણયો માટે પ્રતિનિધિઓને જાણકારી આપવા વિષય નિષ્ણાંતોને બોલાવી તેમની તાલીમનું આયોજન કરવામાં આવશે. આ તાલીમમાં ભાગ લેવું તમામ પ્રતિનિધિઓ માટે ફરજિયાત રહેશે.

38)    દર ૬ મહિને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સામાન્ય લોકોના પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે મૌખિક તેમજ લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેના પરિણામો લોકો સમક્ષ જાહેર કરવામાં આવશે.

39)    ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામદારોને લાગુ પડતો મોડેલ સ્ટેન્ડિંગ ઓર્ડર લાગુ પડશે.

40)    તમામ પક્ષોએ પોતાનો હીસાબ ચૂંટણી પંચે નક્કી કરેલ ઓડિટર પાસે ઓડિટ કરાવવાનો રહેશે. જેની નકલ વેબસાઇટ પર મૂકવાની રહશે.

ઉપર સૂચવેલ “ નીતિ-નિયમો” નાગરિકો અને ચૂંટણીમાં હાલમાં ઊભા રહેલા ઉમેદવારો સાથે ગંભીર ચર્ચા શરૂ કરવાના આશાયથી જ રજૂ કર્યા છે. આમાં હજુ ઘણા સુધારા-વધારા અને વિગતોને સંપૂર્ણ અવકાશ છે.

*પર્યાવરણ સુરક્ષા સમિતિ, વડોદરા


One thought on “નીચે મુજબના નીતી નિયમો સાથે કયા નેતાઓ વિધાનસભામાં જવા તૈયાર છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s