ભાજપની મંડલ-મંદિર રાજનીતિ કેવા પલટા લેશે તે આજે ગુજરાત, કાલે દેશ નક્કી કરશે

29518-photo-vote-640x435ચંદુ મહેરિયા*/

ગુજરાતમાં ભાજપને સવા બે દાયકા જૂની સત્તા ટકાવવી આ વખતે થોડી કઠિન લાગી રહી છે. એટલે પોતાના જૂના વિકાસના નારાને બદલે તે હવે  “ન જાતિવાદ, ન ધર્મવાદ, હવે ફક્ત રાષ્ટ્રવાદ” નો રાગ આલાપી રહ્યો છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ ગુજરાતના ચૂંટણી મુદ્દા તરીકે ‘યુવાનોને કામ સાથે અયોધ્યામાં રામ અને કલમ ૩૭૦’ની વાતો કરી છે.જોકે  આ જ તો ભાજપની અસલિયત છે.

આઝાદી આંદોલન દરમિયાન જ કોમી ધોરણે સંગઠનો અને રાજકીય પક્ષો સ્થપાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ તેના નમૂના છે. હિંદુ મહાસભાના પ્રમુખ ડો.શ્યામાપ્રસાદ મુખરજી, ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા, કોમી પૂર્વગ્રહો ત્યજવાના આગ્રહી હતા. પરંતુ હિંદુ મહાસભામાં હિંદુઓ સિવાયના અન્યનો પ્રવેશ પ્રતિબંધિત હતો. પાકિસ્તાન પ્રત્યેના અતિઉદાર વલણને કારણે નહેરુનું કામચલાઉ મંત્રીમંડળ છોડી ચૂકેલા શ્યામાપ્રસાદને તમામ ભારતીયો માટે ખુલ્લા અને ભારતનું  રાષ્ટ્ર તરીકે ઘડતર કરી શકે એવા રાજકીય પક્ષની જરૂરિયાત લાગી હતી. હિંદુ મહાસભામાં આ શક્ય નહોતું તેથી ૨૧મી ઓકટોબર ૧૯૫૧ના રોજ તેમણે ભારતીય જનસંઘની રચના કરી. આજનો ભારતીય જનતા પક્ષ તેની સંવર્ધિત આવ્રુતિ છે.

ભારતીય જનસંઘ આરએસએસની રાજકીય પાંખરૂપે જન્મેલું સંગઠન હતું. ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જનસંઘે ભારતીયતાના ખ્યાલને  પોતાની રાજકીય વિચારધારા માની હતી. ભારતીય સરહદો અને રાષ્ટ્રીય એકતાનું રક્ષણ, સમવાયતંત્રને બદલે એકતંત્રી રાજ્યવ્યવસ્થા, પાયાના ઉધ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી આર્થિક સમાનતા આણવી, માત્રુભાષામાં શિક્ષણ, ગ્રામોધ્યોગને પ્રોત્સાહન અને અણુબોંબનું સર્જન જેવી બાબતો આ પક્ષના મુખ્ય ઉદ્દેશો હતા.સામ્યવાદ અને લઘુમતીના અધિકારોનો વિરોધ તથા ગોહત્યા જેવા મુદ્દાઓ આ પક્ષના અગ્રતાક્રમે હોઈ તેની કટ્ટર હિંદુવાદી પક્ષની છાપ હતી. ચૂંટણીઓમાં આરંભે તેનો દેખાવ નબળો હતો. ૧૯૬૭માં ‘ભવ્ય જોડાણ’ નો ભાગ બન્યા પછી તેનો પ્રભાવ વધ્યો અને તે સાથે દેશમાં જમણેરીબળનો ઉભાર થયો તે ઘટનાને હવે અડધી સદી થઈ છે.  ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં જનસંઘ વિપક્ષોની સાથે હતો.

૧૯૭૫ના માર્ચમાં દિલ્હીમાં જનસંઘના રાષ્ટ્રીય અધિવેશનને જયપ્રકાશ નારાયણે સંબોધ્યું હતું. જનસંઘના અધિવેશનમાં જેપીની ઉપસ્થિતિ અને સંબોધન તેના માટે મહત્વનો વળાંક હતું.આ સંમેલનમાં અટલબિહારી વાજપાઈએ કહ્યું હતું, “ અમારા મોટાભાગના કાર્યકર્તા મધ્યમવર્ગી ઉછેરવાળા છે. પણ જ્યારે તેઓ આમજનતાના આંદોલનો સાથે જોડાઈ રહ્યા છે ત્યારે એમનો અત્યાર લગીનો ઉછેર નવરૂપાંતર પામી રહ્યો છે. હમારા ચરિત્ર બદલ રહા હૈ.” કટોકટી પછીની લોકસભા ચૂંટણી, નવા રચાયેલા જનતા પક્ષના નામે લડાઈ-જીતાઈ. જનસંઘનું પણ તેમાં વિઘટન થયું હોઈ તે મોરારજી સરકારનો ભાગ બન્યા. પરંતુ બેવડા સભ્યપદના મુદ્દે ૧૯૭૯માં જનતાપક્ષ તૂટ્યો. તેથી ભારતીય જનસંઘનો ભારતીય જનતા પક્ષના નવા નામે ભારતની રાજકીય ક્ષિતિજ પર જન્મ થયો.

૬ઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ના રોજ મહાનગર મુંબઈમાં ભારતીય  જનતા પક્ષનું સ્થાપના અધિવેશન યોજાયું હતું. ભાજપે જનસંઘ કરતાં પોતાનો એજન્ડા થોડો બદલ્યો હતો. ‘ગાંધીવાદી સમાજવાદ’ને પક્ષે પોતાનો રાજકીય આર્થિક-એજન્ડા બનાવ્યો હતો.  મુંબઈ અધિવેશનમાં પક્ષે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ઐક્ય, લોકશાહી, વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા અને મૂલ્ય આધારિત રાજનીતિ જેવી બાબતો પર પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. જો કે બીજેપીને ગાંધીવાદી સમાજવાદ બહુ માફક ન આવ્યો. ૧૯૮૫ના ગાંધીનગર અધિવેશનમાં ગાંધીવાદી સમાજવાદને ફગાવી દિનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ને અપનાવી લીધો. ભાજપના બંધારણની કલમ-૩માં એકાત્મ માનવવાદ પાર્ટીનું મૂળ દર્શન હોવાનું જણાવ્યું છે. બંધારણમાં પક્ષનો ઉદ્દેશ, ‘પ્રાચીન ભારતીય સંસ્ક્રુતિ અને મૂલ્યોની સગર્વ પ્રેરણા ગ્રહણ કરતા ભારતના નિર્માણ’નું દર્શાવ્યું છે.

૧૯૮૪માં લોકસભામાં માંડ ૨ બેઠકો અને ૭.૭૪ ટકા મત મેળવનાર ભાજપે ૨૦૧૪માં ૩૧ ટકા મત અને ૨૭૨ બેઠકો મેળવી તેમાં તેની હિંદુત્વ રાજનીતિનો સિંહફાળો છે. લાલક્રુષ્ણ આડવાણીએ રામ મંદિર મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી પાર્ટીનો જનાધાર વ્યાપક બનાવ્યો. ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી પક્ષમાં થોડા ચડાવ ઉતાર જોવા મળ્યા. બાબરી ધ્વંસ પછી પક્ષે ઉત્તરપ્રદેશની સતા ગુમાવી એટલે પક્ષમાં આત્મમંથનનો દોર શરૂ થયો. ગોવિંદાચાર્યે સોશ્યલ એન્જિનીયરિંગ તો ઉમા ભારતીએ ચહેરા, ચરિત્ર અને ચાલમાં બદલાવનો મુદ્દો ચર્ચાના ચોકમાં મુક્યો. ગોંવિંદાચાર્યે તો પક્ષે રામમંદિરનો નહીં રામરાજ્યનો માર્ગ લેવો જોઈતો હતો તેમ પણ કહ્યું હતું. રામમંદિરની સમાંતરે વીપી સિંઘે મંડલ રાજનીતિ શરૂ કરી. મુલાયમ, લાલુ, નીતિશ જેવું પછાત વર્ગના નેતાઓનું નેત્રુત્વ દેશને મળ્યું.

મંદિર અને મંડલ રાજનીતિનો ઉપયોગ કરીને જ નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં કેન્દ્રની સત્તા મેળવી હતી. લોકસભા ચૂંટણીમાં ૧૯૮૪ પછી પ્રથમવાર કોઈ એક પક્ષને બહુમતી મળી તેના મૂળમાં દલિત આદિવાસી અને પછાત વર્ગના મતદારોનું ભાજપને મળેલું સમર્થન હતું. ઉત્તરપ્રદેશમાં બીજેપીએ ૮૦માંથી ૭૧ લોકસભા બેઠકો મેળવી, જે પક્ષને મળેલી કુલ બેઠકોના ૨૬ ટકા જેટલી હતી. જે ભાજપ શહેરી શિક્ષિત અને ઉજળિયાતોનો પક્ષ હતો તેણે સમાજના તમામ વર્ગોનું  અને ગ્રામીણ ભારતનું પણ સમર્થન મેળવ્યું હતું.  ભાજપના જનાધારમાં થયેલા આ વધારામાં પછાતવર્ગોના, ખાસ કરીને અતિપછાતોના મોટા પ્રમાણમાં મળેલા મત હતા.. એટલે પક્ષ પ્રમુખ અમીત શાહે બીજેપીમાં પ્રથમવાર ઓબીસી મોરચાની રચના કરી અને નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને બીજેપીએ પહેલા ઓબીસી પ્રધાનમંત્રી આપ્યા હોવાના ગાણા ઠેરઠેર ગાયા. પછાત વર્ગો માટેના બંધારણીય પંચની રચના કે ઓબીસી અનામતમાં અતિપછાત માટે અનામતની જોગવાઈની બાબત આ જ મંડલ રાજનીતિના ઉપયોગ માટેની રણનીતિ છે.

અમીત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે ૧૫૦ બેઠકોનું લક્ષ્યાંક નક્કી કરી ચૂક્યા છે. ( ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પક્ષને તમામ ૨૬ બેઠકો અને ૧૬૨ વિધાનસભા સીટ્સ પર બહુમતી મળી હતી. તે જોતાં આ લક્ષ્યાંક નાનું છે અને  તે પક્ષની પીછેહઠ સૂચવે છે.) ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે તેમનું લક્ષ્ય ૩૫૦ બેઠકોનું છે. આ અગાઉ પક્ષના ૧૧ કરોડ સભ્યોની નોંધણીનો વિશ્વવિક્રમ અને હવે  આ બેઠકોનું લક્ષ્યાંક અમીત શાહને સંગઠન અને સત્તામાં વિસ્તારવાદી પ્રમુખ બનાવે છે. તેમને માત્ર ‘કોંગ્રેસમુક્ત ભારત’થી ધરવ નથી તેઓ ‘ભાજપયુક્ત ભારત’ બનાવવા માંગે છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકી વિક્રમી બેઠકો મેળવી બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. બહુ લાંબી ન ટકેલી તેમની આ સરકારમાં પછાત વર્ગોનો દબદબો હતો ને કેબિનેટમાં એકપણ પાટીદાર મંત્રી નહોતો. એ પછી કોંગ્રેસે સત્તા ગુમાવી હતી જે હજી તેને હાથ લાગતી નથી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પ્રવેશ પછી ભાજપની મંડલ-મંદિર રાજનીતિ કેવા પલટા લેશે અને સર્વસમાવેશક બનવા મથી રહેલો આ પક્ષ  ફરી પોતાની અસલી વિચારધારા અને જનાધાર તરફ ચાલ્યો જશે કે કેમ તે આજે ગુજરાત અને કાલે દેશ નક્કી કરશે.

*સંપર્ક: maheriyachandu@gmail.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s