૨૦૧૭માં દેશ હજુ ડૉ. આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી ઉજવીને સામાજિક ન્યાય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યો તે ટાણે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની સરકારે દલિતોને પોતાના શરીરની ગંધ મુખ્યમંત્રીને ન આવે તે માટે નહાઈ-ધોઈ સભામાં આવવા સાબુ-શૅમ્પૂ વહેંચ્યાં.
આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બની. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું પરિનિર્વાણ થયું હતું. દુનિયાભરના લોકો કુશીનગરમાં બુદ્ધે પ્રબોધેલા સાચા ધર્મનાં દર્શન કરવા આવે છે. ૨૦૧૭માં, આઝાદીનાં ૭૧ વર્ષ પછી અને ડૉ. આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીના વર્ષમાં જે રાજ્યની ૨૮ ટકા વસ્તી દલિતોની હોય ત્યાં દલિતોનું આવું જાહેરમાં ધોળા દહાડે અપમાન કરે, તે મુખ્યમંત્રી જે રાજકીય પક્ષમાંથી આવે છે તેનો સાચો પરિચય છે. તેઓ ભારતમાંથી આભડછેટ દૂર કરવામાં કેટલા સમર્પિત છે તેનો પરિચય છે.
‘આભડછેટમુકત ભારત અભિયાન-મિશનઃ ૨૦૪૭’ દ્વારા ગુજરાત તરફથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિકૃતિ ધરાવતો ૧૨૫ કિલોનો સાબુ તેમના મનની શુદ્ધતા માટે મોકલવામાં આવ્યો. આ સાબુયાત્રા આગળ ન વધે તે માટે ઉત્તર પ્રદેશની ૭૦૦ જેટલી પોલીસે ઝાંસી ખાતે કાર્યકરોને ગાડીમાંથી ઉતારી ગુજરાત પાછા વળાવ્યા. હા, સાબુ સ્વીકાર્યાની પાવતી પોલીસે આપી. બીજે દિવસે લખનૌ ખાતે આ અંગે ‘પ્રેસ કૉન્ફરન્સ’ કરવા ‘પ્રેસ ક્લબ’ પહોંચેલા આઠ કર્મશીલોને અટકમાં લેવા એક હજાર પોલીસનો કાફલો તૈનાત થયો. આઠ કર્મશીલોમાં નિવૃત્ત પોલીસવાળા દરપુરી પણ હતા. આઠમાંથી ચાર લોકો ૬૦થી વધારે વર્ષની ઉંમરવાળા હતા અને બધા અલગઅલગ સમાજના પ્રતિનિધિ હતા.