વિકાસનો મતલબ ‘ઓછી ગરીબી’ હોય તો ભારતના વિકસિત રાજ્યોમાં ગુજરાતનો નંબર પંદરમો છે

“વિકાસમાં ભારતનું કયું રાજ્ય પહેલા નંબરે આવે છે?” એવા પ્રશ્નના જવાબમાં ‘ગુજરાત’ નથી આવતું. વિકાસની સીધીસાદી વ્યાખ્યા એટલે, ‘જેમ જેમ ગરીબી ઘટે તેમ વિકાસ થયો કહેવાય, એવી સામાન્ય લોકોની સમજ છે.’ આ સમજ પ્રમાણે, ભારતના રાજ્યોને ગોઠવીએ તો જ્યાં સૌથી ઓછી ગરીબાઈ છે તેવા રાજ્યોની યાદીમાં ગુજરાતનો નંબર ૧૫મો આવે છે. આ આંકડા ‘રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા’ના છે.

ગરીબીની રેખા કેટલે આંકવી તેનું દેશમાં એકમાપ નથી. ભારતનાં તમામ રાજ્યો ગરીબીની રેખા પોતાના રાજ્યમાં અલગ અલગ આંકે છે.

૨૦૦૪-૨૦૦૫ના વર્ષ દરમિયાન ગુજરાતમાં ભાજપ સરકાર હતી અને તેના મુખ્યમંત્રી મોદી હતા. એ વર્ષમાં ગુજરાતે ગામડે રહેતાં જે કુટુંબોની આવક ૫૦૧ રૂપિયા ૫૮ પૈસાથી ઓછી હતી અને શહેરી વિસ્તારમાં રહેતાં જે કુટુંબની માસિક આવક ૬૫૯ રૂપિયા ૧૮ પૈસા હતી તેમને ‘ગરીબીની રેખા’ નીચે ગણ્યા. આ પ્રમાણે જોતાં ગુજરાતના ગામડે રહેતાં ૧ કરોડ ૨૮ લાખ ૫૦૦ લોકો અને શહેરમાં રહેતાં ૪૨ લાખ ૯૦ હજાર લોકો અત્યંત ‘ગરીબ’ ગણાયા. એટલે કે આખા ગુજરાતમાં ૧ કરોડ ૭૧ લાખ ૪૦ હજાર લોકો ‘ગરીબાઈની રેખા’ નીચે જીવતા હતા. આ થઈ આખા ગુજરાતની ૩૧.૬ ટકા વસ્તી.

૨૦૦૯-૨૦૧૦ની સાલમાં ફરી ગરીબી તોલવામાં આવી. આ તોલવાવાળા મુખ્યમંત્રી પણ મોદી હતા. આ વર્ષે મોંઘવારીને ધ્યાનમાં લઈ ‘ગરીબાઈની રેખા’ અધ્ધર કરવામાં આવી. ગામડે રહેતાં જે કુટુંબોની માસિક આવક ૭૨૫ રૂપિયા અને ૯૦ પૈસાથી ઓછી હતી તેમને અને શહેરી વિસ્તારમાં રહેતાં કુટુંબો કે જેની માસિક આવક મહિને ૯૫૧ રૂપિયા અને ૪૦ પૈસાથી ઓછી હતી તેમને ‘ગરીબાઈની રેખા’ નીચે એટલે કે અત્યંત ગરીબ ગણવામાં આવ્યા. આ આંકડા પ્રમાણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ૯૧ લાખ ૬૦ હજાર અને શહેરી વિસ્તારોમાં ૪૪ લાખ ૬૦ હજાર લોકો ‘અત્યંત’ ગરીબ જણાયા. એટલે કે પાંચ વર્ષના વિકાસ પછી પણ ગુજરાતમાં બધા મળીને ૧ કરોડ ૩૬ લાખ અને ૨૦ હજાર લોકો અત્યંત ગરીબ હતા. આ થયા ગુજરાતના ૨૩ ટકા લોકો.

૨૦૧૧-૧૨ની સાલમાં ગરીબાઈની રેખા બદલવામાં આવી. ગામડે રહેતાં અને મહિને ૯૩૨ રૂપિયાની તથા શહેરમાં રહેતાં અને ૧,૧૫૨ રૂપિયાથી ઓછી માસિક આવકવાળા કુટુંબોને ‘અત્યંત ગરીબ’ આવ્યા. આંકડો તો હજુ ૧ કરોડથી નીચે આવતો નથી. આ વખતે પણ મુખ્યમંત્રી એના એ જ હતા. આ વર્ષે ગુજરાતમાં ૧ કરોડ ૨ લાખ ૨૩ હજાર લોકો ‘ગરીબાઈની રેખા’ હેઠળ જીવતા જોવા મળ્યા.

યાદ રાખીએ કે આ બધા સરકારના પોતાના આંકડા છે.

ભારતના બીજા રાજ્યોમાં વિકાસ થયો છે? આ આંકડા જોઈએ તો જણાશે કે,

ભારતનાં ૧૪ રાજ્યો ગરીબી ઘટાડવામાં ગુજરાત કરતાં આગળ છે. ૨૦૧૧-૧૨ના વર્ષમાં જ જોઈએ તો જણાય છે કે,

ભારતમાં સૌથો ઓછી ગરીબીવાળા રાજ્યમાં ગોવા પ્રથમ નંબર પર આવે છે. ગોવામાં માત્ર ૫.૦૯ ટકા લોકો ગરીબાઈની રેખા નીચે આવતા અત્યંત ગરીબો છે. ૨૦૦૪-૨૦૦૫ ની સાલમાં ગોવા દેશમાં નવમા નંબરે આવતું હતું. સાત વર્ષના ગાળામાં તે નવમાં સ્થાનેથી પહેલા નંબરે આવી ગયું.

ભારતમાં સૌથો ઓછી ગરીબીવાળા રાજ્યમાં કેરાલા બીજા નંબર પર આવે છે. કેરાલામાં માત્ર ૭.૦૫ ટકા લોકો ગરીબાઈની રેખા નીચે આવતા અત્યંત ગરીબો છે. ૨૦૦૪-૨૦૦૫ ની સાલમાં કેરાલામાં ૧૯.૬ ટકા લોકો અત્યંત ગરીબ હતા અને દેશમાં કેરાલા સાતમા નંબરે આવતું હતું. સાત વર્ષના ગાળામાં તે સાતમા સ્થાનેથી બીજા નંબરે આવી ગયું.

ભારતમાં સૌથો ઓછી ગરીબીવાળા રાજ્યમાં હિમાચલ પ્રદેશ ત્રીજા નંબર પર આવે છે. હિમાચલ પ્રદેશમાં માત્ર ૮.૦૬ ટકા લોકો ગરીબાઈની રેખા નીચે આવતા અત્યંત ગરીબો છે. ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં હિમાચલ પ્રદેશમાં તેના ૨૨.૯ ટકા લોકો અત્યંત ગરીબ હતા અને દેશમાં તે છટ્ઠા નંબરે આવતું હતું. સાત વર્ષના ગાળામાં તે છઠે સ્થાનેથી પહેલા ત્રીજા સ્થાને આવી ગયું.

૨૦૦૪-0૫ની સાલમાં ગુજરાતનો નંબર પંદરમો હતો. ૨૦૦૯-૧૦ની સાલમાં ગુજરાત પાછળ પડી સોળમાં નંબર પર ગયું. ૨૦૧૧-૧૨માં ગુજરાતે વિકાસ કરી ગરીબી ઘટાડવા ઘણી મહેનત કરી એટલે સોળમાં નંબરેથી આગળ જરૂર આવ્યું પણ તેનો નંબર પંદરમો જ રહ્યો.

વિકાસની વાત અહિયાંથી આગળ વધે છે. ગુજરાતે ગરીબાઈની રેખા આંકી છે તેના કરતાં ભારતનાં ૧૮ રાજ્યોએ ગરીબીની રેખા ગુજરાત કરતાં ઓછી આવકે આંકી છે તો પણ ગુજરાત વિકાસમાં પાછળ છે.

ગુજરાત કરતાં જે રાજ્યો વિકાસમાં આગળ છે તેમનાં નામ આ પ્રમાણે છે: ગોવા, કેરાલા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મેઘાલય, ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા અને રાજસ્થાન.

આપણને આશ્ચર્ય જરૂર થશે કે વિકાસમાં ગુજરાત પાછળ હોવા છતાં સમાચાર પત્રો, રૅડિયો, ટી.વી. બધામાં ગુજરાત કેમ છવાઈ ગયું છે? એનો જવાબ સીધો-સરળ છેઃ ‘પ્રચાર’. બીજું કારણ સ્પષ્ટ છેઃ વિકાસ મુઠ્ઠીભર લોકોનો થયો છે, જે ક્યારેય ‘ગરીબાઈની રેખા’ હેઠળ આવતા ન હતા. ત્રીજું કારણ પણ સરળ છે. ગુજરાતમાં પૈસાદાર અને ગરીબ વર્ગ વચ્ચેની ખાઈ બીજા બધાં રાજ્ય કરતાં ઘણી પહોળી છે.

kuposhan

ગરીબાઈની રેખા હેઠળ ગુજરાતમાં વધારે ગરીબ કોણ?

ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી માત્ર ૭ ટકા છે પણ દલિતોમાંથી ગામડે રહેતાં ૨૧.૮ ટકા લોકો ‘અત્યંત ગરીબ’ છે. એટલે કે, જે દલિતો ગામડામાં રહે છે તેનો પાંચમો ભાગ ગરીબાઈ રેખા હેઠળ જીવે છે. જે દલિતો શહેરી વિસ્તારમાં રહે છે, તેમાંના ૧૬ ટકા લોકો ગરીબાઈની રેખા હેઠળ જીવે છે.

તે જ પ્રમાણે ગામડે રહેતાં ઓ.બી.સી. સમાજના ૧૯.૧ ટકા કુટુંબો અને શહેરી વિસ્તારમાં રહેતાં ૨૨.૯ ટકા ઓ.બી.સી કુટુંબો ગરીબાઈની રેખા હેઠળ જીવે છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s