મોહનભાઈ પરમાર અને કલ્પેશ અસોડીયા/
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પાંચ ગામની શાળામાં મુલાકાત લેતાં જણાયું કે, સરકારી આંગણવાડીમાં ભણતાં ૫૮ બાળકો ‘કુપોષણ’થી પીડાઈ રહ્યાં છે. અતિશય કુપોષિત બાળકોને ‘લાલ’ અને પ્રમાણમાં ઓછાં કુપોષિત બાળકોને ‘પીળા’ રંગની ઓળખ સરકારી ચોપડે આપવામાં આવે છે. આ આંકડા સરકારી છે અને ૨૦૧૭ની સાલના છે. આ પાંચ ગામમાં આંગણવાડીમાં આવતાં ૬૮૨ બાળકોમાંથી ૧૬ બાળકો કુપોષિત (લાલ) અને ૪૨ બાળકો ઓછાં કુપોષિત (પીળા) જણાયાં એટલે કે સાડા આઠ ટકા બાળકો કુપોષિત જણાયાં.
સુદ્રોષણ, ટોટાણા, ઓઢા, શિયા અને ભદ્રેવાડી ગામમાં વધુમાં જણાયું કે, કુપોષિત બાળકોમાં બાળકીઓનું પ્રમાણ ૬૪ ટકા છે. કુપોષિત બાળકોમાં સૌથી વધુ બાળકો અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.)નાં જોવા મળ્યાં, જેમનું પ્રમાણ ૮૧ ટકા છે. આ તમામ કુપોષિત બાળકો માત્ર દલિત-ઓબીસી અને લઘુમતી સમાજનાં છે.
સરકારી કાર્યક્રમમાં સગર્ભા સ્ત્રી, ધાત્રી માતા તેમજ કિશોરીનાં આરોગ્યની પણ તપાસ થાય છે. કુલ ૯૨ સગર્ભા સ્ત્રીઓમાંથી ૧૩, એટલે કે ૧૪ ટકા કુપોષિત જોવાં મળી. કુલ ૨૭ ધાત્રી માતામાંથી ૨ કુપોષિત જોવાં મળી. સૌથી ચિંતાજનક બાબત કિશોરીના આરોગ્યને લગતી છે. કુલ ૨૬૬ કિશોરીઓમાંથી ૬૯, એટલે કે ૨૬ ટકા કિશોરીઓ કુપોષિત જણાઈ !
નાત-જાતમાંથી મુક્તિ એટલે વિકાસ
‘અલગ’ રાષ્ટ્રની માંગણી ‘રાજદ્રોહ’ જેવા ગંભીર ગુનાના કેસમાં પરિણમે છે. દલિતોએ ભારતના ભાગલા સમયે અલગ રાષ્ટ્ર ન માંગ્યું હોવા છતાં ભારતના દરેક ગામમાં તેમનાં ઘર-સ્મશાન-કૂવા-ધર્મસ્થાન ‘અલગ’ હોવાને નાતે તેઓ દરેક ગામમાં ‘અલગ’ રાષ્ટ્રમાં રહેતાં હોય તેવો અનુભવ કરે છે ! હવે, અલગતાનો આ રોગ મોટાં શહેરોમાં પણ ફેલાતો જોવા મળે છે, જ્યાં જ્ઞાતિનાં ધોરણે મકાન-વેચાણ અને મકાન-ભાડાના વ્યવહાર થતાં જોવા મળે છે. આ ‘અલગાવવાદી’ વાતાવરણ સ્વતંત્રતાના સાતમાં દાયકે પાતળું પડવાને બદલે મજબૂત બનતું ચાલ્યું હોય તો એ સરકારની નિષ્ફળતા છે. કારણ ‘રાષ્ટ્ર ઘડતર’નાં કામોને એ વિકાસ સાથે સાંકળતી નથી.
બનાસકાંઠાના ધાડા ગામેથી દલિતોએ ૨૦૦૯માં હિજરત કરી. એ જ પ્રમાણે આ જ જિલ્લાના બુકણા ગામેથી ૨,૨૦૭માં અને ભડથ ગામેથી દલિતોએ ૧૯૯૯માં હિજરત કરી હતી. હિજરત કર્યા બાદ, જન્મભૂમિ અને જ્યાં પેદા થયા-ધૂળમાં આળોટી મોટા થયા, એ વતન માનસિક યાતના સાથે છોડ્યા બાદનો તમારો અનુભવ કેવો છે? તેવું પૂછતાં જવાબ મળ્યા તે દેશની ‘મજબૂત રાષ્ટ્ર’ બનવાની ઈચ્છા માટે ચિંતાજનક છે. વધુમાં આ જવાબો ‘વિકાસ’ની અત્યારની સાંકડી વ્યાખ્યા સામે પડકાર ફેંકે છે.
હિજરત બાદ નવા વતનમાં દલિતોની નવી પેઢી મોકળાશ અનુભવતા કહે છેઃ
‘ડરમુક્ત બન્યા; પાકાં મકાનો રહેણાકમાં થયાં, વેઠમાંથી મુક્તિ મળી, સ્વતંત્રતાનો અનુભવ થયો, રોજગારી મળી, સલામતી મળી, સંઘર્ષ કર્યો પણ અંતે સ્વમાનભેર જીવતા થયાં. કાયદાકીય આવડત મળી, આગેવાની ઊભી કરી શક્યા, શિક્ષણનું પ્રમાણ વધ્યું, મહિલાઓ સ્વમાનભેર જીવી શકે છે. વીર મેઘમાયા, ડૉ. આંબેડકરની વાતોથી પ્રભાવિત થયા’ આ જવાબો હતા હિજરત બાદ નવા વતનની ભૂમિ પરથી.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એવા દેશની કલ્પના કરેલી, ‘જ્યાં હું ઉન્નત મસ્તકે જીવી શકું’. ‘વિકાસ’ને એક-બે ને સાડા ત્રણ લોકો માટે ભૌતિક સગવડો ઊભી કરવામાં ખતવી દેવાના ગંભીર પરિણામો આવી શકે છે. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ એ ભારતની મૂળ સંસ્કૃતિ છે.