જયેશ પરમાર, લક્ષ્મણ મકવાણા/
ગાંધીજીનું એક વિવાદાસ્પદ નિવેદન હતું: ‘રેલવે, દાકતર અને વકીલ સમાજના દુશ્મન છે’. વિકાસની પરાકાષ્ટા તરીકે આજે ‘બુલેટ ટ્રેન’નું પત્તું ફેંકાયું છે. ગાંધીનો આગગાડીનો વિરોધ તેમની એ ચિંતામાં હતો કે રેલવેથી સઘળી સંપતિ શહેરોમાં ઠલવાશે અને ગામડાં ખાલી થશે. એ માનતા કે દરેક ગામમાં વિકાસ થવો જોઈએ.
કદાચ એમની વાત સાચી પડી રહી છે. જૂનું અમદાવાદ શહેર નદીપારના કોટ વિસ્તારમાં હતું તે આજે વિસ્તરી સાણંદ, બાવળા, વટવા, કલોલની સરહદોમાં ભળવાની તૈયારી કરી રહ્યું છે. ગામડાંની જમીનો વેચીને ખેડૂતો આજે તેમની જમીન પર બનેલાં કારખાનાંઓમાં જ ચોકીદારની નોકરી કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લી માહિતી મુજબ ૬૪,૮૩૬ નાના (સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રી) અને ૨૨-૪૧ મધ્યમ કક્ષાના (મીડીયમ સ્કેલ ઈન્ડસ્ટ્રી) ઔદ્યોગિક એકમો નોંધાયેલા છે અને તેમાં બધા મળીને પાંચ લાખ તેરસો તોંતેર જેટલા દૈનિક મજૂરો કામ કરે છે. આ બધા મજૂરો સ્થાનિક નથી. હકીકતમાં દેશ આખામાં એક સમાન રૂપરેખા જોવા મળે છે. સ્થાનિક લોકોને રોજગારી એટલા માટે આપવામાં આવતી નથી કારણ તેમનામાં શોષણ સામે સંગઠિત થવાની તાકાત વધારે હોય છે. બહારના મજૂરો હોય તો તેઓ ભાગ્યે જ વિરોધ કરી શકે. પરિણામે તમામ વિસ્તારના લોકોને રોજીરોટી મેળવવા સ્થળાંતર કરવું પડે છે.
અમદાવાદ-બાવળા વચ્ચે ચાંગોદર જી.આઈ.ડી.સી. આવેલી છે. તેમાં દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગર, ખેડા, આણંદ, અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો, પાટણ જિલ્લા ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડીશા અને બિહારના મજૂરો જોવા મળે છે.
થોડા સ્થાનિક ખેડૂતોને સમજાયું કે ખેતીમાં ખાસ કમાણી નથી એટલે તેમણે પોતાની જમીન પર વસાહતો ઊભી કરી છે. ૧૦ ફૂટ લાંબી-પહોળી ઓરડી ૨૦૦૦-૨૨૦૦ના ભાડેથી મળે છે. નહાવાની ચોકડી ઓરડીની અંદર. આંગણામાં ખુલ્લી ગટર. બધા માટે સામુહિક પાણીનો બોર. ઓરડીની બહાર મસમોટા ખાડા એટલે ચોમાસામાં કચરાવાળા અને બાજુના ઢોરવાડાનાં છાણ-મુતર મિશ્રિત પાણી ખુલ્લા પગે ઉલેચીને જ ઓરડીમાં પહોંચવાનું.
પરપ્રાંતના મજૂરો મોટાભાગે પોતાનાં પત્ની-બાળકોને વતનમાં મૂકીને જ આવતા હોય છે એટલે ચાર-પાંચ વચ્ચે એક ઓરડી ભાડે રાખે. મજૂરોને દરરોજનો ૨૩૦ રૂપિયા રોજ. કામનો સમયગાળો ૯ કલાક જેથી વિરામને બાદ કરતાં પૂરા આઠ કલાકનું કામ થાય. તમામ મજૂરો હંગામી ધોરણે અને કૉન્ટ્રાકટ પર. કોઈ પ્રકારનો નિમણૂકપત્ર નહીં કે પગાર પાવતી પણ નહીં. ઘણાને તો પોતાના કૉન્ટ્રાક્ટરનું નામ ખબર નથી.
ઘણેભાગે પગાર દર મહિનાની ૧૨મી તારીખની આજુબાજુ થાય. જો કામ છોડી દેવું હોય તો બાર-પંદર દિવસનો પગાર જાય. ચાચરાવાડી વાસણા મુકામે તો ઘરભાડું મહિને ૪૦૦૦ રૂપિયા. વીજળીનું બિલ અલગથી. ગુજરાતના મજૂરો બાળ-બચ્ચાં સાથે રહે. માબાપ બંને મજૂરી કરે એટલે ઘર સફાઈ-રાંધવાનું કામ બાળકો કરે.
અહિયા બૅગ બનાવવાની ફૅકટરીમાં બહેનો કામ કરે. સાત તબક્કામાં બૅગ તૈયાર થઈ જાય. બહેનોનું કામ બૅગને એક એકમથી બીજા એકમ સુધી ફેંકવાનું. કંપનીનું મજૂરો માટે લક્ષ્યાંક નક્કી. આઠ કલાકમાં ૧૨૦૦ બૅગ ફેંકવાની થાય એટલે કે દર ૨૪ સેકંડે એક બૅગ ફેંકવાની. એક બૅગનું વજન ત્રણ કિલો ગણતરીએ લઈએ તો દરેક સ્ત્રી કામદાર આઠ કલાકમાં ૧૮૦ મણ વજન ઊંચકીને ફેંકે છે. એક બૅગ ઊંચકીને ફેંકવાના લગભગ ૧૯ પૈસા મળે. કામનું દબાણ એટલું કે જમવા માટે માત્ર પંદર મિનીટ જ મળે. સાંજે ઘરે પહોંચે ત્યારે એમના બદનમાં કોઈ તાકાત ન બચે.
સામાજિક જીવનનો સંપૂર્ણ અભાવ. બાજુવાળા કોણ-ક્યાંના, એ માહિતી કોઈની પાસે ન મળે. મકાન માલિકો-ભાડુઆતો કબીરપંથી નથી છતાં એક નિયમ પાળે છે; કોઈની નાત પૂછવી નહીં કે કોઈને પોતાની નાત કહેવી નહીં. માહિતી આપવાનો ભારે ડર સૌના મન પર છવાયેલો જોવા મળે. વ્યસન અપરિણીત પરપ્રાંતીય માટે જાણે એકમાત્ર મનોરંજનનું સાધન જણાય છે. દિવાળી પર એક પગાર બૉનસમાં મળે તેની તમામને ઈંતેજારી.
ઓડીશા રાજ્યની બહેન પણ દલિત ફળિયામાં ભાડે રહે છે. એક બાળકની મા છે. રાજકોટમાં સ્થાનિક યુવાન સાથે લગ્ન કરેલા. પતિએ ત્યાગ કર્યો. ઘણા સમયથી ભરણપોષણનો કેસ ચાલે છે. દર મુદ્દતે વકીલ ૨૦૦૦ રૂપિયા લઈ લે છે. તે પોતાની ઓળખ ઘણી સભાનતાથી આપે છે: ‘મે છોટી જાતકી નહીં હૂં’. એના માટે ગુજરાતની સ્ત્રીઓ ખાસ્સી હદે લાજ-મર્યાદા પાળે તે નવાઈની વાત છે. ગુજરાતના વિકાસથી અંજાયા વગર કહે છે: ‘ગુજરાતમાં સ્ત્રીની કિંમત નથી.’
પરપ્રાંતના મજૂરોએ હવે ફરિયાદ ન કરવા મન મનાવી લીધું છે. એમને જયારે ગુજરાત લાવવાના હતા ત્યારે લલચાવેલા કે પંદર-સોળ હજાર રૂપિયા પગાર મળશે. અહીં કોઈનો પગાર વધતો નથી; પછી બહાર ભલે મોંઘવારી વધતી હોય. વધારે પૈસા કમાવાનો તેમના માટે એક જ રસ્તો છે; ઑવરટાઈમ કામ કરો. ગામડેથી અહીં મજૂરી પર આવતા દલિતોને બે મોટા ફાયદા દેખાય છે. દરરોજનું કામ મળી રહે છે અને ગામની જેમ અહીં કોઈની દાદાગીરી સહન કરવી પડતી નથી.
વિકાસની અહીં પૂર્વશરત છે: કમાવું હોય તો અસંગઠિત રહો.