દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં વિકાસ થયો જ નથી તે કહેવું ‘અસત્ય’ છે. આપણી પાસે પૂરતા પુરાવા છે, જેનાથી અમુક લોકોનો વિકાસ થયો છે તે જોવા દીવો સળગાવવાની જરૂર નથી.
ગયા મહિને ઑક્ટોબર, ૨૦૧૭માં, દિવાળી પહેલાં ‘વિકાસ’ના ભારતમાં સૌથી સારા સમાચાર એ આવ્યા કે ભારતના સૌથી ૧૦૦ પૈસાદાર લોકોને છેલ્લા એક વર્ષમાં ‘નોટબંધી’ અને ‘જી.એસ.ટી.’ લાગવા છતાં ધંધામાં ખોટ ગઈ નથી પણ તેમની મિલકતમાં વધારો થયો છે ! કેટલો વધારો થયો? આંકડો છે: ૩૧ લાખ ૫૦ હજાર કરોડ (૩૧,૫૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) રૂપિયા. આ આંકડો ગણવાનો આપણને અઘરો લાગે. સાદી ગણતરી કરીએ તો આ પૈસામાંથી ૩૧ કરોડ અને ૫૦ લાખ કુટુંબોનાં ૧ લાખ રૂપિયાની કિંમતવાળાં ઘરો બની શકે અથવા બીજી રીતે જોઈએ તો ભારતમાં ૨૦૧૧ની સાલમાં ૨૪ કરોડ ૮૪ લાખ ૮ હજાર ૪૯૪ કુટુંબોની વસ્તી હતી, તે તમામ કુટુંબોને આ પૈસા વહેંચી દઈએ તો દરેક કુટુંબના ભાગે ૧,૨૬,૮૦૭ રૂપિયા આવે.
ગુજરાતના પુત્ર આ ૧૦૦ વ્યક્તિમાં સૌથી આગળ છે. જેમની આવક માત્ર છેલ્લા એક વર્ષમાં અઢી લાખ કરોડ (૨,૫૦૦,૦૦૦,૦૦૦,૦૦૦) રૂપિયા થઈ છે. અહીં દર્શાવેલા ૧૦૦ વ્યક્તિની આવક માત્ર એક વર્ષમાં ૨૬ ટકા વધી છે.
યોગગુરુ બાબા રામદેવના પરમ શિષ્ય આચાર્ય બાલકૃષ્ણની પતંજલિ કંપની છેલ્લા એક વર્ષમાં કૂદીને ૧૦૦ પૈસાદાર વ્યક્તિઓની યાદીમાં ૪૮મા નંબરેથી ૧૯મા નંબરે આવી છે અને તેની પાસે હાલમાં ૪૩ હજાર કરોડ રૂપિયાનો કારોબાર છે.
એટલે હા, ‘વિકાસ’ જરૂર થયો છે. આ સામે ગુજરાતના દરેક કુટુંબે વિચારવાનું કે છેલ્લા એક વર્ષમાં આપણા કુટુંબની આવક કેટલી વધી? કરોડ? લાખ? હજાર? કે દેવું થયું?