વિકાસ ગાંડો નથી થયો; ‘એ’ ગાંડા થઈ ગયા છે!

મહેશભાઈ રાઠોડ અને અશ્વિનભાઈ બાબરિયા/

ઉના તાલુકાનું સૈયદ રાજપરા ગામ અને જિલ્લો ગીર સોમનાથ. ૬,૧૨૧ની વસ્તી ધરાવતું ગામ મોટું છે. બહુમતી વસ્તી કોળી-મુસલમાન-દલિત. અહીં બધાં બંદર પર નિર્ભર અને ખલાસીનું કામ કરે છે. માછલી વેચવાનું મુખ્ય કામ. તેમને ઘણી આશા હતી કે સાગરખેડુ યોજનાનો બધાને લાભ મળશે પણ એકંદરે નિરાશ છે. ૨,૨૫૦ રૂપિયા રીક્ષા ભાડું ભરી ‘લીલો માલ’ (તાજી માછલી) લાવી તેને સૂકવી વેચવાનું તેમનું કામ છે. કમળાબેન કહે છે, ‘આ ધંધામાં દા’ડી જોગ મળી રહે’.

ગામમાં આઠ ધોરણવાળી શાળા છે. આગળ વધુ અભ્યાસ માટે ૨૩ કિલોમીટર દૂર ઉના જવું પડે. છોકરીઓ માટે આ કારણથી આઠ ધોરણ પછી ભણતરનો અંત આવે છે.

લોકો ‘નોટબંધી’થી નારાજ છે. કોળી આગેવાન નરેન્દ્રભાઈ કહે છે: ‘નોટબંધીમાં ઊલટાના ધોવાઈ ગયા. પૈસા બદલવા સીમર ગામે બૅંકમાં જવાનું’. બૅંકમાં મેળ ન પડતાં ૧૦ ટકા કમિશન પર લોકોએ નોટ બદલાવી છે. જેની પાસે સરકારી વગ હોય તેને લાભ મળે છે. આ ગામે અગાઉ રહેણાક જમીનના પ્લોટ મળેલા પણ બધાંને નહીં.

કમળાબેન ઉકળાટ ઠાલવતાં કહે છે, ‘કહીને જાય તે પાછું વાળીને જોતાં નથી. વિકાસ ગાંડો નથી થયો; ‘એ’ ગાંડા થઈ ગયા છે !’

જી.એસ. ટી. માં તો અમારા મે’તાજી (ચાર્ટર્ડ એકાઉન્ટટ) ને પણ ખબર પડતી નથી

ગુજરાતમાં સૌથી વધુ ગામડાં ધરાવતા ઉના તાલુકાના ઉના મથકેથી ૧૮ કિલોમીટરના અંતરે સીમર ગામ આવેલું છે અને ૨૦૧૧માં તેની વસ્તી ૫,૪૬૫ લોકોની હતી. ઉના સરકારને મહિને ૮૦-૯૦ કરોડ રૂપિયા કમાવી આપે છે કારણ આ પ્રદેશ ચૂનાના પથ્થર પૂરા પાડે છે. આ ગામ તે પ્રખ્યાત સંત કવિ જગજીવનદાસની જન્મભૂમિ. લોકો પાસે પોતાના વિસ્તારના વિકાસનો નકશો છે. નાગજીભાઈ બોટના કૉન્ટ્રાક્ટર છે. કહે છે, “આવો ‘સી’ આકારનો દરીયાકિનારો બીજે ક્યાંય જોવા મળતો નથી. અહીં જેટ્ટી બને તો તમામ સમાજનો વિકાસ થાય. બોટ બનાવવા કોચી, રત્નાગીરીમાં સરકાર ૫૦ ટકા સહાય આપે છે. અહીં એવી સવલત મળેતો સાગનું લાકડું બોટ બનાવવામાં વાપરી શકાય. અત્યારે તો ફાયબરની બોટ બને છે !”

સ્વચ્છતા મિશનમાં આડેધડ ઊભી કરેલી સંડાસની દીવાલો જોઈ શકાય છે. પાણીની કોઈ વ્યવસ્થા નથી. સરકારી યોજનાનાં ઘણાં નામ લોકોએ અહીં સાંભળ્યાં છે પણ તે યોજનાને નજીકથી માણવાનો લહાવો મળ્યો નથી.

નાગજીભાઈ રમૂજમાં કહે છે, ‘જી.એસ.ટી.માં તો અમારા મે’તાજી (ચાર્ટર્ડ ઍકાઉન્ટટ)ને પણ ખબર પડતી નથી.’

સ્વચ્છતા મિશન: કચરો નાંખવા ડોલ આપેલી, ઢાંકણાં પાછાં લઈ ગયા

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું પસવાળા ગામ. લોકો જાણે કોઈ પૂછવા આવે તેની જ રાહ જોઈ રહ્યા છે અને ઉકળાટ ગળે આવી ગયો છે, ‘અમને અહીં કંઈ જ મળતું નથી. રેશન મળતું હતું તે પણ બંધ કરાવી દીધું. હોત તો ખાવ; નહીંતર બેસી રહો એ વિકાસ છે’.

આછીપાતળી જમીન ધરાવતા માલિકો પણ ખુશ નથી. કહે છે, ‘ખેતીમાં ખોટ પડે છે. મોસમ નડે, જાનવર નડે, પાક ન ઉતરે. હાલ સરકારે ટેકાના ભાવ ૯૦૦ (મગફળીના) બાંધ્યા છે; બિયારણ ટાણે હંમે બે હજાર રૂપિયાના ભાવનું બિયારણ વાયું છે. આમાં વળે શું?’

કોઈ પાછળથી કહે છે, ‘એક વાર ગરીબમેળામાં કોડીનાર ગયેલા. ઘરનું ભાડું ખર્ચી ખાલી હાથે પાછા આવ્યા’.

અહીં સ્વચ્છતા મિશનમાં દરેક ઘરે કચરો નાંખવાની એક-એક ડોલ આપી છે. બહેનો પોતાનો સૂર પુરાવતાં કહે છે, ‘ડોલ આપી ને ઉપરનાં ઢાંકણાં પાછાં લઈ ગયાં’.

૧૮ લાખની બોટ સાથે બાપુ પણ ડૂબી ગયા

ભીખુભાઈ પણ સૈયદ રાજપરા ગામના. એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે અને કહે છે કે, “ગામમાં અન્ય યુવાનો આટલું શિક્ષણ મેળવેલા છે. છતાં બાંધી આવકવાળી નોકરી ૧૦-૧૨ લોકો પાસે જ છે. થોડા યુવાનો સુરક્ષા દળમાં પણ છે.” ભીખુભાઈ માને છે કે, “લોકોનો સૌથી મોટો સવાલ રોટલાનો છે.” આ નાના-અમથા વાક્યમાં ગુજરાતના કહેવાતા વિકાસ વિષે તેમનો અનુભવ સમાઈ જાય છે. સરકારના લાંબુ વિચાર્યા વગરનાં નોટબંધી, જી.એસ.ટી. જેવાં પગલાંએ લોકોનો જીવનસંઘર્ષ વધારે યાતનાવાળો કર્યો છે. ભીખુભાઈના શબ્દોમાં, “સરકારે ભૂખ ભેગા કર્યા છે.” માછીમારને વર્ષે ડીઝલમાં ૧૨,૦૦૦ જેટલો ખર્ચ આવે છે એમાં સરકાર ૨,૦૦૦ સબસીડી આપે છે.

ભીખુભાઈની વાત પાછળ ભારે દબાયેલો આક્રોશ છે. તેમના પિતા ૧૮ લાખ રૂપિયાની નવેનવી બોટ સાથે ડૂબી ગયા અને તેમના પરિવારને કોઈ સરકારી સાંત્વના મળી નથી !

કહેવામાં બિલ (ખર્ચ)નો આવે

પ્રવીણભાઈ ઉના તાલુકાના ગાંગડા ગામના છે. શિક્ષિત બેરોજગારની નવી ઉપાધિ તેમને મળી છે. બી.સી.એ. (બૅચલર ઑફ કમ્પ્યૂટર ઍપ્લિકેશન) સાથે એસ.આઈ. (સેનિટરી ઈન્સ્પેક્ટર)નો અભ્યાસ કર્યો છે. હાલમાં સેન્ટિંગકામમાં મજૂરી કરે છે. કહે છે: “ઘણી અરજીઓ કરી, પણ નોકરી નથી મળતી.” તેમની સાથે અન્ય યુવાનો માટે પણ સેન્ટિંગકામ એકમાત્ર વ્યવસાય તેમના ગામમાં બચ્યો છે. સાંભળેલું કે સરકાર ‘ધંધા’ માટે લોન આપે છે એટલે ત્રણવાર નિષ્ફળ પ્રયત્નો કર્યા છે. કાગળ ઉપર લોન આપવાની સરકાર ના નથી પડતી પરંતુ એવું લાગે છે કે આખરી સત્તા બૅંક પાસે છે, કારણ બૅંક ‘ના’ પાડે છે. બૅંક આગળ સરકાર લાચાર જણાય છે.

ઉઘડતી યુવાની હતાશ છે. તેમના શબ્દોમાં, ‘અમે તો હથોડી પછાડી-પછાડી ગુજરાન ચલાવીએ છીએ. આ સેન્ટિંગકામ એવું છે કે આધાર-કાર્ડમાં ‘ફિંગર-પ્રિન્ટ’ લેવી હોય તો પણ ન આવે કારણ હાથ છોલાઈ જાય છે’.

યુવાનો બેરોજગાર છે તે સાચું પણ શિક્ષિત છે તે પણ સાચું. દેશની રાજકીય ગતિવિધિથી જાણકાર છે. કહે છે, ‘નવી નોટ છાપવા સરકારે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો એનું દેવું જનતાના માથે જ ને? મકાન બનાવવા માટે ‘વર્ક-ઓર્ડર’ થયાનું સાંભળ્યું છે પણ ‘ગ્રાંટ’ ફળવાતી નથી.

સરકારનાં વચનોની વણથંભી વણઝાર વિષે પ્રવીણભાઈ કહે છે, ‘કહેવામાં તો હું કંઈ પણ કહી શકું. કહેવામાં બિલ ન આવે’.

કેરી અને કાંદો; એનો વેપારી માંદો

વિશ્વભરના નકશામાં ભારતના ‘મોટા સમઢિયાળા’ ગામનું નામ કોતરાઈ ગયું છે. કરસનભાઈ નારણભાઈ સરવૈયા દલિત વડીલ છે ને વ્યવસાયે ખેડૂત છે.

ગુજરાતી સાહિત્યમાં ખેડૂતને ‘જગતનો તાત’ એવી પદવી આપી છે. કરસનભાઈને લાગે છે કે ખેડૂત વિકાસના વાયરામાં ‘જગતનો દેવાદાર’ બની ગયો છે. કહે છે, “અમારા ગામના દેવીપૂજકે ગીર-ગઢડે ૨૦ લાખ રૂપિયામાં કેરીનો બગીચો રાખેલો. માંડ ૧૦ લાખનાં ફળ ઉતર્યાં. ઘર-ટ્રક વેચવાનો વારો આવ્યો. ઊપજમાં તૂટ પડે એટલે ઘર-મિલકત વેચવાનો વારો આવે કારણ કેરી અને કાંદો, એનો વેપાર માંદો.”

કરસનભાઈ ખાટલો ભરવાનું વાણ લેવા બજારમાં ગયા. વેપારીએ ૧૦૦ રૂપિયાના વાણના ૧૨૫ ગણ્યા ત્યારે ‘જી.એસ.ટી.’ નામની વાત તેમને જાણવા મળી.

કરસનભાઈનો અનુભવ દેશના પ્રધાનમંત્રી કરતાં સ્પષ્ટ છે. ‘જેને પરસવો પડે છે એને જ મુશ્કેલી છે’. તેમને ભ્રષ્ટાચારનો જાત અનુભવ છે. ‘અમારા નાના દીકરા નાનજીભાઈએ નિયમ પ્રમાણે બાંધકામ કર્યું છે છતાં છેલ્લો હપ્તો આપતા નથી. અઢી વર્ષ થયાં છતાં હપ્તો મળતો નથી. દરેક ટેબલે ભ્રષ્ટાચાર છે. પાંચ હજાર રૂપિયા આપ્યા તો પણ હપ્તો છૂટતો નથી.’

કરસનભાઈ ઝાઝું ભણેલા નથી અને અર્થશાસ્ત્રી નથી. કહે છે, “નોટબંધીમાં ગરીબ માણસો જ લાઈનમાં ઊભા રહ્યા. કાળાંનાણાંના તો અગાઉ વહીવટ થઈ ગયાં છે. જનધન ખાતાં એ બધું ખોટું છે. આ બધું ખાલી કે’વાનું છે, દેવાનું કાંઈ નથી !”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s