દલિતો પર અત્યાચારનો કોઈ જો સૌથી વધુ ગંભીર ગુનો હોય તો તે એ છે કે માનસિક-શારીરિક ત્રાસ હેઠળ દલિતોને પોતાની જન્મભૂમિ છોડી હિજરત કરવા મજબૂર કરવા. આવો જ અન્ય ગંભીર ગુનો સામાજિક બહિષ્કારનો છે. ગોલાણા હત્યાકાંડમાં પણ દલિતોએ તે ગામેથી હિજરત કરી ન હતી. ગુજરાતમાં વિકાસની મૂલવણી કરવી હોય તો પૂછવું પડે કે દલિતોના સામાજિક બહિષ્કાર અને હિજરતના ગુના ઘટ્યા કે વધ્યા?
૧૯૮૯માં કૉંગ્રેસના પ્રયત્નોના કારણે ‘અત્યાચાર ધારો’ દાખલ થયો. ૧૦૮૯થી માંડી ૨૦૧૭ સુધીનો ઈતિહાસ જોતાં ધ્યાનમાં આવે છે કે હિજરત અને સામાજિક બહિષ્કાર તે બંને ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે.
૧૯૮૯થી ૧૯૯૦ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસ સરકાર હતી. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/ હિજરતનો એક જ ગુનો બનાસકાંઠામાં નોંધાયો.
૧૯૯૦માં છ મહિના માટે ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં જનતા દલ અને ભાજપની સરકાર બની હતી. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/હિજરતનો એક પણ ગુનો ન નોંધાયો.
૧૯૯૦ ઑક્ટોબરથી ૧૯૯૪ સુધી જનતા દલ અને કૉંગ્રેસની સરકાર હતી. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/હિજરતના ત્રણ ગુના મહેસાણા અને ભાવનગરમાં નોંધાયા.
૧૯૯૪-૧૯૯૫ દરમિયાન કૉંગ્રેસ સરકાર ચાલી. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/હિજરતનો એક પણ ગુનો ન નોંધાયો.
૧૯૯૫-૯૬ દરમિયાન ભાજપની સરકાર કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની આગેવાનીમાં ચાલી. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/હિજરતનો એક પણ ગુનો ન નોંધાયો.
૧૯૯૬થી ૧૯૯૮ દરમિયાન રાષ્ટ્રીય જનતા પક્ષની સરકાર ચાલી. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/ હિજરતના છ ગુના નોંધાયા.
૧૯૯૮થી ૨૦૦૧ દરમિયાન કેશુભાઈ પટેલની આગેવાનીવાળી ભાજપ સરકાર ચાલી. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/હિજરતના પાંચ ગુના નોંધાયા.
૨૦૦૧થી ૨૦૧૪ દરમિયાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યા. આ સમયગાળા દરમિયાન સામાજિક બહિષ્કાર/હિજરતના ૮૫ ગુના નોંધાયા. આ ગુના ગુજરાતના ૧૭ જિલ્લામાં નોંધાયા. આગળનાં તમામ વર્ષોમાં આવા ગંભીર ગુના માત્ર સાત જિલ્લામાં જ નોંધાયા હતા. અગાઉના ૧૨ વર્ષમાં આવા ગંભીર ગુના માત્ર ૧૫ નોંધાયા હતા તે મોદીના રાજ દરમિયાન વધીને ૧૪ વર્ષમાં ૮૫ થયા.
આનંદીબેન પટેલની સરકારમાં સામાજીક બહિષ્કાર/હિજરતના ૧૦ ગુના નોંધાયા.
છેલ્લે ૨૦૧૬ થી અત્યાર સુધી વિજય રૂપાણીના વડપણ હેઠળ ભાજપ સરકાર ચાલી. આ સમયગાળા દરમિયાન સામાજીક બહિષ્કાર/હિજરતના પાંચ ગુના નોંધાયા.
અત્યાચાર ધારાના અમલ બાદ ગુજરાતમાં સામાજીક બહિસ્કાર/હિજરતના ૧૧૨ ગુના નોંધાયા છે; તેમાં સૌથી વધુ ગુના ભાવનગર જિલ્લામાં ૧૪, અમરેલી જિલ્લામાં ૧૨, બનાસકાંઠા ૧૨, સુરેન્દ્રનગર ૧૦ તથા પોરબંદર, અમદાવાદ અને મહેસાણામાં ૭-૭ બનાવો નોંધાયા છે.
આ ગુનાઓના સંદર્ભે સૌથી અગત્યની વાત એ જણાય છે કે આમાંના ૨૩ ટકા ગુનાઓ પાછળ મુખ્ય કારણ જમીન જણાય છે. બીજું મોટું અગત્યનું કારણ આભડછેટ હોવાનું માલુમ પડે છે.
આપણી સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે સમય જતાં કાયદાનું સામ્રાજ્ય વધવું જોઈએ તેના કરતાં વિપરીત જ્ઞાતિવ્યવસ્થા વધુ મજબૂત થઈ રહી છે.