માર્ટીન મેકવાન, પ્રદીપ મોરે, જબ્બાર સિંહ/
દસ ફૂટ લાંબા-પહોળા ઓરડામાં વીસેક ભાઈ-બહેનો ઊભડક બેઠાં છે. ઓરડામાં લાશ પડી છે તેના પર કામળો ઓઢાડેલો છે. લાશ એક જુવાનિયાની છે, જેણે ઝેર ઘોળી પોતાની જિંદગી ટુંકાવી છે. અગાઉ તેણે આત્મહત્યા કરવાના ત્રણ પ્રયત્નો કરેલા. પર્વતના ઢોળાવ પર વસેલ આ ગામમાં પચીસેક ઘરો છે અને તે તમામ દલિતોનાં છે. ઘરો પથ્થર અને ચીકણી માટીનાં છે. છાપરું પથ્થરની કાળી સ્લેટના ટુકડાઓથી ઢાંકેલું છે. બધાં જ ઘર નાની ઓસરીવાળા એક ઓરડાનાં છે. હજુ દલિતો એક વૃદ્ધની અંતિમ ક્રિયા પતાવી પાછા જ આવ્યા હતા ત્યાં ફળિયામાં બીજી લાશ પડી છે.
દૂર પર્વતની ટોચે હવેલીઓ અને ભવ્ય મંદિર દેખાય છે જ્યાં ગામના ઠાકુર-બ્રાહ્મણ રહે છે. વર્ષો પહેલાં ઠાકુર-બ્રાહ્મણ અહીં વસેલા ત્યારે ભોંય ભાંગવા દલિતોને પણ વસાવેલા. દલિતોના રહેણાક વિસ્તારને તેઓ ‘ખેડે’ કહી સંબોધે છે, જેનો અર્થ થાય છે ‘ગમાણ’. જ્યાં અગાઉ બ્રાહ્મણ-ઠાકુરનાં ઢોર અને દલિતો સાથે રહેતાં.
સવારે વૃદ્ધની અંતિમક્રિયામાં ‘ગામ’ના લોકો જોડાયા ન હતા. બ્રાહ્મણ-ઠાકુર મરે ત્યારે દલિતોએ કામે લાગવું પડે છે. ચિત્તા માટે લાકડાં કાપી ખભે વેંઢારી પર્વતના જોખમી ઢોળાવ ઊતરી સ્મશાને પહોંચાડવાં પડે છે. તે અગાઉ પર્વતો ખૂંદી મરનારના સગાંવહાલાંઓને ‘અશુભ’ સમાચાર પહોંચાડવા જવું પડે છે. આ ભારતનું નવનિર્મિત રાજ્ય ‘ઉત્તરાખંડ’ છે.
દલિતો લાશની હાજરીમાં પણ અમને ચા પીને જવાનો આગ્રહ કરે છે. ‘આ તો થવાનું જ હતું. કશુંય આપણા હાથમાં નથી’નો સૂર વાતાવરણમાં છવાયેલો છે. પોતાના રહેણાકથી થોડે દૂર તેઓ નજરમાં ન સમાય એવી પર્વતમાળા અને જંગલોમાં પોતાના ‘અલગ’ સ્મશાનમાં મૃતની અંતિમવિધિ કરશે. એક ગામથી બીજે જવા કોઈ સાધન મળતાં નથી અને ઢોળાવ ઉતરવાના, એટલે અંતિમવિધિ પછી તરત ‘બેસણું’ પતાવી દેવાનું, જેથી સગાંઓને વળી પાછા આવવાની તકલીફ ન પડે.
અમારી ના છતાં લોકોને સભા કરવી છે. ‘તમે આટલે દૂરથી ફરી ક્યારે આવવાના?’ કાળી ચૌદસનો દિવસ છે અને કાલે દિવાળી છે. રોશની દૂર દેખાય છે. અમારી સામે બેઠેલા પંદર-વીસ બાળકોનાં કપડાં કે ચહેરા પર દિવાળીની રોશની નથી. શિષ્યવૃત્તિ આ વર્ષની મળી નથી. બીકનાં માર્યાં બાળકો ‘શિક્ષક નિયમિત શાળામાં આવે છે’ તેવું કહે છે. કોઈ ઘરમાં કે કોઈ હોઠે ‘આંબેડકર’ દેખાતા નથી. અહિયા દલિતોની વસ્તી પર્વોતાના ઢોળાવમાં ગામથી ‘દૂર’ અને ‘અલગ’ હોય છે. પર્વતમાં સતત વહેતા ઝરણામાંથી પીવાનું પાણી મળી રહે છે.
ઘણાં બાળકોને ઈજા થયેલી છે. ઢોળાવ પરથી ચઢતા-ઉતરતા લપસી પડાય છે. મને વળતાં ઢોળાવ ચઢતાં ખાસ્સી તકલીફ પડી. હું જોઈ શક્યો કે સ્ત્રીઓ પિત્તળનાં મોટાં દેગડાં પાણીથી ભરી માથે મૂકી ઢોળાવ ચઢી રહી હતી. સાંજના અંધારામાં લોકો પોતાની ખેતીમાં પાકેલી તુવેરના પોટલાં ખભે ચઢાવી ઢોળાવ ઊતરી રહ્યા હતા. બધાની પાસે જમીન નથી. મજૂરી દિવસની સો રૂપિયા મળે છે. શાળા પાંચ ધોરણની છે. આગળ ભણવું હોય તો પર્વતો ખૂંદી મોટા ગામે જવું પડે. આવતાં-જતાં દશ-પંદર કિલોમીટર ચાલવાનું થાય.
જે ભણે તેના માટે રોજગારી ગામમાં નથી એટલે મસુરી-દહેરાદૂનના પર્યટક વિસ્તારમાં જવું પડે. દલિત શક્તિ કેન્દ્રમાં તાલીમ પામેલાં પાંસઠ જેટલાં યુવક-યુવતી ગામડે ફરી સામાજિક જાગૃતિનું કામ કરી રહ્યાં છે. સરકારી યોજનાનાં દર્શન અહીં દુર્લભ છે. આ ગામનું નામ કલેઠા છે.
ચાલીસેક કિલોમીટરની બીજી મુસાફરી કરી અમે ચકરાતા પહોંચ્યા. અહીંથી ચીનની સરહદ નજીક હોઈ લશ્કરી થાણું છે અને વિદેશી માટે પ્રવેશબંધી છે. શિયાળામાં બરફ પડે એટલે દોઢેક મહિનો રસ્તો બંધ થઈ જાય. ચકરાતાને અડીને આવેલા ‘દાકરા’ ગામે અમે રાત્રે નવ વાગે પહોંચ્યા. ત્રણ કલાક મોડા પડ્યા તોય લોકો રાહ જોઈને બેસી રહ્યા છે. સરકારી અધિકારી અહીં આવતા નથી. અહીં મુસ્લિમ-દલિત વસ્તી છે. મુસ્લિમ બાળકોને છેલ્લા ચાર વર્ષથી શિષ્યવૃત્તિ મળી નથી. સરકારી અધિકારી કહે છે, ‘પૈસા વધશે તો તમને મળશે.’
મુસ્લિમ ઓ.બી.સી.માં ગણાય છે પણ જાતિનો દાખલો કઢાવવાનું કામ સૌથી કપરું છે. ‘નરેગા’ જેવી સરકારી યોજના આવે છે પણ ‘સરપંચ-અધિકારી’ ગઠબંધનમાં ખર્ચાઈ જાય છે. લોકો માર્ગદર્શન માંગે છે પણ મારા મોમાંથી શબ્દો નીકળતા જ નથી.
‘વિકાસ’ અહીં પણ છે પણ પર્વતની ટોચે છે.