વિકાસનો સાચો અર્થ એ છે કે લોકો સામાજિક પ્રશ્નો પર વૈજ્ઞાનિક ઢબે વિચારતા થાય. આર્થિક સંપત્તિ વધે પણ તેની સાથે સામાજિક અસમાનતા વધે એને વિકાસ કઈ રીતે કહેવો?
ભાજપ સરકારે વહીવટ સુધારવા નવા જિલ્લા અને તાલુકા ઊભા કર્યા પણ એમ થવાથી આભડછેટ જેવા સામાજિક પ્રશ્નો યથાવત્ રહ્યા.
આવો એક નવો બનેલો જિલ્લો તે અરવલ્લી. તેમાં મોડાસા તાલુકાનું કુડોલ ગામ. દલિત નવયુવાનની પણ અન્ય યુવાનની જેમ પોતાના લગ્નના ફુલેકામાં ઘોડા પર બેસવાની ઈચ્છા હતી. તેના સપનાની વાત ગામના રજપૂત-બ્રાહ્મણ સુધી પહોંચી. તેમની અકળામણની વાત વરરાજાના બાપ સુધી પહોંચી. આથી વરઘોડો નીકળે તે પહેલાં પોલીસને જાણ કરાતાં વરઘોડાના રક્ષણ માટે આઠ પોલીસ જવાનો હાજર રહ્યા.
વરઘોડો ઓછા અજવાળાવાળા વિતારમાં પ્રવેશતાં જ તેના પર ભારે પત્થરમારો થયો. એક પોલીસ જવાનને પણ માથામાં ઈજા થઈ. હુમલો રાત્રે સાડા દસ વાગે થયો અને હુમલો કરનાર ટોળું ચાળીસ-પચાસ લોકોનું. આ ઘટના ૨૪ મે, ૨૦૧૪માં બની.
અઢી મહિના પહેલાં તા. ૬ માર્ચ, ૨૦૧૪ના રોજ આવી જ ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે બની હતી. અહિયા થયેલ પથ્થરમારામાં બે ડઝનથી વધારે દલિતો ઘવાયા હતા.
આવા હિચકારા હુમલામાં દલિતો ફરિયાદ નોંધાવે એટલે હુમલાખોરોને લાગે કે પોતાને અન્યાય થયો છે; જાણે દલિત વરઘોડો બૅંડ-વાજાં સાથે નીકળે તેના પર હુમલો કરવાનો પોતાનો અધિકાર હોય ! એટલે તે પછીની પ્રતિક્રિયા સામાજિક બહિષ્કારની આવે. બહિષ્કારમાં દૂધ-જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ આપવી, ખેતરમાં મજૂરીએ લઈ જવા, દરણું દળી આપવું-ખેતીનાં સાધનોની આપ-લે કરવી વગેરે પર પ્રતિબંધ જેવી વર્ષોથી નક્કી થયેલી યાદી અમલમાં આવે. કુડોલમાં પણ સામાજિક બહિષ્કાર થયો.
આભડછેટ અને સામાજિક બહિષ્કાર સામે રક્ષણ માટે ડો. આંબેડકરે ‘સેપરેટ સેટલમેન્ટ’ (અલગ વસવાટ) સૂચવેલો કે, જ્યાં દલિતો બીજા સમાજના સામાજિક-આર્થિક વર્ચસ્વમાંથી મુક્ત થઈ સ્વાયત્ત જિંદગી જીવી શકે. આવા બનાવો સામે વળતરની વાતમાં સમાનતાની અને ડૉ. આંબેડકરે સૂચવેલ જ્ઞાતિવ્યવસ્થાના નિકંદનની વાત વર્ષોથી અભરાઈ પર મૂકી દેવાની રાજકીય સંસ્કૃતિ બની ગઈ છે.