જયેશ પરમાર, લક્ષ્મણ મકવાણા/
સાણંદ અગાઉ નાનું અવિકસિત નગર હતું. ‘નેનો’ કંપની આવ્યા પછી તે વિકાસનું ધામ બની ગયું હતું. હવે ‘નેનો’ નામ લોકજીભે વિસરાવાનું ચાલુ થઈ ગયું છે. અહિયા જી.આઈ.ડી.સી. બે ભાગમાં છે. દવા બનાવતી કંપની ઘણી ખૂલી છે, જાણે આખો ‘સમાજ’ બીમાર પડી ગયો છે. આ બધી કંપનીમાં મજૂરો પરપ્રાંતના છે. આદિવાસી વિસ્તારની ઘણી કન્યા પણ અહીં ‘મજૂરી’ માટે ભાડે રહે છે.
સુભાષચંદ્ર ઉત્તર પ્રદેશના ‘ગોરખપુર’નો છે. વિજ્ઞાન પ્રવાહમાં ૧૨ ધોરણ ભણી બી.એ. પૂરું કર્યું. નોકરીના ‘ફાંફા’ ઘણાં માર્યાં. છેલ્લે સાણંદની દવા બનાવતી કંપનીમાં ‘પૅકિંગ’નું કામ કરે છે. કામના કલાક ૧૨. વેતન મહિનાનું ૯,૦૦૦ રૂપિયા. સૂવા-જમવાના થોડા કલાક બાદ કરતાં વધુ થોડા કલાક ‘ઑવરટાઈમ’ કરી લેવાની ઘેલછા. અહીં કોઈ રજા નહીં. તેની ઉંમર ૨૪ વર્ષ. પત્ની-સંતાન-માબાપ ઘરે છે. વર્ષે એકવાર ઘરે જાય છે. અહીં કોઈ મજૂર અધિકારી મુલાકાતે આવતા નથી કારણ ‘વિકાસ’ થતો હોય ત્યાં આવા ‘અવરોધ’ને સ્થાન નથી.
શિયાવાડા ગામે કંપનીએ પોતાના મજૂરો માટે બે રૂમ ભાડે રાખ્યા છે. ૧૦ ફૂટ લાંબા-પહોળા ઓરડામાં પાંચ લોકો ચટાઈ પર સૂઈ જાય છે. ઓરડામાં જાતે રાંધવાનું. નહાવાની ‘મોરી’ ઓરડામાં. ઓરડામાં એક પણ બારી નથી.
સુમન નારાયણ ૨૦ વરસની ઉંમરે પશ્ચિમ બંગાળથી સાણંદ મજૂરી કરવા આવ્યો છે. ૧૧ ધોરણ પાસ છે. ૧૨ કલાકની મજૂરીના તેને ૩૬૦ રૂપિયા મળે છે. શરીરમાં તાકાત હોય એટલા કલાક કામ કરવાની અહીં છૂટ છે પણ એને કંપની અન્ય કોઈ મજૂરે રજા પડી હોય ત્યારે જ બોલાવે છે. મહિને વીસેક દિવસ કામ મળી રહે છે. એના ભાગે મોટાભાગે ‘રાતપાળી’ આવે છે. સુમનની ઈચ્છા પૈસા કમાઈ ‘આઈ.ટી.આઈ’ કરવાની છે અને તેના માટે ફી પેટે એક લાખ રૂપિયા કમાવા તે રાતદિવસ એક કરવા માંગે છે. જો કે, તે નિયમિત પૈસા ઘરે માબાપ માટે મોકલાવે છે એટલે ભણવાનું ‘સપનું’ દૂર ઠેલાતું જાય છે. ઘરે તેનું કુટુંબ ‘ગરીબી રેખાની ઉપર’ સરકારી ચોપડે નોંધાયું છે.’
૩૧ વરસના દુલારામ રાજસ્થાનના ગંગારામ જિલ્લાના છે. ટાયર બનાવતી કંપનીમાં ‘સુપરવાઈઝર’ છે. ૧૦મું ભણેલા છે. ૧૨ કલાકની નોકરીના મહિને ૧૮,૦૦૦ રૂપિયા કમાય છે. પત્ની-બાળકો વતનમાં છે ને વર્ષે એકવાર મળે છે.
બિહાર રાજ્યના છાપરા જિલ્લાના ‘ભૂમિહાર’ કુટુંબમાંથી ૨૪ વર્ષનો કિશન અત્યારે પોતાના કપડાં ધોઈ રહ્યો છે. એ બાકીના ચાર સાથીનું જમવાનું પણ કેરોસીન સ્ટવ પર બનાવે છે. એણે ‘કૅમેસ્ટ્રી’ વિષય સાથે બી.એસ.સી. પૂરું કર્યું છે. બીજા સાથીમાં એ ‘અપવાદ’ છે. એની નોકરી આઠ કલાકની છે અને ૧૨,૦૦૦ રૂપિયા કમાય છે. એના લગ્ન થયા નથી. એ ઓરડીમાં બિહાર રાજ્યના દરભંગા જિલ્લાનો ગોપાલ શર્મા પણ છે. એનાં પત્ની-બે બાળકો વતનમાં છે.
અહિયા પરપ્રાંતના પાંચ મુસ્લિમ યુવાનો પણ છે પણ તેમનો ઓરડો ‘અલગ’ છે. વિકાસ અને કોમી સંવાદિતા વચ્ચે જાણે કોઈ સંબંધ નથી. ‘ઊંચી’ જાતિનો ‘ભાર’ અહીં મજૂરીના ભાર હેઠળ દબાઈ ગયો છે.
આ ગામના દલિતો ખુશ છે. એમની જમીન તેમણે ખૂબ ઊંચા ભાવે વેચી છે. મોટાં મકાન બનાવ્યાં છે ને વાહનો ખરીદ્યાં છે. ઘરેણાં પણ ખરાં. અમુકે પૈસાનું સારું રોકાણ કર્યું છે. અમુકના પૈસા વપરાઈ જતાં ‘વ્યાજે’ લઈ રહ્યા છે તેવી વાતો હવામાં થાય છે.
ગામમાં એક કિશોરી મેલાંઘેલાં કપડાંમાં ફરી રહી છે. તે અમદાવાદથી આવી છે અને વાળના બદલામાં ‘ફુગ્ગા’ વેચે છે. ખભે ઝોળી લટકે છે એમાં વેચવા માટે વાળમાં નાંખવાની પીનો વગેરે છે. એ કિશોરીની નજર મહેમાનો સામે પડેલી ‘ચા’માં છે. એક ફેંકી દીધેલા પ્લાસ્ટીકિયા ગ્લાસમાં એને થોડી ચા મળે છે. ‘ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો’ એવા ગુજરાતી ભક્ત-કવિના શબ્દો દૂર-દૂર પણ સંભળાતા નથી.
હમણાં બીજા રાજ્યથી આવેલા રાજકીય નેતાએ ‘ગુજરાત-વિકાસ’નાં વખાણ કર્યાં કારણ ગુજરાતે એમના રાજ્યના લોકોને રોજગારી આપી છે. નેતાઓને ‘રોજગારી’માં વિકાસ દેખાય છે. પછી એ કેવા પ્રકારની હોય, એમાં મજૂરોની હાલાકી કે તેમના શોષણ થતાં હોય તે તેમની ચિંતાનો સવાલ નથી. વાળના બદલામાં ફુગ્ગા વેચતી પેલી છોકરીને પણ ‘વિકાસ’ની કોઈ ચિંતા નથી.