ભરતભાઈ પરમાર; શાંતાબેન સેનમા/
વડનગરમાં હવે નગરપાલિકા છે. જૂનું ગામ ચોમેર ફરતી ‘કોટ’ની દીવાલમાં સુરક્ષિત છે. કોટ-કિલ્લાના ૬ ઝાંપા. દલિત વસ્તી ઝાંપાની બહાર છે. વડનગરની ૭.૮ ટકા દલિત વસ્તી-વિસ્તાર ગંદકી, તૂટેલા રસ્તાથી અલગ તરી આવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે, ૨,૧૭૮ ની દલિત વસ્તીમાં કોઈની પણ પાસે સમ ખાવા પૂરતી પણ ખેતીની જમીન નથી.
બુદ્ધ જીવનના અવશેષો અહીં મળી આવ્યા છે અને ગુજરાતના આવા અવશેષો ધરાવતાં સ્થળોને સાંકળી લઈ જાપાન સરકારના સહયોગથી ‘બુદ્ધ-દર્શન-પર્યટક-માર્ગ’ તરીકે વિકસાવવામાં આવશે તેવી યોજનાની વાતો ઘણા સમયથી ચાલે છે. વડનગરમાં બૌદ્ધધર્મી માત્ર ૧ વ્યક્તિ સરકારી ચોપડે નોંધાયેલી છે.
વડનગરનું રેલમથક મોટું બનાવવાનું કામ ચાલુ છે. શહેરમાં મસમોટી ‘ચા’ની કીટલી પણ મૂકવામાં આવશે. વડનગરમાં ૨૭,૭૯૦ની વસ્તીમાંથી ૮,૧૫૪ પ્રજાજનો નિરક્ષર છે. માત્ર ૨૯.૩ ટકા લોકો. વડનગરમાં ‘સફાઈકામ’ કરવાવાળા દલિતો છે. ઘણાં દલિતકુટુંબો ‘કચરો-ભંગાર’ ભેગો કરી વીણવા-વેચવાના ‘ધંધા’માં રોકાયેલાં છે. અન્ય લોકો કડિયાકામ છૂટક મજૂરીમાં રળે છે. ઘણા લોકો શહેરની ‘મશરૂમ’ ઉગાડતી કંપનીમાં રોકાયેલા છે. સરકારી નોકરીનું દલિતોમાં પ્રમાણ નહીંવત્ છે. થોડા યુવાનો ‘હોમગાર્ડ’માં ભરતી થયા છે.
વડનગરમાં જૂનો દલિત મહોલ્લો અકબંધ છે અને નાનાં મકાનો ત્રણ પરિણીત સભ્યોને સમાવે છે. દરેક ગામમાં ‘ઈન્દિરાનગરી’ જોવા મળતી હોય છે પણ અહીં કોઈ નેતાના નામની દલિતોને ઘરથાળ આપી શકે તેવી ‘નગરી’ નથી.
વડનગરમાં ખુલ્લી ગટરોથી તમામ લોકો ટેવાયેલા છે. દલિત-ઠાકોર-ઓડ-ભોઈ-દેવીપૂજક અને બાકીના ગરીબો ખુલ્લામાં જ ‘શૌચાલય’ કરે છે. સ્વચ્છતા મિશનની સો ટકા સફળતાનો દાવો સરકાર અહીં કરતી નથી. ‘વિકાસ’ અહીં બસમથકની આજુબાજુના રસ્તા, કોર્ટ-કચેરી અને નવી બની રહેલી ખાનગી શાળા-કૉલજમાં સમાઈ જાય છે.
દલિત-ગરીબ રહેણાક વિસ્તાર કાંટા-ઝાંખરાંથી આચ્છાદિત જોઈ શકાય છે. દલિત-ગરીબને પજવતો બી.પી.એલ.નો ‘રાષ્ટ્રીય’ સવાલ અહીં પણ મોજુદ છે.