મંજુલાબેન મકવાણા અને ડાહ્યાભાઈ દાફડા
વિંછીયા તાલુકાના વિંછીયા ખાતે રહેતાં વાલીબેન ત્યકતા છે. તે પોતાની નાની બહેન વિંજલ સાથે રહે છે. નાની બહેન ‘વિકલાંગ’ હોવા ઉપરાંત ‘કુપોષિત’ છે અને તેનાં લગ્ન થયાં નથી. બંને બહેનોને વિકાસની વાત ગપગોળા લાગે છે, કારણ કે તેમનાં નામ ‘બી.પી.એલ.’માં નથી. તેમને હજી સુધી સરકારી કોઈ યોજનાનો લાભ મળ્યો નથી. મજૂરી છોડીને ‘નોટ’ બદલવા બૅંક આગળ આખી રાત ઊભાં રહ્યાં હતાં તે હજુ તેમને યાદ છે. એકલનારી બહેનોની હાલત આવી પરિસ્થિતિમાં વધારે કપરી બને છે. આ બંને બહેનો પાસે પોતાનું મકાન નથી અને ભાડાના મકાનમાં રહે છે. વાલીબેન તેમના જેવી ‘સમદુઃખિયા’ સ્ત્રીઓને મળે છે. જેમને વિધવા સહાય મળે છે તે પણ તે સહાયમાંથી ઘર નથી ચલાવી શકતી.
‘સ્કોર’ છે; બી.પી.એલ. કાર્ડ મળતું નથી
સોમીબેન આયાભાઈ પરમાર ‘જંગ’ જીતી ગયા. તેમનો ‘સ્કોર’ ૦ થી ૧૬માં આવે છે પણ ઘણા આંટો-ફેરા કરવા છતાંય હજી સુધી તેમને ‘બી.પી.એલ.’ કાર્ડનાં દર્શન થયાં નથી. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે રહેતાં સોમીબેનને સરકાર પ્રત્યે કોઈ આદરભાવ બચ્યો નથી. તેમના જ શબ્દોમાં: સરકાર કહે છે કે વિકાસ થયો છે પણ સરકારના મંત્રીનો થયો છે, મોંઘવારીનો થયો છે, ભ્રષ્ટાચારનો થયો છે, દલિતો પરના અત્યાચારનો થયો છે.’
સોમીબેનને આટલો ઉકળાટ શા માટે? કારણ બે લીટર કેરોસીન મેળવવા તેમને પોતાના અંગૂઠાની છાપ આપવા કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે ને ક્યારેક એમાં જ દહાડાની મજૂરી ભાંગે છે. પડતામાં પાટું એમ ‘જી.એસ.ટી.’થી વધેલ મોંઘવારીમાં સોમીબેન કહે છે કે તેમના જેવા ઘર ચલાવવા ‘રસ્તા પર આવી ગયા છે’.
ખીછડીમાં નામવા રેશનનું તેલ મળે તો પણ ભયોભયો
૩૫ વર્ષનાં કાળીબેન કાળવા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામે રહે છે. સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. મોટી જવાબદારી સાથે ‘વિધવા’ બની ગયા છે. સાસરીમાં પણ સાસુ-સસરા-દીયર-નણંદ-જેઠ બચ્યાં નથી. એક્લપંડે મજૂરી કરી પંડનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરે છે. કાળીબેનને પતિના મૃત્યુ બાદ થોડો સમય વિધવા સહાય જરૂર મળી પણ અચાનક બંધ થઈ ગઈ છે. તેમને વિધવા પુનર્વસનની તાલીમ કે સાધન-સહાય પણ મળ્યા નથી. તેમની પાસે નથી પોતાનું મકાન કે નથી સરકાર તરફથી મળેલ ઘર બાંધવાનો પ્લોટ. એકની મજૂરીએ ઘર ચાલતું નથી એટલે ભણવાની ઉમરે તેમનાં બાળકો પણ મજૂરીએ લાગ્યાં છે. કાળીબેન ‘બી.પી.એલ.’ના લાભાર્થી નથી. તેમની પાસે ‘અંત્યોદય’ કાર્ડ છે પણ તેમાં સહારો મળી રહે તેટલું અનાજ મળતું નથી. કાળીબેન કહે છે, ‘રેશનમાં ક્યારેય તેલ-તુવેરદાળ જોયા નથી.
ગરીબો વાળુમાં ‘ખીછડી’ ખાતા હોય છે અને મોંઘા શાકભાજી પોહાય નહિ એટલે ખીછડીમાં તેલ નામવાનું. બાબા રામદેવની ‘પતંજલિ’ના ગાયના ઘીથી વઘારેલી ખીછડી દિલ્હીમાં વિશ્વવિક્રમ જરૂર બનાવે પણ કાળીબેનના નસીબમાં આ ખીછડી નથી. એમને ખીછડીમાં નામવા રેશનનું તેલ મળે તો પણ ભયોભયો. રેશનની દુકાન ગામમાં ‘સત્તા’નું નવું કેંદ્ર બની ગયું છે અને વધેલા પૈસા પાછા ન આપવા કે ફરિયાદ કરવાની વાત કરે તો રેશન ‘બંધ’ કરી દેવાની ધમકીનો કાળીબેનને અનુભવ થયો છે.
હાલ અમે ‘ચામુંડા મા’ના મઢમાં રહીએ છીએ
મંજુબેન રાજાભાઈ વાળા પણ જસદણ તાલુકાના પારેવાળા ગામમાં રહે છે. ગામમાં બધાં કાં તો પોતાના અથવા ભાડાના મકાનમાં રહે છે. મંજુબેન બધાથી અલગ ચામુંડા માતાના મઢમાં રહે છે. કારણ સમજાવતાં ૪૫ વર્ષના મંજુબેન સમજાવે છે, ‘વારસામાં કાચું મકાન મળેલું. ત્રણ વર્ષ પહેલાં ચોમાસામાં મકાન પડી ગયું. પંચાયતમાં જાણ કરી એટલે તલાટી આવ્યા, સર્વે કર્યું અને ફોટા પાડી ગયા. હજી સુધી એક રૂપિયો પણ સહાય મળી નથી. ત્રણ વરસથી મકાન સહાયના ફોરમ ભરી ભરીને થાકી ગયા પણ મકાન મંજૂર થાતું નથી. હાલ અમો ચામુંડા માતાના ‘મઢ’માં રહીએ છીએ.
મંજુલાબેનનું ખાતું પણ બૅંકવાળાએ ‘જનધન’ યોજનામાં હસતાં હસતાં ખોલેલું અને તે પણ કાણી પાઈ વગર. ગરીબોને ભારતમાં બૅંકના આવા ‘આદર-સત્કાર’નો અનુભવ થયો ન હતો ને મંજુલાબેન પણ સરકાર પર ઓવારી ગયેલા. હાલ બૅંક મેનેજર મોં કટાણું કરી કહે છે ‘તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોવાથી તમારું ખાતું બંધ કરવામાં આવે છે’. મંજુલાબેન અકળાય છે, ‘પણ આ ખાતું ખોલાવવા અમે ધક્કા ખાધા, મજૂરી પાડી, ભાડાં ભર્યાં એનું શું?’ વિકાસનું સપનું જાણે પૉ ફાટતાં પતી ગયું.
કોઈ જવાબ આપતું નથી
૪૦ વર્ષનાં વિધવા જયાબેન મુકેશભાઈ પરમાર પોતાની બે દીકરીઓને પ્રાથમિકથી આગળ ભણાવી શકતા નથી તેનાથી બહુ દુઃખી છે. ઘર ચલાવવા જેટલી મજૂરીની કમાણીમાં બાળકોને ભણાવવાનું કપરું છે. મોંઘવારી જયાબેનને મૂંઝવે છે. જસદણ તાલુકાનું કડુકા ગામ, તે એમનું હાલનું સરનામું.
બી.પી.એલ. કાર્ડ કઢાવવાના ઘણા કોઠા ભેદ્યા હોવા છતાં સાતમો કોઠો હજી જયાબેનને જીતવાનો બાકી છે. એ ‘સ્કોર’માં જીત્યા. બી.પી.એલ. નંબર મળી ગયો. હજુ કાર્ડ નજરે ચઢતું નથી. રેશન ન મળે ત્યાં મકાન બનાવવા પ્લોટ ક્યાંથી મળે?’ જયાબેન કહે છે, ‘બી.પી.એલ.’ કે એ ન મળે તો ‘અંત્યોદય’ કાર્ડ કઢાવવા ઘણા ‘ધક્કા’ ખાધા પણ કોઈ જવાબ નથી આપતું’.
જયાબેન અર્થશાસ્ત્રી નથી કે કાર્લ માર્કસનું નામ સાંભળ્યું નથી પણ ઉકળાટ ઠાલવતાં કહે છે, ‘આ મૂડીપતિઓની સરકાર છે. ઉદ્યોગપતિઓને આપવા એમની પાસે ઘણું છે. ગરીબોને આપવા એમની પાસે કશું નથી’.
‘મોંઘવારી’નો લાભ મળ્યો છે!
‘મજૂરી’ શબ્દ સામાન્ય રીતે સંભળાતો શબ્દ છે પણ ગરીબ-સાહિત્ય પોતાની વેદનાને વાચા આપવા તેમના શબ્દકોશમાં નવા શબ્દોનું સર્જન કરી ઉમેરતા હોય છે. આવો એક શબ્દ છે ‘પારકી મજૂરી’. પોતાના શ્રમ-પરસેવા પર પોતાનું માલિકીપણું નહીં.
લક્ષ્મીબેન ઉકાભાઈ ગોહિલ જસદણ તાલુકાના કડુકા ગામે રહે છે અને કહે છે, ‘મારા જેવા એકલાં બહેનો પોતાનાં સંતાનોનું ભરણપોષણ માંડ કરી શકે છે. રાતદિવસ એક કરીએ ત્યારે માંડ કરીને જીવન જીવી શકીએ છીએ. હા, વિકાસ તો જેના મોટા પેટ હોય તે ભરાય પછી મારા જેવી બેનોના ભાગમાં કંઈક આવે’.
લક્ષ્મીબેન પાસે બી.પી.એલ. નંબર કે કાર્ડ નથી, ઘરથાળનો પ્લોટ નથી કે પોતાનું મકાન નથી. અંત્યોદય-રેશન કાર્ડ પણ નથી. એમને વિધવા સહાય પણ મળતી નથી તો બીજી સરકારી યોજના ક્યાંથી ઢુકડી આવે?
‘આત્મહત્યા’ કરી લે તેવા નબળા લક્ષ્મીબેન નથી. મરકતાં કહે છે, ‘હા એકમાત્ર લાભ મને જરૂર મળ્યો છે, ‘મોંઘવારી’નો.
સસ્તા અનાજની દુકાનમાં ‘અનાજ’ મળે પણ મહિનાના ‘છેલ્લા’ દિવસોમાં
શાંતુબેન ગભરૂભાઈ ‘ભરવાડ’ કોમના છે. એમને જી.એસ.ટી. વિષે ખબર નથી પણ કહે છે, ‘જી.એસ.પી.’ આયા પછી હાલત કફોડી થઈ છે. તેમને પાંચ બાળકો છે અને વિધવા તરીકે મોંઘવારીમાં ઘરનું ગાડું કેમ હાંકવું, તે તો તે જ જાણે. પતિના મરણ પછી સસરાની જમીનમાંથી ભાગ મળ્યો છે પણ સૂકીભઠ્ઠ જમીન છે. એમની ગણતરી ‘નાના’ ખેડૂતમાં થાય છે પણ કોઈ લાભ મળતો નથી.
‘સહાયના ફોરમ ભરીએ ત્યારે કહે છે તમને આનો લાભના મલે. રેશન કાર્ડમાં પૂરતું અનાજ નથી આપતા અને આપે તે પણ મહિનાના છેલ્લા દિવસોમાં. તે લેવા પણ આખા દા’ડાની મજૂરી ભાંગીને ‘અંગૂઠો’ પાડવા લાઈનમાં ઊભા રહેવાનું’.
શાંતુબેનને અગાઉ વિધવા સહાયના ૧,૦૦૦ રૂપિયા મળતા હતા તે બંધ થઈ ગયા છે. કારણ, સરકારને ખબર. શાંતુબેનને સરકારના વ્યવહારથી લાગી આવ્યું છે. કહે છે, ‘બહુ વિકાસ થયો એમ કહી સરકાર અમારા જેવાં બેનોની મજાક ઉડાવી રહી છે’.