સર્વોચ્ચ અદાલતનો હુકમ છે પણ ગુજરાત સરકારને એનો અમલ કરવાનું સૂઝે ત્યારે ખરું!

vikasતારીખ ૨૭ માર્ચ, ૨૦૧૪ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩ પછી ગટર સફાઈ કરતાં મૃત્યુ પામેલા લોકોનાં કુટુંબીને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે. અદાલતે એ પણ જણાવ્યું કે સલામતીનાં સાધનો વગર કોઈને ગટરમાં ઉતારવાં તે ગુનો છે.

૧૯૯૬માં નવસર્જન ટ્રસ્ટ દ્વારા માથે મેલું ઉપાડવાની પ્રથા સામે આઝાદી પછી પ્રથમવાર ગુજરાતની વડી અદાલતમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર દેશમાં માથે મેલું ઉપાડવાની પ્રથા સામે આંદોલન છેડાયું. ઈ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ સરકારી આંકડા, દેશમાં સાડા સાત લાખ સફાઈ કામદારોનો આંકડો દર્શાવે છે પરંતુ સામાજિક સંસ્થાઓના અભ્યાસ મુજબ ભારત દેશમાં આજે પણ ૧૨ લાખ જેટલા સફાઈ કામદારો માનવમળની હાથ દ્વારા સફાઈ કરવાનાં કામમાં રોકાયેલા છે. ભારતીય રેલ વિભાગ સફાઈ કામદારોને કામે રાખતું ભારતનું બીજા નંબરનું સૌથી મોટું એકમ છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, સૂકાં જાજરૂ ખતમ થવાના બદલે વધી રહ્યાં છે અને આવાં સૂકાં શૌચાલયની સંખ્યા ૯૬,૦૦,૦૦૦ (છન્નું લાખ)ની થવા જાય છે.

માનવ ગરીમા ટ્રસ્ટના અભ્યાસ મુજબ, ઈ.સ. ૧૯૯૩ પછી આજદિન સુધીમાં માત્ર ગુજરાતમાં એકસો ચોપ્પન ગટર કામદારનાં મોત થયાં છે પરંતુ આમાંના માત્ર ૧૧ લોકોને જ વળતર ચૂકવાયું છે. ખાસ નોંધવાની બાબત એ છે કે, એક પણ કિસ્સામાં સર્વોચ્ચ અદાલતના હુકમ અનુસાર, ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવાયું નથી ! સર્વોચ્ચ અદાલતના હુકમને પ્રગતિશીલ ગુજરાત સરકાર જાણે ઘોળીને પી ગઈ છે.

વિકાસ ગામડામાં નહીં પણ શહેરોમાં થાય છે, એવી એક સામાન્ય છાપ જોવા મળે છે. આ સંદર્ભમાં નોંધવાનું કે, એકસો ચોપ્પન ગટર કામદારનાં મૃત્યુમાંથી ૬૨ મોત તો માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયાં છે. ૧૦ બનાવોમાં મૃત્યુ પામનારના વારસદારને રહેમરાહે નોકરી આપવામાં આવી છે. આ બનાવોમાં વળતર આપવું કે કેમ? તેવો સરકાર પ્રશ્ન ઉઠાવી રહી છે.

દહેગામ નગરપાલિકા સર્વોચ્ચ અદાલતના હુકમ અનુસાર, વળતર આપવા આનાકાની કરતાં કહે છે કે ‘બે કામદારના મરણ ખાનગી કૉન્ટ્રાક્ટ દરમિયાન થયા છે, જેમાં નગરપાલિકાની જવાબદારી કેવી રીતે બને?’ સરકાર ભૂલે છે કે, કાયદાની વિરુદ્ધ જઈ પોતાની જવાબદારીમાંથી છટકવા તેણે જ  કૉન્ટ્રાક્ટ પદ્ધતિ શરૂ કરી છે !

જામનગરમાં સરકાર કઈ હદે અસંવેદનશીલ બની શકે છે તેનો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. એક સફાઈ કામદારને ગૅસની અસર થતાં તેને બચાવવા બીજા ચાર કામદારોને ગટરમાં ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. આ ચાર જુવાન કામદારોનાં પણ મોત થયાં હતાં. હવે પાંચ વર્ષ બાદ સરકાર માત્ર એક જ કામદારને વળતર આપવાની જવાબદારી લેવા તૈયાર છે.

સ્વચ્છતા મિશન સફાઈ કામદારોનાં શ્રમ અને બલિદાનનાં કારણે જ ચાલે છે. એનો જશ સરકાર ખાટવા માંગે છે. પણ એના પાયામાં જેમની જિંદગી હોમાય છે તેમને વળતર ચૂકવવામાં આનાકાની કરે છે. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, સર્વોચ્ચ અદાલતનો ચુકાદો હોવા છતાં સરકાર વળતર ચૂકવતી નથી તો આવો ચુકાદો ન હોય તો સરકાર પોતાની મેળે સફાઈ કામદારોનાં હિત વિષે કઈ વિચારે ખરી?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s