મંજુલાબેન મકવાણા અને ડાહ્યાભાઈ દાફડા/
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ગામે સુમિત્રાબેન મધદરિયે એકલપંડે પોતાનું વહાણ હંકારી રહ્યાં છે. પાંત્રીસેક વર્ષની ઉંમર માંડ થઈ છે અને વર્ષ પહેલાં પતિનું મરણ થયું. પોતાને ત્રણ સંતાન છે. ૧૪ વર્ષની દીકરી નવમું ભણે છે અને બે દીકરા પાંચમા અને છટ્ઠા ધોરણમાં છે. સાસુમા વિધવા છે અને પાકટ ઉંમરે પહોંચ્યા છે. એક દીયર છે, જે આંખે જોઈ શકતો નથી ને શરીરે સંપૂર્ણપણે વિકલાંગ છે.
છૂટક મજૂરી તે સુમિત્રાબેન માટે પોતાના છ સભ્યોવાળા કુટુંબનું ભરણપોષણ કરવાનો એકમાત્ર આધાર છે. સુમિત્રાબેનને કે એમના સાસુને વિધવા સહાય મળી નથી. સુમિત્રાબેન કહે છે, ‘વિકાસ હજુ અમારા જેવી એકલનારી સુધી પહોંચ્યો નથી અને ક્યારેય પહોંચશે પણ નહીં.’
લાભ મળતો નથી કારણ ‘સ્કોર’ ઊંચો છે
ભારતના યુવાનોને ગાંડા કરી દે તેવી ક્રિકેટની દુનિયામાં એક નિયમ છેઃ જેટલો ઊંચો સ્કોર એટલા પૈસા અને ઈનામ વધારે મળે. ગુજરાત રાજ્યની વિકાસની દુનિયામાં ગરીબ-વિધવા સ્ત્રી માટે સાવ વિપરીત નિયમ છેઃ જેટલો સ્કોર ઊંચો એટલી સરકારી સહાય મેળવવા લાયકાત નીચી. ક્રિકેટના સ્કોર ગણવાના નિયમ પારદર્શક છે. સામાન્ય વ્યક્તિ પણ ગણી શકે છે. વિધવા સહાય મેળવવાની લાયકાતનો સ્કોર ગણવાના નિયમો અને ગણતરી સામાન્ય લોકોને ગળે ઉતરી શકે એમ નથી હોતા. કારણ, ઉપરથી જે દેખાય તે સત્ય નથી હોતું.
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ફૂલઝર ગામમાં રહેતાં રૂપાબેન ૫૩ વર્ષની ઉંમરે પહોંચ્યાં છે. ત્રણ સંતાનોની મા એવાં રૂપાબેન પતિના મૃત્યુ બાદ પિયરમાં રહે છે. પોતાનાં ત્રણ સંતાનો સાથે એક નાની ઓરડીમાં રહી પારકી મજૂરી કરી પોતાનાં બાળકોને મોટાં કરી રહ્યાં છે.
બી.પી.એલ.ના લાભાર્થી બનવા માટે ગુજરાત સરકારે ૧૩ માપદંડ નક્કી કર્યા છે, જેના આધારે ‘સ્કોર’ નક્કી થાય છે. ૦ થી ૧૬ના સ્કોરમાં આવે તે લાભાર્થી. એક માપદંડ ‘ઘરની મોભી સ્ત્રી હોય’ તેવો પણ છે. આમ હોવા છતાં રૂપાબેનને ‘ઊંચો સ્કોર’ હોવાથી બી.પી.એલ.સહિત કોઈ સરકારી લાભ મળ્યો નથી. મજૂરી પર એક દીકરીનો પ્રસંગ પાર પાડ્યો છે. આ પ્રસંગે દેવું થયું છે તેનું ભરણું ચાલુ છે. વર્ષોથી રૂપાબેન એવું સાંભળતાં આવ્યાં છે કે તેમના માટે ઘરથાળનો પ્લોટ મંજૂર થયો છે પણ એ તો એમના હાથમાં આવે ત્યારે ખરું.
રૂપાબેન પાસે ખેતીની જમીન નથી. આટલા વરસોમાં ઘણીવાર વિધવા સહાય મેળવવા અરજી કરી છે પણ તેમને તે મળી નથી. વિધવા તરીકે ઘર કઈ રીતે સંભાળવું તે આવડતનો અને સંવેદનશીલતાનો સરકારનો કોઈ ‘સ્કોર’ નથી.