સરકાર સામે લોકો ‘અવિશ્વાસ’ની દરખાસ્ત પસાર કરશે ત્યારે એમને ‘અવિશ્વાસ’નો અર્થ સમજાશે

gujarat-dalit

કાંતિભાઈ પરમાર/

વિકાસ કરે તેનું સન્માન થવું જોઈએ કે અપમાન?

‘અનુસૂચિત જાતિની અનામત’ બેઠક પરથી જ અનુસૂચિત જાતિના ઉમેદવાર ચુંટાય તે ધારો ૨૦૧૨માં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નોરતોલ ગામમાં તૂટ્યો. ૮ ઉમેદવારની સામે સામાન્ય બેઠક પરથી શિક્ષિત દલિત યુવાન ચંદુભાઈ જીત્યા. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની નાની અમથી વાતમાં ઝગડો થયો અને ગામના ઠાકોર ટોળાએ ચંદુભાઈ પર સામૂહિક હુમલો કર્યો. ચંદુભાઈએ એમના પર ઘણું દબાણ આવવા છતાં ફરિયાદ પછી ન ખેંચી. પોલીસરક્ષણ મળ્યું. એવામાં આઝાદીનું પર્વ આવ્યું. ચંદુભાઈ રાષ્ટ્રધ્વજ ફરકાવવા આવ્યા ત્યારે જાહેર થયું કે ગામની સૌથી વધુ ભણેલી કન્યા ધ્વજવંદન કરશે. ધ્વજવંદન કરવા માટે ઠાકોર કન્યાને સાસરેથી બોલાવી. આ યુવતી સરપંચ પર હુમલો કરનાર આરોપીની દીકરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે ગામની દલિત કન્યાઓ ધ્વજવંદન કરનાર યુવતી કરતાં વધુ ભણેલી છે. ત્યાર બાદ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી. ચંદુભાઈને ગામનો ‘વિકાસ’ કરવાના પોતાનાં સપનાંમાંથી વિશ્વાસ ઊડી ગયો છે.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું ચડાસણા ગામ. ૨૦૧૨માં અનુસૂચિત જાતિની સરપંચ માટેની અનામત બેઠક પરથી સંતોકબેન સોલંકી સમરસ ચૂંટાઈ આવ્યાં. મુખ્યમંત્રીએ તેમનું બહુમાન કર્યું. પંચાયતમાં સભ્ય તરીકે અન્ય એક દલિત બેન પણ ચૂંટાયાં. ગામ બેચરાજીથી માત્ર ૭ કિલોમીટર દૂર છે. ગામથી થોડેક અંતરે વિકાસના વિકસેલા ઔધોગિક ધામમાં ‘મારૂતિ-સૂઝુકી’નું મસમોટું કારખાનું આવ્યું છે. સંતોકબેન સામે ઑગસ્ટ ૨૦૧૩માં કોઈ જ વાજબી કારણ વગર અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી. બે મહિના પછી ગ્રામપંચાયતના નિર્ણય સામે અપીલ જીતી ગયાં એટલે સંતોકબેન પુનઃસ્થાપિત થયાં. સંતોકબેને ગામનું અંદાજપત્ર રજૂ કર્યું. તેને બહુમતીથી સભ્યોએ નામંજૂર કર્યું એટલે ‘અવિશ્વાસ’ની દરખાસ્ત વગર પંચાયત સુપરસીડ થતાં સંતોકબેનનો કાર્યકાળ સમાપ્ત થયો.

હિંમતનગર તાલુકાના સઢા ગામે અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાઈ આવેલાં સવિતાબેને સ્ત્રી અને એમાંય દલિત સ્ત્રી એટલે વહીવટ કરતાં ન આવડે તેવા તમામ પૂર્વગ્રહોને માત કરી ગામમાં ૧,૨૦૦ ફૂટ લાંબો આર.સી.સી. રસ્તો બનાવ્યો. ૭૦૦ ફૂટ લાંબી પાણીની પાઈપ નંખાવી. પાણીની ટાંકીનું કામ પૂરું કર્યું અને વીજળી-મોટરથી તેનું જોડાણ કર્યું. અગાઉના પૂર્વગ્રહોમાં નવો પૂર્વગ્રહ ઉમેરાયોઃ ‘દલિત સ્ત્રી ગામની શિકલ બદલે?’ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ. બીજી વાર ચૂંટણીમાં પણ સવિતાબેન જ ચૂંટાયાં. છ મહિનામાં બીજી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી.

મહેસાણા તાલુકાના હેડુવા હનુમંત ગામે અનામત બેઠક પરથી ૨૦૧૨માં બાબુભાઈ સેનમા સરપંચ તરીકે ચૂંટાયા. તેઓ કંઈ કામ શરૂ કરે તે પહેલાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી. નવી થયેલી ચૂંટણીમાં અન્ય દલિત ઉમેદવાર સંજયભાઈ પરમાર ચૂંટાયા. તેઓ કંઈ કામ શરૂ કરે તે પહેલાં તેમની સામે પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. આઝાદ ભારતના ઈતિહાસમાં આ ગામમાં પહેલીવાર સરપંચ સામે ‘અવિશ્વાસ’ની દરખાસ્ત પસાર થવાનો વિક્રમ ગામના ચોપડે નોંધાયો.

મહેસાણા શહેરથી માત્ર ૩ કિલોમીટર દૂર લાખવડ ગામ આવેલું છે. ૨૦૧૨માં અનામત બેઠક પરથી કમળાબેન મકવાણા સમરસ સરપંચ બન્યાં. સરપંચ બન્યાંને મહિનાઓ વીતતા ગયા છતાં એમને ચાર્જ આપવામાં ન આવ્યો. તેમાં ભાજપનું રાજકારાણ જવાબદાર. ‘સમરસ’ સરપંચ બન્યાં એટલે સરકારે તેમનું જાહેરમાં સન્માન કર્યું પણ ગામમાં તેમને ચાવી મળે તો પંચાયતમાં જઈ શકે ને? મામલો છાપે ચડ્યો ત્યારે સરપંચને ‘ચાર્જ’ મળ્યો.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે ૨૦૧૨માં રઈબેન સોલંકી અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાયાં. તેમની સામે જાણે ગામને વર્ષો જૂનું વેર ઊપડ્યું. તેમની સામે ‘અવિશ્વાસ’ની દરખાસ્ત પસાર થઈ. અપીલ જીતી જતાં રઈબેન પુનઃસ્થાપિત થયાં. બીજીવાર, ત્રીજીવાર અને ચોથીવાર પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી. દરેક વખતે રઈબેનની જીત થઈ. છેલ્લે, તેમણે રજૂ કરેલું અંદાજપત્ર મંજૂર ન થતાં ગ્રામ પંચાયત સુપરસીડ થઈ.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભીંગરાડ ગામે ૨૦૧૨માં વિનુભાઈ સોલંકી અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાયા. સરપંચ તરીકે ગામના પ્રથમ નાગરિક જરૂર બન્યા પણ નાતજાતના પૂર્વગ્રહો ચૂંટણી તોડી શકતી નથી. તારીખ ૨૦ માર્ચ, ૨૦૧૩ના રોજ ભરી સભામાં તેમનું અપમાન કરી તેમને ઉતારી પાડવામાં આવ્યા. તેમાં ગામનો સરકારી કર્મચારી તલાટી પણ ભેગો. વિનુભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સવલાણા ગામે ૨૦૧૨માં અનામત બેઠક પરથી રામુબેન પીતાંબરભાઈ સરપંચ તરીકે ચૂંટાયાં. ગામ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં સફળ ન થયું. તેમણે ગેરકાયદેસર દબાણ દૂર ન કર્યું તેવા તહોમત સામે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રામુબેન ગુજરાતની વડી અદાલતમાં ગયા છે. ફરી ચૂંટણી થતાં રામુબેન ચૂંટાઈ આવ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભડવાણા ગામે લક્ષ્મણભાઈ હાજાભાઈ અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાયા. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. બીજી ચૂંટણીમાં પણ તે સરપંચ તરીકે ચૂંટાતા હજુ કામ શરૂ કરે તે પહેલાં તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ.

સાણંદ તાલુકાના ચેખલા ગામે નિયમ પ્રમાણે દલિત સભ્ય હોઈ ચંપાબેન સેનવા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યાં. દલિત વિસ્તારમાં રસ્તાના સમારકામની તેમણે દરખાસ્ત રજૂ કરી એટલે સરપંચે ભરી સભામાં તેમને ઉતારી પાડ્યાં. સંગઠિત આરોપી પોતાની વિરુદ્ધની ફરિયાદમાં પુરાવા કેમ આપે? પણ ચંપાબેન ઘડાયેલા હતાં. તેમણે સમગ્ર ઘટનાનું ઑડીયો રૅકોર્ડિંગ પોતાના ફોનમાં કરેલું હતું. અગાઉ આનાકાની કરતી પોલીસ હવે ફરિયાદ નોંધવા મજબૂર થઈ છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામે અનામત બેઠક પરથી વિનુભાઈ મકવાણા સરપંચ તરીકે ૨૦૧૨માં ચૂંટાયા. તેમની કામગીરીથી ગામના સામાન્ય લોકો ખુશ હતા. ૧૫મી ઑગસ્ટ, ૨૦૧૪ના દિવસે સરપંચ તરીકે વિનુભાઈ રાષ્ટ્રધ્વજ ફરકાવવા ગયા ત્યારે તેમને ઉતારી પાડવામાં આવ્યા. વિનુભાઈએ આઝાદીના દિવસે પોલીસમથકમાં ‘આભડછેટ’ની ગુલામી સામે ફરિયાદ નોંધાવી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જલુંદ્રા મોટા ગામે આઝાદી બાદ પ્રથમ વાર ગામમાં દલિતો માટે સરપંચની અનામત બેઠક આવી. ભીખાભાઈ કાળાભાઈ કામ શરૂ કરે તે પહેલાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી.

આવા બનાવોની યાદી લાંબી છે. થોડાં વર્ષ અગાઉ નડિયાદની ભાગોળે આવેલા મરીડા ગામે દલિત સભ્ય પંચાયતની મિટીંગમાં ખુરશી પર બેઠા એટલે તેમની જોડે ખુરશી ધોવડાવેલી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુર ગામે પંચાયતમાં સભ્ય એવા કરસનભાઈ પર હુમલો થયેલો. દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામે સરપંચ લીલાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામમાં હરીભાઈ પારઘી અને બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પેપોળ ગામે નાનજીભાઈ પરમાર સામે પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. હરીભાઈ અપીલ જીતી જતાં પાછા સરપંચ થયા છે.

હારીજ તાલુકાના બોરતવાડા ગામે ૨૦૧૭ના અપ્રિલ મહિનામાં મહેશભાઈ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગામના બૅંક ખાતામાં ૧૮ લાખની સિલક છે અને ૨૦ લાખ રૂપિયાના કામને મંજૂરી મળી છે પણ પંચાયતના ૬ સભ્યો સરપંચની આગેવાનીવાળી વાત આગળ વધવા દેતા નથી. જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી તો તે આને ‘ગામનો’ પ્રશ્ન જણાવે છે. ‘દલિતો માટેની અનામત કાઢી નાંખો’ એવા આક્રોશ સામે જિલ્લા વિકાસ અધિકારી નિરુત્તર રહે છે.

હારીજ તાલુકાના કુંભાણા ગામે ચોમાસામાં બે દલિત કુટુંબોનાં મકાનની દીવાલ પડી ગઈ હોવા છતાં સહાય નથી મળી. આનાથી ઓછા નુકસાનવાળા ચૌધરી કુટુંબોને સહાય મળી. છેલ્લાં ૬૭ વર્ષમાં દલિત વિસ્તારમાં કોઈપણ વિકાસનાં-સગવડ વધે તેવાં કામ થયાં નથી. આ ગામે હવે અનામત બેઠક પરથી માનાભાઈ બિનહરીફ સરપંચ ચૂંટાતા તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે.

જે સરકાર નાગરિકના કાયદામાન્ય અધિકારનું રક્ષણ ન કરી શકે તેની પાસેથી પ્રગતિશીલ પગલાંની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? દલિતો સરકાર સામે ચૂંટણીમાં ‘અવિશ્વાસ’ની દરખાસ્ત પસાર કરે ત્યારે જ સરકારને અવિશ્વાસનો અર્થ સમજાશે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s