એનું નામ સંતોષી. ઉંમર ૧૧ વર્ષ. માનું નામ કોયલી દેવી. બાપ માનસિક બીમારીમાં સપડાયેલો છે એટલે મજૂરી કરી શકતો નથી. કોયલી દેવી અને એની વીસ વર્ષની બહેન બીજા લોકોનાં ઢોર માટે ઘાસ કાપવા જાય છે. એમાંથી દરરોજના નહીં પણ અઠવાડિયાના રૂપિયા ૮૦-૯૦ કમાય છે. ઘણા મહિનાથી ‘નરેગા’ યોજનામાં કોઈને કામ મળતું નથી. સંતોષી ઝારખંડ રાજ્યના સીમડેગા જિલ્લાના કરીમતી ગામની.
છોકરાં શાળામાં વેકેશન પડે એટલે ખુશ થઈ જાય પણ સંતોષી દુર્ગાપૂજાની રજાઓ પડી એટલે દુઃખી હતી. ભણવાનું નહીં મળે માટે તે દુઃખી નહોતી પરંતુ શાળા બંધ હોવાથી મધ્યાહ્ન ભોજન પણ બંધ હતું. એટલે એનું અને એના ભાગમાંથી ઘરના બીજા લોકોને બે કોળિયા ખાવાનું મળે તે પણ બંધ થયું. એનો એક વર્ષનો ભાઈ સરકારી ઘોડિયાઘરમાં છે અને એના માટે જમવાનું મળે તેમાંથી પણ ઘરનાં બીજા લોકોને જમવાનું મળે.
કોયલી દેવી પાસે રાશન કાર્ડ છે પણ છ મહિનાથી સસ્તા અનાજની દુકાનવાળો રાશન આપતો નથી. કારણ? સરકારે ફતવો બહાર પાડ્યો છે કે જેનું કાર્ડ ‘આધાર’ સાથે જોડાયેલું ન હોય તેને સસ્તા ભાવનું અનાજ ન આપવું. ભારતની સર્વોચ્ચ અદાલતે આવા ફતવાની ના પાડી છે તો પણ ‘વિકાસ’ની ઉતાવળમાં એના માર્ગમાં જે કોઈ આવે તેને ચગદી નાંખવાની ઘેલછામાં સંતોષી ૧૧ વર્ષની કુમળી વયે કાગડા-કૂતરાં મરે તેનાથી પણ ભૂંડી રીતે મરી !
સંતોષીના ઘરમાં પાંચ દિવસથી કોઈને ખાવાનું મળ્યું ન હતું, કારણ દેશનાં ગોદામોમાં અનાજ ભલે સડતું હોય, સંતોષી પાસે આધાર કાર્ડ ન હતું એટલે એના ઘરમાં અનાજ ન હતું. ૨૮મી સપ્ટેમ્બર, 2017ના દિવસે એના શરીરમાં નૂર ન રહ્યું એટલે કોયલી દેવી એને દાકતર પાસે લઈ ગઈ. દાક્તરે કહ્યું, ‘એને ખવડાવો’ પણ ઘરમાં દાણો હોય તો ખવડાવે ને? રાત્રે સાડા દશ વાગે સંતોષી મરી ગઈ. એના છેલ્લા શબ્દો ‘હે રામ’ ન હતા. એના છેલ્લા શબ્દો ‘ભાત-ભાત’ હતા.
એના ઘરમાં ભાત બનતા ત્યારે ભાતમાં ચોખા કરતાં પાણી અનેક ઘણું વધારે રહેતું.
સરકાર કૂદી પડી છે. કહે છે ‘સંતોષી ભૂખથી નહિ પણ મેલેરિયાથી મરી છે’. સરકારનું આરોગ્ય ખાતું જણાવે છે કે સંતોષીને મેલેરિયા થયાની વાત ખોટી છે. જ્યાં દેશનાં ગોદામો અનાજથી ચિક્કાર ભર્યાં હોય ત્યાં કોઈની તાકાત છે કે ભૂખે મરે?
પડતામાં પાટું તેમ ગામવાળાઓએ કોયલી દેવીને એના ઘરમાંથી ભગાડી મૂકી છે કારણ સંતોષીને ચૂપચાપ દાટી દેવાના બદલે એણે સેવાભાવી સંસ્થાને વાત કરી અને આ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા એટલે ગામ ‘બદનામ’ થયું. વિકાસનો વિરોધ કરશે તેવી સરકાર ચુંટાશે (એટલે કે, ભાજપ સિવાયની) તો ‘કેન્દ્ર સરકાર તેને પાઈની પણ મદદ નહીં કરે’ તેવી ધમકી હમણાં ગુજરાતના ચૂંટણી-પ્રચારમાં વડાપ્રધાને ઉચ્ચારી છે. સંતોષી વિકાસની વિરોધી હતી? ના, એને તો ભાતના દાણા જોઈતા હતા. ગરીબ સુદામા પાસે તો કૃષ્ણને રીઝવવા ચોખાના દાણા હતા. સંતોષી પાસે તો ચોખાના દાણા પોતાના માટે પણ ન હતા.
સરકારના ‘વિકાસ’ના આયોજનમાં સંતોષી માટે કોઈ સ્થાન ન હતું તે સ્પષ્ટ છે. સંતોષી-કોયલી દેવી અને ભાજપ સરકારની વિકાસની વ્યાખ્યા અલગ છે. સંતોષીના હાથમાં બંગડી ન હતી. હોત તો પણ વિકાસના નામે પોતાના ભૂખમરાના વિરોધ માટે તે ફેંકવાનું જોર પાંચ દિવસથી ભૂખ્યા અને આંતરડા ચોંટી ગયેલા તેના શરીરમાં ન હતું. ભૂખમરામાં પણ તે ચૂં ચાં ન કરે એટલા માટે જ કદાચ કોયલી દેવીએ એનું નામ ‘સંતોષી’ પાડ્યું હતું !