જયેશ પરમાર, લક્ષ્મણ મકવાણા/
શૈલેષની ઉંમર ૨૨ અને તેના નાનાભાઈ અજીતની ઉંમર ૨૦ વર્ષ. બંને નિશાળ ગયા નથી અને સમજણ આવી ત્યારથી ‘ધંધે’ લાગી ગયા છે. તેમનો ભાણિયો લાલો ૧૪ વર્ષનો છે. ૯મું ધોરણ ભણી તે પણ પોતાના મામા સાથે ‘ધંધે’ લાગ્યો છે. લાલાના બાપુ થોડા વર્ષ પહેલાં આ જ જગ્યાએ પાણીનું મશીન ચાલુ કરતા સખત દાઝી ગયા અને મરી ગયા હતા. ત્યારથી તે તેની મા સાથે મોસાળમાં રહે છે. વિધવા બેનનો નાનો દીકરો ત્રીજી ચોપડી ભણે છે. બેનને વિધવા સહાય મળી નથી. આ ઠાકોર કુટુંબ છે અને તેમનું કામ મીઠું પકવવાનું છે. આ કુટુંબ ‘ગરીબી રેખાની ઉપર’ સરકારના ચોપડે નોંધાયું છે, કારણ કંતાનની કોટડીમાં ‘ટી.વી.’ છે અને તેમની પાસે ‘મોટરસાઇકલ’ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામથકથી વીસેક કિલોમીટરના છેડે ખારાઘોડા છે. આ ગામથી ૭-૮ કિલોમીટર દૂર મીઠાનું ‘અગર’ છે. આ કુટુંબ પાસે ચાર ‘પાટા’ જમીન હતી, જેમાં તેઓ મીઠું પકવતા હતા. પોતાના પંડે મીઠાની ખેતીમાં ઝાઝું મળતું ન હતું, એટલે ૧,૧૯,૫૦૦ના એક પાટાના ભાવે જમીન કંપનીમાં વેચી દીધી. હવે એક વખતની પોતાની જમીનમાં મીઠું પકવવા કંપનીની મજૂરી કરે છે.
મીઠાની ખેતી મહેનત માંગી લે છે એટલે મદદમાં તેમણે દૂરના સગા એવા અમરસીભાઈને મહિને ખાવાપીવા અને ૩,૦૦૦ રૂપિયે રાખ્યા છે. અમરસીભાઈ પોતાની ઉંમર ૫૧-૫૨ કહે છે અને તે અપરિણીત છે. મીઠું પાકતાં નવ મહિના લાગે એટલે કંતાનની ઝૂંપડી અગરમાં જ છે. રાંધવા ને સામાન સંઘરવાની એક ઝૂંપડી અલગ. પંદર દહાડે એકાદ વાર નહાવા-ધોવા વારાફરતી ગામે જાય છે. ખાનગી વાહન મળે નહીં એટલે બચત કરી પોતાનું વાહન તો રાખવું જ પડે એટલે એક મોટરસાઇકલ છે.
પીવાનાં પાણી માટે રૂપિયા ૫૦૦નો ટાંકો પંદર દહાડે-મહિને ભરાવી લેવાનો. જનરેટર રાત્રે ચાલે જેનાથી ‘કૂઈ’નું ખારું પાણી ‘પાટા’માં વાળવાનું. એક સામાજિક સંસ્થાએ સૂર્યશક્તિથી ચાલતી ૬ પૅનલવાળી સિસ્ટમ ગોઠવી આપી છે. દિવસે તેનાથી પાણીનો પંપ ચાલે. સંસ્થાને સૂર્યઉર્જાની વ્યવસ્થાની લોન ભરપાઈ પેટે મહિને ૬,૦૦૦ રૂપિયા ચૂકવે છે.
આ કુટુંબ ‘પોચું મીઠું’ પકવે છે તેનો તેમને ૧૦૦ કિલોનો ૨૧ રૂપિયા ભાવ મળે છે. ‘ગાંગડા’ કે ‘વડાગરું’ મીઠું પકવેતો ૧૦૦ કિલોનો ભાવ ૨૨-૨૩ રૂપિયા મળે. તેમણે ‘ડીઝલ’ ખર્ચ ખાતે કંપની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા ‘ઉપાડ’ લીધો છે. સાત લોકોનું કુટુંબ આ જ કામ કરે છે. ગયા વર્ષે ખેતીનો બધો ખર્ચો કાઢતાં તેમને ૩૦,૦૦૦ રૂપિયા મળ્યા હતા. આ પૈસામાંથી તેમનું આખા વરસનું ગુજરાન ચલાવવાનું.
જમવામાં સવાર-સાંજ બાજરીના રોટલા,ડુંગળી-બટાકાનું શાક. ચારે બાજુ આવા અન્ય કુટુંબો રહે છે તેમની છાપરી જોઈ શકાય છે. સરકારે ‘રણ’માં શાળા ઊભી કરી છે ગયા વર્ષે આ શાળામાં ૭ બાળકો ભણતાં હતાં. સરકારી સેવા પછી ૧૦૮ હોય કે નર્સ હોય, તે બધું ગામમાં, અગરમાં નહીં.
અમરસીભાઈના પગ ખુલ્લા છે. જુવાનિયાના પગમાં ચપ્પલ છે. ખારા પાણીમાં રહી તેમના પગનાં તળિયાં એટલા સખત થઈ જાય છે કે ચિતા પર દેહ સળગી જાય પણ પગનાં તળિયાં નહીં.
અગરની બાજુમાં મીઠું મશીનમાં સાફ કરી તેના કોથળા ભરવાનું કંપનીનું કામ ચાલે છે. ૨૨ વરસનો વિષ્ણુ અહિયા મીઠાના કોથળા ઠેલણ ગાડીમાં ભરી દૂર ઢગલા કરવાનું કામ કરે છે. આ કામ કંપની ‘ઉચ્ચક’ કરાવે છે. સરવાળે આખો દિવસ ખુલ્લા તડકે મજૂરી કરવાના દોઢ સો રૂપિયા પડે. સ્ત્રીઓ બધી અગરમાં કામ કરે છે. અગરના કામ ઉપરાંત ‘રોટલા’ તો એમણે ટીપવાના. ગામમાં બધાં કુટુંબ પાસે કાચાં મકાનો છે. તે પોતાના ‘વિકાસ’ માટે મથે છે. સાંજ પડે પછી ‘કોઈનાં ઘરે મીઠું માંગીએ તો ‘અપસકન’ થાય’ તેવી ગુજરાતમાં માન્યતા પ્રચલિત છે. આ કુટુંબોનું આખું ‘આયખું’ મીઠાંમાં જાય છે !
સરકારનો કરોડો રૂપિયાનાં આંધણવાળો ‘રણોત્સવ’ અહીં નથી. આ કુટુંબે વડાપ્રધાનનું નામ સાંભળ્યું નથી અને ‘મુખ્યમંત્રી’ની તેમને ખબર નથી. ‘રાહુલ ગાંધી’ તેમને ત્યાં આવેલા તે યાદ છે પણ તે શું કરે છે તેની ખબર નથી.