બાળકિશોર છત્તર/
પોતાના ગામમાં કોઈ રોજગારી ન મળતાં ૧૨ વર્ષ પહેલાં ૨૬ વર્ષની ઉમરે અભય સુના ઓડીશા રાજ્યમાંથી અમદવાદ પાસેના સાણંદ શહેરમાં એક કારખાનામાં વેલ્ડીંગ કારીગર તરીકે લાગ્યો હતો. ઘરે એના માબાપ અને બે નાના ભાંડું માટે તે આશરો હતો. પાંચેક વર્ષ સાણંદમાં રહી અભય સ્થાનિક છોકરીને પરણ્યો. માલિકને અભય જેવા સારા કારીગરની જરૂર હતી એટલે તેણે દંપતીને ભાડે મકાન શોધી આપ્યું. અભયનાં બે બાળકો પાંચ અને સાત વર્ષનાં થયાં તેમને શાળામાં પ્રવેશ અપાવવામાં પણ માલિકે મદદ કરી.
અભય પોતાના માબાપને નિયમિત પૈસા મોકલતો. ૨૦૧૬માં કુટુંબ પર આફતના વાદળો ઘેરાયાં. પત્ની અભયને ખૂબ માંદગીની અવસ્થામાં વતન લઈ આવી. નિદાનમાં તેને ‘એઈડ્સ’નો ચેપ જણાયો. અભય મૃત્યુ પામ્યો. થોડા દિવસ બાદ અભયનાં સગાંઓએ તેની પત્ની-બાળકોને ઘરમાંથી તગેડી મૂક્યાં. હવે તે સ્ત્રી પોતાનાં બાળકોને મોટાં કરવાના સંઘર્ષમાં જોતરાઈ છે.
વિકાસના ધુમાડા કાઢતા હજારો કારખાનાં ગુજરાતમાં ફૂલીફાલી રહ્યાં છે. તે ચલાવવા મજૂરોને યેનકેન પ્રકારે ખેંચી લાવવા દલાલોની એક જમાત ઊભી થઈ છે. નવલોહિયા અને અપરિણીત હજારો જુવાનિયા શહેરોમાં ઠલવાયા છે. તેમની જાતીય જરૂરિયાતો ઊજળા ભવિષ્યનાં સપનાંઓનાં વાદળો નીચે ઢાંકી શકાતી નથી. સામાજિક આરોગ્ય વગર વિકાસ ગરીબ વિરોધી અને છેલ્લે સમાજ માટે જોખમી બની રહેવાનો તેમાં કોઈ શંકા નથી. જાતીય રોગોનું પ્રમાણ ગુજરાતમાં ફૂલ્યુંફાલ્યું છે અને તેના વિશે ગંભીર ચર્ચા થતી નથી.