પ્રવાસી શિક્ષક

દિનેશ પરમાર, વજુભાઈ પરમાર/

દીપકકુમાર ઠાકોર ધોળકા તાલુકાના ત્રાંસદ ગામના છે. બી. એ. પાસ કરી શારીરિક શિક્ષણના શિક્ષક બનવાનાં સપનાં સાથે બીજા પાંચ સાથી યુવાનો સાથે ૧ લાખ રૂપિયા ખર્ચીનાગપુર ગયા અને બી.પી.એડ.નું શિક્ષણ પૂરું કર્યું.

પોતાના જ ગામની શાળામાં શિક્ષક તરીકે નિમાયા. ભણવાનું મોંઘું હોય છે પણ ભણાવવાનું સસ્તું હોય છે તેવા ગુજરાતના ખાનગી રસ્તે ચાલતા શિક્ષણજગતનાં ઘાટ-ઘડામણ છે. દીપકભાઈને મહિને રૂપિયા ૧૫૦૦ નો પગાર અપાય. સારા દિવસો આવશે તેવો આશાવાદ ભારતની બહુમતી ગરીબ-વિકાસમાં પાછળ રાખવામાં આવેલી પ્રજાને જીવતી રાખે છે. ચાર વર્ષ પછી દીપકભાઈનો પગાર ૬૬૬ ટકા વધી ૨૫૦૦ રૂપિયો થયો. એક વર્ષ પછી સરકારને નોકરીનો નવો–નવતર ખ્યાલ આવ્યો. દીપકભાઈ ‘પ્રવાસી’ શિક્ષક બન્યા. ઉચ્ચતર માધ્યમિક સ્તરમાં એક પિરીયડ ભણાવો તો ૯૦ રૂપિયા મળે અને માધ્યમિકમાં ભણાવવાના એક પિરીયડના ૭૫ રૂપિયા. તક ઉચ્ચતરમાં – માધ્યમિકમાં ભણાવવાની ક્યા શિક્ષક્ને મળે તેમાં ‘જ્ઞાતિ’ ઘણો ભાગ ભજવે. વધુમાં શિક્ષક તરીકે તમારે બધા જ વિષય ભણાવવાના, તમારી એ વિષયમાં શૈક્ષણિક લાયકાત ન હોય તો પણ.

શારીરિક શિક્ષક્ની ભરતી થશે તેવા સરકારી વાયદામાં નસીબ અજમાવવા દીપકકુમારે ઘણી મહેનત કરી ‘ટેટ’ની પરીક્ષા પાસ કરી. આ પ્રમાણપત્રની અવધિ પાંચ વર્ષ. ૭૫ ટકે પાસ કરેલી પરીક્ષા નકામી ગઈ. હવે ફરીથી તે પરીક્ષા નવેસરથી આપવાની. ઓ.બી.સી. કોટામાં રહેવા જાતિનો દાખલો, આવકનો દાખલો રજૂ કરવાનો. આ માટે ભાડું ખર્ચી, કમાણી છોડી આખો દિવસ ભીખારીની જેમ લાઈનમાં ઊભા રહેવાનું. જાતિ જન્મથી માંડી મરણ સુધી આ એક જ દેશમાં પાછલાં ૩,૦૦૦ વર્ષથી રહી હોવા છતાં ‘જાતિનો દાખલો’ દર વર્ષે નવેસરથી કઢાવવાનો. હવે ‘જાતિ’ના દાખલાનું આયુષ્ય વધીને ૩ વર્ષ થયું છે.

‘સરકાર ભરતી ન કરવાની હોય તો બધાને ‘ટેટ’ની પરીક્ષા શું કરવા અપાવે છે?’ એવો વેધક-સોંસરો સવાલ દીપકકુમાર પૂછે છે.

સરકારી નોકરી મળી હોત તો એ પણ બાંધ્યા પગારની જ હોત. એની અવધિ પણ અગિયાર મહિનાની. પગારની મર્યાદા પણ બાંધેલી. મહિને રૂપિયા ૯,૦૦૦થી વધવો ન જોઈએ. વતનથી દૂર નોકરી મળે તો ભાડે મકાનમાં બીજા ત્રણેક હજાર રૂપિયા નીકળી જાય. ‘શિક્ષક’ની નોકરી છે એવું જાણે તો પાછું ઘરભાડું વધે.

હવે દીપકકુમાર શિક્ષક નથી. તેમને મહિને રૂપિયા ૭,૦૦૦ ચૂકવતી ખાનગી કંપનીમાં નોકરી મળી છે. આ પગારમાંથી મુસાફરીનો ખર્ચ કાઢવાનો. દીપકકુમાર જાણે છે કે, તેમના ગામના ખેતમજૂરો તેમનાથી વધુ કમાય છે. તેમની સાથે બીજા યુવાનો તેમની જ કંપનીમાં કામ કરે છે. તે યુવાનો એસ.એસ.સીમાંનાપાસ થયેલા છે અને તેમનો પગાર પણ દીપકકુમાર જેટલો જ ૭,૦૦૦ રૂપિયા છે.

દીપકકુમાર પરણીત છે અને સંતાનના પિતા છે. બાપુજીનું સરકારી નોકરીનું પેંશન આવે છે એટલે ઘર ચાલે છે. ‘લગ્નની વાતોમાં મેળવેલ શિક્ષણ અને તેને આધારે સંભવિત નોકરીની ગણતરી થાય છે.’ આ ગણતરી ખોટી પડે તો સામાજિક-માનસિક-કૌટુંબિક ડખા થાય છે.

દીપકકુમાર પોતાના મિત્રની વાતે વળી જાણે પોતાનું દુઃખ ભૂલવા માંગે છે.

‘મારો મિત્ર બી.કોમ. એમ.કોમ. બી.એડ. ડિસ્ટીક્શન સાથે પાસ થયેલ છે. એણે આંકડાશાસ્ત્રમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવેલા. અત્યારે તે દવાની કંપનીમાં મહિને ૬,૦૦૦ રૂપિયા કમાય છે.

જીગ્નેશ રમણભાઈ ઠાકોર શાળામાં દીપકકુમારનો વિદ્યાર્થી હતો. એસ.એસ.સી. પછી તેણે આઈ.ટી.આઈમાં વાયરમેનનો કોર્ષ કર્યો. તેને વીજ કંપનીમાં એપ્રેન્ટિસની નોકરી મળી છે. આઠ મહિના તેને ૬૪૦૦ રૂપિયા મળ્યા, પછી મહિને ૭,૨૦૦ રૂપિયા. બીજા વર્ષે તેને મહિનાના ૮,૨૫૦ રૂપિયા ચુકવાય છે. તે સવારે સવા સાતે ઘરેથી નીકળી રાત્રે આઠ વાગે પાછો આવે છે. રોજના ૫૦ રૂપિયા મુસાફરીમાં જાય છે.

કામેથી પાછા ફરતા ખાનગી કંપનીની વિશાળ ઈમારત અને શ્રમિકોને લાવવા-લઈ જવા માટેની બસના ખડકલા જોઈ શકાય છે. એમની કમાણી દીપકકુમાર ઠાકોર જેવા ઉચ્ચ-શિક્ષિત મહિને ૭,૦૦૦ રૂપિયા કમાતા યુવાનો કરતાં વધુ જ હશે તેમાં શંકા નથી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s