ડૉ. આંબેડકરનું માનવું દીવા જેટલું સ્પષ્ટ હતું. રાજકારણમાં દલિતોનું ‘સીધું પ્રતિનિધિત્વ’ એ જ તેમના ‘વિકાસ’ અને અધિકારોની સલામતીની જડીબુટ્ટી છે. ૨૦૧૭માં અનામતને કારણે સંસદમાં ચૂંટાયેલા ૧૨૫ સાંસદો અને દેશની તાલુકા-જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓની નોંધપાત્ર હાજરી ભાજપમાં છે. ગત ચૂંટણીમાં ભાજપ કેંદ્ર સરકારમાં સત્તાસ્થાને આવી શકી તેનું કારણ ‘દલિત’ મત છે, તેવું શંકા વગર કહી શકાય. તેમ છતાં રોહિત વેમુલાને આત્મહત્યા કરવી પડે અને શરમજનક રીતે સમગ્ર સરકાર રોહિત વેમુલા જેવા ઉચ્ચ શિક્ષણમાં રોકાયેલા નવલોહિયા યુવાનને ‘આત્મહત્યા કેમ કરવી પડી?’ તેનાં કારણો શોધવાને બદલે ‘તેની મા અને તેનો બાપ કઈ જ્ઞાતિના હતાં?’ તે શોધવામાં પોતાની તમામ શક્તિ લગાડી દે તે આપણે નજરે જોયું.
છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતમાં રાજકીય સ્થિરતા અને તે પણ બહુમતી સાથેની હતી. આ સરકારે કેટલા એકર ખેતીની જમીન દલિતોને આપી? કેટલાય હજારો એકર જમીન દલિતોના હાથમાંથી ઝુંટવાઈ ગઈ છે, તેના કબજા દલિતોને સોંપ્યા? ગુજરાતમાં માથે મેલું ઉપાડવાનું કેમ ચાલુ છે? ગુજરાતમાં ખેતમજૂરી કે છૂટક મજૂરી કરતા તમામ જ્ઞાતિના ખેતમજૂરોને કાયદા પ્રમાણે લઘુતમ વેતન કેમ ચૂકવાતું નથી?
દલિતોને સૌથી વધુ પરેશાન કરનાર પ્રશ્ન એ છે કે આ અને આવા તો અનેકાનેક ઉઘાડેછોગ થતાં અન્યાય સામે ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓ ‘મૌન’ રહે છે ! દલિતોમાં ડૉ. આંબેડકર-ફૂલે-બુદ્ધની વિચારધારા હેઠળ અમાપ જાગૃતિ આવી છે પણ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ હતાશાજનક છે.
‘ડૉ. આંબેડકર વેચાણ પ્રતિબંધ સમિતિ’ દ્વારા ગુજરાતના રાજ્યસભાના સાંસદ, લોકસભાના સાંસદ અને વિધાનસભ્યોને તેમના મૌન વિષે જાહેરમાં તેમના મત-વિસ્તારમાં જઈ પ્રશ્ન પૂછવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગયા મહિને વડનગર, સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી અને ધોળકા ખાતે ‘દલિતો માટે અત્યારની રાજકીય અનામત યોગ્ય છે કે ડૉ. આંબેડકરે માંગેલ અલગ મતાધિકાર?’ તે વિષય પર જાહેર સંમેલનો થયાં. ૯૯.૯૯ ટકા મત લોકોએ અલગ મતાધિકારની તરફેણમાં નાંખ્યા.
ચૂપચાપ પોતાનો અંગૂઠો મારી દે તે સમય હવે ઈતિહાસ બની ગયો છે. લોકશાહીમાં તમામ નાગરિકોના અધિકારો સચવાય તે વિકાસની પૂર્વશરત છે.