નેધરલૅંડનું પાણી ગુજરાતમાં?

નરેન્દ્રભાઈ પરમાર/

પીવાનાં પાણીની અને પીવાલાયક પાણીની કટોકટીભરી પરિસ્થિતિ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ૧૯૮૦ના દાયકામાં પ્રવર્તી રહી હતી. ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારો તરસ્યા હતા. તે સમયે નેધરલૅંડ દેશ સાથે સહકાર સાધી સવિશેષ ઉત્તર ગુજરાતને પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવ્યું. લોકો માટે આનાથી એટલી રાહત થઈ કે બે દેશ વચ્ચેનો પાણી-સહકાર પૂરો થયો ત્યારબાદ જન્મેલી પેઢી પણ પાણીની આ વ્યવસ્થાને આજે પણ ‘નેધરલૅંડ’ની યોજના તરીકે જ ઓળખે છે.

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ૨૦૧૧ની ગણતરી મુજબ ૨૭૬૩ લોકોની વસ્તી ધરાવતા પીપલાણા ગામમાં પીવાનું પાણી મેળવવાનો એક મહત્વનો સ્રોત તે નેધરલૅંડ યોજના હેઠળ બનેલ જમીની નીચેની પાણીનો ટાંકો છે. પાંચ કૂવાનું પાણી વડામથક બોરતવાડા મુકામે એકત્રિત થઈ વહેંચાય છે. ગામના બસ મથક પાસે આવેલી આ પાણીની ટાંકી પર દલિતો પોતાની મેળે પાણી ભરી શકતા નથી. બિનદલિત ગણાતી કોમ પાણી સીંચીને એમના ઘડામાં ઉપરથી રેડી આપે ત્યારે પાણી મળે. ક્યારેક એક ઘડો પાણી મેળવવામાં કોઈની દયાની રાહ જોતાં બે કલાક નીકળી જાય !

હા, આ વાસ્તવિકતા ૨૦૧૭ના ગુજરાતની છે.

કુંવારું ગામ

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે, ૨૧૪૨ની વસ્તી ધરાવતું પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું એકલવા ગામ ખરા અર્થમાં એકલુંઅટૂલું છે, કારણ કે ત્યાં વિકાસના નામે મીંડું છે. પીવાનું પાણી મેળવવાનો એકમાત્ર સ્રોત નેધરલૅંડ યોજના હેઠળ નાંખવામાં આવેલો પાણીનો નળ છે. સમગ્ર ગામ અહીંથી જ પાણી મેળવે છે. હા, દરેક જ્ઞાતિના અલગ કૂવા છે પણ આ પાણી પીવાલાયક મનાતું નથી. વાલ્મીકિ નળેથી પાણી ભરી શકતા નથી. પાણી બે કલાક માંડ આવે છે અને એમાં એટલી મોટી વસ્તી એમાં બાજુમાં દૂર પાણી-યાચના કરતા વાલ્મીકિ સામે કોઈની નજર પડતી નથી. પાણીની લાયમાં ક્યારેક એક દહાડાની મજૂરી જતી કરવી પડે છે. વિકાસમાં ખાનગીકરણની બોલબાલા છે. પાણીનું પણ ખાનગીકરણ છે. ટ્રેક્ટર પાછળ લાગેલ પાણીનો એક ટાંકો ૩૦૦ રૂપિયામાં વેચાય છે.

પાણીની મુશ્કેલી કેટલી ભારે હશે તે સમજવા મોટી ઉમરના કુંવારા યુવાનોને પૂછવું પડે. પાણી-વિહોણા ગામમાં કન્યા પરણવા તૈયાર નથી.

ભોંય અને સરકાર; બન્નેમાં પાણી નથી

‘બ્રાંડ ભારત’નામની વેબસાઈટ પાટણ તાલુકાના હારીજ તાલુકાના સરેલ ગામ વિષે લખે છે કે, ‘આ ગામના લોકો ખૂબ શાંતિપૂર્વક રહે છે’. કોઈને પૂછ્યાંગાછ્યાં વગર અદ્ધરતાલ ગેરમાહિતી ફેલાવતા આવા સમાચાર સાચા હોય તો કેટલું સારું? ૧૩૨૭ની વસ્તી ધરાવતા આ ગામમાં ભારે સમસ્યા પાણીની છે અને વિખવાદનું મૂળ કારણ પણ પાણીના વખા છે. દલિત રહેણાકો ટેકરે ઊંચાણમાં છે અને ત્યાં પાણી ચઢે નહીં એટલે નીચાણમાં નળ મૂકેલો છે. આ ‘સામૂહિક’ નળ પર આખું ગામ પાણી ભરે છે. પાણીની ખેંચમાં આભડછેટ વધારે તીવ્ર બને છે અને માટે અહીં અત્યાચારના બનતા બનાવોનું કારણ પાણી છે. લોકોને માંડ એક બેડું પાણી કુટુંબ દીઠ હાથ આવે છે. નર્મદાનાં પાણી લોક મનોંજન માટે અમદાવાદ શહેરના રિવરફ્રંટમાં ઠાલવતી સરકાર ગુજરાતની પ્રજાને એક બેડું પાણી સ્વમાનભેર ભરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી શકતી  નથી.

સ્મશાનની જમીન પર પણ દબાણ

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપલાણા, જૂના માંકા, ખાખડી, જમણપુર અને વાંસા ગામમાં બિનદલિતોએ દલિતો માટે નીમેલી સ્મશાનની જમીનો પર દબાણ કરેલ છે. પીપલાણા ગામે જમીન સાવ ઓછી છે, એમાં એક તરફ ગામના ઠાકોરે દબાણ કર્યું છે અને ઘણી જમીન પર બાવળનું ઝૂંડ છે એટલે સ્મશાનની જમીન હોવા છતાં દફન માટે ભારે તકલીફ પડે છે. સ્મશાન ગામથી દોઢ કિલોમીટર દૂર છે.

જૂના માંકા ગામે દલિત-સ્મશાન જમીનમાંથી સરકારે રસ્તો કાઢતાં વધેલી જમીન બે ભાગમાં વહેચાઈ ગઈ છે. એમાંની એક ભાગની જમીન એ બાજુના ખેડૂતોએ પોતાના ખેતરમાં ભેળવી દીધી છે.

ખાખડી ગામે દેસાઈ કોમના ઈસમે સ્મશાન જમીન પર બે વાડા બાંધી દીધા છે. દલિતો ફરિયાદ કરતા નથી કારણ કે ફરિયાદ થાય તો અત્યાચાર થાય અને ન્યાય ન મળે તે વધારામાં. ગામમાં ‘સામૂહિક-સ્મશાન’નો દલિતો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિ ૫૬ ઈંચ છાતી ધરાવતી સરકાર જ કરી શકે.

જમણપુર અને વાંસા ગામે દરબારોએ દબાણ કરેલ છે.

આ બધા પ્રશ્નોમાં ચિંતાનો સવાલ એ છે કે અનુશાસન વગર લોકશાહી ચાલે ક્યાંથી ? બધી વ્યક્તિ કાયદો પોતાના હાથમાં લે તો જ ન્યાય મળે?

ટોચમર્યાદા ની જમીન ‘મર્યાદા’ ઓળંગી શકતી નથી

આજથી સાડત્રીસ વર્ષ પહેલાં ૨૪.૦૭.૧૯૮૦ના રોજ ગુજરાત સરકારે ટોચ મર્યાદા કાયદા અંતર્ગત પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામે ૧૯ દલિત લાભાર્થીઓને કુલ ૯૪ એકર ૨૬ ગુંઠા જમીન ફાળવી. આ કામ કૉંગ્રેસની માધવસિંહ સોલંકી સરકારે કર્યું પણ અધિકારીઓએ સ્થળ પર જઈ કબજો ન સોંપ્યો. નદીભાઠાના આ ગામમાં વર્ષોથી પોતાને મળેલી જમીન દલિતો શોધે છે. તેઓ નિયમિત જમીનનું મહેસૂલ પણ ભરે છે. સાચા અર્થમાં દલિતોને જમીનનો કબજો સોંપવામાં તે વખતની સરકારનો વાંક કાઢી શકાય પણ આ જમીન ખરેખર દલિતોને મળે તે માટે ભાજપ સરકારે શું કાર્યવાહી કરી કે કેમ ન કરી, તેનો જવાબ આપવો પડે. જમીનના સવાલ ગામેગામ પડેલા છે અને સરકારની સહાય વગર લોકો પોતાના જોખમે જમીન અંકે કરવા સંઘર્ષ કરી રહ્યા છે. ગુજરાત અંગેની સરકારની વેબસાઈટ પર આ પ્રકારના પ્રશ્નોની માહિતી કોઈને નહીં મળે. ગુજરાત તે એક ગામ નથી પણ ૧૮,૨૫૦ ગામડાંઓનું બનેલું રાજ્ય છે. વિકાસની વાત અને તેનું મૂલ્યાંકન દરેક ગામ અને તેમાં ભાતીગળ અસમાનતાની સંસ્કૃતિ ધરાવતા લોકોના સંદર્ભમાં થવું જોઈએ.

‘ઑનલાઈન’માં લાંબી ‘લાઈન’ તો ખરી જ

લોકોને ‘વિકાસ’નો અહેસાસ થાય તે માટે શું જોઈએ છે તેની યાદી લાંબી છે. આવક-જાતિનો દાખલો, આધાર-મા-ફ્રીશીપ-રેશન જેવાં કાર્ડ કઢાવવા થતી કાર્યવાહી ‘ઑનલાઈન’ કહેવાય છે પણ શહેરમાં ઘેર બેઠાં બેઠાં લોકો રેલવે બુકિંગ કરાવે કે ખાવા પિત્ઝા મંગાવે તેવું આ ‘ઓનલાઈન’માં બનતું નથી. ગામના લોકોએ લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે. ઘણી વાર ‘સર્વર’ ડાઉન થઈ જાય એટલે ધક્કો થાય અને ક્યારેક વારો આવે ત્યારે દહાડો પતવા આવે એટલે મજૂરી ભાંગે. એ બધાં કાર્ડ ગળામાં લટકાવ્યાં પછી ‘લાભ’ થવાની કોઈ ગેરૅંટી નહીં.

આવી લાંબી લાઈનો તાલુકા મથકે બૅંક-વ્યવહારમાં અને જમીનના દાખલા કઢાવવા-હક્ક્પત્રકમાં ફેરફાર કરાવવા માટે ‘ઈ-ધરા’માં પણ જોવા મળે.

વિકાસનો જાદુ એવો છે કે ફૂંક મારતાં જ ગરીબો ગરીબીની રેખા ઉપર જતાં રહે અને તેમને વિકાસબૉન્ડ જેવું ‘એ.પી.એલ.’ (અબાઉ પાવર્ટી લાઈન) કાર્ડ મળી જાય અને સુખીસંપન્ન લોકો ઘડીના છટ્ઠા ભાગમાં ગરીબીની રેખા હેઠળ આવી જાય અને બી.પી.એલ.ના હકદાર બની જાય. ગામડાંના ઘણા લોકોને સમજાતું જ નથી કે કોઈ પણ બાધા-માનતા રાખ્યા વગર અને તેમની હાલતમાં કંઈ પણ સુધારો ન થવા છતાં તે ગરીબ કેમ ન મટી ગયા? પોતે ગરીબ જ છે એ સાબિત કરાવવાની લાઈન પણ લાંબી.

દરેક ગામમાં નાતજાત-ધર્મ-ભાષા-પ્રદેશના ભેદભાવ વગર ૧૮ થી ૪૦ વર્ષના વયજૂથમાં ૧૨ થી ૧૫ રોજગારી માટે ટળવળતા યુવાનો જોવા મળે છે.

રૉડ-રસ્તા-ગટર-સ્ટ્રીટલાઈટ-શૌચાલયની સગવડ હારીજ તાલુકાના ગામડે પહોંચી નથી.

ભેદભાવની એક નવી પ્રજાતિઃ રાજકીય ભેદભાવ

ગુજરાતની ચૂંટણીની જાહેરાતના વિલંબ માટે ‘પૂર અસરગ્રસ્તનું અપૂર્ણ રાહતકામ’નું કારણ ચૂંટણી પંચે આગળ ધર્યું. એમની વાત અર્ધસત્ય કરતાં ‘નરો વા કુંજરો વા’ જેવી વધારે છે. અસરગ્રસ્તોનું પુનર્વસન આજની ઘડીએ પણ બાકી છે પણ એનું કારણ રાજકીય ભેદભાવ છે.

મુખ્યમંત્રીએ હારીજ તાલુકાના જસવંતપુરા ગામ ખાતે સભા યોજીને ગામને ૧૦૦ ટકા અસરગ્રસ્ત જાહેર કર્યું હતું. તે ગામનાં ૧૫૮ કુટુંબોમાંથી ૧૦૧ કુટુંબોને તાત્કાલિક ઘરવખરી અને કેસ ડોલ ચૂકવી આપવામાં આવી. બાકીના ૫૭ કુટુંબ હજુ સહાય મેળવવા વલખાં મારે છે. સ્થાનિક સરપંચના મતે, એનાં મૂળમાં એકમાત્ર કારણ એવું કહેવાય છે કે, ‘એ કુટુંબો’ પોતાના પક્ષને મત આપવાવાળા નથી.

રાધનપુર-સાંતલપુર જિલ્લાના આબિયાણા, રાફુ, રાધનપુર, સણોસરા, શેરગઢ, વૌવા, ડાકરાણા, હમીરપુર, ભદ્રાડા, ગોચનાદ, કનીજ, બંધવડ જેવાં ત્રીસેક ગામના અમુક લોકોને રાહત મળી છે અને બાકીના લોકોને ‘રાજકીય ભેદભાવ’નું ગ્રહણ નડ્યું છે. આ બધાં ગામો સંપૂર્ણ અસરગ્રસ્તની સરકારની પોતાની વ્યાખ્યામાં આવે છે. અધિકારી વર્ગ ફરિયાદ સાંભળતો નથી અને ‘હવે પતી ગયું’ તેમ કહે છે.

માહિતી આપનારને ‘માહિતી’નો કાયદો ખબર નથી

તલાટી, સરપંચ તથા શાળાના સંચાલક-શિક્ષકોને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરી તેમની પાસેથી માહિતી માંગવામાં આવી કે ‘સરકારશ્રી દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૧૬ને બંધારણ-દિવસની ઊજવણી માટે જાહેર કરાયો હતો અને તમામ શાળાઓમાં બાળકોને બંધારણ વિષે માહિતી આપવામાં આવશે તેઓ જાહેર કાર્યક્રમ આપ્યો હતો તેના અનુસંધાનમાં આપની શાળામાં કેવો કાર્યક્રમ યોજવામાં આવ્યો?’

લગભગ મોટાભાગના લોકોએ જવાબમાં એવું જણાવ્યું કે ‘દરેક પાન દીઠ માહિતીના બે રૂપિયા ભરી માહિતી મેળવી લો’. આવો જવાબ આપવા માટે સરકારી માણસોએ ૩૦ રૂપિયા દરેક ટપાલને મોકલવાનો ખર્ચ કર્યો. કાગળ-કવર-ટાઈપિંગનો ખર્ચ અલગ.

અરજી કરનાર બી.પી.એલ. કાર્ડધારક હતા અને કાયદા મુજબ, બી.પી.એલ. લાભાર્થીને સરકારે વિનામૂલ્યે માહિતી આપવી તેવી જોગવાઈ છે. માહિતીના અરજીના ફોર્મમાં નીચે પણ આ માહિતી છાપવામાં આવી છે. માહિતીના કાયદાથી અજાણ અધિકારીઓ જાહેરજનતાના કેટલા નાણાં ખોટાં બગાડે છે, તે તેમના અણઘડ વહીવટ પરથી સમજી શકાય છે.

પ્રાથમિક શિક્ષણ નાગરિક-ઘડતર માટે સર્જાયું છે?

પ્રાથમિક શિક્ષણ નાગરિકના ઘડતરનું કામ કરી શકે તે માટે દેશના ઘણા વિચારક-ચિંતકોએ યોગદાન આપ્યું છે. કમનસીબે શિક્ષણ નાતજાતના ભેદભાવ ટકાવી રાખવા અને તેને મજબૂત કરવાનો અખાડો બની ગયું છે.

હારીજ તાલુકાના વીસેક ગામના મુખ્ય શિક્ષક પાસેથી માહિતી મેળવતાં જણાયું કે, ‘સ્કુલ મૅનેજમેન્ટ કમિટી’ની રચના જ કરવામાં આવી નથી.

સરકારનો પરિપત્ર હોવા છતાં શિક્ષક ગામ પર રહેતા નથી

મધ્યાહ્ન ભોજન માટે થાળી શાળા તરફથી આપેલી છે. છતાં થાળી દ્વારા આભડછેટ ન ફેલાય માટે થાળી આપવામાં આવતી નથી. એ જ રીતે આરોગ્યના બહાના હેઠળ બાળકોને એક માટલામાંથી પાણી પીવું ન પડે માટે બાળકોને બોટલમાં પાણી લઈ આવવા પ્રોત્સાહન આપવામાં આવે છે.

સરકારની સૂચના અનુસાર, શાળામાં મધ્યાહ્ન ભોજનમાં રસોઈયા તરીકે દલિત સભ્યની નિમણૂક કરવામાં આવતી નથી અને નિયમાનુસાર દલિત બાળકોનો ભોજન પીરસવામાં વારો ન આવે માટે પીરસવાનું કામ રસોઈયો કરે છે.

દલિત બાળકોને મળતી શિષ્યવૃત્તિના ફોર્મમાં ‘અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકો માટે શિષ્યવૃત્તિ’ એવું લખવાનું ઘણી રજૂઆત પછી પણ ચાલુ છે. દલિત બાળકોને શિષ્યવૃત્તિ વહેંચવાનું કામ દલિત શિક્ષકોને આપવામાં આવે છે.

૨-૩ કિલોમીટર દૂરથી આવતાં બાળકો માટે નક્કી કરેલ ધોરણ મુજબ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. બાળકો ચાલતાં આવે છે-જાય છે.

હિજરત કરો પણ ‘હિજરતી’ જાહેર ન થાય

સાંતલપુર તાલુકાના પર ગામે મરેલા પશુનો નિકાલ કરવાની ના પાડી તે માટે તેમના પર જાહેરમાં સામૂહિક હુમલો અને મારપીટ થતાં ૧૪ કુટુંબના ૭૨ લોકોએ હિજરત કરવી પડી. લગભગ છ મહિના સુધી તેઓ સગાંવહાલાંને ત્યાં રહ્યા. ફેબ્રુઆરી મહિનામાં તેઓ પાટણ કલેક્ટર કચેરીએ આવ્યા. ઘણી રઝળપાટને અંતે તેમને બકરાદપુર ખાતે ઘર બાંધવાની જમીન અને પૈસા આપવામાં આવ્યા છે. ૭૦,૦૦૦ રૂપિયામાં અત્યારની મોંઘવારીમાં ઘર બનતું નથી એટલે ઘણાં ઘર અધૂરાં છે. એક દલિત ભાઈની ગામમાં ૧૬ એકર જમીન હતી તેના પર કોઈએ દબાણ કરી લીધું છે અને આ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં સરકારે લીધાં નથી. જો કે સરકારે પણ ગામના લોકોને ‘હિજરતી’ જાહેર કર્યા નથી. આમ થાય તો તેમને બેરોજગારી ભથ્થું, કૅશડોલ્સ, લાઈટપાણીની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી સરકારની બની જાય છે.

આચારસંહિતા: પડતા પર પાટું

૨૦૧૬ના નવેમ્બર મહિનામાં ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે દલિત બાળકોએ ફટાકડા ફોડ્યા. તેનાથી ઝગડો કરી બિનદલિતોએ દલિતો પર જીવલેણ હુમલો કર્યો. ડરના માર્યા ૬ પરિવારના ૩૩ લોકોએ ગામ છોડ્યું. તેઓ અત્યારે પાટણ ખાતે ડૉ. આંબેડકર હૉલમાં આશરો લઈ રહ્યા છે. સરકારે તેમને હિજરતી જાહેર કરવાની ખાતરી આપી. આ વાતને એક વરસનો સમય વીતી ગયો હોવા છતાં કંઈ નક્કર પગલાં લેવાયાં નથી. સામાજિક કાર્યકરોની મહેનતને કારણે આ ફાઈલ ઉચ્ચ અધિકારી પાસે લઈ જવામાં આવી. છેલ્લો શેરો મારવાનો સમય આવ્યો ત્યારે સહજભાવે સરકારે કહ્યું, ‘આચારસંહિતા’ લાગી ગઈ છે એટલે હવે ચૂંટણી પતે પછી વાત.

૧૦ મિનીટના સમયમાં કંઈ લાંબો વિચાર કર્યા વગર કરોડો રૂપિયાના કામ સરકારે આચારસંહિતાનો ડંકો પડે તે પહેલાં મંજૂર કરી નાંખ્યા, તે સમાચાર સહુએ જાણ્યા. આચારસંહિતા જાણે માર ખાઈને અધમૂઆ થઈ ગયેલ લોકોને જ લાગુ પડે છે.

દલિત પર મુછ-સંગીત પ્રતિબંધ : આધુનિક ભારતની ઓળખ

લીમ્બોદરા ગામે ‘મુછ’ નું કારણ આગળ ધરી દલિત યુવાનોને જાહેરમાં મારવામાં આવ્યા. તેની અગાઉ તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે નવરાત્રીના ગરબા બાબતે દલિતો પર હુમલો કરવામાં આવ્યો. રાધનપુર તાલુકાના જેતલપુર ગામે દીકરીનું આણુ તેડવા મહેમાનો આવ્યા તે પ્રસંગની ઉજવણીમાં દલિતોએ ડી.જે. લાવી વગાડ્યું તેમાં દલિતો અને મહેમાનો પર સામુહિક હુમલો કરવામાં આવ્યો. ભારત આધુનિકતા તરફ જઈ રહ્યું છે કે કેમ તેની સામે જેટલા ગંભીર પ્રશ્નો આવા બનાવ બને ત્યારે ઉઠી રહ્યા છે તેટલા જ પ્રશ્નો શું ગુજરાત ભારતનું ‘આદર્શ’ રાજ્ય છે તેના તરફ પણ થઈ રહ્યા છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s