નવસર્જન ટ્રસ્ટ ગુજરાતમાં ૧૯૮૮માં નોંધાયું. દલિત પર અત્યાચાર, સ્ત્રી પર હિંસા, આદિવાસીના લઘુત્તમ વેતનના સવાલો, ગરીબોની કનડગત, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધરે માટે શિક્ષકોની તાલીમ, તમામ બાળકો માટે ગામોમાં પુસ્તકાલય, ગુજરાતમાં આભડછેટ કેટલી એનો સૌથી મોટો અભ્યાસ, માથે મેલું ઉપાડવાની અમાનવીય પ્રથા સામે લડત, દલિતોની ઝુંટવાયેલી જમીનો છૂટી કરાવવી, ત્રણ પ્રાથમિક શાળાઓની સ્થાપના, દલિત શક્તિ કેન્દ્ર દ્વારા સમાજના તમામ વર્ગોના ૯,૭૦૦ યુવાનો, જેમાં ૫૬ ટકા યુવતીઓને વ્યાવસાયિક તાલીમ દ્વારા રોજગારી અપાવી. ભૂકંપમાં ચારેક હજાર કુટુંબોને મકાન ઊભા કરવામાં મદદ જેવી પ્રવૃત્તિઓ કરતી નવસર્જન સંસ્થાને ગુજરાત સરકારની ભલામણથી ભારત સરકારે વિદેશમાંથી તેની પ્રવૃત્તિઓ માટે નાણાં મેળવવા પર પ્રતિબંધ મૂક્યો. પ્રતિબંધના કારણમાં જણાવ્યું કે ‘સંસ્થાની પ્રવૃત્તિઓ દેશના હિતમાં નથી’.
મસુરી ખાતે આઈ.એ.એસ. અધિકારીઓની તાલીમમાં, ભોપાલ ખાતે ‘નૅશનલ જ્યુડીસીઅલ ઍકેડેમી’માં ન્યાયાધીશોની તાલીમમાં નવસર્જનને ઘણીવાર તાલીમ આપવા આમંત્રણ આપવામાં આવ્યા છે. આમાં દેશભરના વિશ્વવિદ્યાલય તો ખરા જ. નવસર્જને કોઈ પણ પક્ષની સરકાર હોય, હંમેશાં ગરીબોના પક્ષમાં ખોટું થતું હોય ત્યાં માથું ઊંચક્યું છે.
નવસર્જનની ૨૭ વર્ષની પ્રવૃત્તિઓ એકાએક ‘ઉના’ અત્યાચાર બાદ કઈ રીતે દેશના હિતમાં ન હોય તેવી બની ગઈ? તેનો જવાબ એકમાત્ર ભાજપ જ આપી શકે. કારણ કે, નવસર્જનને લાગે છે કે આ નિર્ણય સરકારના નામે રાજકીય પક્ષનો હતો.