મહેનત કરનારને ઓછા પૈસા મળે

નીરૂબેન ચોરસિયા, અરવિંદભાઈ મકવાણા/

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ઈટાડિયા ગામે રહેતા મુકેશભાઈ ૩૦ વર્ષની ઉમરે પહોંચ્યા છે. ૧૧ ધોરણ પછી શિક્ષણ કરતાં રોટલાની ભૂખ બળુકી બનતા ધંધે ચઢી ગયા હતા. અગાઉ તેઓ ‘સેન્ટિંગ કામ’ કરતા હતા, તે હવે પૈસા ઓછા મળતાં પડતું મૂક્યું છે. પહેલાં કામ સીધું મળતું હતું. હવે પટેલ કૉન્ટ્રાક્ટર બધાં કામ રાખી લે પછી એની પાસેથી કામ મેળવવાનું હોવાથી પૈસા ઘટ્યા. ત્રણ સંતાનોનું ભરણપોષણ કરવા હવે તે છૂટક મજૂરી કરે છે. તેમના અનુભવનો નિચોડ તેમના ઓછા શબ્દોમાં આવી જાય છે, ‘મહેનત કરનારને ઓછા પૈસા મળે’.

૨૦૦ રૂપિયા કમાવા રોજ ૨૫ કિલોમીટર જવું પડે છે

૩૮ વર્ષના ત્રણ સંતાનના પિતા પરેશભાઈ ખીમજીભાઈએ પણ ૧૦મું ધોરણ ભણ્યા પછી ઘર ચલાવવાની જવાબદારી પોતાના માથે લઈ લીધી. તેમનું વતન ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ. દીકરો ૧૨ સુધી ભણ્યો છે પણ ‘ઘર ચલાવવાનો’ વારસો તેના ભાગે આવે તેવાં એંધાણ છે. ખેતીકામમાં હવે મજૂરી મળતી નથી કારણ નસવાડીથી મજૂરોની મોટી ફોજ અહીં ઓછા ભાવે કામ કરી આપે છે. સેન્ટિંગ કામ ક્યારેક મળી રહે છે. તેમાં રોજ ૨૦૦ રૂપિયા મળે છે પણ તે મેળવવા સારુ ૨૫ કિલોમીટર મુસાફરી કરવી પડે છે.

સ્વમાનભેર જિંદગી તો જીવવી છે પણ…

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનું દુદાધાર ગામ. પિતાજી અંધ હતા અને મેં મજૂરી કરી પોતાનાં બે છોકરાં ભણાવ્યાં. ૧૦ ધોરણ ભણ્યા પછી વિપુલભાઈ કતપરાએ ઘરની જવાબદારી સંભાળી લીધી. નાની ઉંમરે ખેતમજૂરી અને સેન્ટિંગ કામે લાગ્યા પણ ઘરનું ભરણપોષણ કરી શકાય તેટલા પૈસા મજૂરીમાંથી મળતા નથી. વિપુલભાઈ હવે વધુ કમાઈ શકે તે માટે સુરત જવાનું વિચારી રહ્યા છે. માથે  મેલુંનું કામ કરેલું નથી પણ એમને બીક લાગે છે કે સુરતમાં શૌચાલય સફાઈનું કામ જ વધારે મળે છે. તેમની હતાશા તેમના શબ્દોમાં પડઘાય છે અને વિકાસની વાતના છોતરાં પાડે છે, ‘સ્વમાનભેર જિંદગી જીવવી છે પણ…?

‘ખાલી’ નોકરીની જાહેરાતો ‘ખાલી’ જ રહે છે

સુરેશભાઈ રત્નોત્તર માતા-પિતાનું એકમાત્ર સંતાન. કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો. પિતાજી ‘દલિતો’ના બ્રાહ્મણ પણ હવે શ્વાસની બીમારીથી પીડાવાને કારણે કામ કરી શકતા નથી. સુરેશભાઈ હવે ૨૮ની ઉંમરે પહોંચ્યા છે અને કુટુંબનું ભરણપોષણ કરવા ખાનગી કંપનીમાં જોડાઈ ગયા છે. માથી હવે મજૂરી થતી નથી ને સુરેશભાઈને મળતી આવકમાંથી ઘરના બે છેડા ભેગા થતા નથી. હવે તે વધુ આવક મળે તેમ માની અમદાવાદ જવાનું વિચારી રહ્યા છે. અવારનવાર સરકારની નોકરીની જાહેરાત પડે તેમાં તે અરજી કરે છે પણ કંઈ સારા સમાચાર મળતા નથી.

સુરેશભાઈનું વતન ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાનું નવાગામ. તે માને છે કે ભણવાનું કોઈ મૂલ્ય નથી. ક્યારેક એમને લાગે છે કે પોતાના નસીબમાં વાંક છે.

‘હૉલસેલ’માં સસ્તું પડે પણ જથ્થાબંધ માલ લેવા પૈસા જોઈએ

જીગ્નેશભાઈ બારૈયા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મહુવા મિલની ચાલીમાં રહે છે. ત્રણ દીકરીના પિતા છે અને ઘરની પરિસ્થતિને લઈ ૧૦મા ધોરણ પછી ભણવાનું પડતું મૂકેલું. મજૂરી કરતાં ધંધામાં સારું, એમ માની કરિયાણાની દુકાન શરૂ કરી છે. હૉલસેલમાં જથ્થાબંધ માલ લઈ વેચતાં વધુ નફો થાય તે સાદું ગણિત તે સમજે છે પણ જથ્થાબંધ માલ લેવા ‘રોકાણ’ જોઈએ, જે તેમની પાસે નથી.

ભણ્યા મુજબ બે પૈસાનું કામ મળતું નથી

નયનાબેન હેડંબા ભાનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામના. એમણે એમ.એ.નો અભ્યાસક્રમ પૂરો કર્યો છે. પિતા સેન્ટિંગ કામમાં મજૂરી કરે છે. માબાપે નબળી પરિસ્થિતિ હોવા છતાં પોતાનાં ચાર બાળકોને ભણાવ્યાં. નયનાબેન અનુસ્નાતક હોવા છતાં તેમને તેમના ભણતરને અનુરૂપ કોઈ કામ મળતું નથી. માબાપ વૃદ્ધ થયાં છે એટલે હવે માબાપને ટેકો કરવા નયનાબેન ખેતરમાં મજૂરી કરવા જાય છે. ખેતરની મજૂરી સિઝન આધારિત હોય છે અને એમાં કામ કરતાં મજૂરો વધારે હોવાથી વેતન ઓછું મળે છે. નયનાબેનનું મન કડવાશથી ભરાઈ ગયું છે. કહે છે, ‘ભણ્યા મુજબ બે પૈસાનું કામ મળતું નથી’.

સરકારી નોકરી હોયતો સાસરું સારું મળે

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામના લલીતભાઈ હેડંબા શિહોર ખાતે ખાનગી કંપનીમાં મજૂરી કરે છે. આટલા વર્ષની નોકરી પછી તેમનો પગાર મહિને ૮,૫૦૦ રૂપિયા થયો છે, તેમાંથી ખાસ્સા પૈસા ભાડામાં જાય છે. તેમને ત્રણ બાળકો છે. એક દીકરી હેતલ એમ.એ. સુધી ભણી છે. બીજી દીકરીએ એમ.સી.એ.નો અભ્યાસ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે અધૂરો છોડ્યો છે. મીનાક્ષી પણ એક ખાનગી કંપનીમાં કામે લાગી છે. તેને મહિનાના ૭,૦૦૦ રૂપિયા મળે છે, તેમાંથી મહિને ૩,૦૦૦ રૂપિયા મુસાફરીમાં જતાં રહે છે. હેતલ સતત નોકરી માટે અરજી કર્યા કરે છે. સરકારી નોકરી હોય તો સાસરું સારું મળે અને દીકરી દુઃખી ન થાય એટલે લલીતભાઈએ પેટે પાટા બાંધી બંને દીકરીને ઉચ્ચશિક્ષણ અપાવ્યું છે.

ત્રણ સાંધો ને તેર તૂટે

ગીરીશભાઈ ચુડાસમા ૩૬ વર્ષની ઉંમરે પહોંચ્યા છે. ૧૫ વર્ષ પહેલાં પિતાજીનું અવસાન થતાં ૯મા ધોરણથી આગળ ભણવાના બદલે ઘર ચલાવવામાં લાગી ગયેલા. ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહે છે.

ગીરીશભાઈ ક્યારેક કડિયાકામ તો ક્યારેક ડુંગળીના કારખાનામાં મજૂરી કરે છે. રોજના રૂપિયા ૧૨૦ મળે છે. પોતાનાં ચાર બાળકો, પત્ની, મા અને દાદી સહિત આઠ સભ્યોવાળા કુટુંબનું પાલનપોષણ મહુવાના શહેરી વિસ્તારમાં કરવા કપરાં ચઢાણ ચઢવાં પડે છે. મા ૬૨ વર્ષની ઉંમરે ભૂંગળાંના કારખાને મજૂરી કરી ટેકો કરે છે. ગીરીશભાઈએ પોતાની મોટી દીકરીનો અભ્યાસ અટકાવી દીધો છે. બહુ જ તાણ પડે ત્યારે ગીરીશભાઈ સળંગ ત્રણ પાળી ડુંગળીના કારખાનામાં ખેંચી કાઢે છે.

છતાંય, ત્રણ સાંધતા તેર તૂટે એવો ઘાટ થાય છે.

કામ ન મળે તો ઘરે ‘આરામ’ કરીએ છીએ

ગરીબને ક્યારેક ‘ટકી’ રહેવામાં પોતા પર કટાક્ષ કરવાથી મદદ મળી રહે છે. ભારે દોજખ ભરી પરસ્થિતિમાં બીજાને હસાવવાથી રાહત મળે છે.

દલપતભાઈ બોરિયા મહુવા તાલુકાના ફરમદિયા ગામના છે. તે સંતાનોમાં સૌથો મોટા. નાનો ભાઈ મગજથી અસ્થિર એટલે ૧૦મા ધોરણ પછી ભણવાનું માંડી વાળી ક્યારેક કડિયાકામ તો ક્યારેક સેન્ટિંગકામમાં મજૂરી ચાલુ કરેલી. ગામ ડુંગરાળ વિસ્તારમાં એટલે ખેતરમાં ઝાઝું કામ ન મળે. જુનાગઢ બાજુ કામે જવાનું ચાલુ કર્યું પણ સરવાળે આવક ઘટી હોવાનું જણાયું.  હાલ, બગદાણાના એક ભરવાડનું ટ્રેક્ટર હાંકે છે. દિવસના અઢીસો રૂપિયા મળે છે.

દલપતભાઈ હળવાશથી કહે છે, ‘કામ ન મળે ત્યારે આરામ કરીએ છીએ’.

એમ. એસ. ડબ્લ્યુ: માસ્ટર ઓફ સોસ્યલ વર્ક નહિ; પણ માસ્ટર ઓફ ‘સેન્ટીંગ’ વર્ક

મહેશભાઈ સિંગલને એમ.એસ.ડબ્લ્યૂ. કર્યા પછી ખાસ્સાં વર્ષ નોકરી શોધવામાં લાગી ગયાં પરંતુ નિષ્ફળ રહ્યા. પિતા રામજીભાઈએ પેટે પાટા બાંધી બંને દીકરા ભણાવ્યા. હવે તેમની ઉંમર થઈ ગઈ છે. તે કામ કરી શકે તેમ નથી. એમને આશા હતી કે ભણીને દીકરા સારી નોકરી કરશે એટલે મજૂરીનો ધંધો એમને વારસામાં નહીં મળે પરંતુ આ આશા હવે વિકાસની રાહ જોઈ જોઈને ઘરડી થઈ ગઈ છે.

બંને ભાઈએ કુટુંબની જવાબદારી સંભાળી લીધી છે. બીજો ભાઈ ૧૦ સુધી જ ભણ્યો છે પરંતુ એને પોતાના એમ.એસ.ડબ્લ્યુ. થયેલા પોતાના ભાઈને સેન્ટિંગનું કામ ખુલ્લા તડકામાં કરતાં જોઈ પોતે ન ભણ્યો તેનો કોઈ રંજ નથી !

ભેદભાવ દેખાતો નથી પણ અનુભવાય છે

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ. દલિતોનાં અહીં ૪૦-૪૫ મકાનો છે. માત્ર બે યુવાનોને કાયમી આવક આપતી સરકારી નોકરી છે.

રાકેશભાઈ ૧૨ સુધી ભણ્યા. શરીરનો બાંધો મજબૂત એટલે પોલીસની નોકરીમાં ઘણાં પ્રયત્નો કર્યા પણ નંબર ન લાગ્યો. પોતાની સાથે ભણતા અને પોતાના જેટલું જ ભણેલા સાથી મિત્રો બધા સારી આવકવાળા કામમાં સેટ થઈ ગયા છે. ફરક માત્ર ‘જ્ઞાતિ’નો પડે છે. રખેને કોઈ આ સંજોગને ‘છૂટી છવાઈ’ ઘટના માની લે. ગામના તમામ દલિત યુવાનો બીજું કંઈ કામ ન મળતાં મોટાં શહેરોમાં જઈ પોતાનાં વંશપરંપરાગત ‘સફાઈ’ના વ્યવસાયમાં અને ‘સ્વચ્છતા મિશન’ને ઊજળું કરવાનાં પૂણ્ય કાર્યમાં લાગી ગયા છે.

પિતા કાળુભાઈ હજુ પણ ખેતમજૂરી કરે છે.

હીરા ઘસાઈને ચમકે છે, જિંદગી ઘસાઈને ચમક ગુમાવે છે

મનુભાઈ વાળા. ગામ શિહોર તાલુકાનું પીપરડી. ૧૨ સુધી ભણેલા. ઉંમર ૩૯ વર્ષ. એક બાળકના પિતા છે.

મનુભાઈ હીરા ઘસવાનું કામ કરે છે. ઘણા સમયથી ધંધામાં મંદી હતી. તેમાં કળ વડે તે પહેલા ‘નોટબંધી’ના ફાટવાનો ફટકો પડ્યો. બીજું કંઈ વિચારવાનું થાય તે પહેલાં જાણે જી.એસ.ટીનું આભ ફાટ્યું. મનુભાઈને કામ મળે છે. વર્ષોના અનુભવ પછી તે કારીગર બન્યા છે પણ વિકાસના વિપરીત વમળમાં ફસાયા છે. સામાન્ય રીતે અનુભવ વધતાં આવક વધે, અહીં એનાથી ઊલટું, આવક ઘટી છે. આખો દિવસ કામ કર્યા પછી માંડ ૨૦૦ રૂપિયા મળે છે. ઘરમાં બીજું કોઈ કમાઈ શકે તેમ નથી. હીરાને ચમકાવી ચમકાવી મનુભાઈની જિંદગી જાણે ચમક ગુમાવી બેઠી છે !

ગામમાં એક પણ સરકારી બસ આવતી નથી

બુલેટ ટ્રેન, એરપોર્ટ અને સિક્સ-લાઈન ધોરીમાર્ગથી ઘર ઘરને જોડવાનું સપનું ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચાળા ગામમાં લોકોને આકર્ષવામાં ઊણું પડી રહ્યું છે. આ ગામ વલ્લભીપુરથી ૨૪ કિલોમીટર દૂર છે. ગામમાં ૧ થી ૭ ધોરણવાળી શાળા છે. ખેતીકામ કરતાં નિતેશભાઈ પોતાના એકમાત્ર સંતાન પુત્રને ૭ ધોરણથી આગળ ભણાવવા માંગે છે પણ ગામમાં એક પણ સરકારી બસ આવતી નથી. શિક્ષણ મફત છે પણ તે માટે મુસાફરીનું ભાડું ભરવાની જવાબદારી બાળકોનાં વાલીની હોય છે. નિતેશભાઈની ત્રેવડ નથી કે પોતાના પુત્રને વાહન ખરીદી આપે. ગામના અન્ય શ્રમિક કુટુંબોની હાલત પણ એ જ છે. મંદી-નોટબંધી-જી.એસ.ટીના મારથી એક પછી એક એમ હીરા ઘસવાનાં તમામ કારખાનાં બંધ થઈ ગયાં છે.

અત્યારે શહેરોમાં વિકાસ બાંધકામોમાં દેખાય છે. ગામમાં એક જ મજૂરી મળી રહી છે ‘રેતી ભરવાની’. આ કામ પણ નિયમિત મળતું નથી અને તમામ જરૂરિયાતમંદ લોકોને મળી શકે તેમ નથી.

આર્થિક સંકડામણ

બાલાભાઈ બોરિયાની કલ્પનામાં પણ ઈચ્છા સેન્ટિંગકામમાં મજૂરી કરવાની ન હતી. તેમણે બી.એ., એમ.એ., બી.પી.એડ.નો સાત-આઠ વર્ષનો ઉચ્ચત્તર શિક્ષણનો માર્ગ પકડ્યો. માતાપિતા સાથે પોતાના કુલ છ કુટુંબીજનોનાં પાલનપોષણની  જવાબદારી તેમની છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદિયા ગામે રહેતા બાલાભાઈની ઉંમર ૩૨ વર્ષ થઈ ગઈ છે અને સારા પગારવાળી નોકરીની આશા તેમણે ગુમાવી દીધી છે. તે સારી રીતે જાણે છે કે, તેમના જેવા લાખો ઉચ્ચશિક્ષણ પામેલા બેરોજગારોની ફોજ ગુજરાતમાં છે.

બાલાભાઈ સેન્ટિંગકામની મજૂરી કરે છે, જે રોજ મળતી નથી. નાનાં બાંધકામો આર્થિક મંદીના ભોગ વધુ બન્યા છે.

શાકભાજીની લારી કરવી છે પણ…

વલ્લભીપુર તાલુકાના પચ્છેગામના વતની જીતુભાઈની મોટી મુશ્કેલી એ છે કે હાલમાં ઘર ચલાવવા માટે પૈસાની રોજ જરૂર પડે છે. તેની સામે સેન્ટીંગકામની મજૂરીમાં કામ પૂરું થાય પછી જ પૈસા મળે છે. એમાં પણ હિસાબના દીવસે વાંધાવચકા નીકળતા મનદુઃખ થાય.

જીતુભાઈ પણ બી.એ. પાસ કર્યા પછી નોકરી માટે રઝળપાટ કરવાના બદલે મજૂરીકામમાં લાગી ગયા છે. તેમનો વિચાર શાકભાજીની લારી શરૂ કરવાનો છે પણ આભડછેટને લઈને તેમનો ધંધો ચાલશે નહીં, તેમ લાગતાં શરૂ કર્યા પહેલાં જ પોતાના જ સાહસિક સ્વપ્નને તેમણે દફનાવી દીધું છે. ભારતના બંધારણમાં વ્યક્તિ ચાહે તે વ્યવસાય કરી શકે તેવો મૂળભૂત અધિકાર છે પરંતુ ‘વિકાસ’ના વગડામાં ‘સામાજિક સમરસતા’ એકમાત્ર પાટિયું બની ગયું છે. સરકારના આયોજનમાં ‘વિકાસ’ એટલે ‘માત્ર ભૌતિક સુખસગવડ અને પૈસા’ એવો સાંકડો અર્થ બેસે છે. વિકાસના અવરોધમાં સામાજિક વિટંબણા આગલે હડે છે પરંતુ સામાજિક સમાનતા તે ગાંધી-આંબેડકર-લોહિયા-જય પ્રકાશનારાયણ જેવા અનેકનો જિંદગીભરનો કાર્યક્રમ હતો પણ એ વાત હતી ભૂતકાળની.

વિકાસ પક્ષ સાથે જોડાઈ ગયો છે

ભાવનગરના વલ્લભીપુર ખાતે રહેતાં કલ્પેશભાઈ બોરીચા પણ સેન્ટિંગકામની મજૂરી કરે છે. ‘નર્સિંગ’નું ભણતર પૂરું કર્યું છે પણ નોકરીનો મેળ આવતો નથી. માબાપની આર્થિક સ્થિતિ તેમના ઉચ્ચશિક્ષણના સાહસને પોંખી શકે તેવી હવે રહી નથી.

કલ્પેશભાઈ કહે છે’ ‘વિકાસનાં કામો રાજકીય પક્ષ સાથે જોડાઈ ગયાં છે’. સત્તાધારી પક્ષના લોકોને જ વિકાસનાં કામો મળે છે. સરકાર કહે છે તેનાથી સાવ ઊલટું. ‘બજાર’ મુક્ત નથી પણ ઈજારાશાહીથી ઘેરાઈ ગયું છે એટલે ઘણા બધા ધંધા-રોજગાર ભાંગી ગયા છે.

કલ્પેશભાઈના મતે શહેરમાં મજૂરી કરવા જઈએ તો ‘શૌચાલય’ સફાઈ જેવાં કામ જ મળે છે એના કરતાં ગામમાં રહી જેવી મળે તેવી મજૂરી કરવાનું તે પસંદ કરે છે.

સરવાળો શૂન્ય

હર્ષદભાઈ કૉલેજ પૂરી કરી સેન્ટીંગકામમાં લાગી ગયેલા. તેમના પિતાએ ખેતરમાં મજૂરી કરી ત્રણ બાળકોને મોટાં કર્યાં. હર્ષદભાઈની નાની બહેન હાલમાં દસ વર્ષની છે પણ તે એક વર્ષની હતી ત્યારે જ માનું અવસાન થયું. અત્યારે સાત ધોરણ પછી બેન નિશાળે જતી નથી. ઘરનું કામ સંભાળવા કોઈની જરૂર પડે તે જ તાતી જરૂરિયાત છે. નાનો ભાઈ ૧૦મા ધોરણમાં છે. બાપુજીની ઈચ્છા હતી કે હર્ષદ આગળ ભણે પણ માની ગેરહાજરીથી તેનું મન ભણવામાં લાગતું નથી. છૂટક મજૂરી રોજ મળતી નથી અને ઘર ચલાવવા પૈસાની જરૂર પડે. હર્ષદ અત્યારે ગામના પટેલની જમીનમાં ભાગિયા ખેતી ૩૦ ટકા લેખે કરે છે. હર્ષદને અનુભવે ભણતર સાથે ‘ગણતાં’ શીખવ્યું છે. પોતાના ભાગિયા ખેતીના ધંધાનો હિસાબ સમજાવતા કહે છે, ‘સરવાળે શૂન્ય’.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s